Friday, January 31, 2025
More
    હોમપેજમંતવ્ય‘સુરક્ષાની જરૂર નથી’થી લઈને ‘સુરક્ષા પર રાજકારણ ન કરવું જોઈએ’ સુધી: ભાઈસા’બ,...

    ‘સુરક્ષાની જરૂર નથી’થી લઈને ‘સુરક્ષા પર રાજકારણ ન કરવું જોઈએ’ સુધી: ભાઈસા’બ, યે કિસ લાઈન મેં આ ગયે આપ? 

    પહેલાં રાજકારણમાં આવવા માટે એક સામાન્ય માણસની છબી બનાવવા માટે ત્યારના એજન્ડાને અનુરૂપ સુરક્ષા પર સ્ટેન્ડ લીધું અને હવે સહાનુભૂતિ મળી રહે તેના માટે આ જ મુદ્દાને અલગ રીતે રજૂ કરવામાં આવી રહ્યો છે.

    - Advertisement -

    વાયદાઓ કરીને શેહશરમ રાખ્યા વગર ફરી જવું આપણે ત્યાંના નેતાઓ માટે અઘરું કામ નથી, પણ અરવિંદ કેજરીવાલને હવે તેમાં ફાવટ આવી ગઈ છે. આ ભાઈએ પહેલાં બધા વાયદા કર્યા અને પછી એક છેડેથી તેનાથી અવળાં કામો કરવાનાં ચાલુ કર્યાં. 

    રાજકારણમાં ન આવવાની વાત કહીને જાહેરજીવનમાં ડગ માંડનારા કેજરીવાલ આજે એક પાર્ટી બનાવીને બેઠા છે અને સ્થાપના સમયથી આજદિન સુધી કન્વીનર પણ પોતે જ રહ્યા છે. ‘ગાડી-બંગલા આ બધું નેતાઓ માટે છે અને હું તો આમ આદમી છું’ તેમ કહીને રાજકારણમાં દોડી આવેલા આ ભાઈ આજે એમજી ગ્લોસ્ટર કાર લઈને ફરે છે અને કોરોના સમયે જ્યારે પ્રજા ત્રાહિમામ પોકારી રહી હતી ત્યારે કરોડોના ખર્ચે ઘરમાં તેઓ રિનોવેશન કરાવી રહ્યા હતા. આ મહેલ પછીથી ‘શીશમહેલ’ના નામે જાણીતો બન્યો. 

    કેજરીવાલ બીજી એક વાત કહેતા- સુરક્ષાને લગતી. તેઓ કહેતા કે તેમને સુરક્ષાની કોઈ જરૂર નથી અને પોતાને કોઈનાથી જોખમ નથી. વર્ષ 2012-13માં જ્યારે તેઓ ટીવી પર ઇન્ટરવ્યુ આપતા ત્યારે કાયમ આ મુદ્દાની ચર્ચા થતી અને તેમણે એમ કહ્યાનું પણ યાદ છે કે મૃત્યુ આવવાનું છે ત્યારે આવવાનું છે, તેમાં સુરક્ષા લઈને ફરવાની કોઈ જરૂર નથી. 

    - Advertisement -

    2014-15નો તેમનો એક વિડીયો જુઓ. એક ઈન્ટરવ્યુમાં તેઓ કહે છે કે, “હું પોલીસને 20 ચિઠ્ઠીઓ લખી ચૂક્યો છું કે મારો પીછો છોડી દો, મને સુરક્ષાની જરૂર નથી. તેઓ પછી કહે છે કે, મેં ના પાડી હોવા છતાં સરકારે સુરક્ષા આપી છે અને સુરક્ષાકર્મીઓ મારી પાછળ-પાછળ ચાલતા રહે છે.” 

    વર્ષ 2013નો NDTVનો આ રિપોર્ટ વાંચો. હેડલાઈન છે- ‘ગોડ વિલ પ્રોટેક્ટ મી, સેઝ અરવિંદ કેજરીવાલ એઝ હી રિફ્યુસિસ સેક્યુરિટી. ગુજરાતીમાં આવું થાય- ‘સુરક્ષા નકારતાં અરવિંદ કેજરીવાલે કહ્યું- ભગવાન મારી રક્ષા કરશે.’ અહેવાલ પ્રકાશિત થયો હતો 23 ડિસેમ્બર, 2013માં. આજથી સાડા બારેક વર્ષ પહેલાં. 

    તેમણે કહ્યું હતું કે, પોતે VIP કલ્ચર ખતમ કરવા માંગે છે અને જેથી દિલ્હી પોલીસને એક પત્ર લખીને જણાવ્યું છે કે તેમને સુરક્ષાની કોઈ જરૂર નથી અને ભગવાન તેમની રક્ષા કરશે. આ એ સમય હતો જ્યારે તેઓ પહેલી વખત સરકાર બનાવી રહ્યા હતા. 

    એક કિસ્સો 2022નો છે. વિધાનસભા ચૂંટણી સમયે અરવિંદ કેજરીવાલ ગુજરાતમાં પ્રચાર માટે આવ્યા હતા. અહીં તેમણે એકાદ રિક્ષાચાલકના ઘરે જમણનો પ્રોગ્રામ ગોઠવ્યો અને સ્થાનિક નેતાઓ સાથે રિક્ષાચાલકની રિક્ષામાં જ તેના ઘરે જવા માટે નીકળ્યા હતા. અહીં જ્યારે પોલીસે તેમને અટકાવ્યા તો તેમણે કહી દીધું કે પોતાને સુરક્ષાની કોઈ જરૂર નથી. પછીથી આમ આદમી પાર્ટીએ કેજરીવાલને સામાન્ય જનતા વચ્ચે જતા અટકાવવામાં આવી રહ્યા હોવાનું તૂત બહુ ચલાવ્યું હતું. 

    હવે જાન્યુઆરી, 2025. દિલ્હીમાં વિધાનસભા ચૂંટણી યોજાવા જઈ રહી છે. ફેબ્રુઆરીમાં મતદાન થશે, જે માટે હાલ પ્રચાર ચાલે છે. હાલ અરવિંદ કેજરીવાલ પાસે ઝેડ પ્લસ સુરક્ષા છે, જે દરેક રાજ્યના મુખ્યમંત્રીને મળે છે. સુરક્ષામાં દિલ્હી પોલીસના જવાનો ઉપરાંત CRPF પણ હોય છે. તેમાં ખોટું પણ નથી. પણ અત્યાર સુધી તેમને પંજાબની પોલીસ પણ સુરક્ષા આપતી હતી અને અનેક જવાનો તેમની સુરક્ષામાં રહેતા હતા. 

    દિલ્હી પોલીસે તાજેતરમાં ચૂંટણી પંચને રજૂઆત કર્યા બાદ પંજાબ પોલીસે હવે આ જવાનોને સુરક્ષામાંથી હટાવી લીધા છે. પરંતુ ધ્યાન રહે કે માત્ર પંજાબ પોલીસના જવાનો જ હટ્યા છે. પ્રોટોકોલ અનુસાર, ઝેડ પ્લસ સુરક્ષામાં જેટલા જવાનો હોય તે તો કેજરીવાલની સુરક્ષામાં રહેશે જ. પંજાબ પોલીસને હટાવવાનું કારણ એ છે કે ઝેડ પ્લસ સિક્યુરિટી મેળવનાર વ્યક્તિની સુરક્ષમાં આ રીતે બે રાજ્યોની પોલીસ ન રહી શકે અને સુરક્ષા કારણોસર જ તેની પરવાનગી નથી.

    પરંતુ આ કિસ્સા પછી કેજરીવાલ સહિત આખી આમ આદમી પાર્ટી રાજકારણ કરવા માટે ઉતરી પડી છે. પાર્ટી સાંસદ સંજય સિંઘે આરોપ લગાવ્યા કે કેજરીવાલની સુરક્ષા પરત લઈ લેવામાં આવી અને તેમની ઉપર જોખમ છે. બીજા નેતાઓ પણ આમાં સામેલ છે. સમર્થકો સોશિયલ મીડિયા પર અમિત શાહ પર આરોપ લગાવી રહ્યા છે. જ્યારે હકીકત એ છે કે કેજરીવાલની સુરક્ષામાંથી પંજાબ પોલીસને હટાવવામાં આવી છે.

    ગુજરાતના AAP નેતા ગોપાલ ઈટાલિયાએ પણ જુદું જ ચલાવ્યું અને કેજરીવાલ પર હુમલો થવાના અહેવાલના કારણે પંજાબ પોલીસની સુરક્ષા આપવામાં આવી હતી અને અમિત શાહના ઇશારે દિલ્હી પોલીસે એ હટાવી દીધીની વાતો વહેતી કરી હતી. જ્યારે હકીકત જુદી છે. બીજું. જ્યારે સપ્ટેમ્બર, 2022માં કેજરીવાલે ગુજરાત આવીને સુરક્ષા ન જોઈતી હોવાનું કહ્યું હતું ત્યારે આ ભાઈ તેમની બાજુમાં જ બેઠા હતા. 

    કેજરીવાલે પોતે પણ સામી ચૂંટણીએ તકનો લાભ લઈ લીધો છે. તેમણે કહ્યું કે, સુરક્ષાના મુદ્દા પર રાજકારણ કરવું ન જોઈએ. તેમણે કહ્યું, “આ પૂરેપૂરું રાજકારણ છે. વ્યક્તિગત સુરક્ષા પર પણ રાજકારણ થઈ રહ્યું છે. આ વિષય પર આવું ન થવું જોઈએ.”

    કહેવાની વાત માત્ર એટલી છે કે એક રાજકારણીને સુરક્ષાની જરૂર હોય એ દેખીતી વાત છે. હોવી પણ જોઈએ. દેશના દરેક નેતાને, તે કોઈ પણ પાર્ટીનો હોય, સરકાર સુરક્ષા પૂરી પાડે છે અને તેમાં કોઈ બાંધછોડ કરવામાં આવતી નથી. પણ આમ આદમી પાર્ટી અને કેજરીવાલ જેઓ હમણાં આ મુદ્દા પર રાજકારણ કરવાની ના પાડે છે તેમણે જ આને સૌથી મોટો રાજકીય મુદ્દો બનાવ્યો છે. 

    પહેલાં રાજકારણમાં આવવા માટે એક સામાન્ય માણસની છબી બનાવવા માટે ત્યારના એજન્ડાને અનુરૂપ સુરક્ષા પર સ્ટેન્ડ લીધું અને હવે સહાનુભૂતિ મળી રહે તેના માટે આ જ મુદ્દાને અલગ રીતે રજૂ કરવામાં આવી રહ્યો છે. એવું સાબિત કરવાના પ્રયાસ થઈ રહ્યા છે કે અમિત શાહના આદેશથી કામ કરતી દિલ્હી પોલીસ જાણીજોઈને કેજરીવાલની સુરક્ષામાં બાંધછોડ કરી રહી છે, જેથી તેમની સાથે કોઈ અનિચ્છનીય બનાવ બને. 

    દર ચૂંટણી પહેલાં કેજરીવાલ પર હુમલાઓ પણ થયાનો એક લાંબો નહીં તોપણ જૂનો ઇતિહાસ તો છે જ. આ ચૂંટણી વખતે પણ તેઓ અને તેમની પાર્ટી ઘણી વખત હુમલો થયાના દાવા કરી ચૂક્યા છે. આ સંજોગોમાં રાજકારણ રમીને એવું ચલાવવામાં આવી રહ્યું છે કે કેજરીવાલની સુરક્ષામાં જાણીજોઈને લાલિયાવાડી ચાલી રહી છે. હવે આમાં રાજકારણ કોણ કરી રહ્યું છે? દિલ્હી પોલીસ અને અમિત શાહ કે AAP અને કેજરીવાલ? 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં