Friday, November 22, 2024
More
    હોમપેજવગેરે...ધર્મ/સંસ્કૃતિરામનવમી પર ભગવાન સૂર્યનારાયણ પ્રભુ રામલલાને કરશે 'સૂર્યતિલક', અયોધ્યાના મંદિરમાં ટ્રાયલ સફળ:...

    રામનવમી પર ભગવાન સૂર્યનારાયણ પ્રભુ રામલલાને કરશે ‘સૂર્યતિલક’, અયોધ્યાના મંદિરમાં ટ્રાયલ સફળ: સામે આવ્યો વિડીયો પણ

    આચાર્ય સત્યેન્દ્ર દાસે જણાવ્યું કે, "સૂર્યકિરણનું દ્રશ્ય અદભૂત હતું. વૈજ્ઞાનિકોએ જે રીતે પ્રયાસ કર્યો, તે સરાહનીય છે. ત્રેતાયુગમાં પણ જ્યારે ભગવાન રામનો જન્મ થયો હતો, તે દરમિયાન સૂર્યદેવ 1 મહિના સુધી અયોધ્યામાં રોકાયા હતા. ત્રેતાયુગનું તે દ્રશ્ય આજે કલિયુગમાં પણ સાકાર થઈ રહ્યું છે."

    - Advertisement -

    દેશભરમાં રામનવનીની ઉત્સુકતાથી રાહ જોવામાં આવી રહી છે. કારણ કે, 500 વર્ષોના સંઘર્ષ બાદ પ્રભુ શ્રીરામ અયોધ્યામાં બિરાજમાન થયા છે અને પ્રાણપ્રતિષ્ઠા બાદ પ્રથમવાર રામ નવમીનો પવિત્ર તહેવાર રામ મંદિર અયોધ્યા ખાતે ઉજવવામાં આવી રહ્યો છે. ત્યારે રામ જન્મોત્સવ પર એટેલે કે 17 એપ્રિલ, 2024ના રોજ બપોરે 12 વાગ્યે રામલલાને ‘સૂર્યતિલક’ કરવામાં આવશે. જે 4 મિનિટ સુધી જોઈ શકાશે. જેની ટ્રાયલ પણ પૂર્ણ થઈ ગઈ છે. હાલ સોશિયલ મીડિયામાં ટ્રાયલનો વિડીયો ખૂબ શેર થઈ રહ્યો છે.

    અયોધ્યામાં શુક્રવારે (12 એપ્રિલ, 2024) રામ જન્મભૂમિ મંદિરમાં રામલલાને ‘સૂર્યતિલક’ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન વૈજ્ઞાનિકોએ ‘સૂર્યતિલક’ની ટ્રાયલ સફળ કરી હતી. વિવિધ ટેકનોલોજી અને અરીસા દ્વારા ભગવાન રામલલાના મસ્તક પર સૂર્યના કિરણો પહોંચ્યાં હતાં અને ભગવાનની પ્રતિમા દેદીપ્યમાન થઈ ઉઠી હતી. રામ જન્મભૂમિ ટ્રસ્ટે આ વિશે જણાવતાં કહ્યું કે, વૈજ્ઞાનિકોની હાજરીમાં શુક્રવારે બપોરે 12 વાગ્યે સૂર્યતિલક કરવામાં આવ્યું હતું. તે ઘટનાનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.

    વિડીયોમાં જોઈ શકાય છે કે, રામલલાના મુખ્ય પૂજારી આચાર્ય સત્યેન્દ્ર દાસ રામાનંદી પરંપરા અનુસાર આરતી ઉતારી રહ્યા છે. આ દરમિયાન જ સૂર્યની કિરણો રામલલાના મસ્તક પર તિલક કરી રહી છે. ટ્રાયલ પૂર્ણ થયા બાદ આચાર્ય સત્યેન્દ્ર દાસે જણાવ્યું હતું કે, “સૂર્યકિરણનું દ્રશ્ય અદભૂત હતું. વૈજ્ઞાનિકોએ જે રીતે પ્રયાસ કર્યો, તે સરાહનીય છે. ત્રેતાયુગમાં પણ જ્યારે ભગવાન રામનો જન્મ થયો હતો, તે દરમિયાન સૂર્યદેવ 1 મહિના સુધી અયોધ્યામાં રોકાયા હતા. ત્રેતાયુગનું તે દ્રશ્ય આજે કળયુગમાં પણ સાકાર થઈ રહ્યું છે.”

    - Advertisement -

    નોંધનીય છે કે, IIT રુડકીના સેન્ટ્રલ બિલ્ડિંગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટે (CBRI) આ સિસ્ટમ વિકસાવી છે. પ્રોજેટકના વૈજ્ઞાનિક દેવદત્ત ઘોષે જણાવ્યું કે, આ સૂર્યના પથ બદલવાના સિદ્ધાંતો પર આધારિત છે. તેમાં એક રિફલેક્ટર, 2 દર્પણ, 3 લેન્સ અને પાઇપ વગેરેનો ઉપયોગ કરવામાં આવશે.

    કઈ રીતે થશે સૂર્યતિલક?

    IIT રુડકી સેન્ટ્રલ બિલ્ડિંગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટે સૂર્યતિલક માટે વિશેષ ઓપ્ટોમેકેનિકલ સિસ્ટમ તૈયાર કરી છે. તેનાથી સૂર્યનાં કિરણો બપોરે 12 વાગ્યે મંદિરના સૌથી ઉપરના માળે (ત્રીજા માળે) સ્થાપિત અરીસા પર પડશે. આ કિરણો અરીસામાંથી 90 ડિગ્રી પરાવર્તિત થશે અને પિત્તળના પાઇપમાં પ્રવેશ કરશે. પાઇપના અંતમાં એક અરીસો રાખવામાં આવશે. આ અરીસામાંથી સૂર્યના કિરણો ફરી એક વખત પરાવર્તિત થશે અને પિત્તળના પાઇપ સાથે 90 ડિગ્રી પર વળાંક લેશે.

    બીજી વાર પરાવર્તિત થવાથી સૂર્યના કિરણો ઊભી દિશામાં નીચે તરફ જશે. કિરણોના માર્ગમાં એક પછી એક એમ ત્રણ લેન્સ મૂકવામાં આવશે. જે કિરણોની તીવ્રતામાં વધારો કરશે. બીજો એક અરીસો ઊભી પાઇપના છેડે મૂકવામાં આવશે. વધેલી તીવ્રતા સાથેના કિરણો આ અરીસા પર પડશે અને ફરીથી 90 ડિગ્રી વળાંક લેશે. 90 ડિગ્રી પર વળેલા આ કિરણો સીધાં રામલલાના મસ્તક પર પડશે. આ રીતે રામલલાને સૂર્યતિલક કરવામાં આવશે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં