જ્યારથી ગુજરાતની રાજનીતિમાં આમ આદમીના પગલાં પડ્યા છે ત્યારથી ગુજરાત અને એમાં પણ સુરત રાજકીય રીતે સતત ચર્ચામાં રહ્યું છે. તાજા દાખલ તરીકે આમ આદમી પાર્ટીના સુરત પૂર્વ બેઠકના ઉમેદવાર કંચન જરીવાલાનો ઉમેદવારી પાછી ખેંચવાનો મુદ્દો સામે આવ્યો છે.
આમ આદમી પાર્ટીના પ્રદેશ અને રાષ્ટ્રીય નેતાઓએ આ બાબતે ગુજરાત સરકાર અને ભાજપને ઘેરી હતી અને આરોપ લગાવ્યો હતો કે ભાજપના નેતાઓએ જ તેમના ઉમેદવાર કંચન જરીવાલાનું અપહરણ કર્યું હતું. સાથે જયારે આજે સવારે તેમણે પોતાની ઉમેદવારી પાછી ખેંચી ત્યારે પણ આપનેતાઓએ ભાજપ પર ધાકધમકી આપવાના આરોપ લગાવ્યા હતા.
ઑપઇન્ડિયાની ટીમે સુરતના આ સમગ્ર ઘટનાક્રમ પર ઊંડી તપાસ કરીને એક્સક્લુસિવ ગ્રાઉન્ડ રિપોર્ટ કર્યો હતો. અમારી તપાસમાં સામે આવ્યું છે કે આમ આદમી પાર્ટીના આંતરિક વિખવાદને લઈને ઉમેદવાર કંચન જરીવાલાએ પોતાની ઉમેદવારી પાછી ખેંચી લીધી હતી.
જરીવાલાએ મીડિયાને કહ્યું કે મારે રાષ્ટ્રવિરોધી અને ગુજરાતવિરોધી પક્ષમાંથી ચૂંટણી નહોતી લડવી
આ વિષયમાં કંચન જરીવાલાએ પોતે જ મીડિયા સમક્ષ નિવેદન આપીને તેમના અપહરણની અફવાઓનો અંત આણ્યો હતો કે તેઓનું અપહરણ થયું નહોતું. તેમણે જણાવ્યું હતું કે, “હું જયારે પ્રચાર કરવા અને વોટ માંગવા વિસ્તારમાં જતો, ત્યારે સ્થાનિકો મને કહેતા કે હું રાષ્ટ્ર વિરોધી છું, ગુજરાત વિરોધી છું. જે પાર્ટીમાંથી મેં ઉમેદવારી કરી છે તેમાં સમર્થન આપવાનું નાગરિકોએ ના પાડી હતી. મારા વિસ્તારમાં લોકોનો આવો પ્રતિભાવ મળતા મારો અંતરાત્મા કાંપી ઉઠ્યો હતો.”
કંચન ઝરીવાલાનું નિવેદન આવ્યું સામે, જાણો કેમ પરત ખેચ્યું ઉમેદવારી ફોર્મ#AAPGujarat #GujaratElections2022 #electionwithgujarattak #KanchanJariwala pic.twitter.com/99QxiaXN5i
— Gujarat Tak (@GujaratTak) November 16, 2022
આગળ તેમણે કહ્યું કે, ” મારો અંતરાત્મા જાગી ઉઠતા મેં આવી રાષ્ટ્ર વિરોધી અમે ગુજરાત વિરોધી પાર્ટીમાંથી ચૂંટણી ન લડવાનું નક્કી કર્યું હતું. આથી જ મેં મારી ઉમેદવારી પાછી ખેંચી હતી. કોઈ પણ પ્રકારના ધાક ધમકી કે દબાણ વગર મેં ઉમેદવારી પછી ખેંચી છે એવું હું સૌને જણાવવા માંગુ છું.”
જરીવાલાનું નિવેદન બહાર આવે એ પહેલા જ આપે ફેલાવી અફવાઓ દેશભરના મીડિયાએ ચગાવી
હવે જયારે ઉમેદવારી પાછી ખેંચનાર ઉમેદવાર કંચન જરીવાલાએ પોતે તમામ બાબતોનો ખુલાસો કરી દીધો છે એ બાદ એ વાત તો સ્પષ્ટ છે કે ભાજપે ના તો તેમનું અપહરણ કર્યું હતું કે ના તેઓએ કોઈની ધાક ધમકીથી ડરીને પોતાની ઉમેદવારી પછી ખેંચી હતી.
પરંતુ મૂળ વ્યક્તિનું નિવેદન આવે એ પહેલા જ આમ આદમી પાર્ટીએ કોઈ પુરાવાઓ વગર અનેક નિવેદનો અને પ્રેસ કોન્ફેરન્સ કરીને આખા દેશમાં એવું વાતાવરણ બનાવી દીધું કે જાણે ગુજરાતમાં ભાજપે તેમના એક ઉમેદવારને ઉપાડી લીધા છે અને તેમે ટોર્ચર કરી રહ્યા છે અને ધાક ધમકીઓ આપી રહ્યા છે.
દેશભરના મીડિયાએ પણ તથ્યો ચકાસ્યા વગર અને મૂળ વ્યક્તિના નિવેદનની રાહ જોયા વગર આમ આદમી પાર્ટી દ્વારા ફેલાવવામાં આવેલ અફવાઓને જોમ આપ્યુ હતું.
‘ભાજપે અમારા કાર્યકર્તા પર હુમલો કર્યો’ ની સ્ક્રિપ્ટ
નોંધનીય છે કે આ પહેલી વાર નથી કે જયારે આમ આદમી પાર્ટીએ ગુજરાતને અને ગુજરાતની કાયદા વ્યવસ્થાને અકારણ બદનામ કરવાનો પ્રયત્ન કર્યો હોય. આ પહેલા સુરતના જ એક આપ નેતા મનોજ સોરઠિયાને લઈને પણ ગુજરાતને બદનામ કરવાનો આમ આદમી પાર્ટીએ કોઈ મોકો નહોતો છોડ્યો.
ગણેશોત્સવ દરમિયાન એક આંતરિક વિખવાદમાં મારામારી થતા આપણેતા મનોજ સોરઠિયાને માથાના ભાગમાં ઇજા થઇ હતી. જે બાબતે પણ આમ આદમી પાર્ટીએ રાજકીય માઈલેજ મેળવવા આખી ઘટના એવી રીતે રજુ કરી હતી કે જાણે ભાજપના નેતાઓએ જ તેમના પર હુમલો કર્યો હતો, પરંતુ એ બાબતના કોઈ પુરાવા આપવામાં એ નિષ્ફ્ળ રહી હતી.
તેમ છતાંય આ કોઈપણ આધાર પુરાવા વગરની વાતને તેઓ મીડિયામાં ભરપૂર ચગાવવામાં સફળ રહ્યા હતા.
આ બધું કઈ બાજુ ઈશારો કરી રહ્યું છે
તો સૌને એમ લાગે કે આમ આદમી પાર્ટી શા માટે વારંવાર મીડિયામાં આ રીતનો ખોટો પ્રચાર કરી રહી હશે. જે દરેકમાં અંતે તો સત્ય તેની વિરુદ્ધમાં જ બહાર આવતું હોય છે.
જો ધ્યાનથી આ ઘટનાઓની હારમાળા પર નજર કરીએ તો એવી શંકા જાય છે કે ચૂંટણી બાદ જયારે પરિણામ આવશે અને જો પરિણામમાં આમ આદમી પાર્ટીને ધારી સફળતા નહિ મળે તો તેઓ આ બધી ખોટી મીડિયા રિપોર્ટ્સનો સહારો લઈને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય મીડિયામાં એવો હાઉ ઉભો કરશે કે જાણે ગુજરાતની ચૂંટણીઓમાં કંઈક હેરાફેરી થઇ છે.
શક્ય છે કે આપ પોતાની હારનો ઠીકરો EVM પર ફોડવા માંગતી હોય અને તે માટેની પૂર્વતૈયારીઓના રૂપમાં આ પ્રકારના ગુજરાત અને ગુજરાતના તંત્રોને બદનામ કરતા ખોટા અહેવાલો ફરતા કરી રહી હોય. તેથી જયારે તેઓ ‘EVM હૅક’ થવાના ખોટા અહેવાલો ચલાવવા માંગે ત્યારે તેના સપોર્ટમાં આ ખોટા અહેવાલો પણ ઉપલબ્ધ થઇ શકે.
કંચન જરીવાલાએ આપની મહેનત પર પાણી ફેરવ્યું
આમ તો બધું જ આમ આદમી પાર્ટીએ સેટ કરેલ સ્ક્રિપ્ટ મુજબ યોગ્ય જ ચાલી રહ્યું હતું પરંતુ એવામાં કંચન જરીવાલાએ મીડિયા સમક્ષ આવીને પોતાનું ખરું નિવેદન આપ્યું કે આ નિર્ણય તેમણે પોતે લીધો છે અને તેઓનું કોઈએ અપહરણ નહોતું કર્યું. આ નિવેદન સાથે જ આપની આખી ગેમ પર પાણી ફરી વળ્યું છે.
પરંતુ ચિંતાજનક બાબત એ છે કે જો કદાચ કંચન જરીવાલાએ મીડિયા સમક્ષ સત્ય કબુલ્યું ન હોત તો આમ આદમી પાર્ટી ગુજરાતને બદનામ કરવા માટે હજુ કેટલી હદે ગઈ હોત!