Thursday, November 21, 2024
More
    હોમપેજવગેરે...ધર્મ/સંસ્કૃતિજે તહેવાર એક સમયે ઉન્માદીઓ અને જેહાદીઓના નિશાને રહેતો, આજ તે બન્યો...

    જે તહેવાર એક સમયે ઉન્માદીઓ અને જેહાદીઓના નિશાને રહેતો, આજ તે બન્યો સૌથી સુરક્ષિત: જાણો બજરંગદળની તાકાત, હિંદુઓની એકતા અને સરકારની કાર્યદક્ષતાએ કઈ રીતે નવરાત્રી ઉત્સવની કરી કાયાપલટ

    ભૂતકાળમાં એવી અનેક ઘટનાઓ ઘટી ચૂકી છે, જેમાં પવિત્ર નવરાત્રિને એક યા બીજી રીતે નિશાન બનાવીને હિંદુ લાગણીઓને ઠેસ પહોંચાડવામાં આવી હોય. પરંતુ છેલ્લાં બે-ત્રણ વર્ષથી હિંદુ સંગઠનો, હિંદુ જનતા અને સરકારનું પ્રશાસન સતર્ક અને જાગૃત બન્યું તો પ્રકારની ઘટનાઓ પર ખાસ્સું એવું નિયંત્રણ આવ્યું છે.

    - Advertisement -

    ભારત ભૂમિ પર અનેક હિંદુ તહેવારો સનાતનકાળથી ઉજવાતા આવ્યા છે. ગુજરાતમાં પણ અનેક તહેવારો ઉજવાય છે, પરંતુ મા ભગવતીની આરાધના કરવાનું પર્વ, એટલે કે નવરાત્રિનું (Navratri) આપણે ત્યાં આગવું મહત્વ છે. નવરાત્રિ અને આ પર્વે ગવાતા ગરબા વિશ્વફલક પર ગુજરાત (Gujarat) અને ગુજરાતીઓની ઓળખ છે.

    એક હકીકત એ પણ છે કે આ તહેવાર પણ અન્ય તહેવારોની જેમ મઝહબી ઉન્માદ અને હિંસાથી વંચિત ન હતો. ભૂતકાળમાં એવી અનેક ઘટનાઓ ઘટી ચૂકી છે, જેમાં પવિત્ર નવરાત્રિને એક યા બીજી રીતે નિશાન બનાવીને હિંદુ લાગણીઓને ઠેસ પહોંચાડવામાં આવી હોય. પરંતુ છેલ્લાં બે-ત્રણ વર્ષથી હિંદુ સંગઠનો (ખાસ કરીને બજરંગદળ), હિંદુ જનતા અને સરકારનું પ્રશાસન સતર્ક અને જાગૃત બન્યું તો પ્રકારની ઘટનાઓ પર ખાસ્સું એવું નિયંત્રણ આવ્યું છે. તાજું ઉદાહરણ 2024ની નવરાત્રિનું છે, જ્યાં આપણે બહુ શાંતિપૂર્વક પર્વની ઉજવણી કરી. કોઈ પણ પ્રકારના વિક્ષેપ કે અનિચ્છનીય બનાવો વગર.

    વર્તમાનની બદલાયેલી સ્થિતિ પર આવીએ, તે પહેલાં એક નજર ભૂતકાળ તરફ કરી લઈએ. તેના માટે અન્ય તહેવારોનાં પણ ઉદાહરણ લઈને સમજીશું કે કેવી રીતે હિંદુ ધર્મ, તેની સંસ્કૃતિ અને આસ્થાને ઠેસ પહોંચાડવામાં આવતી હતી. રામનવમી, હનુમાન જયંતી, ગણેશ મહોત્સવ, શ્રાવણના ઉત્સવો અને કાવડ યાત્રા જેવી પવિત્ર યાત્રાઓ અને અન્ય હિંદુ આસ્થા સાથે સંકળાયેલા તહેવારો અને આસ્થાઓ પર પ્રહાર કરવામાં આવ્યા હોય તેવી અનેક ઘટના છે.

    - Advertisement -

    ક્યારેક રામનવમી પર ભગવાન રામની શોભાયાત્રા પર પથ્થરમારો થયો તો ક્યારેક શિવજીની સવારીને નિશાન બનાવવામાં આવી. કાવડિયાઓને ટાર્ગેટ કરવામાં આવ્યા હોય કે પછી છેવટે કશું નહીં તો મંદિરોમાં જઈને દેવી-દેવતાઓની મૂર્તિઓ ખંડિત કરી હોય કે ત્યાં પેશાબ કે અન્ય કોઈ કારસ્તાન કરીને હિંદુઓની લાગણીઓ છિન્નભિન્ન કરી હોય તેવી અનેક ઘટનાઓ સામે આવતી રહી.

    લિબરલ ગેંગની ઓથમાં ઉન્માદીઓને રક્ષણ

    એક-બે નહીં, સેંકડો-હજારો એવી ઘટનાઓ મળી જશે જેમાં એક પણ એવો મોકો નહીં મૂકવામાં આવ્યો હોય, જ્યાં સહિષ્ણુ હિંદુઓની ધાર્મિક અસ્થાઓને ઠેસ પહોંચાડીને હિંદુઓની માનસિક સ્થિતિને દયનીય હાલતમાં ન મૂકવામાં આવી હોય. ને મજાની વાત તે છે કે આવાં કારસ્તાન કરનારા લોકોનો બચાવ કરવા માટે પણ એક આખી ગેંગ સક્રિય છે. મીડિયા, રાજકારણ, પ્રશાસન, શિક્ષણ… લગભગ દરેક ઠેકાણે એવા લોકો તમને મળી જશે જેમની નજરમાં આ પ્રકારનાં કૃત્યો કશું જ નથી. બીજી તરફ હિંદુઓની અસ્થાઓ અને તેમના ધાર્મિક વલણને રૂઢીવાદી અને અભણતામાં ખપાવવામાં તેમને અનેરો આનંદ આવે. ને જો હિંદુ ભૂલથી પ્રતિકાર કરી બેસે તો? આ લેફ્ટ લિબરલ ગેંગ પોક મૂકીને રડવા માંડે છે.

    નવરાત્રિ પણ આ પ્રકારનાં દૂષણોથી નહોતી બાકાત

    અહીં વાત થઈ રહી હતી નવરાત્રિની, તો ફરી તેના પર જ આવીએ. ગુજરાતીઓની ઓળખ સમાન નવરાત્રિ પણ ઉપરોક્ત બાબતોથી બાકાત નહોતી. ગુજરાતના ભૂતકાળમાં જ ડોકિયું કરીએ તો એવી અનેક ઘટનાઓ મળી જશે કે જેમાં આ મઝહબી ઉન્માદીઓએ આતંક મચાવ્યો હોય. જોકે ગુજરાત સરકાર આ મામલે પહેલેથી જ અસહિષ્ણુ છે અને તેવી ઘટનાઓ રોકવાના તમામ પ્રયત્નો પ્રશાસન તરફથી કરવામાં આવતા જ. પરંતુ ઉપર જણાવેલી ‘લિબરલ સિસ્ટમ’ના જોરે આવા તત્વોને નહતો કાયદાનો ડર, કે નહતી કાર્યવાહીની બીક.

    આ વાતનું ઉત્તમ ઉદાહરણ કહીએ તો વર્ષ 2022ની નવરાત્રિમાં ખેડાનાં માતરના ઉંઢેરા ગામમાં યોજાતા પારંપરિક ગરબા પર કટ્ટરપંથી મુસ્લિમોના ટોળાએ પથ્થરમારો કાર્યો હતો અને હિંદુઓમાં ડર પેસી ગયો હતો. જોકે જબરદસ્ત સક્રિય પોલીસ તંત્રએ તરત જ જવાબી કાર્યવાહી કરી અને પથ્થરમારો કરનાર ઉપદ્રવીઓને પકડીને તેમની જાહેરમાં ‘સર્વિસ’ કરી નાખી.

    પરિણામ શું આવ્યું? કાર્યવાહી કરનાર પોલીસકર્મીઓ વિરુદ્ધ કેસ થયા, તેમને ગુજરાત હાઈકોર્ટે સજા પણ ફટકારી. જોકે બાદમાં સુપ્રીમ કોર્ટે સજા પર રોક લગાવી. પરંતુ ‘પ્રોસીજર’થી તો તેમને ગુજરવું જ પડ્યું. બીજી તરફ ઘટનાઓ તે પહેલાં પણ ઘટી હતી અને તે બાદ પણ ચાલુ જ રહી. વર્ષ 2023માં ભરૂચમાં અમુક મુસ્લિમ યુવકોએ હિંદુઓને ગરબા ન રમવા માટે ધમકી આપ્યાનો પણ એક કેસ સામે આવ્યો હતો. 2022માં સુરતમાં બજરંગદળે હિંદુ ઓળખ ધારણ કરીને ગરબા મંડપમાં ઘૂસી ગયેલા મુસ્લિમ યુવકોને પકડ્યા હતા.

    અખબારોની મોટી-મોટી હેડલાઈનોએ ખરા આરોપીઓને તેમની કટ્ટરતાનું કારણ પૂછવાની જગ્યાએ કાર્યવાહી કરનાર પોલીસ પર માછલાં ધોયાં. માત્ર ગરબાના આયોજનો પર પથ્થરમારો જ નહીં. એ સિવાય પણ અનેક દૂષણો હતાં, જે નવરાત્રિ દરમિયાન ઊભાં થતાં અને હિંદુઓને ક્યારેય ન પૂરાઈ શકે તેવી ખોટ આપીને જતા.

    નવરાત્રીમાં હિંદુ વિરોધી દૂષણો

    દુષણોની વાત કરીએ તો, લવ જેહાદ (Love Jihad) કે જેને લિબરલ અને વામપંથી ગેંગ આખો આજદિન સુધી નકારતી આવી છે. આ નવરાત્રિમાં એક મહત્વપૂર્ણ મુદ્દો રહેતો. બિનહિંદુ યુવકો દ્વારા ઓળખ છુપાવીને ગરબા આયોજનોમાં હિંદુ દીકરીઓને ખોટી ઓળખ આપી ફસાવવી, તેમનો દુરુપયોગ કરવો અને અંતે તેમનું જીવન નરક કરતા પણ આકરું કરી નાખવું- આવી ઘટનાઓ ભૂતકાળમાં સામે આવી ચૂકી છે.

    તાજેતરની વડોદરાની બળાત્કારની ઘટના પછી તેમાં ઊંડાણપૂર્વક ન જઈએ તો પણ સમજી શકાય કે કહેવાનો ભાવાર્થ શું છે. ગરબાના ગ્રાઉન્ડ જ નહીં, પણ બિનહિંદુઓ દ્વારા ચલાવવામાં આવતા ગરબા ક્લાસ પણ તેમાં મહત્વનો ભાગ ભજવતા. એવી પણ અનેક ઘટનાઓ ભૂતકાળમાં સામે આવી ચૂકી છે કે જેમાં ગરબા ક્લાસની આડમાં હિંદુ યુવતીઓનો દુરુપયોગ કરવામાં આવ્યો હોય. ચણીયાચોળી વેચવાથી લઈને ગરબાના ગ્રાઉન્ડમાં લગાવવામાં આવતા સ્ટોલ અને ઓળખ છૂપાવીને ઘૂસતા બિનહિંદુઓ, દુષણોએ તહેવારને ઉધઈની જેમ કોરી ખાધો હતો.

    વર્તમાનમાં પરિસ્થિતિ બદલાઈ, કારણ શું?

    ઉપરનું લખાણ વાંચીએ અને આ વર્ષે યોજાયેલી નવરાત્રિ તરફ નજર કરીએ, તો તેમાં જમીન આસમાનનો ફરક નજરે પડશે. ન તો ક્યાંય ગરબા પર પથ્થરમારો કરવાની ઘટના સામે આવી, કે ન ક્યાંયથી લવ જેહાદના સમાચારોએ દેખા દીધી. દર વર્ષે કડક કાયદાઓ વચ્ચે યોજાતા ગરબા કાર્યક્રમો ઉલટાના આ વખતે આખી રાત ચાલુ રહ્યા. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પોતે કરેલી જાહેરાત મુજબ માત્ર ગરબા જ નહીં, દુકાનો અને હોટલો પણ આખી આખી રાત ખુલ્લી રહી. લોકો આખી રાત રસ્તાઓ પર ફર્યા પણ બધું પૂરું થયું શાંતિપૂર્વક.

    એક રીતે આ વર્ષની નવરાત્રિ મઝહબી ઉન્માદોથી દૂર રહી, પણ આખરે એનું કારણ શું?

    કારણ માત્ર એટલું જ કે, હિંદુ સંગઠનો ખાસ કરીને બજરંગદળ હતું તેના કરતાં વધુ એક્ટિવ થયું અને સમાજ પોતે પણ જાગૃત થયો. એવું નથી કે આ પહેલાં હિંદુ સંગઠનો એક્ટિવ નહોતાં. આ પહેલાં પણ સંગઠનો પોતાનું કામ કરી જ રહ્યાં હતાં. પરંતુ જેમ-જેમ પરિસ્થિતિઓ બદલાતી ગઈ, ઘટનાઓ ઘટતી ગઈ, હિંદુ માર ખાતો રહ્યો તેમ-તેમ સામાન્ય હિંદુની તંદ્રા તૂટતી ગઈ. એ

    ક સમયે બજરંગદળને ‘અસામાજિક, ગુંડા તત્વો’ ગણતા હિંદુઓને બ્રહ્મજ્ઞાન થયું કે, વાસ્તવમાં આ સંગઠનો જ હતાં કે જેમણે આજદિન સુધી તેમની રક્ષા કાજે પોતાનું હિત-અહિત નહોતું વિચાર્યું. છેલ્લાં કેટલાંક વર્ષોની ઘટનાઓનું પરિણામ તે આવ્યું કે હિંદુ સમાજને હિંદુ સંગઠનોનું મૂલ્ય સમજાયું. બીજી તરફ ઘટનાનોની તીવ્રતાઓ જેમ વધી, સંગઠનો પણ એટલાં જ સજાગ બન્યાં.

    હિંદુ સંગઠનોને મળ્યો હિંદુઓનો સહયોગ

    છેલ્લાં બે વર્ષની વાત કરીએ તો મોટાં મહાનગરોથી લઈને નાનાં શહેરો સુધી સંગઠનો નવરાત્રિમાં ખડેપગે રહ્યાં છે. એ વાત નકારી શકાય નહીં કે ક્યાંક પ્રોપગેન્ડામાં ફસાઈ જઈને વિરોધ કરતા પોતાના જ અમુક લોકોનો સામનો કર્યો હોવા છતાં સંગઠનોએ ક્યારેય હિંદુ સમાજને નારાજગીની દ્રષ્ટિથી નથી જોયો. જેમ એક માતાના અનેક સંતાનોમાં નાની-મોટી ખટપટ હોય પણ તેઓ ક્યારેય એક બીજાથી વિમુખ ન થાય, તેમ જ હિંદુ સંગઠનો અને હિંદુ સમાજના લોકો વચ્ચે અંતર કયારેય એટલું બધું ન આવ્યું કે તેઓ દૂર થઇ જાય.

    બજરંગદળે છેલ્લાં બે-ત્રણ વર્ષમાં કરેલી કામગીરીનું પરિણામ આ વર્ષે જોવા મળ્યું. ગરબાના ગ્રાઉન્ડમાં હિંદુની ઓળખ કરીને પ્રવેશ આપવાનો આગ્રહ, ગરબા આયોજનમાં લગાવવામાં આવતા સ્ટોલ, દુકાનોમાં માત્ર હિંદુઓને જ પરવાનગી, ખાસ કરીને બિનહિંદુઓ દ્વારા સંચાલિત ગરબા ક્લાસ અને અન્ય બાબતો પર મેળવેલું નિયંત્રણ. સંગઠનોનું નેટવર્ક, સ્વયંસેવકો અને કાર્યકર્તાઓએ ધર્મ અને સમાજ પ્રત્યે સમર્પણ ભાવ રાખીને કરેલી મહેનત રંગ લાવી અને અંતે પરિણામ આપણી સામે છે.

    જો આમ જ ચાલતું રહ્યું, તો તમામ હિંદુ તહેવારો ઉજવાશે શાંતિથી

    હિંદુ સમાજ પણ હવે હિંદુ સંગઠનોની કિંમત સમજ્યો છે. તેમણે સમયે થયેલી ટકોર સમજી લીધી અને પોતાના લોકો દ્વારા કરવામાં આવેલા પ્રયત્નોને સહકાર આપ્યો. સામાન્ય તિલક લગાવવા જેવી વાત હોય કે લાઈનમાં ઉભા રહીને પોતાની ઓળખ આપવાની હોય. ગરબા રમવાના થનગનાટને થોડીવાર પૂરતો એક તરફ રાખીને પોતાની નૈતિક ફરજ સમજી હિંદુઓએ આ વખતે સંગઠનોને સહકાર આપ્યો. વાત માત્ર ખેલૈયાઓ પૂરતી જ નથી રહી જતી. વાત તેવા આયોજકોની પણ કરવી પડે, કે જેમણે સંગઠનોને સંપૂર્ણ સહયોગ આપ્યો. તે તમામ વાતો માની જે હિંદુઓના હિતમાં હતી. સીધી અને સરળ ભાષામાં કહીએ તો આ નવરાત્રિ ખૂબ જ શાંતિપૂર્ણ વીતી એમાં મહેનતનો એક ભાગ સંગઠનોનો, સમજદારીનો એક ભાગ હિંદુ સમાજનો અને સહયોગનો એક ભાગ આયોજકોનો રહ્યો.

    અહીં એમ ચોક્કસથી કહીશ કે આ નવરાત્રિ પરથી હિંદુ સમાજ જો શીખે, તો તેમને આ મુજબ જ દરેક તહેવારો પર જાગૃત રહેવાની જરૂર છે. સાથે-સાથે તેમના જ રક્ષણ માટે કામ કરતા સંગઠનો સાથે ખભેથી ખભો મેળવીને કામ કરવાની જરૂર છે. જે લોકો હિંદુ સંગઠનોને કટ્ટર ગણીને તેમને વખોડે છે, સમજે જાગૃત થઈને તેમને વાસ્તવિક પરિસ્થિતિથી અવગત કરાવવાની જરૂર છે. જો આમ થઇ ગયું, તો માત્ર નવરાત્રિ જ નહીં, તમામ હિંદુ તહેવારો આમ જ ઉજવાશે.

    રાજ્ય સરકાર અને એક્ટિવ પ્રશાસન, પોલીસની કામગીરીએ સોનામાં સુગંધ ભેળવવાનું કામ કર્યું

    ઉપરની વાત તો કદાચ સમજી ગયા હશો. પરંતુ તે બધું જ જો શક્ય બન્યું હોય તો તેનો શ્રેયનો એક મોટો હિસ્સો ગુજરાત સરકાર અને ગુજરાત પોલીસને પણ જાય છે. નવરાત્રિ, 2024 સફળ થવા પાછળ ગુજરાત સરકાર અને પોલીસની પણ એટલી જ મહેનત રહી છે, જેટલી હિંદુ સમાજ અને સંગઠનોની. સરકાર દ્વારા ઉભી કરવામાં આવેલી વ્યવસ્થાઓ, ચોકસાઈઓ અને આપવામાં આવેલા નિર્દેશો, તે નિર્દેશો અનુસાર પોલીસે કરેલી બિરદાવવાલાયક કામગીરીએ વાસ્તવમાં આ નવરાત્રિની સફળતામાં સોનામાં સુગંધ ભેળવવાનું કામ કર્યું છે.

    એક તરફ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ નોરતા શરૂ થાય તે જ દિવસે જાહેરાત કરી દીધી હતી કે ગરબા સવારો-સવાર ચાલશે. દુકાનો, હોટલો રેસ્ટોરેન્ટો આખી રાત ખુલ્લી રહેશે, પોલીસ ખડેપગે રહેશે. સરકારે આપેલી સહૂલિયતે નવરાત્રિ સફળ કરી. બીજી તરફ એ ન ભૂલવું જોઈએ કે ગુજરાત પોલીસે પણ એટલા જ ઉજાગરા કર્યા, જેટલા ખેલૈયાઓ કદાચ તેનાથી પણ વાધારે કહીએ તો એમાં કોઈ અતિશયોક્તિ નથી. ખેલૈયાઓ, ખાસ કરીને મહિલાઓની સુરક્ષા માટે ગુજરાત પોલીસ ખડે પગે રહી છે. ક્યાંય પથ્થરમારો તો દૂર, કાંકરીચાળો ન થાય તેની તકેદારી પોલીસે પ્રથમ દિવસથી જ રાખી હતી.

    ગુજરાત પોલીસની મહિલા વિંગ પોતે ગરબાના ગ્રાઉન્ડમાં ઉતરી પડી હતી. ચણિયાચોળીમાં સજીધજીને ગુજરાત પોલીસની She Team દ્વારા કરવામાં આવેલું કામ બિરદાવવાલાયક હતું. અભયમ 181 સતત ખડેપગે રહ્યું. પોલીસે ઝીણામાંઝીણી બાબતોને ગંભીરતાથી લઈને આ નવરાત્રિને ખરા અર્થમાં ‘બેદાગ’ રાખી છે. પોલીસે સતત નાઈટ પેટ્રોલિંગ, ચેકિંગ અને ચાંપતા બંદોબસ્તથી નવરાત્રિને સફળ કરવામાં મહત્વનો ભાગ ભજવ્યો છે. એટલે ગુજરાત સરકાર અને ગુજરાત પોલીસને પણ આ નવરાત્રિની સફળતાનો શ્રેય જાય છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં