બાંગ્લાદેશમાં છેલ્લા ઘણા સમયથી ક્વોટા સિસ્ટમ વિરુદ્ધ ચાલતું ‘વિદ્યાર્થીઓનું’ કથિત આંદોલન હિંસક રસ્તે ચડી ગયું અને તેનું પરિણામ એ આવ્યું, જેની આશંકા હતી- સત્તાપલટો. પંદર વર્ષ રાજ કરી ચૂકેલાં શેખ હસીનાએ રાતોરાત દેશ છોડી દેવો પડ્યો અને હવે સંભવતઃ ત્યાં વચગાળાની સરકાર બનશે. આ સમગ્ર વિષયમાં આંદોલન કથિત વિદ્યાર્થીઓનું હતું, જેઓ ક્વોટા સિસ્ટમની વિરુદ્ધ હતા. પહેલાં આ પ્રણાલી સામે આંદોલન કર્યું અને પછી જ્યારે સુપ્રીમ કોર્ટે ક્વોટા નાબૂદ કરી દીધો તો શેખ હસીનાના રાજીનામાંની માંગ સાથે ફરી જોર પકડ્યું. આખરે તેમણે રાજીનામું ધરી પણ દીધું. આ આખા ચિત્રમાં ધાર્મિક-મઝહબી કોઈ એન્ગલ નથી. તેમ છતાં જે રીતે ઇસ્લામી દેશોમાં અગાઉ પણ થયું છે તેમ વિરોધ અને પ્રદર્શનના નામે હિંદુઓ, તેમનાં મંદિરો અને ઘરોને ટાર્ગેટ કરવાના શરૂ કરી દેવામાં આવ્યા.
સોમવારે (5 ઑગસ્ટ) શેખ હસીનાની સરકાર પડી ભાંગી અને બાંગ્લાદેશમાં અરાજકતા શરૂ થઈ. ઠેરઠેર વિરોધ પ્રદર્શનોના નામે તોડફોડ અને આગચંપી, નિર્દોષોને મારવા, પોલીસ-સેના પર હુમલા- આ બધું પહેલાં પણ થઈ રહ્યું હતું અને પછી તો જાણે ઉપદ્રવીઓને છૂટો દોર મળ્યો. અનેક શહેરો ભડકે બળ્યાં અને ગૃહયુદ્ધ જેવી સ્થિતિ સર્જાઈ ગઈ.
જેમ પહેલાં કહ્યું એમ, આમાં હિંદુઓને કશું લાગતું-વળગતું ન હતું છતાં કટ્ટર ઇસ્લામીઓએ ‘તક’ જોઈને હિંદુઓ પર હુમલા શરૂ કરી દીધા. આ લખાય રહ્યું છે ત્યાં સુધીમાં બે દિવસમાં બાંગ્લાદેશમાં હિંદુઓને મારવા-કાપવામાં આવ્યા હોવાના અનેક કિસ્સા સામે આવી ચૂક્યા છે. હિંદુઓનાં મંદિરોને ખુલ્લેઆમ ટાર્ગેટ કરવામાં આવ્યાં, દેવી-દેવતાઓની મૂર્તિઓ અપમાનિત કરાઈ, ખંડિત કરાઇ, હિંદુઓને શોધી-શોધીને મારવામાં આવ્યા. ઑપઇન્ડિયા અંગ્રેજીએ એક વિસ્તૃત રિપોર્ટમાં બાંગ્લાદેશના હિંદુઓની દયનીય સ્થિતિનો ચિતાર આપ્યો છે. આ અમુક કિસ્સાઓ છે, જે દુનિયા સામે આવી શક્યા, આવા અગણિત કિસ્સાઓ કદાચ બહાર આવી નહીં શકે.
આ બધા વચ્ચે ગ્રાઉન્ડ પર ઉત્પાત મચાવતા જેહાદીઓને સંરક્ષણ આપવાનું કામ અમુક કી-બોર્ડ વૉરિયર્સે ઉપાડી લીધું છે. જ્યારે-જ્યારે કટ્ટર ઈસ્લામીઓ કોઇ કારણ વગર ધમાલ મચાવવાનું શરૂ કરે ત્યારે ઈન્ટરનેટ પર તેમને રક્ષણ પૂરું પાડવા માટે અને તેમના ગુનાઓ પર ઢાંકપિછોડો કરવા માટે એક ગેંગ તૈયાર જ રહે છે. તેઓ કાં તો ઇસ્લામીઓને જ નિર્દોષ ચીતરશે, અથવા તેમને વિક્ટિમ બનાવીને પ્રોપગેન્ડા ચલાવશે. આવું ભારતમાં પણ થતું આવ્યું છે અને વિદેશમાં પણ ક્યાંય પણ કોઇ ઘટના બને તો આ જ પદ્ધતિથી કામ થાય છે. હમાસ એનું ઉદાહરણ છે. આ ઇસ્લામી આતંકવાદી સંગઠને 7 ઑક્ટોબર, 2023ના દિવસે અવળચંડાઈ કરીને ઇઝરાયેલ પર હુમલો ન કર્યો હોત અને સેંકડો નિર્દોષ યહૂદીઓને બંધક ન બનાવ્યા હોત તો ‘યુદ્ધ’ થાત જ નહીં, પરંતુ ત્યારપછી તમે કાયમ હમાસ અને ગાઝાના લોકો માટે અવાજ ઉઠાવતી ટોળકી જોઈ હશે, ઇઝરાયેલીઓએ ભોગવેલી યાતનાઓ પર બોલવાની વાત આવે ત્યારે મોં સિવાઈ જાય છે.
તાજા કિસ્સામાં જેવા બાંગ્લાદેશી હિંદુઓ પર અત્યાચારના સમાચારો સામે આવવાના શરૂ થયા કે તાત્કાલિક એક ગેંગ સક્રિય થઈ ગઈ. સોશિયલ મીડિયા પર અમુક ફોટોગ્રાફ ફેરવવાના શરૂ કર્યા, જેમાં અમુક મુસ્લિમોને હિંદુ મંદિરોની બહાર ઊભા દેખાડવામાં આવ્યા. દાવો કરવામાં આવ્યો કે આ બધા ‘હ્યુમન ચેઇન’ (ગુજરાતીમાં માનવ સાંકળ) બનાવીને હિંદુ મંદિરોની રક્ષા કરી રહ્યા છે. આવા ફોટા શૅર કરનારાઓમાંથી એક સ્વઘોષિત ફેક્ટચેક મોહમ્મદ ઝુબૈર પણ છે.
A lot of Indian Right wing accounts are spreading communal propaganda.
— Mohammed Zubair (@zoo_bear) August 5, 2024
Here are images of local Muslims stepping in to protect the temples in Bangladesh. pic.twitter.com/WJZNer4ntc
આ ફોટા શૅર કરીને એવો નેરેટિવ ચલાવવમાં આવ્યો કે ભારતના દક્ષિણપંથીઓ અને હિંદુત્વવાદીઓ જુઠ્ઠાણું ફેલાવી રહ્યા છે. બાંગ્લાદેશમાં તો ક્યાંય હિંદુઓ પર અત્યાચાર થયો જ નથી અને ઉપરથી મુસ્લિમ ભાઈઓ હિંદુ મંદિરોની રક્ષા કરી રહ્યા છે, એ પણ ‘માનવ સાંકળ’ બનાવીને. એટલું જ નહીં, આમાં વિદ્યાર્થીઓ અને મુસ્લિમ યુવાનો પણ સામેલ છે. એટલે બાંગ્લાદેશમાં તો ક્યાંય હિંદુઓ પર અત્યાચાર થઈ જ નથી રહ્યા અને જેઓ તેવા દાવા કરે છે એ બધા કોમવાદીઓ છે.
પરંતુ અહીં એક પ્રશ્ન છે, જેનો જવાબ બે દિવસ વીતી ગયા હોવા છતાં આ ઇસ્લામી ગેંગ આપી શકી નથી. બાંગ્લાદેશમાં આ મંદિરો બચાવવામાં પણ આવી રહ્યાં હોય તો તેને કોનાથી ‘બચાવવામાં’ આવી રહ્યાં છે? ભાજપ, RSS, વિશ્વ હિંદુ પરિષદ, બજરંગ દળ? કોનાથી? આનો જવાબ સૌની પાસે છે, પણ તેની જો ચર્ચા કરવામાં આવે તો આ પ્રોપગેન્ડાનો ફુગ્ગો ફૂટી જાય એમ છે. દુનિયા સામે આવી જાય એમ છે કે આખરે કોણ મંદિરો પર હુમલા કરી રહ્યું છે, જેનાથી તેમને બચાવવાની જરૂર છે.
કારણ એ છે કે આ મંદિરો પર હુમલા પણ બાંગ્લાદેશના કટ્ટર ઈસ્લામીઓ જ કરી રહ્યા છે. હિંદુઓનાં મંદિરો પર પથ્થરમારો અને દેવી-દેવતાઓની મૂર્તિઓ શું હિંદુઓ જાતે જ તોડશે? શું આગચંપી કરવાનો શોખ હિંદુઓને છે? નહીં. તો પછી આ પ્રોપગેન્ડા શા માટે? કારણ કે સવાલ સરળ છે કે જો હિંદુ મંદિરો અને ઘરોને ટાર્ગેટ કરવામાં ન આવતાં હોય તો તેને બચાવવાની જરૂર શું છે?
આ સરળ રસ્તો છે કટ્ટરપંથીઓના ગુનાઓ પર પડદો નાખીને ઉપરથી તેમને જ નિર્દોષ અને વિક્ટિમ ચીતરવાનો. આવા બે-ચાર-પાંચ ફોટોગ્રાફ્સ સોશિયલ મીડિયા પર ફરતા કરીને આ ગેંગ એવા સેંકડો કિસ્સાઓ દફન કરી દેશે, જેમાં હિંદુઓને માત્ર હિંદુ હોવાના કારણે ટાર્ગેટ કરવામાં આવ્યા હોય, હત્યા કરવામાં આવી હોય, તેમનાં ઘર ફૂંકી મારવામાં આવ્યાં હોય અને મંદિરોને તોડીને દેવી-દેવતાઓની મૂર્તિઓ ખંડિત કરવામાં આવી હોય. સબળ ઇકોસિસ્ટમના માધ્યમથી આવી તસવીરો આખા ઈન્ટરનેટ પર ફેરવાશે અને કહી દેવાશે કે જુઓ, બાંગ્લાદેશમાં તો કશું બની જ રહ્યું નથી.
જોકે, આ ‘હ્યુમન ચેઇન’નું નાટક તો ભૂતકાળમાં પણ થયું છે. બેંગ્લોરમાં 2020માં પયગંબરનું અપમાન થયું હોવાનું કહીને કટ્ટરપંથી મુસ્લિમોએ બેંગલોરમાં ધમાલ મચાવી હતી અને એક કોંગ્રેસી ધારાસભ્યના ઘર પાસે જઈને પથ્થરમારો અને તોડફોડ કરી હતી. ‘અલ્લાહુ અકબર’ના નારા લગાવીને પથ્થરો ફેંકાયા હતા, પોલીસ સહિતનાં વાહનો સળગાવાયાં હતાં અને તોડફોડ કરાઈ હતી. પછીથી એવું પણ સામે આવ્યું કે તોફાનો પૂર્વનિયોજિત હતાં, જેવું મોટાભાગના કિસ્સામાં હોય છે. બીજી તરફ, અમુક મીડિયા રિપોર્ટ્સ અને પ્રોપગેન્ડાબાજોએ અમુક તસવીરો ફરતી કરી હતી, જેમાં મુસ્લિમ યુવકોને ‘મંદિર બચાવવા માટે હ્યુમન ચેઇન’ બનાવતા દેખાડવામાં આવ્યા.
‘હ્યુમન ચેઇન’ બનાવનારાઓનો મઝહબ ખબર છે, તો હુમલો કરનારાઓનો કેમ નહીં?
અહીં જોવા જેવું એ પણ છે કે જેઓ હ્યુમન ચેઇન બનાવીને કથિત રીતે મંદિરો ‘બચાવે’ છે તેમના મઝહબ તરત ખબર પડી જાય છે અને જોરશોરથી પ્રચાર કરવામાં આવે છે, પણ ક્યારેય કોનાથી બચાવવામાં આવે છે તે કહેવામાં આવતું નથી અને મંદિર પર હુમલાના સમાચારો આપવામાં આવે ત્યારે તેમને ‘અસામાજિક તત્વો’ ગણાવી દેવાય છે અને ક્યારેય તેમનો મઝહબ જણાવવામાં આવતો નથી. અહીં જેઓ હ્યુમન ચેઇન બનાવી રહ્યા છે તેમના આશય પર શંકા ન પણ હોય તોપણ, એકતરફી નેરેટિવ ચલાવવો એ અયોગ્ય છે.
આ મોડસ ઓપરેન્ડીથી તરત સાબિત કરી દેવાય છે કે હિંદુઓ પર ક્યાંય હુમલા થઈ રહ્યા નથી અને સ્થળ પર તો ‘સાંપ્રદાયિક સૌહાર્દ’નો માહોલ છે. પણ તેનાથી હકીકત બદલાઈ જતી નથી. ભલે આ ગેંગ સોશિયલ મીડિયા પર આવા બે-ચાર ફોટા ફેરવીને પ્રોપગેન્ડા ફેલાવતી રહે, પ્રશ્ન યથાવત રહેશે કે આખરે મંદિરો બચાવવામાં આવી રહ્યાં છે કોનાથી?