Saturday, October 5, 2024
More
    હોમપેજદુનિયાહમાસનો ઇઝરાયેલ પર આતંકી હુમલો: 5 હજાર રૉકેટ છોડ્યાં, આતંકવાદીઓ સરહદ પાર...

    હમાસનો ઇઝરાયેલ પર આતંકી હુમલો: 5 હજાર રૉકેટ છોડ્યાં, આતંકવાદીઓ સરહદ પાર કરીને ઘૂસ્યા; ઈઝરાયેલ સરકારે યુદ્ધની તૈયારીઓ આરંભી

    ઈઝરાયેલે ગાઝા પટ્ટીની આસપાસ રહેતા નાગરિકોને બહાર ન નીકળવા અને ઘરમાં જ રહેવાની સૂચના આપી દીધી છે. બીજી તરફ, ત્યાંની સેનાએ ગાઝા પર હુમલો કરવાની તૈયારીઓ આરંભી દીધી છે.

    - Advertisement -

    ઈઝરાયેલમાં ફરી એક વખત યુદ્ધની સ્થિતિ સર્જાઇ છે. ગાઝા પટ્ટીમાં સક્રિય ઇસ્લામિક આતંકવાદી સંગઠન હમાસે એકસાથે 5 હજાર રૉકેટ છોડીને હુમલો કરી દીધા બાદ અને અમુક આતંકવાદીઓ ઇઝરાયેલમાં ઘૂસી આવ્યા બાદ હવે યહૂદી દેશ તરફથી યુદ્ધ જાહેર કરવાની તૈયારી શરૂ કરી દેવામાં આવી છે. 

    ભારતીય સમય અનુસાર, સવારે 9 વાગ્યે ઇઝરાયેલ ડિફેન્સ ફોર્સ દ્વારા X પર હમાસ દ્વારા રૉકેટ છોડવામાં આવ્યાં હોવાની જાણકારી આપવામાં આવી હતી. ત્યારબાદ 10 વાગ્યાની આસપાસ ગાઝાથી આતંકવાદીઓ ઈઝરાયેલની સરહદમાં ઘૂસી આવ્યા હોવાની માહિતી બહાર આવી. IDFએ એક નકશો જારી કરીને જણાવ્યું કે કેટલાં સ્થળોએ હમાસ દ્વારા રૉકેટ છોડવામાં આવ્યાં હતાં. સાથે જણાવ્યું કે, તેઓ પોતાના નાગરિકોની રક્ષા માટે તમામ પગલાં લેશે. 

    ઈઝરાયેલે ગાઝા પટ્ટીની આસપાસ રહેતા નાગરિકોને બહાર ન નીકળવા અને ઘરમાં જ રહેવાની સૂચના આપી દીધી છે. બીજી તરફ, ત્યાંની સેનાએ ગાઝા પર હુમલો કરવાની તૈયારીઓ આરંભી દીધી છે. ઉપરાંત, જવાબી હુમલા તરીકે ઈઝરાયેલે પણ ગાઝા પર એર સ્ટ્રાઈક શરૂ કરી છે. સેનાએ કહ્યું કે, આ હુમલા પાછળ હમાસનો હાથ છે અને આ કૃત્યો માટે તેમણે પરિણામો ભોગવવાં પડશે. 

    - Advertisement -

    ઇઝરાયેલ સેનાએ એક નિવેદનમાં જણાવ્યું કે, “ગાઝા તરફથી ઇઝરાયેલની સરહદમાં મોટા પ્રમાણમાં રૉકેટ છોડવામાં આવ્યાં છે અને આતંકવાદીઓ પણ ઘૂસી આવ્યા છે. દેશના દક્ષિણ અને મધ્ય ભાગમાં રહેતા નાગરિકોને સુરક્ષિત વિસ્તારોમાં સ્થળાંતરિત થઈ જવાની સલાહ આપવામાં આવે છે.” IDFના ચીફ ઑફ સ્ટાફ હાલ સ્થિતિની સમીક્ષા કરી રહ્યા છે અને આગળ શું પગલાં લેવાં તેની વિચારણા ચાલી રહી છે. 

    કેબિનેટ બેઠકમાં યુદ્ધ જાહેર થવાની શક્યતા, રક્ષા મંત્રીએ કહ્યું- હમાસે ગંભીર ભૂલ કરી, આ યુદ્ધ ઇઝરાયેલ જ જીતશે 

    મીડિયા રિપોર્ટ્સમાં જણાવવામાં આવી રહ્યું છે કે, બપોરે (ભારતીય સમય અનુસાર) ત્રણ વાગ્યાની આસપાસ ઇઝરાયેલની કેબિનેટ બેઠક મળશે અને તેમાં અધિકારિક રીતે યુદ્ધનું એલાન કરવામાં આવી શકે છે. આ બધા વચ્ચે ઇઝરાયેલના રક્ષા મંત્રીએ એક નિવેદનમાં કહ્યું કે, હમાસે બહુ મોટી ભૂલ કરી દીધી છે અને ઇઝરાયેલ જડબાતોડ જવાબ આપશે. તેમણે કહ્યું, “ઇઝરાયેલ સામે યુદ્ધ શરૂ કરીને હમાસે બહુ ગંભીર ભૂલ કરી દીધી છે. IDFના સૈનિકો દુશ્મનો સામે પૂરી શક્તિથી લડી રહ્યા છે. આ યુદ્ધ ઇઝરાયેલ જ જીતશે.”

    હમાસે હુમલો કરી દીધા બાદ ઈઝરાયેલમાં 5 લોકો માર્યા ગયા હોવાના સમાચાર છે, જ્યારે 100થી વધુ લોકોને ઈજા પહોંચી છે. જેમની સારવાર હાલ ચાલી રહી છે. 

    હમાસે આ હુમલાની જવાબદારી લઈને દાવો કર્યો છે કે તેમણે વહેલી સવારે ઇઝરાયેલ તરફ 5 હજાર રૉકેટ છોડ્યાં હતાં. આતંકવાદી સંગઠને આ હુમલાને ‘ઓપરેશન અલ-અક્સા ફ્લડ’ નામ આપ્યું છે. આ સાથે તેમણે અમુક તસવીરો પણ જારી કરી છે જેમાં તેમના આતંકવાદીઓ ઈઝરાયેલની સૈન્ય પોસ્ટમાં ઘૂસી ગયેલા જોવા મળે છે. આતંકી સંગઠનનો દાવો છે કે તેમણે ઈઝરાયેલના અમુક સૈનિકોને બંદી બનાવી લીધા છે તો અમુકની હત્યા પણ કરી નાખી છે. 

    ઈઝરાયેલે શરૂ કર્યું ઑપરેશન આયરન સ્વોર્ડ્સ

    તાજા અહેવાલો અનુસાર, ઈઝરાયેલે ગાઝા પટ્ટી સ્થિત આતંકી સંગઠન હમાસ વિરુદ્ધ ‘ઑપરેશન આયરન સ્વોર્ડસ’ની ઘોષણા કરી છે અને વળતો જવાબ આપવાનો શરૂ કર્યો છે. સાથે ઈઝરાયેલ એર ફોર્સે જાણકારી આપી કે તેમનાં ડઝનબંધ ફાઈટર જેટ હાલ ગાઝા પટ્ટી સ્થિત હમાસના ટેરર કેમ્પ પર હુમલો કરીને નષ્ટ કરી રહ્યાં છે. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં