Monday, April 29, 2024
More
    હોમપેજવગેરે...ધર્મ/સંસ્કૃતિસ્ત્રીશક્તિની ઉપાસનાનું પર્વ છે નવરાત્રિ, ધાર્મિક-સાંસ્કૃતિક તો ખરું જ, આર્થિક અને વૈજ્ઞાનિક...

    સ્ત્રીશક્તિની ઉપાસનાનું પર્વ છે નવરાત્રિ, ધાર્મિક-સાંસ્કૃતિક તો ખરું જ, આર્થિક અને વૈજ્ઞાનિક મહત્વ પણ એટલું જ…: ગરબા શા માટે રમાય છે તે પણ જાણો

    ઘણા લોકો ગરબાને માત્ર મનોરંજનનું સાધન માને છે અને બીજા બધા તહેવારોની જેમ ગરબા પણ માત્ર એક તહેવાર છે અને આનંદ માટે ઉજવાય છે તેવું માને છે. પણ શું ખરેખર તેવું છે ખરું? તેનો જવાબ છે ના. નવરાત્રિનું આધ્યાત્મની દુનિયામાં ઘણું વિશેષ મહત્વ છે.

    - Advertisement -

    ભારત એક એવો મહાન દેશ છે, જ્યાં તમામ ઉત્સવો અને તહેવારો ધામધૂમથી ઉજવવામાં આવે છે. રંગોથી આચ્છાદિત આ દેશમાં પ્રદેશે-પ્રદેશે ભિન્ન-ભિન્ન લોકસંસ્કૃતિ જોવા મળે છે. આ લોકસંસ્કૃતિઓ ભેગી મળીને બનાવે છે સમૃદ્ધ ભારતની ઉન્નત અને મહાન સંસ્કૃતિ. સનાતન ધર્મની તાસીર છે કે આપણે આપણા તહેવારોમાંથી પણ કંઈક નવું જ્ઞાન મેળવી શકીએ છીએ. આપણા તહેવારો વૈજ્ઞાનિક અભિગમ પણ પૂરો પાડે છે. આવો જ એક તહેવાર નવરાત્રિ શરૂ થઈ રહ્યો છે. ત્યારે જાણીએ કે નવરાત્રિનું સાંસ્કૃતિક, ધાર્મિક તથા વૈજ્ઞાનિક મહત્વ શું છે અને શા માટે આ પર્વને નારીશક્તિની ઉપાસનાનું પર્વ કહે છે.

    નવરાત્રિનું સાંસ્કૃતિક-ધાર્મિક મહત્વ

    દેશભરમાં અને ખાસ કરીને ગુજરાતમાં નવરાત્રિનું આગવું મહત્વ છે. શક્તિના ઉપાસકો નવ દિવસનું વ્રત ધારણ કરીને નવ રાત્રિ દરમિયાન ગરબા દ્વારા શક્તિની ઉપાસના કરે છે. ઘણા લોકો ગરબાને માત્ર મનોરંજનનું સાધન માને છે અને બીજા બધા તહેવારોની જેમ ગરબા પણ માત્ર એક તહેવાર છે અને આનંદ માટે ઉજવાય છે તેવું માને છે. પણ શું ખરેખર તેવું છે ખરું? તેનો જવાબ છે ના. નવરાત્રિનું આધ્યાત્મની દુનિયામાં ઘણું વિશેષ મહત્વ છે. નવરાત્રિ મા પરાશક્તિની ઉપાસનાનું પર્વ છે નહીં કે માત્ર ગરબા-દાંડિયા રમવા માટેનું.

    ગરબા માત્ર એક માર્ગ છે મા શક્તિની આરાધના કરી તેની નજીક જવાનો. પ્રાચીન વૈદિક પરંપરામાં નૃત્યનું મહત્વ વર્ણવવામાં આવ્યું છે. એવું કહેવાયું છે કે ઈશ્વરને પ્રાપ્ત કરવા માટે અનેક રસ્તાઓ છે. આ તમામ રસ્તાઓ તમને ઈશ્વર સુધી લઈ જઈ શકે છે અને તેમાંનો એક રસ્તો છે નૃત્ય અથવા તો ગરબા. એટલે સૌપ્રથમ એ જાણવું અને માનવું જરૂરી છે કે નવરાત્રિ પર થતા રાસ-ગરબા માત્ર મનોરંજન નથી પણ આપણી ધાર્મિક અને સાંસ્કૃતિક પરંપરાનો એક ભાગ પણ છે.

    - Advertisement -

    ધાર્મિક માન્યતા અનુસાર એવું કહેવાય છે કે, એક સમયે મહિષાસુર નામનો રાક્ષસ બ્રહ્માજીની તપસ્યા કરવા બેસે છે. બ્રહ્માજી પ્રસન્ન થઈ વરદાન માંગવા કહે છે તો મહિષાસુર અમર થવાનું વરદાન માંગે છે. પણ એ પ્રકૃતિના નિયમ વિરુદ્ધ હોવાથી અન્ય વરદાન માંગવાનું બ્રહ્માજી કહે છે. ત્યારે તે રાક્ષસ વરદાન માંગતા કહે છે કે મને એવું વરદાન આપો કે મારું મૃત્યુ ન તો કોઈ દેવતા કરી શકે ન તો કોઈ અસુર કરી શકે કે ન તો કોઈ મનુષ્ય કરી શકે. મારું મૃત્યુ માત્ર કોઈ સ્ત્રીના હાથે શક્ય બને.

    બ્રહ્માજી મહિષાસુરને વરદાન આપે છે. પણ સમય જતાં મહિષાસુર રાક્ષસોનો રાજા બની ગયો અને દેવતાઓ પર આક્રમણ શરૂ કર્યાં. દેવતાઓ એકજૂટ થઈને લડ્યા પણ મહિષાસુરને પહોંચી ન વળ્યા. દેવતાઓએ ભગવાન વિષ્ણુ અને ભગવાન શંકર પાસે મદદ માંગી. પણ બ્રહ્માજીએ આપેલા વરદાનથી મહિષાસુરનો સામનો કરવો શક્ય નહોતો. તેથી ભગવાન વિષ્ણુ સહિત અન્ય દેવતાઓએ ‘આદિશક્તિ’ની આરાધના શરૂ કરી. બધા દેવોના શરીરમાંથી એક દિવ્ય રોશની નીકળી જેમાંથી દેવી શક્તિએ સ્વરૂપ ધારણ કર્યું.

    દેવી શક્તિનું સર્જન મહિષાસુરનો સંહાર કરવા માટે થયું હતું અને થયું પણ એવું જ કે મહિષાસુરે દેવી શક્તિ સાથે લડાઈ કરી. નવ દિવસ સુધી આ યુદ્ધ ચાલ્યું અને દસમા દિવસે આદિશક્તિએ મહિષાસુરનો સંહાર કર્યો. ત્યારથી નવરાત્રિ પર્વ શરૂ થયું.

    નવરાત્રિના નવ દિવસ પૂર્ણ થયા બાદ વિજયાદશમી પણ ઉજવવામાં આવે છે. વિજયાદશમીના દિવસે મા આદિશક્તિએ મહિષાસુરનો સંહાર કર્યો હતો અને તે જ દિવસે મર્યાદા પુરૂષોત્તમ પ્રભુ શ્રીરામે પણ રાવણનો વધ કર્યો હતો. આથી વિજયાદશમીને અધર્મ પર ધર્મના વિજયની ઉજવણી સ્વરૂપે મનાવવામાં આવે છે.

    વૈજ્ઞાનિક મહત્વ

    નવરાત્રિ મહાપર્વના ધાર્મિક, સાંસ્કૃતિક મહત્વની સાથે તેનું વૈજ્ઞાનિક મહત્વ પણ જોડાયેલું છે. નવરાત્રિ મનાવવાનું વૈજ્ઞાનિક મહત્વ એ છે કે, વર્ષની બંને મુખ્ય નવરાત્રિ પર સામાન્ય રીતે સંધિકાળ હોય છે, બે ઋતુઓ સમ્મિલનમાં આ પર્વ ઉજવાય છે. જ્યારે ઋતુઓનો સંધિકાળ હોય છે ત્યારે સામાન્ય રીતે શરીરના વાત, કફ, પિત્તના સમાયોજનમાં વધ-ઘટ થાય છે. તેનાથી રોગ પ્રતિકારક ક્ષમતા ઓછી થઈ જાય છે. એટલા માટે નવ દિવસ જાપ, ઉપવાસ, સાફ-સફાઈ, શારીરિક શુદ્ધિ, ધ્યાન, હવન વગેરે કરવામાં આવે છે. જેનાથી વાતાવરણ શુદ્ધ થઈ જાય છે અને આપણે અનેક બીમારીઓથી બચી શકીએ છીએ.

    આર્થિક મહત્વ

    નવરાત્રિ મહાપર્વનું આર્થિક મહત્વ પણ ઘણું અગત્યનું છે. હિંદુ તહેવારોમાં આર્થિક મહત્વ પણ નોંધપાત્ર ભાગ ભજવે છે. નવરાત્રિ શરૂઆતથી ગરબા અને દીવડાઓ બનાવનારા લોકોની આવકમાં વધારો જોવા મળે છે. તમામ ભક્તો અને શ્રદ્ધાળઓ ગરબા લઈને મા શક્તિનું પર્વ મનાવે છે. તેવામાં માટીના ગરબા અને દીવડાઓ બનાવતા લોકોની રોજગારી પણ પૂરી પડે છે.

    આ સિવાય નવરાત્રિ દરમિયાન પહેરાતો પારંપરિક પોશાક પણ ઘણો મહત્વનો છે. તેને બનાવનાર લોકો માટે પણ નવરાત્રિ વરદાનરૂપ બને છે. આ ઉપરાંત નાની-મોટી ખરીદી દ્વારા અસંખ્ય લોકોને રોજગારી મળે છે. જેમ કે, ફરાળ, મીઠાઈ, ફળ-ફ્રૂટ, ધાર્મિક વસ્તુઓ જેવા તમામ દ્રવ્યો બનાવનારા અથવા વેચનારા લોકોને પણ નવરાત્રિ દરમિયાન સારી રોજગારી મળે છે. આથી નવરાત્રિનું આર્થિક મહત્વ પણ નોંધવા જેવું છે.

    ‘નારીશક્તિ’નું મહત્વ

    નવરાત્રિ મહાપર્વનું ધાર્મિક, સાંસ્કૃતિક અને આર્થિક મહત્વ જેટલું છે તેના કરતાં અનેક ગણું વધારે ‘નારીશક્તિ’નું મહત્વ છે. આદિશક્તિ અણુ-અણુમાં વ્યાપ્ત થઈ સમગ્ર બ્રહ્માંડનું સંચાલન કરે છે. નારીશક્તિ પણ આદિશક્તિનો જ એક અંશ છે. પુરુષનું પુંસત્વ એ પુરુષની શક્તિ છે. શક્તિ વગર કોઈપણ કાર્ય સંભવ નથી. સમગ્ર સંસારમાં શક્તિનું અદ્વિતીય મહત્વ છે. તેથી કોઈપણ સ્થળે કોઈપણ રીતે શક્તિ ઉપાસના થતી જ હોય છે. વિજ્ઞાન તેને Power Energy તરીકે સ્વીકારે છે. પ્રાચીન વૈદિક પરંપરામાં તેને શક્તિ અથવા તો દૈવીય ઉર્જા તરીકે ઓળખવામાં આવે છે. ઋગ્વેદમાં કહેવાયું છે કે સમગ્ર બ્રહ્માંડની શરૂઆત એક શક્તિ દ્વારા થઈ છે અને વિજ્ઞાનમાં કહેવાયું છે કે યુનિવર્સ એક એનર્જીથી બન્યું છે. માટે આપણી સનાતન વૈદિક પરંપરા હંમેશાથી દુનિયાથી આગળ અને ઉન્નત રહી છે. જેવી રીતે આદિશક્તિમાંથી બ્રહ્માંડ ઉદભવ્યું છે તેવી રીતે નારીશક્તિમાંથી સંસાર ઉદભવ્યો છે. એટલા માટે નારીશક્તિને આદિશક્તિનું એક રૂપ માનવામાં આવે છે.

    નવરાત્રિ નારી શક્તિને સમર્પિત પણ માનવામાં આવે છે. તેથી નવરાત્રિ પાવન પર્વ નિમિત્તે દુર્ગાષ્ટમી અને મહાનવમીના દિવસે કન્યાઓની પૂજા કરવામાં આવે છે. કારણ કે કન્યાઓને માતા દુર્ગાનું સ્વરૂપ માનવામાં આવે છે. નવરાત્રિમાં 1થી લઇને 9 કન્યાઓની પૂજા કરવાની પરંપરા છે. કન્યાની ઉંમર 2 વર્ષથી 10 વર્ષ સુધીની હોવી જોઇએ.

    માતા દુર્ગા આદિશક્તિ છે, તે પ્રકૃતિ છે અને તેમના થકી જ સમગ્ર સૃષ્ટિનું સર્જન સંભવ છે. તેઓ પ્રાણવાયુ છે અને તેમનાથી જ ભગવાન શિવ પૂર્ણ થાય છે. શિવ-શક્તિને અર્ધનારીશ્વર કહેવાય છે. નવરાત્રિ નારીશક્તિને પણ સમર્પિત ગણવામાં આવે છે, કારણ કે આ પર્વ નારીના સન્માનનું છે. જો તમારા દ્વારા નવરાત્રિ દરમિયાન માતા, બહેન, પત્ની, પુત્રી અથવા અન્ય નારીશક્તિનું અપમાન થાય છે, તો તમારું નવરાત્રિ વ્રત અને દુર્ગા પૂજા અસફળ થાય છે, તેનું પુણ્ય તમને ક્યારેય મળતું નથી. તેથી દરેક સ્ત્રીને માન-સન્માનની દ્રષ્ટિએ જોવી જોઇએ. તેવો એક મહત્વનો સંદેશ નવરાત્રિ આપે છે.

    ગરબાનું મહત્વ

    તાજેતરની સ્થિતિએ યુવાઓમાં ગરબા રમવાનો ક્રેઝ ખૂબ વધી રહ્યો છે. આ લોકપ્રિય અને રસપ્રદ રમતના રોચક ઇતિહાસમાં ડોકિયું કરીએ તો ગરબા રમવાની પરંપરા અગાઉ માત્ર ગુજરાત (ખાસ કરીને સૌરાષ્ટ્ર, કચ્છ) અને રાજસ્થાન પૂરતી મર્યાદિત હતી પરંતુ તેની લોકપ્રિયતા વધતી ગઈ અને હવે તે સમગ્ર ભારતમાં પ્રખ્યાત થઈ છે. દેશભરમાં લોકો ગરબા રમે છે. ગરબા શબ્દ સંસ્કૃત શબ્દ ‘ગર્ભદીપ’ પરથી આવ્યો છે.

    નવરાત્રિ દરમિયાન ઘરમાં કે મંદિરમાં ગરબાનું સ્થાપન કરવામાં આવે છે. ગરબામાં નવ છિદ્રો પાડવામાં આવે છે. જ્યારે ગરબા રમવાનું શરૂ થાય ત્યારે ગરબાને કેન્દ્ર સ્થાને રાખવામાં આવે છે અને તેના ફરતે રાસ-ગરબા રમવામાં આવે છે.

    ગરબામાં પાડેલા નવ છિદ્રો માનવીના દેહનું સ્વરૂપ છે અને ગરબામાં મૂકેલો દીવો આત્માની જ્યોત સ્વરૂપ છે. ગરબામાં રહેલાં 9 છિદ્રો માનવ દેહના નવ દ્વારાને સૂચવે છે. બે આંખ, બે કાન, બે નાક (નસકોરા), મુખ, ગુદા અને જનનેન્દ્રિય. માનવ મૃત્યુ પામે ત્યારે તેની આત્મા શરીરના કોઈપણ દ્વારેથી નીકળી જાય છે. આત્મજ્યોત સદા પ્રજ્વલિત રહે એવી ભાવનાથી નવ દિવસ સુધી અખંડ દીવો પ્રગટાવવામાં આવે છે.

    આ ઉપરાંત ઘણી જગ્યાએ ગરબામાં 27 છિદ્રો પાડવામાં આવે છે. આ 27 છિદ્રોનું રહસ્ય પણ અનેરું છે. ગરબાને બ્રહ્માંડનું પ્રતીક માનવામાં આવે છે અને 27 છિદ્રોને 27 નક્ષત્રોનું પ્રતિક માનવામાં આવે છે. એક નક્ષત્રને ચાર ચરણ હોય છે. એટલે 27 X 4= 108ની સંખ્યા પ્રાપ્ત થાય છે. એટલા માટે કહેવાય છે કે ગરબાને મધ્યમાં રાખી 108 વખત ગરબી ઘૂમવાથી બ્રહ્માંડની પ્રદક્ષિણા કરવાનું પુણ્ય પ્રાપ્ત થાય છે.

    ઉપાસના પદ્ધતિ અને પરંપરા

    નવરાત્રિ દરમિયાન દેવી દુર્ગાના નવ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. નવ દિવસ અલગ-અલગ સ્વરૂપની પૂજા થાય છે. માતા શક્તિના નવ સ્વરૂપો અનુક્રમે આ રીતે છે. – શૈલપુત્રી, બ્રહ્મચારિણી, ચંદ્રઘંટા, કુષ્માંડા, સ્કંદ માતા, કાત્યાયની, કાલરાત્રી, મહાગૌરી અને સિદ્ધિદાત્રી.

    ધાર્મિક માન્યતાઓ અનુસાર, નવરાત્રિના પ્રથમ નોરતે મા દુર્ગા પોતાના વાહન પર સવાર થઇને સહપરિવાર કૈલાશથી ધરતી પર આવે છે. નવરાત્રિ વ્રત દરમિયાન માતા દુર્ગાનું આહ્વાન કરવું ખૂબ જરૂરી છે. આહ્વાનનો અર્થ છે તમે ખાસ સિદ્ધિ અને હેતુ સાથે માતારાનીને તમારા ઘરે નિમંત્રણ આપી રહ્યા છો.

    મા શક્તિની ઉપાસના પદ્ધતિમાં સૌપ્રથમ કુંભસ્થાપન અથવા તો કળશ સ્થાપન કરવામાં આવે છે. જો તમે નવરાત્રિ દરમિયાન 9 દિવસ અથવા તો પહેલા અને અષ્ટમીના દિવસે વ્રત રાખો છો, તો તમારે કળશની સ્થાપના જરૂર કરવી જોઇએ. દેવી પુરાણમાં જણાવ્યા અનુસાર, મા ભગવતીની પૂજા કરતાં પહેલાં ઘરમાં કળશ સ્થાપના કરવું ખૂબ જરૂરી છે. પૂજા સમયે કળશને દેવીની શક્તિ અને તીર્થસ્થાનના પ્રતીક તરીકે સ્થાપિત કરવામાં આવે છે. કળશને વૈભવ, સુખ-સમૃદ્ધિનું પ્રતિક માનવામાં આવે છે. કળશમાં બ્રહ્મા, વિષ્ણુ, શિવ અને દૈવીક માતૃશક્તિનો વાસ હોય છે.

    આ ઉપરાંત માતા શક્તિની ઉપાસના અનેક રીતે થઈ શકે છે. તેના માટે ઘણીબધી પદ્ધતિઓ જોવા મળે છે. જેમાં યજ્ઞ-યજ્ઞાદિ, હવન, વ્રત, જપ, તપ, ધ્યાન વેગેરે. આ સિવાય નવરાત્રિમાં ચંડીપાઠ, ભવાન્યષ્ટકમ્ અને શક્રાદય સ્તુતિનું ખૂબ જ વિશેષ મહત્વ છે. કોઈપણ દૈવીય ધાર્મિક સ્થળ પર નવરાત્રિ દરમિયાન યજ્ઞ અચૂક કરવામાં આવે છે. યજ્ઞ વૈદિક પરંપરાની એક ઉપાસના પદ્ધતિ છે જે ખૂબ જ ગૂઢ રહસ્ય અને આધ્યાત્મિક શક્તિની પરાકાષ્ઠા દર્શાવે છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં