રાજકારણમાં સરવેનું મહત્વ ઘણું છે. તેમાં પણ ચૂંટણી ટાણે આવા સરવે ઠેરઠેર થવા માંડે છે. બે પ્રકારના સરવે હોય છે. એક, જેમાં ગ્રાઉન્ડ પરની વાસ્તવિક પરિસ્થિતિનો તાળો મેળવવા માટે આંતરિક સરવે કરવામાં આવે. જેની પાર્ટીના અંદરના માણસો સિવાય કોઈને ખબર હોતી નથી. ભાજપ આવા સરવે કરવા માટે જાણીતો છે. ચૂંટણી ન હોય ત્યારે પણ તેઓ સતત આ પ્રકારના આંતરિક સરવે ચાલુ રાખે છે. જોકે, આજે વાત આમ આદમી પાર્ટી વિશે કરવાની છે.
આગળ વાત ચલાવીએ તે પહેલાં બીજા પ્રકારના સરવેની વાત. આ બીજા પ્રકારનો સરવે કાર્યકર્તાઓમાં જોમ ભરવા માટેનો હોય છે. તે થયો હોય કે નહીં થયો હોય કે તેના પરિણામો શું આવ્યા તેનું કોઈજ મહત્વ નથી. સરવેમાં એવા પરિણામો બતાવવામાં આવે કે સુષુપ્ત થઇ ગયેલા, માહોલ જોઈને હારી-થાકી ગયેલા કાર્યકરમાં જુસ્સો ભરાય અને તે ફરીથી દોડવા માંડે. આ પ્રકારના સરવે પ્રજામાં ભ્રમ ફેલાવવા માટે પણ કરાવવામાં આવતા હોય છે એ પણ આપણે નોંધવું જોઈએ. ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલાં આમ આદમી પાર્ટીએ બંને પ્રકારના સરવે ચાલુ કર્યા હોય તેવું લાગે છે.
સોશિયલ મીડિયા પર ‘આપ’ સમર્થકો અને નેતાઓએ એક અખબારના સરવેના પરિણામો શૅર કરી રહ્યા છે. તેઓ શૅર કરતા હોય એટલે સ્વાભાવિક પરિણામો તેમના પક્ષે જ હોવાના! સરવેના પરિણામોને સત્ય માનવામાં આવે તો, તે મુજબ, આજે ગુજરાતમાં ચૂંટણી થાય તો ભાજપને 115 બેઠકો મળે. આમ આદમી પાર્ટીને 49 અને કોંગ્રેસને 18. આનાથી ભાજપીઓને તો કોઈ ફેર નહીં પડે પણ કોંગ્રેસીઓ ચોક્કસપણે અકળાશે.
Latest survey for Gujarat assembly polls
— Dr Safin 🇮🇳 (@HasanSafin) May 31, 2022
BJP: 115
AAP: 49
INC: 18
And it’s just a beginning! pic.twitter.com/JtoA9kt0qI
ધ્યાનથી જુઓ તો ગણિતના કોઈ દાખલામાં જવાબ પરથી તાળો મેળવી કાઢો એવું આ સરવેમાં કરવામાં આવ્યું છે. કુલ 182માંથી અમુક બેઠકો ભાજપને આપી દેવાઈ, નક્કી કરેલ આંકડો એક પાર્ટીને આપી દેવામાં આવ્યો અને 182 માંથી આ બંનેનો સરવાળો બાદ કરીને વધેલો આંકડો ત્રીજી પાર્ટીને ફાળવી દેવામાં આવ્યો! જાણે અપક્ષ ઉમેદવારો અને ગુજરાતની અન્ય નાની-મોટી પાર્ટીઓનું કંઈ અસ્તિત્વ જ ન હોય!
અહીં વધારે આશ્ચર્યની વાત એ છે કે આજથી એક-બે મહિના પહેલાં જે પાર્ટીને પોતાના આંતરિક સરવેમાં એકેય બેઠક મળતી ન હતી તેને એક છાપાંના સરવેમાં 49 બેઠકો મળતી બતાવવામાં આવી છે. એ પણ નોંધનીય છે કે હજુ ગયા જ મહિને આમ આદમી પાર્ટીએ એક પ્રેસ કોન્ફરન્સ કરીને સરવેનો હવાલો આપીને હમણાં ચૂંટણી થાય (એટલે કે એપ્રિલમાં) તો પોતાને 60 બેઠકો મળશે તેવો દાવો કર્યો હતો! હવે પાર્ટી મેમાં ચૂંટણી થાય તો 49 બેઠકો મળે તેવા સરવેને પ્રોત્સાહન આપી રહી છે!
ગુજરતામાં કરાવેલા એક સર્વે પ્રમાણે આમ આદમી પાર્ટીની ગુજરાતમાં લોકપ્રિયતા વધી છે.
— AAP Gujarat । Mission2022 (@AAPGujarat) April 4, 2022
હાલના સર્વે પ્રમાણે આમ આદમી પાર્ટી 60 સીટો પર જીતે તેવી માહિતી સ્પષ્ટ થાય છે.! @Gopal_Italia pic.twitter.com/t6TWpkoFAr
એ પણ નોંધવું જોઈએ કે ભૂતકાળમાં આમ આદમી પાર્ટી નેતા ઈસુદાન ગઢવી 120 બેઠકો લાવવાનું કહી ચૂક્યા હતા. ટૂંકામાં, આમ આદમી પાર્ટી જ નક્કી કરી શકતી નથી કે ખરેખર તેમણે કેટલી બેઠકો લાવવાની છે!
આમ આદમી પાર્ટીનો શેર 120થી ગગડીને 60 પર આવી પહોંચ્યો..😁
— दीपक चौहान🚩🇮🇳 (@DDChauhan009) April 5, 2022
6 મહિનામાં 60 સીટ ઘટી..
#2022 ની ચૂંટણી આવે આવે ત્યાં ખાલી ગોપાલ વધે તો નવાઈ નઇ..✌️😁✌️😂 pic.twitter.com/iKcHLQY8Wx
ઑક્ટોબર 2021 માં યોજાયેલી ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી દરમિયાન પણ આવા સરવે ફરતા થયા હતા. આમ આદમી પાર્ટી સમર્થકોએ છાપાંના કટિંગ ફેરવવા માંડ્યા હતા જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે ગાંધીનગરમાં ભાજપે કરેલા આંતરિક સરવેમાં આમ આદમી પાર્ટીને 26-30 બેઠકો મળવાનું બહાર આવતા ભાજપનું પ્રદેશ સંગઠન ચિંતામાં પડી ગયું હતું. વધુ મહત્વની વાત એ છે કે આ સરવે પ્રમાણે ભાજપને 12 થી 14 બેઠકો મળતી હતી.
આમ આદમી પાર્ટી
— Hemal Padh (@PadhHemal) October 1, 2021
ગાંધીનગરના મનપા ચૂંટણી મા ભાજપ નું આંતરિક સર્વે મા આમ આદમી પાર્ટી નો વિજય નિશ્ચિંત @Gopal_Italia @isudan_gadhvi @manoj_sorathiya @aapkatohid pic.twitter.com/dpsuffIXjw
જ્યારે ગાંધીનગર ચૂંટણીના પરિણામો જાહેર થયા ત્યારે તદ્દન વિપરીત પરિણામો આવ્યા હતા. ભાજપની 44 માંથી 41 બેઠકો સાથે એકતરફી જીત થઇ, જ્યારે આમ આદમી પાર્ટીને માત્ર 1 અને કોંગ્રેસને 2 બેઠકો મળી હતી!
એટલું જ નહીં, ગાંધીનગર ચૂંટણી માટે મતદાનના આગલા દિવસે ગાંધીનગરના એક સ્થાનિક છાપાંની ફ્રન્ટપેજ હેડલાઈન સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની હતી. જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે ગાંધીનગરમાં સભાઓ અને રેલીઓમાં ‘જનસૈલાબ’ જોતા મહાનગરપાલિકામાં આમ આદમી પાર્ટીની જીત નિશ્ચિત છે. પછી પરિણામો શું જાહેર થયાં હતાં તે સુજ્ઞ વાચક જાણે છે.
ટૂંકમાં, ‘સરવે’ સાથે આમ આદમી પાર્ટીના સબંધો સારા રહ્યા નથી. હવે ગુજરાત વિધાનસભા ચૂંટણી અગાઉ પણ તેમણે ફરીથી સરવેના પરિણામો શૅર કરવાના શરૂ કર્યા છે, તેવા સમયે જમીની સ્તરે આમ આદમી પાર્ટીને મળતા પ્રતિસાદને જોતાં એવું ચર્ચાઈ રહ્યું છે કે શું આ વખતે પણ આમ આદમી પાર્ટીએ આ સરવેના પરિણામોથી જ સંતોષ માનવો પડશે?