Friday, November 22, 2024
More
    હોમપેજમંતવ્યમહુઆ મોઈત્રાનું ડિસ્કવોલિફિકેશન અને લિબરલો, તટસ્થોનો વિલાપ: કાંપ કાહે રહે હો? 

    મહુઆ મોઈત્રાનું ડિસ્કવોલિફિકેશન અને લિબરલો, તટસ્થોનો વિલાપ: કાંપ કાહે રહે હો? 

    મામલામાં ખરેખરો તટસ્થ માણસ એ નહીં જુએ કે સાંસદ કઈ પાર્ટીનાં છે, એ જોશે કે આરોપો શું છે અને તે સાચા સાબિત થયા છે કે નહીં. મામલો કેટલો ગંભીર છે. પરંતુ આપણે ત્યાનાં લિબરલો, તટસ્થો અને કથિત તટસ્થ પત્રકારો નોખી માટીના છે.

    - Advertisement -

    માની લો કે તમે કોઇ કંપનીમાં નોકરી કરો છો. તેના ડૅશબોર્ડના આઇડી-પાસવર્ડ તમે તમારા કોઇ મિત્રને આપી રાખ્યા છે. એટલે એક એક્સેસ તેની પાસે પણ રહે છે. કંપનીને જ્યારે ખબર પડે તો તે તપાસ કરે છે અને આરોપો સાચા જણાય ત્યારે તમને હાથ ધરીને તગેડી મૂકે છે. કારણ કે સ્વાભાવિક રીતે કોઇ પણ કંપની પોતાની સુરક્ષા સાથે ખિલવાડ ચલાવી લે નહીં. મહુઆ મોઈત્રા સાથે આવું જ થયું છે. 

    પૂર્વ TMC સાંસદ સામે ઉદ્યોગપતિ પાસેથી પૈસા લઈને તેમનાં હિતો સાધતા પ્રશ્નો સંસદમાં પૂછવાનો આરોપ હતો. એટલું જ નહીં પછીથી એવું સામે આવ્યું કે મહુઆએ સંસદના લૉગિન આઇડી અને પાસવર્ડ પણ ઉદ્યોગપતિને આપી રાખ્યાં હતાં. રાષ્ટ્રીય સુરક્ષા માટે આ ગંભીર બાબત કહેવાય. લોકસભા સ્પીકર પાસે ફરિયાદ ગઈ તો તેમણે મામલો લોકસભાની સમિતિને મોકલી આપ્યો. 

    આ સમિતિએ તપાસ કરી, મહુઆને પણ પોતાનો પક્ષ મૂકવા બોલાવ્યાં પણ તેમણે ત્યાં જઈને પણ હોબાળો મચાવ્યો, આખરે આરોપો સાચા જણાયા તો રિપોર્ટ તૈયાર કર્યો અને સંસદમાં રજૂ કર્યો. સંસદમાં તેની ઉપર ચર્ચા થઈ, બહુમતી સભ્યોએ માન્યું કે આ ગંભીર બાબત કહેવાય અને મહુઆ મોઈત્રાને લોકસભામાંથી બરખાસ્ત કરવાં જોઈએ, આખરે મતદાન થયું અને તેમને બહાર કરવામાં આવ્યાં. 

    - Advertisement -

    આમ તો તટસ્થ વ્યક્તિની વ્યાખ્યામાં આવતો માણસ એને કહેવાય જે વ્યક્તિનિષ્ઠ નહીં પણ વસ્તુનિષ્ઠ આકલન કરે અને અભિપ્રાય આપે. એટલે અહીં આ મામલામાં ખરેખરો તટસ્થ માણસ એ નહીં જુએ કે સાંસદ કઈ પાર્ટીનાં છે, એ જોશે કે આરોપો શું છે અને તે સાચા સાબિત થયા છે કે નહીં. મામલો કેટલો ગંભીર છે. પરંતુ આપણે ત્યાનાં લિબરલો, તટસ્થો અને કથિત તટસ્થ પત્રકારો નોખી માટીના છે. તેઓ પહેલાં પાર્ટી જુએ છે, પછી માણસ જુએ છે અને પછી નક્કી કરે છે કે અહીં કેટલા જોરથી રડવું અને કેટલા મોટેથી બરાડા પાડવા!

    હમણાં જાતજાતની ફરિયાદો થઈ રહી છે. અમુકની ફરિયાદ છે કે 12 વાગ્યે 104 પાનાંનો એથિક્સ કમિટીનો રિપોર્ટ આપ્યો અને 2 વાગ્યે ડિબેટ શિડ્યુલ કરી દેવામાં આવી. 1 કલાક પછી સાંસદને કાઢી મૂકવામાં આવ્યાં અને બોલવાની કે રિપોર્ટ વિગતવાર વાંચીને પ્રતિક્રિયા આપવાની તક પણ ન આપી. ફરિયાદ એવી પણ છે કે દર્શન હીરાનંદાનીનું ક્રોસ એક્ઝામિનેશન ન થયું. હજુ એકાદ લીટીમાં ‘ફીર હેરા ફેરી’ના પરેશ રાવલની જેમ એવું પણ કહેવા જેવું હતું કે ‘કમ સે કમ તીસ સાલ કા તો ટાઇમ દેના પડેગા!’

    અહીં મૂળ વાત એ છે કે ક્રોસ એક્ઝામિનેશનથી માંડીને સાંસદને તક આપવા સુધીનું બધું કમિટી સામે કરવાનું હોય છે, સંસદ માત્ર રિપોર્ટ ઉપર ચર્ચા કરશે. આ બધું સંસદે નવેસરથી ન કરવું પડે એટલે જ તો સમિતિને કામ સોંપવામાં આવ્યું હોય. અને વાત જ્યાં સુધી 2 કલાકની છે તો આટલા સમયમાં પણ રિપોર્ટ ન વંચાય તો પછી પ્રાથમિક શાળામાં એડમિશન લઇ લેવાય! આ બધા મીડિયા હાઉસોએ રિપોર્ટ જેવો સાર્વજનિક થયો કે તરત રિપોર્ટ બનાવીને પ્રકાશિત કરી દીધા હતા, તેમની પાસે જાદૂઈ શક્તિ છે? 

    આવી કોઇ વાત હોય ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ટાર્ગેટ ન કરે તો કોંગ્રેસીઓને ઊંઘ ન આવે. કોંગ્રેસીઓ PM મોદીને ‘કાયર’ અને ‘ડરપોક’ સાબિત કરવામાં લાગ્યા છે. તેમની એક આદત છે કે ક્યાંક સપડાઇ જાય એટલે મૂળ મુદ્દો ક્યારેય નહીં પકડે પણ આસપાસની બધી કથા સંભળાવશે. આવા સમયે મોદીને ભાંડવા માટે તલપાપડ થતાં હોય છે. પરંતુ સત્ય એ છે કે કોઈ સાંસદ કે પછી કોઇ પાર્ટી પ્રવક્તા લવારા કર્યા કરે તેનાથી મોદીને કોઇ ફેર પડતો નથી. નરેન્દ્ર મોદીને ‘ડરપોક’ અને ‘કાયર’ કહેવાથી કશુંક મળી જશે તેવો મનમાં વહેમ રાખવો એ બાલિશતા છે. 

    ઘણાની ફરિયાદ છે કે મહુઆ મોઈત્રાને પોતાનો બચાવ કરવાનો પૂરતો સમય આપવામાં ન આવ્યો. તેઓ ભૂલી જાય છે કે એથિક્સ કમિટીએ એ માટે જ તેમને તેડ્યાં હતાં. પણ ત્યારે તેમને જવાબો આપવામાં રસ ન હતો. સમિતિએ પ્રશ્નો પૂછવાના ચાલુ કર્યા એટલે દુકાન સમેટી લઈને સાથીદારો સાથે તેઓ તો બહાર આવી ગયાં હતાં અને હોબાળો મચાવ્યો હતો. સિસ્ટમ કોઇના બાપની જાગીર છે કે આવાં ગતકડાં પછી પણ ફરીફરીને સમય આપે. મહુઆ મોઈત્રાને કમિટીએ સમય આપ્યો હતો, તક પણ પૂરતી આપી હતી પણ તેમણે ઉપયોગ ન કર્યો તોપણ મોદી જ જવાબદાર?

    આ બધા જ મૂળ મુદ્દા પર વાત કરી રહ્યા નથી. મહુઆ મોઈત્રા પોતે સ્વીકારી ચૂક્યાં છે કે તેમણે આઇડી-પાસવર્ડ દર્શન હીરાનંદાનીને આપ્યાં હતાં. સંસદની એથિક્સ કમિટી ભલામણ કરી ચૂકી છે કે સાંસદનું આચરણ યોગ્ય ન હતું અને તેઓ બરખાસ્ત થવાને લાયક છે. એમ પણ કહ્યું કે, સાંસદ અને ઉદ્યોગપતિ વચ્ચે જે નાણાકીય વ્યવહાર થયા હોય તેની તપાસ કરાવવી જરૂરી છે. તો શું હવે સરકાર તપાસ પણ ન કરાવે? જો મહુઆ નિર્દોષ હોય તો પછી બીજી વાત ક્યાં છે? પરંતુ મૂળ મુદ્દા સિવાય બાકીની તમામ કથાઓ કરવી એ આ ટોળકીની જૂની આદત છે. 

    મૂળ વાત એ છે કે આ બધા માટે નિયમો અને પ્રક્રિયાઓ ત્યારે જ આવે જ્યારે સામેનો માણસ પોતાના કુંડાળાનો હોતો નથી. વાત ઈકોસિસ્ટમની આવે ત્યારે બધા ભેગા થઈને ઝુંડ બનાવી લે છે અને એકસાથે રડારોળ શરૂ કરે છે. નેરેટિવ બનાવવાના પ્રયાસ કરે છે કે મોદી ફાસીવાદી છે અને અમને હેરાન કરે છે. વિક્ટિમ કાર્ડ રમવાના પ્રયાસો થાય છે. પણ બધાનો ઈલાજ છે પણ ‘મોદી કરે તે બધું ખરાબ અને અમે કરીએ તે બધું સારું’, એવું મગજમાં ઠસાવીને ચાલનારાઓનો કોઈ ઈલાજ નથી. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં