સર્વાઈકલ કેન્સર વિશે કથિત રીતે જાગૃતિ ફેલાવવાનું બહાનું ધરીને પોતાના મૃત્યુના ખોટા સમાચાર ફેલાવવાના નાટક બાદ દેશભરમાંથી અભિનેત્રી પૂનમ પાંડે પર માછલાં ધોવાઈ રહ્યાં છે. એક તરફ સોશિયલ મીડિયા પર ટીકા થઈ રહી છે તો બીજી તરફ, વાત પોલીસ ફરિયાદ અને FIR સુધી પહોંચી છે.
ઑલ ઇન્ડિયન સીને વર્કર્સ એસોશિએશને પૂનમ પાંડે વિરૂદ્ધ FIR દાખલ કરવાની માંગ કરી છે. સંગઠને કહ્યું કે, સર્વાઈકલ કેન્સરની આડમાં સેલ્ફ પ્રમોશન કરવું ક્યારેય સ્વીકાર્ય ન હોય શકે. નિવેદનમાં એસોશિએશને કહ્યું, “મોડેલ અને અભિનેત્રી પૂનમ પાંડે દ્વારા ફેક PR સ્ટંટ અત્યંત અયોગ્ય છે. સેલ્ફ પ્રમોશન માટે આ રીતે કરવું અસ્વીકાર્ય છે. આ સમાચાર બાદ લોકો હવે ભારતીય ફિલ્મ ઉદ્યોગમાં કોઇ નિધનના સમાચાર પર વિશ્વાસ કરતાં ખચકાશે. ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં આટલા નીચા સ્તરનું કામ કોઈએ કર્યું નથી.
The Fake PR stunt by Model and Actress Poonam Pandey is highly wrong. Using the guise of Cervical Cancer for self-promotion is not acceptable.
— All Indian Cine Workers Association (@AICWAofficial) February 3, 2024
After this news, people may hesitate to believe any Death news in the Indian film industry. No one in the film industry Stoops to such… pic.twitter.com/CnKmmsCUoQ
આગળ કહેવામાં આવ્યું કે, “પૂનમ પાંડેની મેનેજરે ખોટા સમાચારની પુષ્ટિ કરી હતી, જેથી પૂનમ અને તેની મેનેજર વિરુદ્ધ FIR દાખલ કરવામાં આવવી જોઈએ, જેથી ભવિષ્યમાં કોઇ આ રીતે પોતાના ફાયદા માટે પોતાના જ મૃત્યુના સમાચાર ફેલાવવાનું કૃત્ય ન કરે.”
બીજી તરફ, ફિલ્મ ઉદ્યોગ સાથે સંકળાયેલા અન્ય લોકોએ પણ પૂનમ પાંડેની ટીકા કરી હતી. તદુપરાંત, સોશિયલ મીડિયા પર પણ લોકો ફટકાર લગાવી રહ્યા છે. તેમનું કહેવું છે કે આ રીતે ચર્ચામાં બન્યા રહેવા માટે આ કક્ષાનું કૃત્ય ન કરી શકાય અને તે બિલકુલ અયોગ્ય છે.
નોંધવું જોઈએ કે, શુક્રવારે (2 ફેબ્રુઆરી) અભિનેત્રી, મોડેલ પૂનમ પાંડેના ઇન્સ્ટાગ્રામ પેજ પરથી તેના મૃત્યુના સમાચાર આપવામાં આવ્યા હતા. પછીથી તેની મેનેજરે મીડિયા સમક્ષ તેની ‘પુષ્ટિ’ કરી હતી. સમાચાર વાયુવેગે પ્રસરી ગયા હોવા છતાં કોઈ સામે ન આવ્યું અને થોડા કલાકો બાદ અભિનેત્રીનો પરિવાર પણ ગાયબ થઈ ગયો હતો તો તેની ટીમે પણ તેમને વધુ જાણ ન હોવાનું કહીને હાથ ઊંચા કરી દીધા હતા.
આખરે શનિવારે (3 ફેબ્રુઆરી) પૂનમે પોતાના ઈન્સ્ટાગ્રામ પેજ પર (જ્યાં મૃત્યુના ખોટા સમાચાર પોસ્ટ થયા હતા) એક પોસ્ટ કરીને કહ્યું હતું કે, તે જીવિત છે અને સર્વાઇકલ કેન્સર વિશે કથિત રીતે જાગૃતિ ફેલાવવા માટે આ નાટક કર્યાં હતાં. જોકે, લોકોને આ કૃત્ય પસંદ આવ્યું નથી.