Thursday, April 18, 2024
More
  હોમપેજમિડિયાઇસ્લામી હિંસા પર આંખ આડા કાન, દોષનો ટોપલો હિંદુઓ પર, ગેરમાર્ગે દોરતા...

  ઇસ્લામી હિંસા પર આંખ આડા કાન, દોષનો ટોપલો હિંદુઓ પર, ગેરમાર્ગે દોરતા દાવા..: નૂંહ હિંસા પર ‘ગુજરાત મિત્ર’માં પ્રકાશિત લેખ મીડિયાના સેક્યુલર પત્રકારત્વનો વધુ એક નમૂનો

  આમ તો મીડિયાનો એક વર્ગ કાયમ ‘તટસ્થતા’ના બૂમબરાડા પાડતો રહે છે, પરંતુ જ્યારે ઇસ્લામી હિંસાની વાત આવે ત્યારે આ ‘તટસ્થતા’ પાછલા દરવાજેથી વિદાય લઇ લે છે. ત્યારે વિશ્લેષણ કરતી વખતે પોચું ભાળીને હિંદુઓને કહી દેવાય છે કે ‘તમે ત્યાં ગયા જ શું કામ હતા?’

  - Advertisement -

  હરિયાણાના નૂંહમાં હિંદુઓની શાંતિપૂર્ણ ધાર્મિક યાત્રા પર પૂર્વનિયોજિત કાવતરાના ભાગરૂપે ઇસ્લામીઓએ કરેલા હુમલા બાદ હિંસા અને તોફાનોની સમગ્ર ઘટનાને જુદી જ દિશામાં વાળીને દોષનો ટોપલો હિંદુઓ પર ઢોળવા માટેના પ્રયાસો શરૂ થઇ ગયા છે. મીડિયાનો એક વર્ગ પણ તેમાં હોંશે-હોંશે જોડાયો છે. જ્યાં મુસ્લિમ તોફાનીઓનાં બર્બર અને હિંસાત્મક કૃત્યોનો વીંટો વાળી દઈને દોષી હિંદુઓને સાબિત કરવા મથામણ થઇ રહી છે. 

  સુરતથી પ્રકાશિત થતા દૈનિક ‘ગુજરાત મિત્ર’માં શનિવારે (5 ઓગસ્ટ, 2023) હરિયાણાની હિંસા વિશે એક લેખ છપાયો. શીર્ષક છે- ‘હવે હરિયાણામાં હિંસા.’ આ લેખ ‘રસપ્રદ’ છે. આખા લેખમાં ક્યાંય ઇસ્લામીઓએ કરેલા હુમલા કે હિંસાનો ઉલ્લેખ નથી, ઉપરથી મોનુ માનેસર અને અન્ય હિંદુ કાર્યકર્તાઓ અને અહીં સુધી કે યાત્રામાં સામેલ હિંદુઓ પર સવાલ ઉઠાવવામાં આવ્યા છે.

  લેખની શરૂઆતમાં મણિપુર અને દિલ્હી બાદ ગુરૂગ્રામમાં હિંસાના બનાવ બન્યા હોવાનું કહીને ઉમેર્યું કે, ‘કોઈ ઈચ્છે છે કે કોમી શાંતિનો ભંગ થાય.’ આગળ નૂંહમાં VHP આયોજિત બ્રિજમંડળ યાત્રામાં હુમલો થયો હોવાનું કહીને છ લોકોનાં મૃત્યુ થયાં હોવાની વાત લખવામાં આવી. પરંતુ આ છમાંથી વિશેષ ઉલ્લેખ એકમાત્ર મૌલવીનો કરવામાં આવ્યો. જ્યારે આ હિંસામાં ચાર નિર્દોષ હિંદુઓ પણ મૃત્યુ પામ્યા છે, જેમનો એકમાત્ર ‘ગુનો’ હિંદુ હોવાનો હતો. 

  - Advertisement -
  સાભાર- ગુજરાત મિત્ર, સુરત આવૃત્તિ (શનિવાર- 5 ઓગસ્ટ, 2023)

  નૂંહ હિંસામાં કુલ 6 લોકો માર્યા ગયા, જેમાં બે હોમગાર્ડ્સ, બજરંગ દળ કાર્યકર્તા, મીઠાઈની દુકાનમાં કામ કરતો હિંદુ અને એક મૌલવીનો સમાવેશ થાય છે. પ્રદીપ કુમાર નામના બજરંગ દળ કાર્યકર્તા નલ્હડ મંદિરે અન્ય હિંદુ શ્રદ્ધાળુઓ સાથે ફસાયા હતા, ત્યાંથી તો પોલીસે તેમને બચાવી લીધા પરંતુ ઘરે પરત ફરતી વખતે ઇસ્લામી ટોળાએ તેમની હત્યા કરી નાખી. અભિષેક જે બસમાં જઈ રહ્યા હતા તેમાં ફસાયેલી મહિલાઓ અને બાળકોને બચાવવા માટે નિઃશસ્ત્ર લડ્યા હતા, ઇસ્લામીઓએ તેમને પણ મારી નાખ્યા હતા. શક્તિ સૈની નામનો એક યુવક મેવાતની એક મીઠાઈની દુકાનમાં કામ કરતો હતો, ટોળાએ તેને પણ ખેંચી કાઢીને હત્યા કરી નાખી હતી. 

  ગેરમાર્ગે દોરતા દાવા કરીને બેલેન્સિંગનો પ્રયાસ 

  લેખના બીજા ફકરાની શરૂઆત એક ગેરમાર્ગે દોરતા દાવા સાથે કરવામાં આવી છે. લખવામાં આવ્યું છે- ‘આ પહેલાં દિલ્હીમાં મોહરમના જુલુસ પર પથ્થરમારો થયો હતો અને એમાંથી હિંસા વણસી શકે એમ હતી.’ 

  આ વાંચીને સ્વભાવિક લાગે કે મોહરમનું જુલુસ પસાર થઇ રહ્યું હોય ત્યારે પથ્થરમારો કરવામાં આવ્યો હોય અને જો તેમ હોય તો શંકાની સોય હિંદુઓ તરફ જાય. પણ અહીં વાસ્તવિકતા એ છે કે મોહરમના ‘જુલુસ પર’ નહીં પણ ‘જુલુસમાંથી’ પથ્થરમારો થયો હતો. વાસ્તવમાં, મોહરમ પર દિલ્હીના નાંગલોઈ વિસ્તારમાં જુલુસનું આયોજન કરવામાં આવ્યું હતું. અધવચ્ચે જઈને મુસ્લિમ યુવાનોએ તેનો રૂટ બદલીને સ્ટેડિયમમાં તાજિયા લઇ જવાની જીદ કરી, પરંતુ પોલીસે ફગાવી દીધી કારણ કે અગાઉથી તેવું નક્કી થયું ન હતું. જેનાથી મુસ્લિમ ટોળું ઉશ્કેરાઈ ગયું અને પોલીસ અને સામાન્ય નાગરિકો પર પથ્થરમારો કર્યો હતો. એટલે અહીં જુલુસ પર પથ્થરમારો નહતો થયો પણ જુલુસમાં સામેલ લોકોએ પથ્થરમારો કર્યો હતો. બંને વાતો સામા છેડાની છે. 

  મુસ્લિમ ટોળાંનાં બર્બર કૃત્યો પર આંખ આડા કાન, હિંદુઓ દોષી 

  લેખના મહત્વપૂર્ણ હિસ્સાની શરૂઆત ‘સૌથી મહત્વની વાત એ છે કે આ હિંસા પાછળ કોણ જવાબદાર છે?’ કહીને કરવામાં આવી છે. બેફામ બની ગયેલાં ઇસ્લામીઓનાં ટોળાંએ 31 જુલાઈએ નૂંહમાં કઈ રીતે હિંસા આચરી અને હિંદુઓ પર સુનિયોજિત હુમલો કર્યો તેનું વિસ્તૃત કવરેજ ઑપઇન્ડિયા કરી ચૂક્યું છે. કરી રહ્યું છે. અનેક FIR પરથી રિપોર્ટ્સ પ્રકાશિત કરવામાં આવ્યા, જેમાં સ્પષ્ટ ઉલ્લેખ છે કે કઈ રીતે મુસ્લિમોનાં ટોળાંએ હિંદુઓથી માંડીને પોલીસને નિશાન બનાવ્યા હતા. કઈ રીતે મંદિર પર હુમલો કરીને શ્રદ્ધાળુઓને બંધક બનાવી લેવામાં આવ્યા હતા તેની પણ વિગતો મળશે. હમણાં જ સામે આવ્યું કે હિંસાના દિવસે ઇસ્લામીઓનું એક ટોળું નૂંહની એક હોસ્પિટલમાં ઘૂસી ગયું હતું અને અહીં વારાફરતી ડોક્ટરો અને દર્દીઓને તેમનો ધર્મ પૂછીને જેઓ હિંદુ હતા તેમને અલગ કરીને માર મારવામાં આવ્યો હતો. આ બધાં કૃત્યોનો ઉલ્લેખ ‘ગુજરાત મિત્ર’ના લેખકને જરૂરી ન લાગ્યો, પણ જરૂરી લાગ્યો મોનુ માનેસર અને અન્ય હિંદુ કાર્યકર્તાનો ઉલ્લેખ. 

  એવી દલીલ આપવામાં આવી કે હિંદુ કાર્યકર્તા મોનુ માનેસર યાત્રામાં ભાગ લેવાનો હોવાની જાણકારી મળી હોવાથી મુસ્લિમો ઉશ્કેરાયા હતા. સાથે બીટ્ટુ બજરંગીએ ‘ઉશ્કેરણીજનક’ ભાષા વાપરી હોવાનું જણાવ્યું. વાસ્તવિકતા એ છે કે માનેસર યાત્રામાં જોડાયો જ ન હતો. અને જોડાયો હોય તોપણ શું મુસ્લિમોનાં આ બર્બર કૃત્યોને તેનાથી જસ્ટિફાય કરી શકાય? શું એ બદમાશી ન કહેવાય? ઉશ્કેરણીજનક ભાષાની જ્યાં સુધી વાત છે તો ફેસબુક અને અન્ય સોશિયલ મીડિયા માધ્યમો પર અનેક પોસ્ટ-વિડીયો મળી જશે જેમાં હિંદુઓ વિરુદ્ધ ઝેર ઓકવામાં આવ્યું હોય કે તેમની યાત્રા પર હુમલા માટે ઉશ્કેરણી કરવામાં આવી હોય. 

  અંતિમ ભાગમાં યાત્રામાં સામેલ હિંદુઓને પણ દોષી ઠેરવવાના બાકી રાખવામાં ન આવ્યા. લેખમાં લખવામાં આવ્યું છે- ‘યાત્રામાં સામેલ લોકો પાસે બંદૂકો હતી અને કેટલાક પાસે તલવારો પણ.’ અનેક વખત સાબિત થઇ ચૂક્યું છે કે હિંદુઓ શાંતિપૂર્ણ રીતે યાત્રા લઈને જઈ રહ્યા હતા ત્યારે મુસ્લિમ ટોળાંએ હાથમાં લાકડી-દંડા, બંદૂકો અને ઘાતક હથિયારો વડે હુમલો કર્યો હતો. પરંતુ અહીં લેખકને હિંદુઓના હાથમાં તલવાર દેખાડવાનું વધુ યોગ્ય લાગ્યું. 

  આમ તો મીડિયાનો એક વર્ગ કાયમ ‘તટસ્થતા’ના બૂમબરાડા પાડતો રહે છે, પરંતુ જ્યારે ઇસ્લામી હિંસાની વાત આવે ત્યારે આ ‘તટસ્થતા’ પાછલા દરવાજેથી વિદાય લઇ લે છે. ત્યારે વિશ્લેષણ કરતી વખતે પોચું ભાળીને હિંદુઓને કહી દેવાય છે કે ‘તમે ત્યાં ગયા જ શું કામ હતા?’ એક ટોળકીને દરેક આવી હિંસામાં દોષનો ટોપલો ઢોળવા માટે કોઈને કોઈ હિંદુ મળી જ રહે છે. CAAની હિંસામાં કપિલ મિશ્રાને દોષી બનાવવામાં આવ્યા, રામનવમી પર હિંસા થઇ તો કહેવામાં આવ્યું કે હિંદુઓ મુસ્લિમ વિસ્તારોમાં જઈને ‘નારા’ લગાવી રહ્યા હતા, કન્હૈયાલાલની હત્યા થઇ તો કહેવામાં આવ્યું કે નૂપુર શર્માએ બોલવાની શું જરૂર હતી? હવે મોનુ અને યાત્રામાં સામેલ હિંદુઓને જવાબદાર ઠેરવવાના પ્રયાસ શરૂ થયા છે. કાલે ઉઠીને આમાંનો કોઈ એમ પણ કહેશે કે આખરે હિંદુઓ અસ્તિત્વ જ કેમ ધરાવે છે? 

  ખરેખર વિશ્લેષણ કરવું હોય તો તમામ બાજુઓને સામે મૂકવી જોઈએ, પરંતુ તટસ્થ દેખાવાની હોડ જામી છે અને લેખકો તટસ્થ દેખાય તે માટે હિંદુઓએ ગુનેગાર દેખાવાનું બલિદાન આપવું પડે છે, ઘણાં વર્ષોથી તેઓ આપતા પણ રહ્યા છે.  

  - Advertisement -

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં