વિશ્વના તમામ દેશોમાં ભારત પ્રાચીનકાળથી જ ઘણો સમૃદ્ધ દેશ રહ્યો છે. તે સાહિત્યમાં હોય કે પછી તહેવારોમાં. દરેક ક્ષેત્રે ભારત પોતાનું અસ્તિત્વ ઉભરાવતો રહ્યો છે. વિશ્વના તમામ મત, પંથ અને સંપ્રદાયોમાં અનેક તહેવારો ઉજવાતા રહે છે. કોઈના જન્મદિવસ પર ઉજવાય તો કોઈની પુણ્યતિથિ પર ઉજવાય, પરંતુ તેની પાછળનો કોઈ અભિગમ ઈશ્વર સાથેની એકાત્મતા નથી દર્શાવી શકયો. માત્ર હિંદુ ધર્મ જ વિશ્વના તમામ મત, પંથો પૈકીનો એક છે, જેમાં કોઈપણ તહેવાર સાથે એક વિશેષ અભિગમ જોડાયેલો છે. જે માણસને માનસિક અને શારીરિક રીતે તો સમૃદ્ધ કરે જ છે, પરંતુ વૈચારિક અને તાર્કિક રીતે પણ વિકસિત કરે છે. એવો જ એક તહેવાર નવરાત્રિ દેશભરમાં ઉજવાય રહ્યો છે. જેમાં ગરબા નૃત્યનું આગવું મહત્વ વર્ણવવામાં આવ્યું છે.
નવરાત્રિનું હિંદુ ધર્મ અને તેના તમામ સંપ્રદાયોમાં વિશેષ મહત્વ રહ્યું છે. આ પર્વ પરાશક્તિની આરાધના માટે જાણીતો છે. ખાસ તો ગુજરાતમાં તેનું વિશેષ મહત્વ જોવા મળે છે, કારણ કે ગુજરાતના ગરબાને હવે કોઈ વ્યાખ્યાની જરૂર નથી. નવરાત્રિ શરૂ થાય કે, સમાજમાં રહેલા એક મોટા વર્ગનું ‘બુદ્ધિનું પ્રદર્શન’ પણ શરૂ થઈ જાય છે. તર્ક આપવામાં આવે છે કે, ગરબા માત્ર એક તહેવાર અને મોજ-મસ્તી, મનોરંજનનું સાધન માત્ર છે. તેનું કોઈ વૈજ્ઞાનિક મહત્વ કે ધાર્મિક મહત્વ ના તો શાસ્ત્રોમાં દર્શાવાયું છે અને ના તો કોઈ ઈશ્વર સાથે જોડાયેલું છે.
આજે આ એક મોટા વર્ગની ‘બુદ્ધિ’ને ‘જડબુદ્ધિ’ સાબિત કરવાનો શ્રેષ્ઠ અવસર મળ્યો છે તો તેને ગુમાવી કઈ રીતે શકાય? આ વિશેષ લેખમાં આપણે શાસ્ત્રોના પુરાવા સાથે સમજીશું કે, ગરબા નૃત્યનું ધાર્મિક અને વૈજ્ઞાનિક મહત્વ શું છે, તથા શા માટે શાસ્ત્રોમાં તેને ભક્તિનો એક પ્રકાર ગણાવ્યો છે. અહીં લખાયેલી તમામ બાબતો હિંદુ ધર્મના મહાન ધર્મગ્રંથો અને પવિત્ર શાસ્ત્રોમાં ઉલ્લેખિત છે.
વૈદિક પરંપરાનો ભાગ છે ગરબા નૃત્ય
ઘણા લોકો ગરબાને માત્ર મનોરંજનનું સાધન માને છે અને બીજા બધા તહેવારોની જેમ ગરબા પણ માત્ર એક તહેવાર છે અને આનંદ માટે ઉજવાય છે તેવું પણ માને છે. પણ શું ખરેખર તેવું છે ખરું? તેનો જવાબ છે ના. નવરાત્રિનું આધ્યાત્મની દુનિયામાં ઘણું વિશેષ મહત્વ છે. નવરાત્રિ મા પરાશક્તિની ઉપાસનાનું પર્વ છે નહીં કે માત્ર મનોરંજન માટેનું.
ગરબા એક માર્ગ છે મા શક્તિની આરાધના કરી તેની નજીક જવાનો. પ્રાચીન વૈદિક પરંપરામાં નૃત્યનું મહત્વ વર્ણવવામાં આવ્યું છે. એવું કહેવાયું છે કે, ઈશ્વરને પ્રાપ્ત કરવા માટે અનેક રસ્તાઓ છે. આ તમામ રસ્તાઓ તમને ઈશ્વર સુધી લઈ જઈ શકે છે અને તેમાંનો એક રસ્તો છે નૃત્ય અથવા તો ગરબા. એટલે સૌપ્રથમ એ જાણવું અને માનવું જરૂરી છે કે નવરાત્રિ પર થતા રાસ-ગરબા માત્ર મનોરંજન નથી પણ આપણી ધાર્મિક, સાંસ્કૃતિક અને મહાન વૈદિક પરંપરાનો એક ભાગ પણ છે.
નવધા ભક્તિનો એક પ્રકાર છે ગરબા, શાસ્ત્રોમાં પણ ઉલ્લેખ
હવે મુખ્ય વાત પર આવીએ કે કયા શાસ્ત્રમાં નૃત્યને એક ભક્તિ તરીકે દર્શાવાયું છે. હિંદુ પ્રાચીન ગ્રંથો અને વેદોમાં પણ ઈશ્વરને પ્રાપ્ત કરવા માટેના નવ માર્ગ વિશેની માહિતી આપવામાં આવી છે. જેને શાસ્ત્રોમાં ‘નવધા ભક્તિ’ તરીકે ઓળખવામાં આવે છે. વેદો બાદ નવધા ભક્તિને બે યુગો સતયુગ અને ત્રેતાયુગમાં ઉલ્લેખિત કરવામાં આવી છે. સતયુગમાં ભક્ત પ્રહલાદ પોતાના પિતા હિરણ્યકશ્યપને નવધા ભક્તિનો ઉપદેશ આપે છે અને ત્રેતાયુગમાં ભગવાન શ્રીરામ માતા શબરીને નવધા ભક્તિનો ઉપદેશ આપે છે. ભક્ત પ્રહલાદ દ્વારા કહેવામાં આવેલી નવધા ભક્તિ શ્રીમદ્ભાગવત પુરાણના સાતમા સ્કંદના પાંચમાં અધ્યાયમાં ઉલ્લેખિત છે.
श्रवणं कीर्तनं विष्णोः स्मरणं पादसेवनम्।
अर्चनं वन्दनं दास्यं सख्यमात्मनिवेदनम्॥ (श्रीमद्भा० 7 । 5। 23 )
ભાગવત પુરાણમાં ભક્ત પ્રહલાદ દ્વારા આ શબ્દો ઉચ્ચારાયા છે. તેમાં જણાવાયું છે કે, કઈ રીતે નવ પ્રકારથી ઈશ્વરની આરાધના કરીને મોક્ષની પ્રાપ્તિ થઈ શકે છે. જો કોઈ વ્યક્તિ આ નવ ભક્તિઓમાંથી કોઈપણ એક ભક્તિને અપનાવીને તે મુજબ જીવે તો તે ઈશ્વરને પ્રાપ્ત કરી શકે, તેમાં કોઈ શંકા નથી. વેદો પણ આ બાબતે એકદમ સ્પષ્ટ છે. શાસ્ત્રોમાં કહેવાયું છે કે, મનુષ્ય જન્મનો એકમાત્ર ધ્યેય ઈશ્વર થવું છે. આ વાક્યને સમજવું ખૂબ અઘરું છે, પરંતુ માણસનો એકમાત્ર ધ્યેય ઈશ્વરમાં ભળી જઈને મોક્ષ પ્રાપ્ત કરવો અને ઈશ્વર બનીને હંમેશા અવિનાશી બની જવાનો છે. ઈશ્વરમાં ભળવા માટેનો સૌથી સરળ રસ્તો છે નવધા ભક્તિ. આપણે નવધા ભક્તિના નવ પ્રકારોને મુદ્દાસર સમજીશું.
શ્રવણ:- નવધા ભક્તિ પૈકીની પ્રથમ ભક્તિ છે શ્રવણ. ભગવાનના ચરિત્ર, લીલાઓ, મહિમા, ગુણ, નામ અને તેમના પ્રેમ અને પ્રભાવોની વાતોને શ્રદ્ધાપૂર્વક સાંભળીને તે પૂર્વકનું આચરણ કરવા માટેની ચેષ્ઠા કરવી તેને શ્રવણ ભક્તિ કહે છે. કોઈ મહાન વ્યક્તિ કે સંતની વાણી સાંભળી તે મુજબ વ્યવહાર અને ચરિત્રમાં સુધાર કરવો પણ ભક્તિ ગણાય છે.
કીર્તન:- નવધા ભક્તિ પૈકીની બીજી ભક્તિ છે કીર્તન. કીર્તન એટલે ઈશ્વર સાધના માટે થતાં ભજનો, ગાન અને નૃત્ય. ગુજરાતમાં શક્તિ આરાધના માટે થતાં ગરબા નવ ભક્તિ પૈકીના બીજા પ્રકારમાં આવે છે, જેને કીર્તન કહી શકાય. નવરાત્રિમાં પરાશક્તિની આરાધના માટે ભક્તો ગરબા કરે છે, તેનો સીધો સ્પર્શ ‘સાધના’ માટેનો છે, નહીં કે મનોરંજન માટેનો. તેથી તે તર્ક ભાગવત પુરાણ ખોટો સાબિત કરે છે કે, ગરબા માત્ર મોજ-મસ્તી અને મનોરંજનનો વિષય છે.
સ્મરણ:- ભક્તિનો ત્રીજો પ્રકાર છે નામ સ્મરણ. સદા ઉન્નત ભાવ સાથે ભગવાનના ગુણ, પ્રભાવ સહિત તેમનાઆ સ્વરૂપનું ચિંતન કરવું અને વારંવાર તેમના પર મુગ્ધ થઈને તેમના નામમાં ખોવાઈ જવું તે છે સ્મરણ ભક્તિ.
ચરણ સેવન:- ભગવાનના જે રૂપની ઉપાસના કરવામાં આવે છે, તેમના ચરણોનું સેવન કરવું. અહીં તેનો અર્થ થાય છે, તેમના વિચારોને આત્મસાત કરવા અને જીવમાત્રમાં તે ઈશ્વરની અનુભૂતિ કરવી તેને ચરણ સેવન ભક્તિ કહેવાય છે.
પૂજન-અર્ચન:- પૂજન-અર્ચન ભક્તિ હિંદુ ધર્મમાં સામાન્ય રીતે સૌ કોઈ કરતાં જોવા મળે છે. પોતાની રુચિ આધારિત ભગવાનની કોઈ મૂર્તિ કે માનસિક સ્વરૂપનું નિત્ય ભક્તિપૂર્વક પૂજન કરવું અને પવિત્ર અગ્નિ પ્રજજ્વલિત કરીને તેમની અર્ચના કરવી તેને પૂજન-અર્ચન ભક્તિ કહે છે.
વંદન:- ઈશ્વર અથવા તો સમસ્ત જગતને ઈશ્વરનું સાકાર સ્વરૂપ સમજીને તેમને વંદન કરવા તે વંદન ભક્તિ છે.
દાસ્ય:- ઈશ્વરને સર્વસ્વામી માની તેના દાસ તરીકે જીવન વ્યતીત કરવું તે પણ એક ભક્તિ છે. આ ભક્તિ સામાન્ય રીતે અઘોરી પરંપરામાં જોવા મળે છે. જેમાં અઘોર દીક્ષા પ્રાપ્ત કર્યા બાદ અઘોરી સાધુ શિવને જ સર્વોપરી અને સ્વામી માને છે અને તેમના દાસ તરીકે જીવન જીવે છે.
સખ્ય:- આ ભક્તિ વિશ્વના તમામ મત, મઝહબો કરતાં હિંદુ ધર્મને શ્રેષ્ઠ સાબિત કરે છે. આ ભક્તિમાં કહેવાયું છે કે, ઈશ્વરને પોતાના મિત્ર માનીને સુખ-દુઃખની તમામ વાતો કરવી તે પણ એક ભક્તિ છે.
આત્મનિવેદન અથવા સમર્પણ:- અહંકાર રહિત થઈને પોતાનું સર્વસ્વ ઈશ્વરને અર્પણ કરી દેવું. સ્વયંને ઈશ્વરના રૂપમાં સમર્પિત કરી દઈને એક થઈ જવું તેને સમર્પણ ભક્તિ કહે છે.
આ નવ પ્રકારની ભક્તિ આપણાં શાસ્ત્રોમાં વર્ણવાયેલી છે. ભગવાન શ્રીરામે પણ માતા શબરીને આ નવધા ભક્તિનું દિવ્ય જ્ઞાન પ્રદાન કર્યું હતું. તેથી કીર્તન કે નૃત્ય પણ ભક્તિનો જ એક પ્રકાર છે, તેમાં કોઈ શંકાને સ્થાન નથી રહેતું. સ્વયં પૂર્ણપુરુષોત્તમ ભગવાન શ્રીકૃષ્ણે રાસલીલા રમીને આ ભક્તિને શ્રેષ્ઠ સાબિત કરી છે. તેથી નવરાત્રિમાં રમાતા ગરબાને ધર્મ અને ઈશ્વર સાથે ગાઢ સંબંધ છે અને ઈશ્વરને પ્રાપ્ત કરવા માટેનો તે એક ઉત્તમ રસ્તો પણ છે.
હવે રહી વાત તેના વૈજ્ઞાનિક મહત્વની, તો ચાલો એ પણ થોડું સમજી લઈએ. નવરાત્રિ મહાપર્વ સાથે તેનું વૈજ્ઞાનિક મહત્વ પણ જોડાયેલું છે. નવરાત્રિ મનાવવાનું વૈજ્ઞાનિક મહત્વ એ છે કે, વર્ષની બંને મુખ્ય નવરાત્રિ પર સામાન્ય રીતે સંધિકાળ હોય છે, બે ઋતુઓના સમ્મિલનમાં આ પર્વ ઉજવાય છે. જ્યારે ઋતુઓનો સંધિકાળ હોય છે ત્યારે સામાન્ય રીતે શરીરમાં વાત, કફ, પિત્તના સમાયોજનમાં વધ-ઘટ થાય છે. તેનાથી રોગ પ્રતિકારક ક્ષમતા ઓછી થઈ જાય છે. એટલા માટે નવ દિવસ જાપ, ઉપવાસ, સાફ-સફાઈ, શારીરિક શુદ્ધિ, ધ્યાન, હવન અને નૃત્ય વગેરે કરવામાં આવે છે. જેનાથી વાતાવરણ શુદ્ધ થાય છે અને આપણે અનેક બીમારીઓથી બચી પણ શકીએ છીએ.