Thursday, March 6, 2025
More
    હોમપેજદેશરાજનીતિક ગીધોને એક તક જોઈતી હતી, એ તક તેમને મળી ગઈ!

    રાજનીતિક ગીધોને એક તક જોઈતી હતી, એ તક તેમને મળી ગઈ!

    કોઈ આવા મહાપર્વ દરમિયાન કે આફતના સમયે ચિતાઓ પર રોટલા શેકવાની એક ટોળકીને જૂની આદત છે અને દુર્ભાગ્ય એ પણ છે કે તેમાંથી મોટાભાગના સેક્યુલરતાને આંબી ગયેલા હિંદુઓ છે

    - Advertisement -

    પ્રયાગરાજમાં મહાકુંભ શરૂ થયો ત્યારથી તેની ભવ્યતા જોઈને, દુનિયાભરમાં થતી વાહવાહી જોઈને, યોગી સરકારની જડબેસલાક વ્યવસ્થાની થતી પ્રશંસા જોઈને અને હિંદુ સંસ્કૃતિનો દુનિયામાં ડંકો વગાડતા એક પર્વની અભૂતપૂર્વ સફળતા જોઈને જેમના પેટમાં તેલ રેડાયું હતું તેવાઓ પર્વની શરૂઆતથી જ એક તકની શોધમાં હતા. આખરે બુધવારે (29 જાન્યુઆરી) મૌની અમાવસ્યાના સ્નાન દરમિયાન જે ભાગદોડ મચી, તેમાં તેમણે આ તક શોધી કાઢી અને પોતાના રોટલા શેકવા માટે કૂદી પડ્યા. 

    કોઈ આવા મહાપર્વ દરમિયાન કે આફતના સમયે ચિતાઓ પર રોટલા શેકવાની એક ટોળકીને જૂની આદત છે અને દુર્ભાગ્ય એ પણ છે કે તેમાંથી મોટાભાગના સેક્યુલરતાને આંબી ગયેલા હિંદુઓ છે. કોરોના મહામારી દરમિયાન આ ટોળકીને રોજ નવી એક લાશ જોઈતી હતી, જેની ચિતા ઉપર પછીથી તેઓ રાજકીય રોટલા શેકી શકે, ભારતને બદનામ કરી શકે અને એક અરાજકતાનું વાતાવરણ સર્જી શકે. કુંભ શરૂ થયો પછી પણ આ ટોળકીએ અંદરખાને તેની મજાક ઉડાવવાનું, તેના આયોજન પર પ્રશ્નાર્થ ઉઠાવવાનું, તેને ‘સાધુ-બાવાઓનો’ તહેવાર કહેવાનું શરૂ કરી દીધું હતું, પણ આસપાસનો માહોલ જોઈને ડઘાઈ ગયેલાઓ ખુલીને બોલી શકતા ન હતા, હતાશા ખુલીને ખંખેરી શકતા ન હતા. 

    જે દેશને તેમના વડવાઓએ આટલી મહેનતથી ‘સેક્યુલર’ બનાવ્યો હોય, જ્યાં હિંદુત્વનો ‘હ’ બોલવો પણ હરામ કહેવાતો હોય ત્યાં આટલા મોટા સ્તરે વૈચારિક પરિવર્તન આવે અને આવડા મોટાપાયે હિંદુ આસ્થાના મહાપર્વનું આયોજન થાય એ વાત તેઓ પચાવી શકતા નથી. એટલે કુંભને ટાર્ગેટ કરવા માટે તેઓ એક તકની શોધમાં હતા. થોડા દિવસ પહેલાં એક ઠેકાણે આગ લાગી ત્યારે પણ તેમણે બહાર આવવાના પૂરતા પ્રયાસો કર્યા, પણ પ્રશાસનની સતર્કતાએ પંદર મિનિટમાં જ કાબૂ મેળવી લેવાયો અને કોઈ જાનહાનિ પણ ન થઈ, એટલે તેઓ ખમીને બેસી રહ્યા. પણ નવી તક મળી મૌની અમાવસ્યાના સ્નાન વખતે. 

    - Advertisement -

    મૌની અમાવસ્યાના સ્નાનનું કુંભમાં સર્વોચ્ચ મહત્વ છે. વળી આ મહાકુંભ 144 વર્ષે આવ્યો હોવાનું કહેવાય છે એટલે આ મહત્ત્વ અનેકગણું વધી જવાનું. લોકોનો ઉત્સાહ જોઈને યોગી સરકારની ગણતરી હતી કે કરોડો લોકો એક જ દિવસમાં આવશે, પણ ધાર્યા કરતાં લોકોનો ધસારો બહુ વધી ગયો. રાત્રે 1-2 વાગ્યે લોકો સ્નાન શરૂ થવાની રાહ જોઈ રહ્યા હતા ત્યારે અમુકની ધીરજ ખૂટી અને બેરિકેડ તોડીને આગળ વધવા માંડ્યા, એમાં ભાગદોડ મચી ગઈ અને ત્રીસ વ્યક્તિઓનાં મૃત્યુ થયાં. 60 જેટલા લોકોને ઈજા પહોંચી છે, જેઓ હાલ સારવાર લઈ રહ્યા છે. 

    પછીથી જોકે પ્રશાસને ત્વરિત એક્શન લઈને સ્થિતિ પર કાબૂ મેળવ્યો, દિવસ આખો સ્નાન પણ ચાલ્યું અને કરોડો લોકોએ સ્નાનનો લાભ પણ લીધો. પછી સદભાગ્યે કોઈ અનિચ્છનીય ઘટના ન બની. સાંજે આખરે સરકારે અધિકારિક આંકડા સાથે માહિતી પણ જાહેર કરી. 

    આ ઘટના દુર્ભાગ્યપૂર્ણ છે. શું તેને નકારવી જોઈએ? ના. બિલકુલ નહીં. 30 વ્યક્તિઓના જીવ ગયા છે. એક-એક જીવનું મૂલ્ય છે. ઘટનાને સંપૂર્ણ નકારી ન શકાય કે એવું ન કહી શકાય કે ત્યાં કશું બન્યું જ નથી. ભાગદોડ મચી ગઈ હતી એ વાસ્તવિકતા છે. શું પ્રશાસન પર પ્રશ્ન ઉઠાવવા જોઈએ? એ ઉઠાવનારાની વિવેકબુદ્ધિ પર છોડી દઈએ. પણ એ વાત પણ સાચી છે કે સરકાર જો શ્રેય લેતી હોય તો તેમણે પછી સારી-નરસી દરેક પ્રકારની ઘટનાની જવાબદારી પણ લેવી જ પડે, અને તેઓ લઈ જ રહ્યા છે. 

    મુખ્યમંત્રી તરીકે યોગી આદિત્યનાથ સતત નજર રાખી રહ્યા છે. નવા અધિકારીઓને જવાબદારી સોંપવામાં આવી છે. બીજા અમુક ફેરફારો કરવા પડે એ કરવામાં આવી રહ્યા છે. સરકાર પૂરેપૂરી ગંભીર છે. ઉપરથી કેન્દ્ર સરકાર સતત રાજ્યના સંપર્કમાં છે. તેઓ બેદરકારી દાખવી રહ્યા હોય કે નિર્લજ્જ થઈને છોડી દીધું હોય તેવું આમાં બિલકુલ નથી. છતાં પણ સરકારને પ્રશ્ન કરવા હોય તેમને છૂટ છે. પણ નરેટિવ શું ઘડવામાં આવી રહ્યા છે? 

    અમુક આ ઘટનાને હાથો બનાવીને હવે મહાકુંભ પર, તેના આયોજન પર પ્રશ્ન ઉઠાવવાની તક છોડવા માંગતા નથી. તેમને તક મળી ગઈ છે. ક્યાંક VIP કલ્ચરની વાતો થાય છે તો ક્યાંક હિંદુઓને નીચાજોણું થાય તેવી વાતો વહેતી મૂકવામાં આવી રહી છે. અમુક મીડિયાને વચ્ચે લાવી રહ્યા છે. કોઈ કુંભ પછી સાધુઓ પર પુષ્પવર્ષા કરવામાં આવી તેના વિડીયો શેર કરીને એવું સાબિત કરી રહ્યા છે કે આ બધા કેટલા અસંવેદનશીલ માણસો છે! કોઈ માર્યા ગયેલા લોકોનો ધર્મ યાદ કરાવીને ઉશ્કેરણી કરી રહ્યું છે. 

    વાત જ્યાં સુધી VIP કલ્ચરની છે, તો તેની જરૂરિયાત અને સમસ્યાઓ પર અલગથી ચર્ચા થઈ શકે, પણ અહીં કોઈ VIP મુવમેન્ટ કારણભૂત ન હતી. રાત્રે 1-2 વાગ્યે આ ઘટના બની હતી, ત્યારે કોઈ VIP મૂવમેન્ટ ન હતી. બીજું. પ્રશાસને 29 જાન્યુઆરી માટે પહેલેથી જ VIP મૂવમેન્ટ પર પ્રતિબંધ લગાવી દીધો હતો. કોઈ પણ પાસ પણ ઇસ્યુ થયા ન હતા. એવું પણ ન હતું કે VIPઓને આગળ કરવા માટે લોકોને રોકી રાખવામાં આવ્યા હતા. આ ખોટી વાત છે. લોકોના ધસારાના કારણે ઘટના બની છે. જેની હવે ન્યાયિક તપાસ પણ કરવામાં આવશે. 

    આ સવાલ ઉઠાવનારાઓમાં રાહુલ ગાંધી અને અખિલેશ યાદવ જેવા નેતાઓ પણ છે. પણ નોંધવાની વાત એ પણ છે કે આ નેતાઓ સુરક્ષા વગર ક્યાંય બહાર નીકળતા નથી. એ જરૂરી પણ છે. તેઓ ક્યાંય પણ જાય તો VIP સગવડો મેળવે જ છે. પરંતુ હમણાં હવે નરેટિવ ઘડવાનો છે તો બહુ ચાલાકીપૂર્વક એ બાબતોને ભૂલી જઈને તેઓ VIP કલ્ચર પર વાતને લઈ જઈ રહ્યા છે, જ્યારે એ કલ્ચરનો તેઓ પોતે પણ એક ભાગ છે. 

    આ ટોળકીના પાળેલા પત્રકારો, જેમને હવે કોઈ પૂછતું નથી એટલે યુ-ટ્યુબ પર ગયા છે, તેઓ 24 કલાકથી મહેનત કરી રહ્યા છે કે કોઈ પણ રીતે મહાકુંભની ભવ્યતા પર પડદો નાખી દઈને આ એકમાત્ર ઘટનાને એટલી હાઈલાઈટ કરવામાં આવે કે પર્વ પૂર્ણ થાય ત્યારે લોકોના મનમાં કુંભની છાપ આ ભાગદોડની ઘટના પૂરતી સીમિત થઈ જાય. તમે આવા ‘યુઝઅલ સસ્પેક્ટ્સ’નાં ટ્વિટર ખાતાં ફંફોસીને જોશો તો તેમની મહેનત કઈ કક્ષાની છે એ ખ્યાલ આવી જશે. 

    વાસ્તવમાં ન તેમને ઘટના પ્રત્યે કોઈ સંવેદના છે કે ન જેઓ હતાહત થયા છે તેમના પ્રત્યે કોઈ સહાનુભૂતિ છે. તેમના માટે આ ઘટના એકમાત્ર તક છે, રાજકીય રોટલા શેકવાની, પોતાનો મલિન એજન્ડા ચલાવવાની. આ જેટલા વહેલા આપણે સમજી જઈશું, આ ટોળકીને જેટલી વહેલી ઓળખી જઈશું તેટલો ફાયદો આપણને છે. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં