અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતીય સમય પ્રમાણે ગુરુવારે મધ્ય રાત્રિએ વિશ્વભરના દેશો પર રેસિપ્રોકલ ટેરિફ લાગુ કરવાની ઘોષણા કરી હતી. જોકે અમેરિકાએ રેસિપ્રોકલની વ્યાખ્યા મુજબ બીજા દેશો જેટલું ટેરિફ લાદી રહ્યા છે એટલું નહીં પણ તેનું પચાસ ટકા ટેરિફ લાગુ કર્યું છે. જે યાદીમાં ભારત પણ છે. ટ્રમ્પે આને ડિસ્કાઉન્ટેડ રેસિપ્રોકલ ટેરિફ ગણાવ્યું છે.
ભારત પર અમેરિકાએ 26% ટેરિફ લાગુ કરવાની ઘોષણા કરી છે. જ્યારે ભારત અમેરિકા પર 52% ટેરિફ ચાર્જ કરે છે. એટલે પચાસ ટકા જેવું ટેરિફ હવે અમેરિકા પણ વસૂલ કરશે.
આ ઘોષણા કરતાં ટ્રમ્પે કહ્યું કે, “ભારત આ બાબતે બહુ કડક છે. વડાપ્રધાન હમણાં જ આવીને ગયા. તેઓ મારા ઘણા સારા મિત્ર છે. પણ મેં તેમને પણ કહ્યું કે તમે બહુ સારા મિત્ર છો, પણ તમે અમારી સાથે યોગ્ય કરી રહ્યા નથી. તેઓ આપણને 52% ચાર્જ કરે છે. તમારે સમજવું પડશે કે આપણે લગભગ વર્ષો સુધી તેમની પાસેથી કોઈ વસૂલાત જ કરી નથી. આ તો સાત વર્ષ પહેલાં મેં આવીને ચીનથી શરૂઆત કરી હતી.”
આ સિવાય ચીન, ઈન્ડોનેશિયા, મોરેશિયસ, લાઓસ, શ્રીલંકા વગેરે દેશો જેઓ વધુ ટેરિફ વસૂલતા હતા તેમની ઉપર પણ લગભગ પચાસ ટકાના હિસાબે અમેરિકાએ રેસિપ્રોકલ ટેરિફ લાગુ કરવાની ઘોષણા કરી છે.
ટ્રમ્પે આ ઘોષણાના દિવસને લિબરેશન ડે નામ આપ્યું હતું. જાહેરાત કરતાં તેમણે કહ્યું કે, આ દિવસ અમેરિકાના ઇતિહાસમાં યાદ રાખવામાં આવશે.