Wednesday, April 1, 2026
More
    હોમપેજઇન્ડોલોજીમાત્ર એક ફિલ્મ નહીં, સાંસ્કૃતિક અનુષ્ઠાન છે 'કાંતારા-ચેપ્ટર 1'

    માત્ર એક ફિલ્મ નહીં, સાંસ્કૃતિક અનુષ્ઠાન છે ‘કાંતારા-ચેપ્ટર 1’

    તર્કનું કામ જ્યાં પૂરું થાય છે ત્યાંથી જ આસ્થાનો માર્ગ પ્રારંભાય છે. કાંતારા ચેપ્ટર 1 આપણને આ જ સીમારેખા પર લાવીને મૂકી દે છે. આ ફિલ્મ માત્ર એક મનોરંજન નથી, પણ એક સાંસ્કૃતિક અનુષ્ઠાન છે.

    - Advertisement -

    ઋષભ શેટ્ટી ભારતીય સિનેમાનું એક એવું વિરલ વ્યક્તિત્વ છે, જેઓ પાછલાં વર્ષોમાં એક લેખક કે દિગ્દર્શક સુધી સીમિત ન રહેતાં પરિપૂર્ણ વાર્તાકાર તરીકે સ્થાપિત થયા છે. તેમની અંદર એક ગ્રામ્ય લય છે, જેની ગૂંજ કોઈ દેવસ્થાનની ધ્વનિની માફક દૂર સુધી ફેલાતી રહે છે. કાંતારા જો મેં બનાવી હોત તો સંભવતઃ તેમને પડદા પરથી એક ક્ષણ માટે પણ ઓઝલ થવા દીધા ન હોત, પણ ઋષભના કૌશલ્યનો વૈભવ જ કહી શકાય કે તેમણે પોતાને પણ એક પાત્રની જેમ વાર્તામાં જ ભંગ કરીને પડદા પર દેવત્વ, લોક અને આસ્થાને કેન્દ્રમાં સ્થાપિત કર્યાં.

    એક તરફ આપણું મુખ્યધારાનું સિનેમા છે, જે કોઈ નાયકને ‘બિલ્લા નંબર 786’ના ભરોસે બચાવતું રહે છે, પણ મંદિરમાં ન જવાની પ્રતિજ્ઞા કરનારને ‘એન્ગ્રી યંગ મેન’નું નામ અપાય છે અને ચિત્ર એવું ઊભું કરવામાં આવે છે જાણે સમાજથી આક્રોશિત યુવાનનો આ જ સાચો ચહેરો હોય. એક તરફ જ્યાં સિનેમા નાયિકાઓનાં આંસુઓથી નાયકો માટે મોક્ષ લખી દેતું હોય, એવા સમયે ઋષભ શેટ્ટી એવા સિનેમાનો અનુભવ કરાવે છે, જ્યાં મંદિરના ઘંટારવ, પાયલના રણકાર અને દેવતાઓના હુંકાર જ કથાનાં કેન્દ્રો છે.

    કાંતારાએ આપણને એ યાદ કરાવ્યું કે સાચી સુરક્ષા લોક-દેવતાના હુંકાર અને પ્રકૃતિની આભામાં નિહિત છે. ગુલિગા અને પંજુરલીની ગૂંજ જ્યારે સિનેમાગૃહની દીવાલો સાથે અથડાય ત્યારે દર્શકોની અંદર પણ જૂની સ્મૃતિઓ જાગી ઉઠે છે. સંગીત તમને જકડી રાખે છે, ભીતર સુધી અસર કરી જાય છે.

    - Advertisement -

    કાંતારા-ચેપ્ટર 1 ફિલ્મનું સૌથી મોટું આકર્ષણ તેનું સંગીત છે. આ સંગીત કોઈ એક ભાવને સાધવા કરતાં એક આખું લોક રચે છે. ક્યારેક તે ઢોલની થાપ છે, ક્યારેક પાયલનો રણકાર, ક્યારેક દેવતાનો હુંકાર અને આ બધા વચ્ચે એક શૂન્યનું મૌન પણ.

    સિનેમેટોગ્રાફીમાં પણ અહીં દેવ-આભાનો આલોક છે. લાલ માટીથી રંગાયેલાં ગામ, વરસાદમાં ભીની થયેલી વનભૂમિ અને અંધકારમાં છુપાયેલાં દ્રશ્યો– આ બધું મળીને દર્શકને એ સ્મરણ કરાવે છે કે સિનેમાનો સૌથી મોટો ચમત્કાર જ તેનાં દ્રશ્ય-ભાષા છે, માત્ર સંવાદ નથી.

    આ કથાનો આરંભ પણ એ જ રાજા સાથે થાય છે. જેઓ સમૃદ્ધ છે પણ અશાંત છે. એ રાજા, જેમની પાસે બધું જ છે, પરંતુ શાંતિ નથી. તેઓ આંસુઓ એક લોકદેવતાના ચરણોમાં અર્પિત કરે છે. આ સમર્પણ જ તેના અહંકારનો પરાભવ છે. પરંતુ આ વખતે કથા થોડી વધુ ઊંડાણપૂર્વક કહેવામાં આવી છે. આસ્થાને નષ્ટ કરવાનો પ્રયાસ પણ અસ્થાને સહારે જ કરાય છે, જાણે આસ્થાની અંદર જ આસ્થાનો પ્રતિપક્ષ છુપાયેલો હોય.

    જ્યાં સુધી ફિલ્મની કથાની વાત છે, કાંતારા હકીકતે ઈશ્વરનું મધુબન છે, એક એવું પાવન સ્થળ છે, જ્યાં પરંપરાઓ માત્ર નિભાવવામાં નથી આવતી, પણ શ્વાસની જેમ જીવાય છે. આ લોકનિવાસમાં રહેતા લોકો જ્યારે પાડોશી રાજ્યોના વ્યાપારી ઉપક્રમોથી પરિચિત થાય ત્યારે તેમના અંતઃકરણમાં પણ એ આકાંક્ષા જાગી ઉઠે છે કે તેઓ એ વ્યાપારમાં પણ સહભાગી બને, કારણ કે અંતે એ વ્યાપારનાં મૂળ તો આ મધુબનની ધરિત્રીમાં જ પ્રતિષ્ઠિત હતાં.

    પરંતુ આ મધુબનની અંદર અનેક રહસ્ય, અનેક રહસ્યાંતર પણ છે, જે કથાને આગળ વધારવા પર પુરાણોક્ત ગાથાઓની જેમ ધીમે-ધીમે ઉદઘાટિત થતાં રહે છે. અહીં પ્રત્યેક પીડાનું, પ્રત્યેક યાતનાનું એક જ ઔષધ છે અને એ છે– દેવ. એ જ દેવ, જેને કોઈ રહસ્યમયી શક્તિ નિરંતર નિર્બળ કરવાની ચેષ્ટામાં છે. આ દેવના રક્ષણ અને વિઘટન મધ્યે સંઘર્ષરત આ આખ્યાત વહેતું રહે છે અને એવા-એવા ઘટનાક્રમો સાથે ટકરાય છે, જેની કલ્પના પણ સામાન્ય દર્શક માટે દુર્લભ છે.

    કથાનક ધૈર્ય અને સંયમ સાથે રચવામાં આવ્યું છે. ઋષભ શેટ્ટી અભિનીત ચરિત્ર માત્ર અભિનય ન રહેતાં એક સાધના પ્રતીત થાય છે. બીજી તરફ નવો ચહેરો રુક્મિણી વસંત રાજકુમારી કનકવતીની ભૂમિકામાં એવી રીતે ઝળકી ઉઠે છે, જાણે પ્રાચીન શિલાલેખ પર ઉત્કીર્ણ કોઈ લુપ્ત શ્લોક પુનઃ જીવન પામ્યો હોય.

    વાર્તા દર્શાવે છે કે જ્યાં ઉજાસ હોય ત્યાં અંધકાર પણ હશે. જ્યાં શ્રદ્ધા છે, ત્યાં સંશય પણ જન્મ લેશે. ફિલ્મના પહેલા અડધા હિસ્સામાં આ સંઘર્ષને ધીમે-ધીમે આકાર આપવામાં આવે છે. ઈન્ટરવલ બાદ લોકકથાનો વેગ તેના ચરમ પર પહોંચે છે. લોકકથાનું વાદ્ય હવે પૂર્ણ ઉગ્રતા સાથે વાગી ઉઠે છે ને ઘટનાઓની ગતિ અચાનક તીવ્ર બની જાય છે.

    ઋષભ શેટ્ટીની અદાકારી અહીં ચરમોત્કર્ષ પર છે. તેઓ અભિનેતા કરતાં આગળ વધીને સ્વયં એક પ્રતીક બની જાય છે. તેમની આંખોનું વિસ્મય, તેમનો ભય, સમર્પણ બધું જ દર્શકને બાંધી લે છે. જકડી લે છે.

    ભલે કર્ણાટકના તુલુ ભૂભાગમાં હોય કે ઉત્તરાખંડની હિમાલયી ખીણમાં, ભારતીય ગ્રામ્ય જીવન દેવતા અને પ્રકૃતિનો એક સંમિલિત લોકવિશ્વાસ છે, એ આ ફિલ્મ દર્શાવે છે. દરેક પથ્થર, દરેક જળધારા, દરેક વૃક્ષમાં દેવત્વનો નિવાસ માનવું, આ સ્વપ્નમાં એક સંદેશ સાંભળવો… આ આપણી સભ્યતાનો એક સાંસ્કૃતિક બોધ છે.

    કાંતારા ચેપ્ટર 1 એ જ યાદ અપાવે છે કે ગ્રામીણ ક્ષેત્રોમાં આસ્થા કોઈ શાસ્ત્રીય પુસ્તકથી નહીં પણ લોકાનુભવથી જન્મ લે છે. લોકોની ધમનીઓમાં પ્રવાહિત કથા, જે શહેરી દર્શકોને લેસર રિલેટેડ લાગી શકે, એ જ ગ્રામ્ય સમાજ માટે જીવનનું સત્ય છે. અને આ જ સેતુ છે જે ઋષભ શેટ્ટી સમાજ અને સિનેમા વચ્ચે ઉભો કર્યો છે.

    તર્કનું કામ જ્યાં પૂરું થાય છે ત્યાંથી જ આસ્થાનો માર્ગ પ્રારંભાય છે. કાંતારા ચેપ્ટર 1 આપણને આ જ સીમારેખા પર લાવીને મૂકી દે છે. આ ફિલ્મ માત્ર એક મનોરંજન નથી, પણ એક સાંસ્કૃતિક અનુષ્ઠાન છે.

    ઋષભ શેટ્ટીએ એ સિનેમા આપ્યું છે, જેને આગલી પેઢીઓ જોતી રહેશે. આ ભારતીય લોકકલા અને આસ્થાનો જીવંત દસ્તાવેજ છે. જે સમયે બોલિવૂડે દર્શકોને એ શીખવ્યું કે હિંદુ હોવું પટકથામાં ફિટ નથી બેસતું, એ સમયે કાંતારાએ આપણા સમાજને એ સ્મૃતિઓ અને આત્મવિશ્વાસ સાથે ફરીથી જોડવાનું પુણ્યકર્મ કર્યું. કાંતારા આપણને એ આત્મવિશ્વાસ આપે છે કે આપણી આસ્થાઓ, આપના દેવતા અને આપણાં લોકગીતો જ આપણી સૌથી મોટી કથા છે.

    કાંતારા માત્ર એક ફિલ્મ નથી પણ આપણી સભ્યતાની પ્રતિધ્વનિ છે. વારંવાર જોવા જેવી ફિલ્મ છે. સિનેમા પ્રેમીઓ ઋષભ શેટ્ટીના ઋણી રહેવું જોઈએ. આ આપણી સભ્યતાનું શ્રવણ અને પુનઃસ્મરણ છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં