ગણતરી ક્યારેય કરી નથી પણ મારી અંગત લાઇબ્રેરીમાં ગુજરાતી, હિન્દી, અંગ્રેજી ભાષાનાં સેંકડો પુસ્તકો છે. આધ્યાત્મ, ઇતિહાસ, રાજકારણ, પૌરાણિક કથાઓ- આ બધા મારા રસના વિષયો છે અને તેની ઉપર લખાતાં સારાં-નરસાં પુસ્તકો હું વાંચતો રહું છું. અમુક વાંચન માત્ર મજા આવે એના માટે હોય, અમુક કશુંક નવું જાણવા, મગજની એક્સરસાઇઝ માટે. દર મહિને મારી આવકનો થોડો હિસ્સો આવાં પુસ્તકો પાછળ ખર્ચાય છે. ક્યારેક જે-તે મહિને ઓલરેડી ખર્ચ કરી નાખ્યો હોય અને વચ્ચે નવું પુસ્તક આવ્યું કે વિશેષ પુસ્તક ધ્યાનમાં ચડ્યું તો મંગાવી લેવાનું. પુસ્તકમેળા, બુકસ્ટોલની મુલાકાત લેતી વખતે થતી ખરીદી અલગ. ક્યારેક કોઈ મિત્રનું પુસ્તક ભેટમાં મળવાના સંજોગો બને. ટૂંકમાં બારેમાસ અમારે ત્યાં પુસ્તકોની આવનજાવન (આવન જ ટૂ બી પ્રિસાઇઝ) થતી રહે છે. કેટલાંક આવતાંવેંત વંચાય છે, કેટલાક થોડો સમય રહીને તો કેટલાંક ક્યારેય વંચાતાં નથી.
આ પુસ્તકો વાંચીને હું બહુ મોટો જ્ઞાની થઈ ગયો? ના. એવો મને ભ્રમ હોય તો હું મૂરખ કહેવાઉં. આ પુસ્તકોથી જ્ઞાનમાં વધારો થયો હશે, કશુંક નવું જાણવા કે શીખવા મળ્યું હશે કે વૈચારિક દ્રષ્ટિકોણને નવી દિશા મળી હશે એ વાત સાચી, પણ મારે એવું વિચારવાનું ન હોય કે આ પુસ્તકો વાંચવાના કારણે મળી પાસે કશુંક અનન્ય જ્ઞાન આવી ગયું છે અને એ જેઓ નથી વાંચતા તેમનામાં બિલકુલ નથી કે તેઓ મૂરખ છે. તેમને કશી સમજ પડતી નથી.
પરંતુ આપણે ત્યાંના અમુક લેખકો-કવિઓ, નવલકથા લખનારાઓ અને પ્રકાશકોએ એવો નરેટિવ સેટ કરી દીધો છે કે પુસ્તકો વાંચનારાઓ ભયંકર જ્ઞાની હોય છે અને જો તમે પુસ્તકો ન વાંચ્યાં તો જીવનમાં ઘણું બધું ગુમાવી દીધું છે. આની પાછળ કારણ સ્પષ્ટ છે. તેમણે તેમનાં ચોપડાં વેચવાનાં છે. નકલો કાઢીને નવી છાપવાની છે. આના માટે તેઓ આવી વાતો આપણા માથે મારતા રહે છે અને લાઇબ્રેરી તરફ ધક્કો મારતા રહે છે.
પુસ્તકોનું વાંચન તમને જીવનમાં ઘણી રીતે મદદરૂપ થાય એ વાત સાચી. પરંતુ ન વાંચ્યું કે જીવનમાં પુસ્તક ન પકડ્યું તો બહુ કાંઈ ખાટુંમોળું થઈ જવાનું નથી. જ્ઞાન મેળવવાના બીજા ઘણા રસ્તા છે ને અનુભવે શીખાય છે કે મોટું જ્ઞાન તો અનુભવથી જ આવે છે. અનુભવથી જે શીખવા મળે છે એ બીજે ક્યાંયથી શીખાતું નથી. એટલે પુસ્તકો જ્ઞાનમાં થોડોઘણો વધારો કરતાં હશે (જોકે એ વાત પણ પુસ્તક કેવું છે તેની ઉપર ઘણીખરી આધારિત છે.) પણ એ ન વાંચવાથી જીવનમાં બહુ મોટું નુકસાન નથી. ટૂંકમાં તમારા જ્ઞાન-અજ્ઞાનનો એકમાત્ર આધાર વાંચન ક્યારેય હોતો નથી. જીવનમાં ઘણાં બધાં પુસ્તકો વાંચીને બેઠેલો માણસ તદ્દન મૂરખ હોય તેવા તમને સેંકડો દાખલાઓ મળશે. જીવનમાં પુસ્તક પણ ન પકડ્યું હોય કે નિશાળનો ઓટલો ન ચડ્યો હોય તેવો માણસ પણ અગાધ જ્ઞાન લઈને બેઠો હોય તેવા પણ દાખલાઓ મળશે.
આ નરેટિવનો એક બીજો ભાગ પણ છે, જેમાં પુસ્તકોને આપણી આસ્થા સાથે જોડીને આપણને મૂરખાઓ સાબિત કરવામાં આવે છે કે પેલું ‘રિલિજિયન ઇઝ એન ઓપિયમ’વાળું માર્ક્સનું કુખ્યાત વાક્ય આપણા મગજમાં ઘૂસાડવામાં આવતું રહે છે. ઉદાહરણ આપું તમને.
‘મંદિર તરફ વળતી ભીડ જ્યારે લાઈબ્રેરી તરફ વળશે ત્યારે સમાજનો સાચો ઉદ્ધાર થશે’– આવી વાયડી વાતો તમને ફોરવર્ડિયાં સ્વરૂપે આવી હશે. ન આવી હોય તો ફેસબુક કે સોશિયલ મીડિયા પર બીજે આંટો મારતી વખતે તમને વાંચવામાં આવી હશે. પણ અહીં થોડાક પ્રશ્ન છે. પહેલો. સમાજ ક્યાં તળિયે આવી ગયો છે કે તેને ઉદ્ધારની જરૂર છે? આ બધું કોણ નક્કી કરશે કે સમાજ કેટલોક ઉપર આવવો જોઈએ અને કેટલોક નીચે. બીજું. મંદિર આમાં ક્યાંથી આવ્યું? શું મંદિરે જનારાઓ અભણ છે? તેમના મંદિરે જવાના કારણે કોઈને કશું નુકસાન છે? ત્રીજું. અહીં ‘મસ્જિદ’ લખી શકાય? લખી તો શકાય પણ લખનારાઓ લખતા નથી, કારણ કે પરિણામો અને દુષ્પરિણામોથી તેઓ બહુ સારી રીતે વાકેફ છે.
તાજા કિસ્સામાં ગુજરાતી લેખક-પત્રકાર રાજ ગોસ્વામીએ સોશિયલ મીડિયા પર એક પુસ્તક મેળાનો પ્રચાર કરતી એક પોસ્ટમાં લખ્યું, ‘પુસ્તકો વાંચો તો પાપ ધોવા ગંગામાં ન જવું પડે.’ કેટલી સિફતથી એક જ વાક્યમાં એજન્ડા સેટ કરી દેવામાં આવ્યો! યાદ રહે કે આ સમયે ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં મહાકુંભ ચાલી રહ્યો છે અને તેમાં કરોડો શ્રદ્ધાળુઓ આસ્થાની ડૂબકી લગાવી ચૂક્યા છે. તેમાં દેશના વડાપ્રધાન પણ આવી ગયા, શંકરાચાર્યો પણ આવી ગયા અને મારા-તમારા જેવા સામાન્ય માણસો પણ.
શું આ બધા મૂરખ છે? તેમણે જીવનમાં પાપ કર્યાં એટલે ત્યાં ગયા? ના. એક ચીજ હોય છે આસ્થા અને બીજી શ્રદ્ધા. હવે આ બધી બાબતો શબ્દોની સજાવટથી સમજાવી શકાતી નથી. મને પ્રભુ રામમાં અને અયોધ્યાના રામ મંદિરમાં કેટલી આસ્થા છે એ હું લાખ પ્રયત્ને પણ શબ્દોમાં સમજાવી શકું એમ નથી. એ સમજાવવાનું પણ ન હોય. તેમ મહાકુંભમાં જનારો માણસ એટલા માટે નથી જઈ રહ્યો કારણ કે તેણે પાપ કર્યાં છે કે તેને ડર છે કે જો તેણે પાપ ન ધોયાં તો તેના જીવનમાં આપત્તિઓ આવી પડશે. તે ત્યાં જાય છે કારણ કે તેને ઈશ્વરમાં શ્રદ્ધા છે. મા ગંગામાં શ્રદ્ધા છે. તે સનાતન પરંપરાનું પાલન કરવામાં માને છે.
કરોડો લોકો મહાકુંભ ગયા છે તેઓ ‘પાપ ધોવા’ માટે ત્યાં ગયા નથી. તેઓ ત્યાં પાપ-પુણ્યના હિસાબ કરવા માટે ગયા નથી. તેઓ ત્યાં ગયા છે કારણ કે ધર્મ પ્રત્યે, તેની સંસ્કૃતિ પ્રત્યે, તેની પરંપરા પ્રત્યે તેમને આદર છે. દાયકાઓ બાદ રચાયેલા આ સંયોગ અને ભવ્યાતિ ભવ્ય આયોજનનો તેઓ હિસ્સો બનવા માટે ત્યાં જાય છે. એ જ રીતે જેઓ મંદિરે જાય છે તેઓ બધા જ ભગવાન સમક્ષ કશુંક માંગવા કે પાપ કર્યાના ડરે જતા નથી. ઈશ્વર અને ભક્ત વચ્ચેનું જોડાણ બીજા દિવસે પસ્તી બની જતાં છાપાંમાં કોલમ ઘસનારાઓને સ્ટેજ પર ચડીને ફાલતુ વાતો કર્યા કરનારાઓ સમજી શકતા નથી, જ્યાં સુધી તેઓ પોતે એ સ્થિતિમાં ન હોય.
તમારે પુસ્તકોનો પ્રચાર કરવો હોય તો ભલે કરો, પણ તેમાં આસ્થાના વિષયોને વચ્ચે લાવવાની જરૂર નથી. એકમાત્ર ઉદ્દેશ્ય જો કોઈની આસ્થાને નીચી દેખાડવાનો હોય તો જુદી વાત છે. પણ પછી તમારે પ્રતિકારની તૈયારી રાખવી પડે છે. ત્યારે વિક્ટિમ કાર્ડ લઈને દોડી આવો તો એ તમારી નિષ્ફળતા કહેવાય.