Wednesday, February 26, 2025
More
    હોમપેજવગેરે...ધર્મ/સંસ્કૃતિ‘ચંગાઈ સભા’, ‘ધાર્મિક ઉપચાર’ અને ‘બોલને લગી’ મીમ્સ...: જાણો કેમ બીમાર પોપની...

    ‘ચંગાઈ સભા’, ‘ધાર્મિક ઉપચાર’ અને ‘બોલને લગી’ મીમ્સ…: જાણો કેમ બીમાર પોપની પરિસ્થિતિ જોઈને ઉડાવવામાં આવી રહી છે ખ્રિસ્તી મિશનરીઓની મજાક

    ભારતીયો સોશિયલ મીડિયા પર અનેક મીમ મૂકી રહ્યા છે. આ આક્રોશ પોપના સ્વાસ્થ્ય પરનો આનંદ નથી, પરંતુ ભારતમાં ખ્રિસ્તી પાદરીઓ અને મિશનરીઓએ ઉભા કરેલ નકલી ચમત્કાર ઉદ્યોગની નિંદા છે.

    - Advertisement -

    પોપ ફ્રાન્સિસ (Pope Francis) તાજેતરના અઠવાડિયામાં ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. 88 વર્ષીય પોપને બ્રોન્કાઇટિસ અને અન્ય બીમારીઓને કારણે શ્વાસ લેવામાં તકલીફ થતાં રોમની એગોસ્ટિનો જેમેલી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. વૈશ્વિક ખ્રિસ્તી વડાના બગડતા સ્વાસ્થ્ય વચ્ચે, ભાજપ ધારાસભ્ય રઘુરાજ પ્રતાપ સિંઘ ઉર્ફે રાજા ભૈયાએ (Raja Bhaiya) સોશિયલ મીડિયા પર કટાક્ષ કર્યો કે ચમત્કારિક ઉપચાર શક્તિઓનો દાવો કરતા ભારતીય પાદરીઓએ પોપ ફ્રાન્સિસને ‘હાલેલુયા ચમત્કાર’ (Hallelujah Miracle) દ્વારા તેમના દુઃખમાંથી બહાર કાઢવા માટે વેટિકન સિટી જવું જોઈએ. આ ઉપરાંત ઘણા લોકો મીમ્સ બનાવીને કટાક્ષ કરી રહ્યા છે.

    23 ફેબ્રુઆરીના રોજ X પર લખતા, રાજા ભૈયાએ કહ્યું, “ભારતમાં ખ્રિસ્તી પાદરીઓ જે આદિવાસીઓ અને અશિક્ષિત લોકોને ‘હાલેલુયા’ કહીને છેતરીને ચમત્કાર કરે છે, તેમણે વેટિકન સિટી જવું જોઈએ અને પોપના માથા પર તેમનો હાથ મૂકીને તેમને સાજા કરવા જોઈએ જે જીવન અને મૃત્યુની વચ્ચે ઝઝૂમી રહ્યા છે. આમ પણ પોપ લાંબા સમયથી વ્હીલચેરમાં છે અને હવે ખૂબ જ ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ છે; તેમને તાત્કાલિક ‘હાલેલુયા’ ચમત્કારની જરૂર છે.”

    જોકે ન માત્ર ભાજપ ધારાસભ્ય પરંતુ અન્ય નેટીઝન્સ પણ આ અંગે ચર્ચા અને મીમ્સ પોસ્ટ કરી રહ્યા છે. લોકો કહી રહ્યા છે કે ‘બોલને લગી’ ફેમ પાદરી બજિન્દર સિંઘ અને એવા ઘણા પાદરીઓ જે કેન્સર જેવી જીવલેણ બીમારીઓને ઠીક કરવાના દાવા કરે છે, ત્યાં સુધી તો લોકોને જીવનદાન આપવાના દાવા કરે છે તે આ પોપને સાજા કરવા માટે તેમની ‘અલૌકિક શક્તિ’ઓનો ઉપયોગ કેમ નથી કરી રહ્યા.

    - Advertisement -

    એક X યુઝરે કહ્યું કે, “પોપ ફ્રાન્સિસ ખ્રિસ્તી હોવાને કારણે તેઓ પાદરી બજિન્દરના ચમત્કારોથી વંચિત રહી શકે છે, જે સંભવિત રીતે ધર્માંતરણ કરતા લોકો માટે જ અનામત છે. આગળ લખ્યું કે, “જો પોપ બિન-ખ્રિસ્તી હોત, તો પાદરી બજિંદર તેમને સાજા કરત. કમનસીબે, તેઓ પહેલેથી જ ખ્રિસ્તી છે, તેથી ઉપચારના ચમત્કારો તેમના પર કામ કરશે નહીં.”

    બીજાએ એકે લખ્યું, “કૃપા કરીને ભારતના પંજાબના પાદરી બજિન્દરને કહો કે તેઓ પોપને સાજા કરવા માટે ચમત્કાર કરે. તેઓ લંગડાને ચાલવામાં, આંધળાને જોવામાં, વગેરેમાં મદદ કરી રહ્યા છે.”

    બસંત ભોરુકાએ કટાક્ષમાં પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન અને દિલ્હીના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને પોપ ફ્રાન્સિસના ઈલાજ માટે પાદરી બજિન્દર સિંઘને વેટિકન લઈ જવાનું સૂચન કર્યું અને લખ્યું, “પંજાબના પાદરી બજિન્દરે થોડીક સેકન્ડોમાં સેંકડો લોકોને ગંભીર બીમારીમાંથી સાજા કર્યા છે… પોપ ગંભીર હાલતમાં છે અને વેન્ટિલેટર પર છે… ભગવંત માન અને અરવિંદ કેજરીવાલે તેમને વેટિકન લઈ જવા જોઈએ અને @Pontifexની તાત્કાલિક સારવાર કરાવવી જોઈએ અથવા અન્ય લોકોને તેમની સારવાર કરાવતા અટકાવવા જોઈએ…”

    બીજા એક X યુઝરે લખ્યું, “પોપ ફ્રાન્સિસ માટે આધુનિક દવા કામ કરી રહી નથી. તેમને ચમત્કારિક ઉપચારક પ્રોફેટ બજિન્દર સિંઘની પહેલાં કરતાં વધુ જરૂર છે. પરંતુ તેઓ ભારતીયોને સાજા કરવામાં વ્યસ્ત છે. શું કોઈ તેમને વેટિકન મોકલી શકે છે અને પોપને બચાવી શકે છે?”

    સોશિયલ મીડિયા કટાક્ષભરી પોસ્ટ્સ, મીમ્સ અને ટિપ્પણીઓથી ભરેલું છે, ઘણા લોકો પાદરી બજિન્દરના નાટકીય ઉપચારના વિડીયો શેર કરી રહ્યા છે, જેમાં જોરથી ‘યેસુ યેસુ’ જેવું સંગીત વાગી રહ્યું છે, લોકો ધ્રૂજી રહ્યા છે અને રમુજી ચહેરા બનાવી રહ્યા છે, જે સૂચવે છે કે કોઈક રીતે, ખ્રિસ્તી પાદરી તેમને સાજા કરી રહ્યા છે અથવા મંત્રોચ્ચાર કરીને તેમના શરીરમાંથી ભૂત-પ્રેતને બહાર કાઢી રહ્યા છે. જોકે તેમનો સસ્તો અભિનય અજાણતામાં સત્યને ઉજાગર કરે છે.

    મીમ્સ અને વ્યંગ ઉપરાંત, ખ્રિસ્તી પાદરીઓ દ્વારા હાસ્યાસ્પદ યુક્તિઓનો ઉપયોગ કરવામાં આવે છે જે ભોળા લોકોને ફસાવીને ધર્માંતરણ તરફ દોરે છે, જે ભારતની વસ્તી વિષયક અને ધાર્મિક સંતુલન માટે ગંભીર ખતરો છે. ઘણા ખ્રિસ્તી મિશનરીઓ અને કપટી પાદરીઓ દેખાવ, ભાવનાત્મક ચાલાકી અને સામાન્ય લોકોની હતાશા અને નબળાઈઓનો ઉપયોગ કરીને આ કૃત્યો કરતા હોય છે.

    આ મીમ્સ જોઈને એક વિડીયો યાદ આવી રહ્યો છે જેમાં એક સગીર છોકરાને પૂછવામાં આવે છે કે તારી બહેન પહેલાં બોલી શકતી હતી? ત્યારે તે ના પાડે છે અને બજિન્દરનું નામ આવે છે ત્યારે કહે છે ‘બોલને લગી’. આ વિડીયોના બેકગ્રાઉન્ડમાં ‘યેસુ યેસુ’ એવું ગીત વાગતું હોય છે.

    નોંધપાત્ર રીતે, પાદરી બજિન્દરના ફક્ત યુટ્યુબ પર 3.7 મિલિયનથી વધુ સબ્સ્ક્રાઇબર્સ છે અને ઇન્સ્ટાગ્રામ પર 10 લાખથી વધુ ફોલોઅર્સ છે અને નિયમિતપણે તેમની સ્વ-ઘોષિત ઉપચાર શક્તિઓનું પ્રદર્શન કરતા વિડીયો પોસ્ટ કરે છે. આ વિવાદાસ્પદ પાદરી પંજાબમાં ‘ચર્ચ ઓફ ગ્લોરી’ અને ‘વિઝડમ’ ચલાવે છે. જો કે, તે અન્ય રાજ્યોમાં પણ ઉપચાર સત્રો ચલાવતા હોય છે.

    આવી જ એક પોસ્ટમાં, બજિન્દરે દાવો કર્યો હતો કે તેણે પોતાની ઉપચાર શક્તિઓનો ઉપયોગ કરીને એક મૂંગા અને બહેરા સગીર છોકરાને સાજો કર્યો છે. તેનું ઇન્સ્ટાગ્રામ તેના ચંગાઈ સભાઓના આવા વિડીયોથી ભરેલું છે.

    આજ ક્રમમાં, પાદરી અંકુર નરુલા, જેમના યુટ્યુબ પર 2.7 મિલિયનથી વધુ સબ્સ્ક્રાઇબર્સ છે, તેઓ પણ તેમના ‘હાલેલુયા ચમત્કારો’ દ્વારા ઓટીઝમ અને અન્ય બીમારીઓને મટાડવાનો દાવો કરે છે. તેમની યુટ્યુબ ચેનલ પર એવા વિડીયો છે જેમાં દાવો કરવામાં આવ્યો છે કે તેમણે ‘ચમત્કારિક રીતે’ રેટિનાને ફરીથી જોડી દીધી છે, પ્રિમેચ્યોર બાળકને સાજો કર્યો છે અને સોરાયસિસથી એક મહિલાને સાજી કરી છે, જે એક ત્વચા રોગ છે જેનો આધુનિક તબીબી વિજ્ઞાન પાસે કોઈ ઈલાજ નથી.


    ઑપઇન્ડિયાએ અગાઉ અહેવાલ આપ્યો હતો કે કેવી રીતે એક પાદરીએ “ઓહહહહ શકરારારરરરરરરરરરર” બૂમ પાડી હતી અને એક મહિલાની નિષ્ફળ કિડની ‘પુનઃજીવિત’ થઈ હતી. આવી જ બીજી એક ઘટનામાં, પાદરી બજિન્દરે ઈસુ દ્વારા આપવામાં આવેલી ચમત્કારિક શક્તિનો ઉપયોગ એક અંધ છોકરીને સાજી કરવા માટે કર્યો હતો.

    જ્યારે આધુનિક વિજ્ઞાન હજુ સુધી HIV-AIDS માટે અસરકારક ઈલાજ શોધી શક્યું નથી, ત્યારે પાદરી બજિન્દરે એક પરિણીત યુગલને માથા પર થપથપાવીને, તેમના ગાલ પર ઘસીને અને ‘હાલેલુયા’ના પોકાર કરીને એઇડ્સ મટાડ્યો હોવાનો દાવો કર્યો હતો.

    સોશિયલ મીડિયા પર એવા ઘણા વિડીયો સામે આવ્યા છે જેમાં પાદરીઓ અને ઇસાઇ ઉપદેશકો ઇસુ ખ્રિસ્તના નામે લોકોની બીમારીઓ દૂર કરવાના, લોકોમાંથી ભૂત ભગાડવાના દેખાવો કરતા હોય છે. આ ઉપરાંત ભોળા વ્યક્તિઓની ભીડ ભેગી કરીને ‘ખરાબ આત્માઓ’, ‘ભૂત-પ્રેત’ને શરીરમાંથી ભગાડવાનો અને બીમારીઓને ખેંચી કાઢવાના, ખોડ-ખાંપણ અને માનસિક બીમારીઓ દૂર કરવાના દાવા કરવામાં આવે છે. આ બધું આકર્ષિક સંગીત સાથે કથિત લાભાર્થીઓના નિવેદન સાથે કરવામાં આવે છે. એવું કહેવાય છે કે આવા ખોટા નિવેદન આપતા લોકો કાં તો સસ્તા અભિનેતાઓ હોય છે કાં તો તેમને આવા નિવેદનો આપવા માટે મજબૂર કરવામાં આવ્યા છે.

    આ ‘ચંગાઈ સભા’ઓ નબળા લોકો – ગરીબ, બીમાર, હતાશ અને નિરાશ લોકોને લક્ષ્ય બનાવે છે, જ્યાં દવા અથવા સંસાધનો નિષ્ફળ જાય ત્યાં તાત્કાલિક રાહતનું વચન આપે છે. આ દરમિયાન ખ્રિસ્તી ધર્મને મુક્તિના માર્ગના સ્વરૂપમાં રજૂ કરવામાં આવે છે. જોકે આ રણનીતિમાં પેન્ટેકોસ્ટલ પાદરીઓ અને તેમની ટીમો તેમના ઉપદેશોમાં પંજાબના સાંસ્કૃતિક પ્રતીકો – પાઘડી, લંગર, ટપ્પા અને ગિદ્દા- ને ખુલ્લેઆમ અપનાવીને, વધુ પરંપરાગત રીતે અનુયાયીઓને આકર્ષે છે.

    ખ્રિસ્તી ધર્મ તરફ લોકોને આકર્ષવા માટે, ઘણા પેન્ટેકોસ્ટલ પાદરીઓ ભારતના સામાજિક-આર્થિક અંતરનો ઉપયોગ કરે છે, ગરીબ અને હાંસિયામાં ધકેલાઈ ગયેલા સમુદાયોને નાણાકીય લાલચ, નોકરીઓ અને સરળ લગ્નોના વચનો, રોગો માટે ‘ચમત્કારિક’ ઉપચાર અને કેટલાક કિસ્સાઓમાં, વિદેશમાં રહેવાના વચનો આપીને નિશાન બનાવે છે. ઑપઇન્ડિયાએ એવા ઘણા કિસ્સાઓનો અહેવાલ આપ્યો છે જ્યાં ખ્રિસ્તી મિશનરીઓએ નાણાકીય લાલચ, નોકરીઓ વગેરે આપીને લોકોને ખ્રિસ્તી ધર્મમાં ધર્માંતરણ કરાવે છે.

    મની લોન્ડરિંગના આરોપો, ખોટી ‘સારવાર’ અને ઘણું બધું

    2022માં, જલંધરના તાજપુર ગામમાં પ્રોફેટ બજિંદર સિંઘના ચર્ચમાં કેન્સરથી પીડિત 4 વર્ષની બાળકીનું મૃત્યુ થયું. એઈમ્સના ડોકટરોએ છોકરીની સારવાર કરવાનો ઇનકાર કર્યા પછી, તેના માતાપિતા તેને બજિન્દર સિંઘના ચર્ચમાં લઇ ગયા જ્યાં તેમને ઘણી વખત ₹15,000થી ₹50,000 ચૂકવવાનું કહેવામાં આવ્યું હતું અને છતાં તેઓ છોકરીને જીવિત કરવામાં નિષ્ફળ ગયા. છોકરીના પિતાએ આરો લગાવ્યો હતો કે છોકરીના મૃત્યુ પછી તેમના પરિવારને ચર્ચમાંથી કાઢી મૂકવામાં અને છોકરીના પરિવાર પાસેથી વધુ પૈસાની માંગણી કરી અને દાવો કર્યો કે પાદરી તેને ફરીથી જીવિત કરશે. તે સમયે, મૃતક યુવતીના પરિવારે સિંઘ વિરુદ્ધ કેસ દાખલ કર્યો હતો.

    નોંધનીય છે કે બજિન્દર સિંઘને અગાઉ હત્યાના કેસમાં દોષિત ઠેરવવામાં આવ્યો હતો અને જેલમાં રહીને તેણે ખ્રિસ્તી ધર્મ અપનાવ્યો અને દાવો કર્યો કે તેણે ચમત્કારિક ઉપચારનો અનુભવ કર્યો હતો. સિંઘ 2012થી ‘ચમત્કારિક ઉપચાર’નો અભ્યાસ કરી રહ્યો છે. પંજાબમાં આવા ઘણા બીજા પાદરીઓ અને ‘ફેથ હીલર્સ’ છે જેમાં હરપ્રીત દેઓલ, મનોહર સિંઘ અને ગુરનામ સિંઘ ખેરાનો સમાવેશ થાય છે.

    2023માં, આવકવેરા વિભાગે પંજાબ સ્થિત બે પાદરીઓ, બજિન્દર અને હરપ્રીત દેઓલના નિવાસસ્થાનો પર દરોડા પાડ્યા હતા. અધિકારીઓએ ખુલાસો કર્યો કે પાદરીઓ હીલિંગ મંડળીઓની આડમાં ચર્ચ ચલાવવામાં આવી રહ્યા છે જે વિદેશોમાંથી મોટી રકમ સ્વીકારે છે. 2020માં, ખ્રિસ્તી ઉપદેશક અંકુર જોસેફ નરુલા પર મની લોન્ડરિંગ અને ધર્માંતરણનો આરોપ મૂકવામાં આવ્યો હતો. અંકુર નરુલા અને તેમની પ્રમોશનલ પ્રવૃત્તિઓ પર ઑપઇન્ડિયાનો વિગતવાર અહેવાલ અહીં વાંચી શકો છે.

    ભારતમાં એવું કોઈ રાજ્ય નથી જે ખ્રિસ્તી ઉપદેશકો અથવા મિશનરીઓના પ્રભાવ હેઠળ ન હોય જેમનો એકમાત્ર ઉદ્દેશ્ય શક્ય તેટલા લોકોને ખ્રિસ્તી ધર્મ તરફ આકર્ષિત કરવાનો હોય છે, જોકે તેમની પ્રવૃત્તિઓની તીવ્રતા અલગ અલગ હોય છે. રાજકીય પક્ષો અને સરકારો પણ આ છેતરપિંડી કરનારાઓ સામે પગલાં લેવામાં અચકાય છે કારણ કે તેમને મોટી સંખ્યામાં તેમના અનુયાયીઓનો ટેકો છે. કેટલાક ‘ધર્મનિરપેક્ષ’ પક્ષો તો વોટ બેંકની રાજનીતિ માટે આ છેતરપિંડી કરનારાઓને પ્રોત્સાહન પણ આપે છે.

    પેન્ટેકોસ્ટલ પાદરીઓના દંભ પર ભારતીયો ગુસ્સે

    ઉલ્લેખનીય છે કે ભારતીયો પોપ ફ્રાન્સિસને નફરત નથી કરી રહ્યા કે તેમના દુઃખની મજાક નથી ઉડાવી રહ્યા. તેના બદલે, ટિપ્પણીઓ અને મીમ્સના રૂપમાં જે આક્રોશ બહાર આવ્યો છે તે પેન્ટેકોસ્ટલ પાદરીઓના સ્પષ્ટ દંભમાંથી ઉદ્ભવ્યો છે. આ પાદરીઓ ધર્માંતરણ માટે તેમની ચમત્કારિક શક્તિઓનો ઉપયોગ કરે છે પણ તેમને પોતાને જ્યારે આ શક્તિઓની જરૂર હોય ત્યારે મૌન બની જાય છે. આ આક્રોશ પોપના સ્વાસ્થ્ય પરનો આનંદ નથી, પરંતુ ભારતમાં ખ્રિસ્તી પાદરીઓ અને મિશનરીઓએ ઉભા કરેલ નકલી ચમત્કાર ઉદ્યોગની નિંદા છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં