22 જાન્યુઆરીના પવિત્ર દિવસે અયોધ્યા મંદિર ખાતે પ્રભુ શ્રીરામનો પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ યોજાવા જઈ રહ્યો છે. દેશના લોકોમાં તેને લઈને ખૂબ જ આનંદ અને ઉત્સાહ જોવા મળી રહ્યો છે. રામ મંદિર માટેની અનેક ધાર્મિક વસ્તુઓની પૂજા વિધિ કરવામાં આવી રહી છે. દેશના અલગ-અલગ વિસ્તારમાં રામ મંદિરની ધાર્મિક વસ્તુઓ બની રહી છે અને તેની પૂજન વિધિ પણ યોજવામાં આવી રહી છે. તેમાંની અનેક વસ્તુઓ ગુજરાતમાં નિર્માણ પામી રહી છે. જે પૈકી મંદિરનો મહત્વનો ભાગ માનવામાં આવતો ધ્વજદંડ અમદાવાદમાં તૈયાર કરવામાં આવ્યો છે. પવિત્ર વિરાટ ધ્વજદંડની સાથે અન્ય સાત ધ્વજદંડ પણ અમદાવાદમાં તૈયાર થયા છે. જેની વિવિધ સાધુ-સંતોની ઉપસ્થિતિમાં પૂજા કરવામાં આવી હતી. એ ઉપરાંત અમદાવાદના તિરૂપતિ મંદિરથી પ્રભુ શ્રીરામની પાદુકા સોમનાથ લઈ જવામાં આવી છે.
અમદાવાદમાં આવેલા ગોતા વિસ્તારમાં અંબિકા એન્જિનિયરિંગ વર્કસ ખાતે ગુજરાતના પ્રસિદ્ધ સાધુ-સંતોની વિશેષ ઉપસ્થિતિમાં રામ મંદિર માટે નિર્માણ પામેલા વિરાટ ધ્વજદંડની પૂજા કરવામાં આવી હતી. વૈદિક મંત્રોચ્ચાર સાથે સાધુ-સંતોના હસ્તે તેમની પૂજા કરવામાં આવી હતી. ગુજરાતના પ્રસિદ્ધ આશ્રમોના સન્યાસીઓ અને મહંતો આ પવિત્ર કાર્યના સહભાગી બન્યા હતા. પૂજન વિધિ દરમિયાન અનેક રામભક્તો પણ ઉપસ્થિત રહ્યા હતા. ‘જય શ્રીરામ’ અને ‘ભારત માતા કી જય’ના નારા સાથે પૂજન વિધિ પ્રારંભ કરવામાં આવી હતી. આ ઉપરાંત પ્રભુ શ્રીરામની પાદુકા તિરૂપતિ મંદિરથી સોમનાથ લઈ જવામાં આવી હતી.
ગુજરાતના અનેક સંતોની વિશેષ ઉપસ્થિતિ
અયોધ્યા રામ મંદિર માટે તૈયાર થયેલા પવિત્ર ધ્વજદંડોની પૂજન વિધિમાં ગુજરાતના અનેક સંતો જોડાયા હતા. જેમાં સ્વામી પરમાનંદ (શિવાનંદ આશ્રમ, સેટેલાઈટ), માધવપ્રિયદાસજી (સ્વામિનારાયણ ગુરુકુળ, છારોડી), ચૈતન્ય શંભુ મહારાજ, ડૉ. સંત વલ્લભ સ્વામી (સ્વામિનારાયણ મંદિર, વડતાલ), મહામંડલેશ્વર અખિલેશ્વર દાસજી (પંચમુખી હનુમાનજી મંદિર, નરોડા), જ્ઞાનેશ્વર દાસજી (પ્રેરણા પીઠ, પીરાણા), મહેન્દાનંદ મહારાજ (મુકુલ ગુફા, જૂનાગઢ), દુર્ગાદાસ મહારાજ (લાલજી ભગતની જગ્યા, સાયલા), લલીત કિશોરદાસ મહારાજ (નિમ્બાર્ક પીઠાધિશ, લીંબડી), મહંત મોહનદાસ (સાઈ ધામ, થલતેજ) જેવા સંતોનો સમાવેશ થાય છે.
સંતો-મહંતો ઉપરાંત ત્યાં અનેક હિંદુ સંગઠનોના પ્રતિનિધિઓ અને જવાબદાર વ્યક્તિઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. સંતો દ્વારા પવિત્ર ધ્વજદંડોને પુષ્પ અર્પણ કરવામાં આવ્યા હતા. વેદના મંત્રો દ્વારા તેની પૂજા કરવામાં આવી હતી. આ દરમિયાન ત્યાં ઉપસ્થિત લોકોએ ‘જય શ્રીરામ’ના નારા લગાવ્યા હતા.
શિલ્પશાસ્ત્ર અનુસાર તૈયાર થયો છે ધ્વજદંડ
પૂજન વિધિ અંગે શ્રી અંબિકા એન્જિનિયરિંગ વર્કસના MD ભરત મેવાડાએ જણાવ્યું હતું કે, ધ્વજદંડ એક પ્રકારે એન્ટિનાનું કામ કરે છે. બ્રહ્માંડમાંથી તરંગો આ ધ્વજદંડ થકી ભગવાનના ગર્ભગૃહમાં પહોંચે છે અને ત્યાંથી આપણને બધાને ઉર્જા મળે છે. તેથી તેને બનાવવા માટે અનેક બાબતોનું વિશેષ ધ્યાન રાખવું પડે છે. તેમણે વધુમાં કહ્યું, “81 વર્ષના અનુભવને આધારે અમે આ ધ્વજદંડ બનાવ્યો છે. શાસ્ત્ર પ્રમાણે આ ધ્વજદંડ બનાવ્યો છે. તે તેમની (પ્રભુ શ્રીરામની) કૃપા હતી એટલે બન્યો છે.” તેમણે ઉમેર્યું કે, “આ ધ્વજદંડને શિલ્પશાસ્ત્ર અનુસાર તૈયાર કરવામાં આવ્યો છે.”
સોમનાથ પહોંચી પ્રભુ શ્રીરામની સ્વર્ણ પાદુકા
હૈદરાબાદના શ્રીચલ્લા શ્રીનિવાસ શાસ્ત્રીએ તૈયાર કરેલી પ્રભુ શ્રીરામની સ્વર્ણ પાદુકા અમદાવાદના તિરૂપતિ મંદિરેથી હવે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ ખાતે લઈ જવાઈ છે. રામભક્ત દ્વારા મસ્તક પર ધારણ કરીને આ પાદુકા સોમનાથ પહોંચાડાઈ હતી. સોમનાથ ટ્રસ્ટે પ્રભુની પાદુકાનું ભવ્ય અભિવાદન કર્યું હતું. સોમનાથ મંદિરના પૂજારી અને અન્ય બ્રાહ્મણોએ જ્યોતિર્લિંગની સામે રાખીને પાદુકાનું પૂજન કર્યું હતું. નોંધનીય છે કે પ્રભુ શ્રીરામની પાદુકા 19 જાન્યુઆરીના રોજ અયોધ્યા પહોંચશે. ભગવાનના ગર્ભગૃહમાં તેમની ચરણ પાદુકાને રાખવામાં આવશે.