Monday, October 7, 2024
More
    હોમપેજમંતવ્યજો પીએમ મોદી ‘પનોતી’ હોય તો ભારતને આવા ‘પનોતી’ વડાપ્રધાનની જ જરૂર...

    જો પીએમ મોદી ‘પનોતી’ હોય તો ભારતને આવા ‘પનોતી’ વડાપ્રધાનની જ જરૂર છે

    સંયોગની યાત્રા પર એક દિવસ પૂર્ણવિરામ મૂકાઈ જાય છે. પણ મજબૂત જમીન આગામી પેઢીઓનું ભવિષ્ય બદલી નાખે છે. જમીન તૈયાર કરનારો સૂરજ ભલે પોતાની યાત્રા પૂર્ણ કરી ચૂક્યો હશે, પણ આ તૈયાર થયેલી જમીન દેશને સ્વર્ણિમ માર્ગ પર આગળ વધારતી રહેશે.

    - Advertisement -
    • તમને ખબર છે આજે ભારતનું સ્પોર્ટ્સ બજેટ કેટલું છે?
    • તમે ‘TOPS’ એટલે કે ટાર્ગેટ ઓલમ્પિક પોડિયમ સ્કીમ વિશે જાણો છો?
    • તમે ‘ખેલો ઈન્ડિયા’ હેઠળ દેશભરમાં તૈયાર થઈ રહેલા ટેલેન્ટ પૂલ વિશે જાણો છો?

    આ પ્રશ્નોના જવાબ ત્રણ કારણોના લીધે જાણવા જરૂરી છે. પહેલું, તેનાથી જાણવા મળશે કે કેવી રીતે મોદી સરકારે કઈ રીતે એક સમયે ‘પઢોગે લિખોગે તો બનોગે નવાબ, ખેલોગે-કૂદોગે તો હોગે ખરાબ’માં માનતા એક દેશમાં મજબૂત સ્પોર્ટ્સ ઈકોસિસ્ટમ તૈયાર કરી છે. એવા દેશમાં, જ્યાં સરકારો માનતી હતી કે આ તો માત્ર રમત છે, તેના માટે સિસ્ટમ કેવી?

    બીજું, જે દેશમાં ગલી-ગલીએ ટેલેન્ટ વેડફાય જતાં હતાં, તે દેશની જ ગલીઓમાંથી નીકળતાં ટેલેન્ટ હવે વિશ્વ સ્તરની તાલીમ મેળવીને આંતરરાષ્ટ્રીય મંચો પર દેશનું નામ રોશન કરી રહ્યાં છે. આ જ વર્ષે ભારતે એશિયન ગેમ્સમાં પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કર્યું. ‘ખેલો ઈન્ડિયા’ અભિયાનથી નીકળેલા લગભગ સવા સો ખેલાડીઓ એશિયન ગેમ્સનો ભાગ હતા. જેમાંથી 36 ખેલાડીઓ એવા હતા, જેમણે મેડલો પણ જીત્યા.

    આ પ્રશ્નોના જવાબો જાણવાનું ત્રીજું કારણ તાત્કાલિક છે. કારણ કે 2014 અને 2019ના જનાદેશને ભારોભાર નફરત કરતો એક વર્ગ ક્રિકેટ વર્લ્ડ કપની ફાઇનલમાં મળેલી હાર બાદ તમારા વડાપ્રધાનને ‘પનોતી’ કહીને તમારા જ મતનું અપમાન કરી રહ્યો છે.

    - Advertisement -

    કોઇ પણ દેશમાં સ્પોર્ટ્સ ઈકોસિસ્ટમ કેટલી મજબૂત છે તે જાણવું હોય તો ઓલમ્પિક્સમાં તે દેશ તરફથી ક્વોલિફાય થતા ખેલાડીઓની સંખ્યા જાણવી. 2012ના લંડન ઓલમ્પિક્સમાં ભારતના 83 ખેલાડીઓ ક્વોલિફાય થયા હતા. પણ મોદી સરકાર આવ્યા બાદ થયેલા 2 ઓલમ્પિક્સ રિયો ડી જેનેરિયો 2016 અને ટોક્યો 2020 ઓલમ્પિક્સમાં ક્રમશઃ 117 અને 126 ખેલાડીઓ ક્વોલિફાય થયા હતા. 

    હવે મોદી સરકારે આ ઈકોસિસ્ટમ વિકસાવવા માટે જે કામો કર્યાં તેની ઉપર નજર ફેરવો. 9 વર્ષ પહેલાં જેટલું સ્પોર્ટ્સ બજેટ હતું તેના કરતાં આજે 3 ગણું થઈ ચૂક્યું છે. આ વર્ષ માટે કેન્દ્ર સરકારે યુવા અને રમતગમત મંત્રાલયને ₹3389.32 કરોડનું બજેટ ફાળવી આપ્યું છે. લક્ષ્ય માત્ર એક જ છે- ખેલાડીઓને વધુ સારી સુવિધાઓ અને તાલીમ ઉપલબ્ધ કરાવીને 2024ના પેરિસ ઓલમ્પિક્સ અને પેરાલિમ્પિક્સમાં હજુ સારું પ્રદર્શન કરવું.

    ઉલ્લેખનીય છે કે 2007-08માં ભારતનું સ્પોર્ટ્સ બજેટ હતું માત્ર 708 કરોડ રૂપિયા. જોકે, 2009-10માં આ બજેટ 3670 કરોડ થયું હતું, પણ તેનો ઉદ્દેશ્ય ઈકોસિસ્ટમ વિકસિત કરવાનો નહીં 2010માં દિલ્હીમાં યોજાનાર કોમનવેલ્થ ગેમ્સની તૈયારીનો હતો. ત્યારપછી સતત બજેટમાં ઘટાડો થતો ગયો. પણ મોદી સરકાર આ ક્ષેત્રના બજેટમાં સતત નોંધપાત્ર વધારો કરતી રહી છે. 

    આ પૈસા ખર્ચ કરવા માટે રીતસરનો રોડમેપ તૈયાર કરવામાં આવ્યો છે. ખેલો ઈન્ડિયા અને TOPS જેવી યોજનાઓ તૈયાર કરવામાં આવી છે. આ યોજનાઓ હેઠળ શાળા, કોલેજો, યુનિવર્સિટીઓના સ્તરે પ્રતિભાશાળી ખેલાડીઓની ઓળખ કરવામાં આવી રહી છે અને તેમની તાલીમ, ડાયેટ અને અન્ય બાબતો પર સરકાર ખર્ચ કરી રહી છે. 

    ખેલો ઈન્ડિયા હેઠળ ટેલેન્ટ પૂલ તૈયાર કરવાનું કામ ચાલે છે. હમણાં દેશમાં લગભગ 3 હજાર ખેલાડીઓને આ યોજના હેઠળ તાલીમ આપવામાં આવી રહી છે. તેમને 8 વર્ષ માટે વર્ષે 5 લાખ રૂપિયા પણ આપવામાં આવી રહ્યા છે. આ જ રીતે TOPS હેઠળ સુનિશ્ચિત કરવામાં આવી રહ્યું છે કે દેશના શીર્ષ ખેલાડીઓને વિશ્વની શ્રેષ્ઠતમ તાલીમ મળે. 

    તેનો ફાયદો ઓલમ્પિક્સથી લઈને એશિયન ગેમ્સ સુધી ભારતના પ્રદર્શનમાં આવેલા સુધારા સ્વરૂપે જોવા મળ્યો છે. આ બધું એ દેશમાં થઈ રહ્યું છે, જ્યાં રમતગમત ક્ષેત્રે હંમેશા સરકારો ઉપેક્ષા જ કરતી આવી. જેના કારણે ક્યારેક કોઇ અભિનવ બિંદ્રાએ સ્વર્ણિમ પ્રદર્શન પણ કર્યુ તો તે દેશના માળખાની સફળતાથી વધુ તેમની વ્યક્તિગત સફળતા જ ગણાઈ.

    આજે ગ્રામ્ય સ્તર સુધી રમત ક્ષેત્રના માળખાને લઈને કેન્દ્ર સરકાર પૈસા ખર્ચી રહી છે. રાષ્ટ્રીય ખેલ મહાસંઘોને આર્થિક સહાય મળી રહી છે. આંતરરાષ્ટ્રીય સ્પર્ધાના વિજેતા હોય કે તેમના કોચ, તેમને પુરસ્કૃત કરવામાં આવી રહ્યા છે. રાષ્ટ્રીય ખેલ પુરસ્કાર, ઉત્કૃષ્ટ ખેલાડીઓનું પેન્શન, પંડિત દીનદયાળ ઉપાધ્યાય રાષ્ટ્રીય ખેલ કલ્યાણ કોષ, રાષ્ટ્રીય ખેલ વિકાસ કોષ, સ્પોર્ટ્સ ઓથોરિટી ઑફ ઇન્ડિયા વગેરે દ્વારા તાલીમ કેન્દ્રોનું સંચાલન થઈ રહ્યું છે. પૈસાની ફાળવણી યોજનાઓના અમલીકરણના આધારે થઈ રહી છે, રાજ્યોની સરકારો કઈ પાર્ટીની છે તે જોઈને નહીં. 

    આ બધું મોદી સરકારના બીજા કાર્યકાળમાં થઈ રહ્યું હોય તેવું પણ નથી. રમતગમતને લઈને સરકારનું વિઝન 2014થી જ સ્પષ્ટ હતું. આ સરકાર માનતી આવી છે કે દેશની પ્રગતિ  દેશમાં રમત જગતનું માળખું કેટલું વ્યાપક એ મજબૂત છે તેની ઉપર પણ આધાર રાખે છે. આ જ કારણ છે કે મોદી સરકારે પહેલા કાર્યકાળમાં પણ વિવિધ યોજનાઓ હેઠળ 6801 કરોડ ૩૦ લાખ રૂપિયા ફાળવ્યા હતા. 

    વડાપ્રધાન મોદીએ આ વર્ષે ગોવામાં 37મી નેશનલ ગેમ્સને સંબોધિત કરતાં કહ્યું હતું કે, “કોઇ પણ દેશના રમતજગતની પ્રગતિનો સીધો સંબંધ તે દેશની અર્થવ્યવસ્થાની પ્રગતિ સાથે હોય છે. નકારાત્મકતા અને નિરાશા ભલે મેદાનમાં પણ કેમ ન હોય, પણ તેની અસર જીવનનાં દરેક ક્ષેત્ર પર જોવા મળે છે. રમત ક્ષેત્રની સફળતાને ભારતની સફળતાથી અલગ કરીને જોઈ શકાય નહીં.”

    હવે આવીએ 19 નવેમ્બર, 2023ના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં. 50 ઓવરના વિશ્વકપ ક્રિકેટ ફાઇનલમાં ભારત અને ઑસ્ટ્રેલિયા સામસામે ટકરાયાં. ભારતીય ટીમ આખી ટૂર્નામેન્ટમાં અજેય રહી હતી. ફાઇનલમાં ખેલાડીઓનો ઉત્સાહ વધારવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ પહોંચ્યા. તેમાં કશું નવું પણ ન હતું. પહેલાં પણ આપણે પીએમ મોદીને વિવિધ ક્ષેત્રોના ખેલાડીઓનો આ પ્રકારે ઉત્સાહ વધારતા જોયા છે. પણ ભારતીય ટીમની હાર બાદ જે પ્રકારની ટિપ્પણીઓ કરવામાં આવી, તેનાથી સ્પષ્ટ છે કે મોદીને નફરત કરનારો વર્ગ પોતાના જ દેશની હારની પ્રતિક્ષામાં બેઠો હતો. 

    ક્રિકેટ એવી રમત છે જેના સંચાલન કે માળખામાં સરકાર કોઇ દખલ કરતી નથી. દેશની ગલી-ગલીમાં ક્રિકેટ પહોંચાડવાનો શ્રેય ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ- BCCIને જાય છે. સમયે-સમયે BCCIના પ્રશાસનિક વલણને લઈને વિવાદ થતા રહે છે, પણ તેમ છતાં આ રમત સમય સાથે દેશમાં પોતાની અસર વધારતી જ ગઈ. 1983માં પહેલી વખત ક્રિકેટ વર્લ્ડ કપ જીતવાની વાત હોય કે પછી 2011માં ફરીથી વિશ્વવિજેતા બનવાની, આ BCCIના જ પ્રશાસનિક નેતૃત્વમાં શક્ય બન્યું છે. સંયોગ માત્ર એટલો હતો કે તે સમયે વડાપ્રધાન ઈન્દિરા ગાંધી અને મનમોહન સિંઘ હતાં. જો રમતજગતને લઈને સરકારો ગંભીર હોત તો 2008 સુધી મળેલા 17 ઓલમ્પિક્સ મેડલમાંથી 11 આપનારી હૉકીને આમ અવગણી દેવાઇ ન હોત. 

    રમતના ક્ષેત્રમાં કોઇ પણ સરકારનાં કામનું મૂલ્યાંકન એ બાબત પર નિર્ભર કરે છે કે તેમણે કેવું દેશવ્યાપી માળખું તૈયાર કર્યું છે. જમીન પર જઈને પ્રતિભા ઓળખવા માટે કેવી વ્યવસ્થા ઉભી કરી છે. તેમને વિશ્વસ્તરીય સ્પર્ધા માટે કેવી રીતે તૈયાર કરવામાં આવી. આ જ ક્ષેત્રોમાં કામ કરવાથી કોઇ દેશ રમત ક્ષેત્રે મહાશક્તિ બને છે. પરંતુ પહેલાંની સરકારોએ આ દિશામાં ગંભીરતાથી વિચાર્યું નહીં કે રસ પણ ન લીધો. આ દિશામાં કામ જ શરૂ થયું 2014 પછીથી.

    રમતજગતમાં મહાશક્તિ બનવા માટે ભારતે લાંબી મજલ કાપવાની છે. મોદી સરકાર આ યાત્રા માટે એ જમીન તૈયારી કરી રહી છે, જેની ઉપર જ ચાલીને અમેરિકા, રશિયા, ચીન જેવા દેશો રમત ક્ષેત્રે મહાશક્તિ બન્યા છે. જો આવી જમીન તૈયાર કરનાર વડાપ્રધાન ‘પનોતી’ હોય તો આપણને સ્વીકાર્ય છે.

    અમદાવાદની એક ખરાબ સાંજ કે એક કપ હાથમાંથી નીકળી જવાથી કોઇ એવા નેતૃત્વનો સ્વીકાર ન કરી લેવાય, જેમનું કોઇ કપ મળવા સમયે સત્તામાં હોવું માત્ર એક સંયોગ હતો, અને સંયોગની યાત્રા પર એક દિવસ પૂર્ણવિરામ મૂકાઈ જાય છે. પણ મજબૂત જમીન આગામી પેઢીઓનું ભવિષ્ય બદલી નાખે છે. જમીન તૈયાર કરનારો સૂરજ ભલે પોતાની યાત્રા પૂર્ણ કરી ચૂક્યો હશે, પણ આ તૈયાર થયેલી જમીન દેશને સ્વર્ણિમ માર્ગ પર આગળ વધારતી રહેશે, દેશને ગૌરવ અપાવતી ક્ષણો વારંવાર પૂરી પાડતી રહેશે. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં