દિલ્હી હાઇકોર્ટે એક વચગાળાના આદેશમાં ઓનલાઇન એનસાયક્લોપીડિયા વિકિપીડિયાનું સંચાલન કરતા વિકિમીડિયા ફાઉન્ડેશનને સમાચાર એજન્સી ANI વિશેના પેજ પર લખવામાં આવેલી અમુક સામગ્રી હટાવી લેવા માટે આદેશ આપ્યો છે.
વિકિપીડિયા પર ANI વિશેના પેજમાં એજન્સીને સરકારની પ્રોપગેન્ડા ટૂલ ગણાવી હતી, જેને લઈને પછીથી ANIએ વિકિપીડિયા સામે માનહાનિનો દાવો ઠોક્યો, જે મામલો હાલ હાઇકોર્ટમાં છે. ANIએ આ જ કેસની સુનાવણી દરમિયાન એક વચગાળાની અરજી દાખલ કરીને અપમાનજનક સામગ્રી હટાવી લેવા માટેના નિર્દેશોની માંગ કરી હતી, જે કોર્ટ દ્વારા સ્વીકારી લેવામાં આવી છે.
આદેશ આપતાં દિલ્હી હાઇકોર્ટે કહ્યું કે, અમુક માંગણીઓને મંજૂરી આપવામાં આવી છે. આદેશની નકલની હાલ રાહ જોવામાં આવી રહી છે.
અગાઉ ડિસેમ્બર 2024માં કોર્ટે આ વચગાળાની અરજી પર આદેશ અનામત રાખ્યો હતો અને કહ્યું હતું કે તેઓ ન્યૂઝ આર્ટિકલોનો વિગતપૂર્ણ અભ્યાસ કરશે. આખરે આદેશ પસાર કરવામાં આવ્યો છે.