Friday, November 22, 2024
More
    હોમપેજમિડિયાબિનહિંદુઓ માટે હેડલાઇનમાં 'ભૂવા', 'ભગત' અને 'તાંત્રિક' લખવાની બૌદ્ધિક બદમાશી ક્યારે બંધ...

    બિનહિંદુઓ માટે હેડલાઇનમાં ‘ભૂવા’, ‘ભગત’ અને ‘તાંત્રિક’ લખવાની બૌદ્ધિક બદમાશી ક્યારે બંધ કરશે ‘ચતુર્થ સ્તંભ’?

    વિચારવાલાયક બાબત તે પણ છે કે મીડિયા દ્વારા કરવામાં આવતી આવી 'બૌદ્ધિક બદમાશી'નું કારણ શું? હિંદુ ધર્મમાં માનનાર કોઈ વ્યક્તિ કે જેને લોકો સાધુ, ભગત, કે અન્ય કોઈ સનાતની ઉપમાથી જાણતા હોય ત્યારે આ જ મીડિયા તરખાટ મચાવી દે છે.

    - Advertisement -

    તાજેતરમાં સુરતથી એક ઘટના સામે આવી. ઘટનામાં એક યુવક પોતાના ઘરમાં જાદુ-ટોણાં અને ઝાડફૂંક કરવાના નામે મહિલાઓ સાથે અભદ્ર વર્તન કરતો હોવાના કેટલાક વિડીયો પણ વાયરલ થયા હતા. વિડીયો જેમ વાયરલ થયો, તેમ મીડિયામાં સમાચારો પણ આવવાના શરૂ થયા. મીડિયા ચેનલો અને છાપાંના નામ ભલે અલગ-અલગ હતાં, પણ તમામમાં એક બાબત સરખી હતી. લગભગ તમામે હેડલાઈનમાં લખ્યું હતું- ભૂવો. પણ હકીકત એ છે કે જે આરોપી પકડાયો છે તે મુસ્લિમ છે અને નામ છે ઈમરાન.

    વિડીયોમાં આ વ્યક્તિ ઇસ્લામિક પહેરવેશમાં જોવા મળી રહ્યો છે. ઇસ્લામમાં મૂર્તિ પૂજા/શિર્ક હરામ છે, તો પછી તે મઝહબનો કોઈ વ્યક્તિ શિર્ક કરી કેવી રીતે શકે? તેણે ક્યાં દેવી-દેવતાની મૂર્તિ પૂજી કે તેને ભૂવાની ઉપમા આપવામાં આવે?

    વિડીયોમાં ક્યાંય હિંદુ દેવી-દેવતાનું નિશાન નહીં અને કલમા પઢતો ઇમરાન ભૂવો?

    વિડીયો ધ્યાનથી જોશો તો સમજાશે કે તેમાં ક્યાંય કોઈ હિંદુ દેવીદેવતાની મૂર્તિ કે ફોટો જોવા મળતાં નથી. 5 મિનીટ 11 સેકંડ લાંબા વિડીયોમાં જોવા મળે છે કે ઈમરાન અને અન્ય કેટલાક લોકો એક યુવતીને ઘેરીને બેઠા છે. ઈમરાનના હાથમાં સિગારેટ છે અને તેની બાજુમાં અને યુવતીની પાછળ એક સગીર હાથમાં માઈક લઈને બેઠો છે. યુવતી અર્ધચેતન અવસ્થામાં આમ-તેમ ઝૂલી રહી છે અને ત્યાં જ તેની પાછળ બેઠેલો સગીર સફેદ કલરના માઈકમાં અરબી ભાષામાં કશું બોલવા લાગે છે. સાથે સાથે ઈમરાન પણ કલમા પઢતો જોવા મળી રહ્યો છે. આ વિડીયોમાં દેખાતો ઈમરાન ઉર્ફે જોલિયો યુવતીઓને વાળથી પકડીને ગાળો ભાંડતો પણ જોવા મળી રહ્યો છે.

    - Advertisement -

    હવે વિડીયોનું ધ્યાનથી નિરીક્ષણ કર્યા બાદ એક વાત તો નક્કી થઇ ગઈ કે ઇમરાનના ઘરના વિડીયોમાં ક્યાંય હિંદુ દેવી-દેવતાની મૂર્તિ/ફોટો/પોસ્ટર કશું જ ન દેખાયું. તો હવે મીડિયા કયા આધાર પર તેને ‘ભૂવો’ કહીને સંબોધી રહ્યું છે? જોકે આ પહેલી વાર નથી, જેમાં મીડિયાએ મુસ્લિમ આરોપી માટે ભૂવા, તાંત્રિક, સાધુ જેવા શબ્દો વાપર્યા હોય. વલસાડનો નૂર મહોમ્મદ હોય, સુરતનો જ અહેમદ નૂર પઠાણ હોય, કે તલાળાનો અલ્તાફ મૂસા કે એની ગેંગ હોય- આ તમામ ઘટનાઓમાં મીડિયાએ મુસ્લિમ આરોપીઓને તાંત્રિક અને ભૂવા જેવા નામ આપીને હિંદુ ધર્મ અને તેની ધાર્મિક માન્યતાઓને બદનામ કર્યા સિવાયનો બીજો કોઈ ધંધો જ નથી કર્યો.

    હેડલાઈનોની ‘બદમાશી’ વાંચકોને ચોક્કસ ગેરમાર્ગે દોરે

    મોટા-મોટા અક્ષરોમાં હેડલાઈન લખીને બિનહિંદુ આરોપીઓને ‘ભૂવા’ અને તાંત્રિક જેવાં સંબોધન આપવાં તે વાચકોને ગેરમાર્ગે દોરી શકે છે. વિચારવા જેવી વાત તે છે કે તંત્રવિદ્યા એ હિંદુ ધર્મની ધાર્મિક વિધિ હોય છે ને તે વિધિ કરનાર સાધકને ‘તાંત્રિક’ કહેવામાં આવે છે. અહીં સવાલ ઉભો તે થાય છે કે બળાત્કાર કરનાર, અભદ્ર વર્તન કરી માર મારનાર, છેતરપિંડી કરીને લૂંટ ચલાવનાર વ્યક્તિને ‘તાંત્રિક’ કઈ રીતે કહી શકાય?

    ધ્યાન રહે કે અનેક વાંચકો છાપાંમાં કે સોશિયલ મીડિયામાં સમાચારોની માત્ર હેડલાઈન જ વાંચતા હોય છે. અહેવાલના કોઈ એક ખૂણામાં આરોપીનું નામ લખીને મેઈનસ્ટ્રીમ મીડિયા છૂટી પડે છે. તેવામાં પૂરેપૂરી શક્યતાઓ છે કે તેઓ ગેરમાર્ગે દોરાય. લોકો એવું સમજી બેસે કે ગુનો આચરનાર આરોપી હિંદુ હશે, સોશિયલ મીડિયામાં આવા જ છાપાંઓના કટિંગ અને વેબસાઈટોના સ્ક્રીનશૉટ ફરતા થાય અને બદનામી થાય સનાતન ધર્મની. ઉપર ટાંકેલા આરોપીઓમાં એક પણ નામ હિંદુનું નથી પરંતુ સમાચારોની હેડલાઈન ગેરમાર્ગે દોરે તે પ્રકારની ચોક્કસ છે.

    વિચારવાલાયક બાબત તે પણ છે કે મીડિયા દ્વારા કરવામાં આવતી આવી ‘બૌદ્ધિક બદમાશી’નું કારણ શું? હિંદુ ધર્મમાં માનનાર કોઈ વ્યક્તિ કે જેને લોકો સાધુ, ભગત, કે અન્ય કોઈ સનાતની ઉપમાથી જાણતા હોય ત્યારે આ જ મીડિયા તરખાટ મચાવી દે છે. એવું તો આજદિન સુધી નથી થયું કે કોઈ હિંદુ આવી કોઈ ઘટનામાં ઝડપાયો હોય અને મીડિયાએ તેને મૌલવી, ઉલેમા, ખાદીમ કે પછી પાસ્ટર, ફાધર ગણાવ્યો હોય. આવા કિસ્સાઓમાં ઉલટાની આખી લેફ્ટ ઈકોસિસ્ટમ અને તેમના દરબારીઓ આરોપીની હિંદુ ધર્મમાં માન્યતાને લઈને આખા સનાતન ધર્મને બદનામ કરી નાખશે.

    વાસ્તવમાં તંત્રવિદ્યા અને ભૂવાપણું શું?

    સનાતન ધર્મમાં તંત્રવિદ્યા એ ધાર્મિક અને ખૂબ જ ગૂઢ અનુષ્ઠાન છે. આદિ-અનાદિ કાળથી તંત્ર સાધના એ હિંદુ ધાર્મિક આસ્થાનું અવિભાજ્ય અંગ છે. ખૂબ જ રહસ્યમય એવી આ તંત્રવિદ્યાનો અનેક હિંદુ શાસ્ત્રોમાં પણ ઉલ્લેખ છે. વર્તમાન સમયમાં કેટલાક લેભાગુ અને છેતરપિંડી કરતા બિનહિંદુ તત્વોને ‘તાંત્રિક’ નામ આપીને મેઈનસ્ટ્રીમ મીડિયા લોકોને ગેરમાર્ગે દોરે છે. આવા લોકોને ‘તાંત્રિક’ કહીને ઉલ્લેખીને મીડિયા આડકતરી રીતે લોકોમાં સનાતન ધર્મ અને તેના ધાર્મિક અનુષ્ઠાનો અને તેની સાથે જોડાયેલા લોકોના નામને કાળો બટ્ટો લગાવવાનું ચૂકતી નથી.

    હવે જો ભુવાની વાત કરીએ, તો ગુજરાતના લગભગ તમામ ખૂણે, મોટાભાગના હિંદુ લોકો દૈવી શક્તિને માનતા હોય છે. કોઈ એક સમાજ કે સમુદાયના પરિવારોની કુળદેવી કે કુળદેવતા પણ હોય છે. કુટુંબના ઇષ્ટની સેવા-પૂજા માટે હિંદુ માન્યતાઓ અનુસાર ધાર્મિક અનુષ્ઠાનથી એક વ્યક્તિની પસંદગી કરવામાં આવે છે. હવે આ વ્યક્તિ જ પોતાના કુટુંબ-કબીલાના દેવ કે દેવીની સેવા-પૂજા કરતા હોય છે. આવા લોકોને સામાન્ય રીતે ભગત, સેવક કે પછી ભૂવા કહેવામાં આવે છે. કેટલાક કિસ્સાઓમાં આ પ્રકારના આગેવાનો પોતાના દેવની ઉપાસનામાં ભાવવિભોર થઈને ધાર્મિક ગતિવિધિઓ કરતા હોય છે. આ પ્રકારની પરંપરાઓ કશ્મીરથી લઈને કન્યાકુમારી સુધી દેશના અનેક ખૂણે જોઈ શકાય છે. તાજેતરમાં આવેલી ‘કંતારા’ ફિલ્મનું ઉદાહરણ જોશો તો કહેવાનો ભાવાર્થ સરળતાથી સમજાઈ જશે. સ્વભાવિક છે કે આ પ્રકારનાં અનુષ્ઠાન આદિ-અનાદી કાળથી ચાલતા આવ્યાં છે અને આગળ પણ ચાલતાં જ રહેશે.

    અના પરથી એટલું તો સમજાઈ જ ચૂક્યું હશે કે ભૂવા કે તાંત્રિક કોને કહેવાય. ભુવા, ભગત, તાંત્રિક, સાધુ, મહાત્મા, મહારાજ, પૂજારી વગેરે સંબોધનો હિંદુ ધર્મ સિવાય બીજા કોઈ પંથ, મઝહબ કે સમુદાયમાં ન જ આવે. પણ તે છતાં શીરાની જેમ ગળે ઉતરે એટલી સરળ વાત આપણી મીડિયાને નથી સમજાતી. દરેક વખતે પોતાને ‘નંબર વન’ ગણીને પોતાને ‘લોકશાહીના ચોથા સ્તંભ’ ગણાવીને મોટી-મોટી ડંફાસો મારનારાઓ ક્યારે સમજશે કે તેમનું કામ જવાબદારીપૂર્વક લોકોને સાચી માહિતી આપવાનું છે.

    જોકે, સત્ય એ પણ છે કે ગુજરાતી મીડિયા પાસે પહેલેથી જ શબ્દભંડોળનો દુકાળ છે. પરંતુ આવી વારંવાર થતી ‘ભૂલો’ને શબ્દભંડોળના નામે છાવરી ન લેવાય. લખનારાઓને લખતાં ન આવડતું હોય કે શબ્દો ન હોય તો તેની જવાબદારી અને કામ છે કે પહેલાં તેની વ્યવસ્થા કરે અને પછી બોલપેન પકડે. તેની અજ્ઞાનતા કે અણઆવડતના કારણે ભોગ કોઈ માણસ કે પછી આવા કિસ્સાઓમાં આખો સમુદાય બને તે ન ચાલે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં