
ખેડા જિલ્લામાં એક હિંદુ સગીરાને પ્રેમજાળમાં ફસાવી મુસ્લિમ શખ્સો દ્વારા ગેંગરેપ કર્યાની ફરિયાદ નોંધવામાં આવી છે. FIRના આધારે પોલીસે 8 આરોપીઓની ધરપકડ કરી લીધી છે, જ્યારે અન્ય એક આરોપી ફરાર હોવાનું કહેવામાં આવી રહ્યું છે. છેલ્લા ત્રણ વર્ષથી આ સગીરા બળાત્કારનો ભોગ બની રહી હતી.
ઘટનાની શરૂઆત બે વર્ષ પહેલાં થઈ હતી, જ્યારે મુખ્ય આરોપી પરવેઝ પઠાણે સગીરાને પોતાની પ્રેમજાળમાં ફસાવી હતી. પરવેઝે સગીરા સાથે શારીરિક સંબંધ બાંધી તેના વાંધાજનક ફોટા અને વિડીયો ઉતારી લીધા હતા. આ વિડીયોના આધારે તેણે સગીરાને બ્લેકમેક કરવાનું શરૂ કર્યું હતું. આરોપીએ આ ફોટા અને વિડીયો તેના મુસ્લિમ મિત્રોને પણ બતાવ્યા હતા.
ત્યારબાદ પરવેઝના 8 અન્ય મિત્રોએ પણ સગીરાને ધમકીઓ આપવાનું શરૂ કર્યું હતું અને ફોટા-વિડીયો વાયરલ કરવાની ધમકીઓ આપી હતી. આ ડરના કારણે સગીરા વર્ષ 2023થી લઈને 2025ના રમજાન સુધી આ આરોપીઓના શોષણનો ભોગ બની હતી. ત્યારબાદ પરિવારને આપવીતી જણાવતા આ મામલે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.
પોલીસે પોક્સો (POCSO) હેઠળ ગુનો નોંધીને કડક કાર્યવાહી શરૂ કરી હતી અને 9માંથી 8 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે નિવેદન આપતા કહ્યું છે કે આ એક સુનિયોજિત કાવતરું હોવાનું જણાય છે. ભોગ બનનાર સગીરાનું મેડિકલ પરીક્ષણ કરવામાં આવ્યું છે અને તમામ આરોપીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે.

