Thursday, May 2, 2024
More
    હોમપેજમંતવ્યલોટ ખરીદવાની શક્તિ ન ધરાવતી પ્રજા પાસેથી PCB PSL જોવા મોંઘીદાટ ટીકીટ...

    લોટ ખરીદવાની શક્તિ ન ધરાવતી પ્રજા પાસેથી PCB PSL જોવા મોંઘીદાટ ટીકીટ ખરીદવાની અપેક્ષા રાખે છે; પાકિસ્તાનીઓ રોષે ભરાયા

    પાકિસ્તાન ઓલરેડી જબરદસ્ત મોંઘવારીનો સામનો કરી રહ્યું છે એવામાં મનોરંજનનાં આ એકમાત્ર સાધનને પણ તેમનાથી દૂર કરી દેવામાં આવ્યું છે. હવે જોઈએ PCB  આ મામલે સામાન્ય પ્રજાનાં રિએક્શ્ન્સ જોઇને આગળ કશું વિચારે છે કે કેમ.

    - Advertisement -

    ભાઈઓ અને બહેનો, આવતે અઠવાડિયે IPL પણ જેની સામે ક્યાંય ટકતી નથી એવી PSL એટલેકે પાકિસ્તાન પ્રીમિયર લીગ શરુ થવા જઈ રહી છે. આ નિવેદન વાંચીને તમે પ્લીઝ અમારા પર તૂટી ન પડતાં. આવું નિવેદન PCBનાં અગાઉનાં ચેરમેન રમીઝ રાજા કરી ચુક્યા છે. હાલનાં PCB ચેરમેન નજમ સેઠી પણ થોડા દિવસ અગાઉ આવું જ કશુંક ભરડી ચુક્યા છે. પણ આજે આપણે IPL અને PSLની સરખામણી વિષે વાત નથી કરવાની.

    આજે વાત કરવાની છે 13મી ફેબ્રુઆરીથી શરુ થનારી પાકિસ્તાન સુપર લીગ એટલેકે PSLની ટીકીટના દરો વિષે. આપણને બધાંને ખબર છે કે પાકિસ્તાનમાં હાલમાં જબરદસ્ત આર્થિક સંકટ ચાલી રહ્યું છે. પ્રજાને ચોવીસ કલાક વીજળી નથી મળતી અને ખાવા માટે લોટ પણ નથી મળતો. આવા સંજોગોમાં PSL જે એક એવું માધ્યમ બનવાની હતી જે અંધારામાં જીવતાં ભૂખ્યાં લોકોને ત્રણેક કલાક મનોરંજન આપી શકત.

    પરંતુ પાકિસ્તાનની આર્થિક સ્થિતિને અવગણીને કદાચ PCB પોતાની નાદાર આર્થિક હાલતને સુધારવાનાં પ્રયાસો આ PSLનો ઉપયોગ કરીને કરી રહ્યું હોય એવું લાગી રહ્યું છે. સાડાચાર અઠવાડિયાં ચાલનારી PSLની ટીકીટોનાં ભાવ ગત અઠવાડિયે PSLનાં અધિકારીક ટ્વીટર હેન્ડલ દ્વારા જાહેર કરવામાં આવ્યાં હતાં. આ ભાવ જોઇને કોઇપણ પાકિસ્તાનીને ચક્કર આવી ગયાં હશે.

    - Advertisement -

    પાકિસ્તાનમાં જેમને મોંઘા ભાવનો લોટ પોસાતો હશે અથવાતો જનરેટર દ્વારા પોતાનાં ઘરમાં ચોવીસ કલાક વીજળીની વ્યવસ્થા જે વ્યક્તિએ કરી હશે એ તો કદાચ હોંશે હોંશે PSL જોવા સ્ટેડીયમમાં જશે, પરંતુ જે મધ્યમવર્ગીય પાકિસ્તાની હશે અને કદાચ આખી સિઝનમાં એક કે બે મેચ પોતાનાં પરિવાર સાથે જોવા જશે એવી સુખદ કલ્પના કરીને બેઠો હશે એ તો અત્યારે આ ભાવ જોઇને જરૂર પોતાનું માથું ફૂટતો હશે.

    PSLની કુલ 34મેચોમાંથી અમુક જ મેચો એવી છે જેની ટીકીટના ભાવ જેને જનરલ પબ્લિક કહી શકાય તેના માટે 1000 PKRથી ઓછી રાખવામાં આવી છે. ચાર કે પાંચ લોકોનું પરિવાર ધરાવતો એવરેજ પાકિસ્તાની એક મેચ માટે 5000 PKR ખર્ચી શકે એવું આપણને લાગે છે ખરું? ચાલો આતો થઇ સામાન્ય જનતાની વાત, પામતાં પહોંચતા પાકિસ્તાનીઓ માટે પણ PSL આ વખતે મોંઘી ટીકીટો લઈને આવી છે.

    VIP ટીકીટો માટેનાં ભાવ 2900 PKRથી શરુ થઈને 6000 PKR પ્રતિ મેચ છે. પ્રીમિયમ ટીકીટો 1900 PKR થી 4000 PKRમાં મળશે. જ્યારે PSL દરમ્યાન Hospitality Boxesમાં બેસીને મેચ જોવી હોય તો તેની કિંમત તો પાંચ આંકડામાં ભરવાની આવશે. આ ઉપરાંત Boxes Premium View માટે જો PSLની ટીકીટ લેવી હશે તો તેનો મહત્તમ ભાવ 15 લાખ PKR જેટલો થવા જાય છે.

    પાકિસ્તાનમાં શ્રીમંતો હશે જ એમાં કોઈ શંકા નથી, પરંતુ દેશની નબળી આર્થિક હાલતની અસર તેમનાં ધંધાપાણીને પણ પડી જ હશે. આવી સ્થિતિમાં આ વર્ગ પણ આટલી મોંઘી ટીકીટો ખરીદીને PSL જોવા જશે એની કલ્પના અત્યારેતો થતી નથી. હા કદાચ પાકિસ્તાની સેનાનાં પૂર્વ અને વર્તમાન હાઈ રેંકડ ઓફિસરો અને જનરલો અને તેમનાં પરિવારોને આ ભાવ જરૂર પોસાશે કારણકે પાકિસ્તાની સેના ભ્રષ્ટાચારમાં ખદબદે છે એ આપણને ખબર જ છે.

    PSL દ્વારા ઉપરોક્ત ભાવોની ઘોષણા થયાં બાદ સામાન્ય પાકિસ્તાનીઓમાં PSL સ્ટેડીયમમાં જઈને જોવા બાબતે નિરાશા અને રોષ બંને જોવા મળે છે. ઘણાં પાકિસ્તાનીઓએ પોતાની પ્રતિક્રિયાઓ PSLની ભાવપત્રક દર્શાવતી ટ્વીટનાં જવાબમાં આપી છે તેમાંથી કેટલીક ટ્વીટ આપણે જોઈએ.

    Ulfatchtch જેવું વિચિત્ર હેન્ડલ ધરાવતાં એક વ્યક્તિએ નજમ સેઠીને ઉદ્દેશીને કહ્યું છે કે મારું ઘર ગીરવે લઇ લ્યો.

    PSLની એક ફ્રેન્ચાઇઝી પેશાવર ઝલ્મીનાં એક ફેને PSL 2023ની ટીકીટોનાં ભાવ વાંચીને મહત્ત્વનો મુદ્દો ઉઠાવતાં કહ્યું છે કે પહેલાં પાકિસ્તાની સ્ટેડિયમોને મેચ જોવા લાયક તો  બનાવો!

    એક અન્ય યુઝરે ભવિષ્યવાણી કરી છે કે આ ભાવ જોઇને સ્ટેડીયમ ખાલી રહેવાનાં છે અને ટુર્નામેન્ટની વચ્ચે ભાવ ઓછાં ન કરતાં એવો પડકાર પણ ફેંક્યો છે.

    તો સબીન યુસુફે નજમ સેઠીના અગાઉના નિવેદનનો સ્ક્રિનશોટ મુકીને ટીકીટના ભાવ કેમ વધુ છે એના પર જબરદસ્ત કટાક્ષ કર્યો છે, તમે પણ મમળાવો

    કદાચ રાવલપીંડીમાં રહેતી નૂરે PCBનો ઉધડો લેતાં કહ્યું છે કે પહેલાં પીંડી સ્ટેડીયમની હાલત જુઓ અને પછી ભાવ નક્કી કરો

    ટૂંકમાં કહીએ તો PSL દ્વારા સ્ટેડીયમમાં જઈને મેચ જોવાનાં જે ભાવ નક્કી કર્યા છે તે સામાન્ય પાકિસ્તાનીને પોસાય તેવા તો નથી જ. પાકિસ્તાન ઓલરેડી જબરદસ્ત મોંઘવારીનો સામનો કરી રહ્યું છે એવામાં મનોરંજનનાં આ એકમાત્ર સાધનને પણ તેમનાથી દૂર કરી દેવામાં આવ્યું છે. હવે જોઈએ PCB  આ મામલે સામાન્ય પ્રજાનાં રિએક્શ્ન્સ જોઇને આગળ કશું વિચારે છે કે કેમ, કારણકે PSL શરુ થવાને હજી પણ 6 દિવસ બાકી છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં