Monday, May 6, 2024
More
    હોમપેજમંતવ્યજનેઉધારી બ્રાહ્મણનું નાતાલ વેકેશન: રાહુલ ગાંધીએ જેના માટે ગુજરાત ચૂંટણી અને સંસદનું...

    જનેઉધારી બ્રાહ્મણનું નાતાલ વેકેશન: રાહુલ ગાંધીએ જેના માટે ગુજરાત ચૂંટણી અને સંસદનું શિયાળુ સત્ર છોડ્યું એ ભારત જોડો યાત્રા હવે 9 દિવસનો વિરામ લેશે

    તો હવે એ વિચાર કરવા લાયક છે કે જે ભારત જોડો યાત્રા કોંગ્રેસ અને રાહુલ ગાંધી માટે ભારતીય સંસદના શિયાળુ સત્ર કરતા અને અતિમહત્વપૂર્ણ ગુજરાત વિધાનસભા ચૂંટણી કરતા અગત્યની હતી, અચાનક ક્રિસમસ અને નવા ઈસાઈ વર્ષના દિવસો શરૂ થતા જ કઈ રીતે થોભી જશે!

    - Advertisement -

    સોમવારે (19 ડિસેમ્બર) ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રભારી સંચાર મહાસચિવ જયરામ રમેશે એક ટ્વીટમાં જણાવ્યું હતું કે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા 24 ડિસેમ્બરથી 9 દિવસનો વિરામ લેશે. જોકે તેમણે ક્રિસમસ અને નવા વર્ષ બંનેમાંથી કોઈનો ઉલ્લેખ કર્યો ન હતો. જોકે અહીં આ હકીકત કોઈનાથી છુપી ન રહી શકે કે આ એ જ સમયગાળો છે જયારે આ બંને તહેવારો આવે છે. એ પણ સૌ જાણે જ છે કે રાહુલ ગાંધી દર વર્ષે આ સમયગાળામાં પરિવાર સાથે ક્રિસમસ અને ઈસાઈ નવુ વર્ષ ઉજવવા વિદેશ પ્રવાસે ઉપડી જાય છે.

    પોતાની ટ્વીટમાં જયરામ રમેશે કહ્યું, “ભારત જોડો યાત્રા 24 ડિસેમ્બરે દિલ્હી પહોંચશે. તે પછી નવ દિવસનો વિરામ લેશે જેથી કન્ટેનરને રિપેર કરી શકાય અને ઉત્તરમાં કડકડતી ઠંડી માટે તૈયાર કરી શકાય. ઉપરાંત, ઘણા સહભાગીઓ લગભગ ચાર મહિના પછી તેમના પરિવારના સભ્યો સાથે સમય પસાર કરી શકશે. આ યાત્રા 3 જાન્યુઆરી, 2023 ના રોજ ફરી શરૂ થશે.”

    નોંધનીય છે કે, ભારત જોડો યાત્રાને દિલ્હીમાં થોભાવવામાં આવશે અને રાષ્ટ્રીય રાજધાનીથી જ ફરી શરૂ કરવામાં આવનાર છે. વધુમાં, તે સ્પષ્ટ નથી કે રાહુલ ગાંધી તેમની આ રજાઓ ક્યાં વિતાવવાના છે.

    - Advertisement -

    ભારત જોડો યાત્રાના કારણે જ રાહુલને સંસદનું શિયાળુ સત્ર વ્યવહારુ નહોતું લાગ્યું

    જો સૌને યાદ હોય તો 7 ડિસેમ્બરથી શરૂ થયેલ ભારતીય સંસદના શિયાળુ સત્રમાં વાયનાડના કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી ગેરહાજર રહ્યા છે. તેનું કારણ આપતા તેમના તરફથી જણાવાયું હતું કે શિયાળુ સત્ર કરતા તેમના માટે આ ભારત જોડો યાત્રા વધુ મહત્વની છે.

    રાજસ્થાનના રાજ્યસભાના સાંસદ અને કોંગ્રેસ નેતા કેસી વેણુગોપાલે સંસદના શિયાળુ સત્ર પહેલા કહ્યું હતું કે પાર્ટીના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીનું તેમાં હાજરી આપવી તે વ્યવહારુ રહેશે નહીં. શિયાળુ સત્ર 7 ડિસેમ્બરે શરૂ થયું હતું અને 29 ડિસેમ્બરે સમાપ્ત થવાનું છે. જો કે, રાહુલ કોંગ્રેસ પાર્ટીની ‘ભારત જોડો યાત્રા’માં વ્યસ્ત હોવાથી તેઓએ હજુ સુધી તેમાં હાજરી નથી આપી.

    નોંધનીય છે કે જે તે સમયે દિલ્હીમાં પ્રેસને સંબોધતા કેસી વેણુગોપાલે કહ્યું, “ભારત જોડો યાત્રા ચાલી રહી છે. સંસદના શિયાળુ સત્રમાં ભાગ લેવો રાહુલ ગાંધી માટે વ્યવહારુ નથી.”

    જેના પરથી આપણે અંદાજો લગાવી શકીએ છીએ કે તેઓને તેમની ભારત જોડો યાત્રા સંસદના શિયાળુ સત્ર કરતા વધુ મહત્વની લાગતી હતી.

    વિધાનસભા ચૂંટણી હોવા છતાંય ન યાત્રા ગુજરાતમાં આવી ન રાહુલ

    આ ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં રાહુલ ગાંધી આમ તો કોંગ્રેસના ‘સ્ટાર પ્રચારક’ હતા પરંતુ તેમણે પ્રચારમાં ખાસ રસ દાખવ્યો ન હતો. સામી ગુજરાત ચૂંટણીએ ‘ભારત જોડો યાત્રા’માં વ્યસ્ત રાહુલ ગાંધી માત્ર એક દિવસ ગુજરાત આવ્યા હતા અને એક દક્ષિણ ગુજરાત અને એક સૌરાષ્ટ્ર એમ ગણીને 2 જ સભાઓ સંબોધી હતી. 

    ધ્યાન દેવા જેવી બાબત એ પણ છે કે આ ભારત જોડો યાત્રા ગુજરાતના ત્રણેવ પાડોશી રાજ્યો મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં થઈને પસાર થઇ હતી. અને તે સમયે ચૂંટણી પ્રચારના દિવસો ચાલી રહ્યા હતા તો પણ રાહુલ ગાંધી તેને ગુજરાતમાં નહોતા લાવ્યા.

    આ પરથી એમ માની શકાય કે રાહુલ ગાંધી અને કોંગ્રેસ માટે તેમની ભારત જોડો યાત્રા ગુજરાત વિધાનસભા ચૂંટણી કરતા પણ વધુ મહત્વની હતી. બાદમાં જયારે આ ચૂંટણીનું પરિણામ આવ્યું અને કોંગ્રેસને શરમજનક હાર મળી તો આ જ રાહુલ ગાંધી એમ કહે છે કે, “આમ આદમી પાર્ટીના લીધે કોંગ્રેસની હાર થઇ ગુજરાતમાં.” કેટલું હાસ્યાસ્પદ લાગે છે નહીં!

    તો હવે એ વિચાર કરવા લાયક છે કે જે ભારત જોડો યાત્રા કોંગ્રેસ અને રાહુલ ગાંધી માટે ભારતીય સંસદના શિયાળુ સત્ર કરતા અને અતિમહત્વપૂર્ણ ગુજરાત વિધાનસભા ચૂંટણી કરતા અગત્યની હતી, અચાનક ક્રિસમસ અને નવા ઈસાઈ વર્ષના દિવસો શરૂ થતા જ કઈ રીતે થોભી જશે!

    નોંધનીય એ પણ છે કે આ કોઈ પહેલી વાર નથી કે જયારે રાહુલ ગાંધી પોતાના પક્ષને તકલીફમાં મૂકીને વિદેશ પ્રવાસે નીકળી પડ્યા હોય. તેનો પણ એક લાંબો ઇતિહાસ છે.

    કોંગ્રેસ મરણપથારીએ અને રાહુલ ગાંધીની વિદેશયાત્રાઓ

    કોંગ્રેસ અને ગાંધી પરિવાર માટે આ કોઈ નવાઈની વાત તો છે નહિ, કેમ કે આની પહેલા પણ કેટલાય એવા દાખલા આવી ચૂક્યા છે કે જેમાં કોંગ્રેસ સંગઠન કે કોઈ કોંગ્રેસ સરકાર પર કઈક સંકટ આવ્યું હોય ત્યારે રાહુલ ગાંધી હોય કે પ્રિયંકા ગાંધી, તેઓ આ જ રીતે પોતાની જવાબદારીઓથી ભાગીને વિદેશ પ્રવાસ પર જતાં રહ્યા હોય.

    એ બાદ જ્યારે ગુજરાત કોંગ્રેસમાં હાર્દિક પટેલને લઈને ઘમાસાણ ચાલી રહ્યું હતું ત્યારે પણ રાહુલ ગાંધી ગુજરાત કોંગ્રેસની સ્થિતિને સુધારવાના પ્રયત્નો કરવાની જગ્યાએ નેપાળ પ્રવાસે ચાલ્યા ગયા હતા. જ્યાં તેઓ ત્યાં નાઈટક્લબમાં પાર્ટી કરતાં જોવા મળ્યા હતા.

    જોવા જેવી વાત છે કે નાના નાના અનેક પ્રવાસો ઉપરાંત 2015માં ફેબ્રુઆરીથી એપ્રિલના ગાળામાં રાહુલ ગાંધી 60 દિવસ માટે સતત ગાયબ રહ્યા હતા. સુરક્ષા એજન્સીઓને કોઈ પણ જાતની જાણકારી આપ્યા વગર 60 દિવસ માટે ગાયબ થયેલ રાહુલ ગાંધીના આ પ્રવાસની ગુપ્ત વિગતો ડિસેમ્બર 2015માં ઈન્ડિયા ટુડેના એક અહેવાલમાં બહાર આવી હતી. જે મુજબ રાહુલ ગાંધી આ 60 દિવસ દરમિયાન મોટો સમય થાઈલેંડમાં જ રહ્યા હતા. આ પ્રવાસ તેમણે ત્યારે કર્યા જ્યારે હજુ 2014માં જ કોંગ્રેસે દેશમાં પોતાની સત્તા ગુમાવી હતી.

    જાન્યુઆરી 2021 માં, એવા અહેવાલ હતા કે રાહુલ ગાંધી નવા વર્ષની પૂર્વસંધ્યાએ વિદેશમાં રજાઓ ગાળીને પરત ફર્યા હતા. તે એક અજ્ઞાત સ્થળે ગયા હતાં જે ઈટાલીનું મિલાન હોવાનું માનવામાં આવે છે.

    એપ્રિલ 2022 માં, તે દસ દિવસ માટે ગુમ થયા હતા. દિવાળી 2021 પહેલા તે લંડન ગયા હોવાનું કહેવાય છે. સપ્ટેમ્બર 2021 માં, પંજાબમાં રાજકીય નાટક વચ્ચે, તેઓ તેમના પરિવાર સાથે શિમલામાં રજાઓ ગાળી રહ્યા હતા. નવેમ્બર 2019 માં, કોંગ્રેસને ભારતભરમાં પ્રેસ કોન્ફરન્સ યોજવાનું સૂચન કર્યા પછી તેઓ ગાયબ થઈ ગયા હતા. મે 2019 માં, તેઓ લોકસભા ચૂંટણી માટે મતોની ગણતરી પહેલા ગાયબ થઈ ગયા હતા.

    આ વખતના આ ક્રિસમસ વેકેશન બાબતે અહેવાલો મળી રહ્યા છે કે રાહુલ ગાંધી આખી ભારત જોડો યાત્રા થોભાવીને પોતાના પરિવાર સાથે ક્રિસમસ અને ઈસાઈ નવા વર્ષની ઉજવણી માટે વિદેશ જવાના છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં