Thursday, April 18, 2024
More
  હોમપેજન્યૂઝ રિપોર્ટગીર સોમનાથના અલ્તાફ અને મૂસાએ સાગરીતો સાથે મળીને તાંત્રિક વિધિના નામે લૂંટ...

  ગીર સોમનાથના અલ્તાફ અને મૂસાએ સાગરીતો સાથે મળીને તાંત્રિક વિધિના નામે લૂંટ મચાવી: ‘કુંવારી કન્યાની ખોપડી’ અને ‘સોનાના સાપ’થી 500 કરોડનો વરસાદ કરવાના નામે હિંદુ શ્રદ્ધાળુ પાસેથી લાખો પડાવ્યા

  હરીશભાઈને ભરોસો અપાવવા આ બાપ-દીકરા પોતાના સાગરીતો સાથે તેમની વાડીએ લઇ ગયા, જ્યાં રાતના અંધારામાં અલ્તાફના અબ્બુ મૂસાએ એક કુંડાળું કરી પીડીતને તેમાં બેસાડ્યા અને મંત્રોચ્ચાર કરી 'માતાજી' પ્રગટ કરવાનો દાવો કર્યો હતો.

  - Advertisement -

  હિંદુ ધર્મમાં માનનારા લોકો સનાતન કાળથી દેવી દેવતાઓની આરાધના કરતા આવ્યા છે અને આજના આધુનિક યુગમાં પણ પોતાની આસ્થા અને વિશ્વાસથી ધર્મધજાને ટકાવી રાખી છે. પરંતુ કેટલાક લેભાગુ તત્વો ઈશ્વરમાં શ્રદ્ધા રાખતા આવા લોકોની લાગણીઓ અને આસ્થાનો ફાયદો ઉઠાવી તેમને છેતરી લેતા હોય છે. આવો જ એક કિસ્સો ગીર સોમનાથથી સામે આવ્યો છે, જેમાં તાલાલાના ઢોંગીઓ અલ્તાફ અને મૂસાએ વિધિ કરી કરોડો રૂપિયાનો ઢગલો કરવાનો દાવો કરી હિંદુ શ્રદ્ધાળુઓ પાસેથી લાખો રૂપિયા પડાવી લીધા હતા.

  આ મામલે મળતી માહિતી અનુસાર, તાલાલાના પાણીકોઠા ગામે રહેતા અલ્તાફ મૂસાએ આશરે 2 વર્ષ પહેલાં રાજકોટ ખાતે હરીશભાઈ સાધુને ભગવા કપડાંમાં બેઠેલા જોઈ તેમની સાથે મિત્રતા કેળવી હતી. જે બાદ તેમનાં કપડાં જોઈ તેઓ આશ્રમ ચલાવે છે કે કેમ તેમ પૂછ્યું હતું. આ સવાલ પર હરીશભાઈએ આર્થિક તંગી હોવાના કારણે આશ્રમ ન ચલાવી શકવાની વાત કરી હતી. જેના પર અલ્તાફે તેમને વિશ્વાસમાં લઇ તેના અબ્બુ મૂસા બાપુને સાક્ષાત માતાજી દર્શન આપતા હોવાનો દાવો કરી તાંત્રિક વિધિથી 500 કરોડનો ઢગલો કરી આપવાનો વાયદો કર્યો હતો.

  સાગરીતો સાથે મળીને ‘માતાજી’ પ્રગટ કર્યા

  તાલાલાના અલ્તાફ અને મૂસાએ વિધિ કરી છેતરપિંડી કરી હોવાના મામલે વધુ માહિતી મેળવવા અમે સૂત્રોનો સંપર્ક સાધ્યો, જેમાં ચોંકાવનારી માહિતી જાણવા મળી. જાણવા મળ્યા અનુસાર સાધુ સમાજમાંથી આવતા હરીશભાઈને ભરોસો અપાવવા આ બાપ-દીકરા પોતાના સાગરીતો સાથે તેમની વાડીએ લઇ ગયા, જ્યાં રાતના અંધારામાં અલ્તાફના અબ્બુ મૂસાએ એક કુંડાળું કરી પીડીતને તેમાં બેસાડ્યા અને મંત્રોચ્ચાર કરી ‘માતાજી’ પ્રગટ કરવાનો દાવો કર્યો હતો. રાતના અંધારામાં કરવામાં આવેલી આ વિધિમાં પીડિતને ભરોસો અપાવવા અલ્તાફે છાનામાના શરીર પર લાંબા વાંસ બાંધી ઉપર હેલ્મેટ લગાવી અને કાળાં કપડાં પહેરી અંદાજે સાથી આંઠ ફૂટ લાંબા માતાજીનું રૂપ ધારણ કર્યું અને ફરિયાદી સામે આવ્યો અને તેમને 500 કરોડનો ઢગલો કરી આશીર્વાદ આપવાનું તૂત રચ્યું હતું.

  - Advertisement -

  કરોડો આપવાના નામે લાખોનો ચૂનો લગાવ્યો

  માતાજી પ્રગટ કર્યા બાદ મુસાએ માતાજીના સ્વાંગમાં ઉભેલા અલ્તાફને કહ્યું કે આ ભગવો પહેરેલા વ્યક્તિને પૈસાની જરૂર છે. આટલું કહેતા જ કોઈ રીતે અલ્તાફ ત્યાંથી ગાયબ થઈ ગયો. અલ્તાફના સ્વાંગને જોઈ પીડિત તેમના ભરોસામાં આવી ગયા અને મૂસાએ માતાજીને પ્રસન્ન કરવા 5 લાખ રૂપિયાની કિંમતી પૂજા સામગ્રી મંગાવી. ફરિયાદીએ પોતાના સગા સબંધીઓ પાસેથી ઉછીના પૈસા લઈ મૂસાને આપ્યા, જે બાદ પહેલાની માફક જ મુસાએ માતાજીને પ્રગટ કર્યા, પરંતુ આ વખતે માતાજીના સ્વાંગમાં આવેલા અલ્તાફે કહ્યું કે અત્યારે દાન પેટે પૈસા આપું છું, બાકીના 500 કરોડ બાદની વિધિ પતાવશો એટલે આપીશ, તેમ કહીને તાલાલાના અલ્તાફ અને મૂસાએ વિધિ કરી પૈસા પડાવી લીધા હતા.

  જે બાદ મૂસાએ હરીશભાઈને પોતાના રૂમમાં લઈ જઈ તપાસ કરાવડાવીને રૂમ ખાલી હોવાની ખરાઈ કરાવી. ત્યારબાદ તેમને બહાર મોકલી રૂમમાં પહેલેથી બનાવી રાખેલા ભોયરામાંથી બજાર જઈ હરીશભાઈના જ પૈસા લઈ તેમાં થોડા રૂપિયા ઉમેરી તેમને પરત આપ્યા હતા અને બાકીના 500 કરોડ હરીશભાઈના ઘરે જ વિધિ કરીને આપશે તેમ કહી ત્યાંથી જવાનું કહી દીધું હતું.

  5 લાખની વિધિ સામગ્રી ચાલાકીથી બદલી નાંખી

  હરીશભાઈએ ઘરે જઈને નક્કી કરેલા સમયે મુસાને ફોન કરી ઘરે વિધિ કરવા બોલાવવા ફોન કર્યો, ત્યારે મૂસાએ પહેલા લાવેલી સામગ્રી તપાસવાનું કહેતા તેમાંથી ‘ચમત્કારી તેલ’ની શીશી ખાલી થઈ ગયેલી હતી. જે બાદ તેણે ફરિયાદીને કહેલું કે “તમે જયારે પરત ગયા ત્યારે રસ્તામાં ચુડેલ આ તેલ પી ગઈ છે અને ફરી મંગાવવા માટે સાડા પાંચ લાખ રૂપિયા થશે.” ત્યારબાદ હરીશભાઈએ અન્ય વ્યક્તિ પાસેથી પૈસાની વ્યવસ્થા કરીને મૂસાને આપતા તેનો સાગરીત એક તેલની શીશી પકડાવી ગયો હતો.

  ‘કુંવારી કન્યાની ખોપડી’ ચઢાવવી પડશે કહી બીજા પૈસા પડાવ્યા

  આ ઘટના બાદ મુસાએ ફરિયાદીને ફરી તેની વાડીએ બોલાવ્યા, જ્યાં પહેલાની જેમ જ માતાજી પ્રગટ કાર્યા. આ વખતે માતાજીના વેશમાં પ્રગટ થયેલા અલ્તાફે ‘કુંવારી કન્યાની ખોપડી’ની માંગ કરી હતી અને અંતિમ તબક્કાની વિધિ માટે કલીકુલ (કુંવારી કન્યાની ખોપડી) લાવવા 3 લાખ રૂપિયા માંગ્યા હતા. ત્યારબાદ જે વ્યક્તિ તેલની શીશી આપી ગયો હતો તે જ વ્યક્તિ ખોપડી પણ આપી ગયો અને મૂસાએ ખોપડી પર પાણી છાંટી તેમાં ભડકો કરીને ખોપડી બરાબર હોવાનું જણાવી ફરિયાદીના ઘરે જઈ વિધિ કરવાની તૈયારી દર્શાવી હતી.

  સાગરીતોને ખોટી પોલીસ બનાવી રસ્તામાં અટકાયત કરી

  સુત્રોના જણાવ્યા અનુસાર મૂસા અને અલ્તાફે પીડીતને ગાડીમાં બેસાડી ઘરે વિધિ કરવા માટે રવાના થયા તે સમયે નિયત કરેલી જગ્યા પર તેમના સાગરીતોને પોલીસના સ્વાંગમાં ઉભા રાખીને ગાડીને આંતરી હતી અને ગાડીની તપાસમાં ખોપડી અને વિધીનો અન્ય સરસામાન મળી આવતા બનાવટી પોલીસે હત્યા અને અન્ય ગુનાના આરોપમાં ધરપકડ કરવાની વાત કરી હતી અને મુસાની ધરપકડ કરવાનો ઢોંગ પણ રચ્યો હતો. જેના થોડા સમય બાદ મુસાએ ફરિયાદીને ફોન કરીને માતાજી નારાજ થઈ ગયા અને હવે વિધિ નહીં થાય તેમ કહી સંપર્ક કાપી નાંખ્યા હતા. પરતું ત્યાં સુધીમાં આ ટોળકીએ ફરિયાદી પાસેથી ટુકડે-ટુકડે 15 લાખ રૂપિયા પડાવી લીધા હોવાનું જાણવા મળ્યું છે.

  ઢોંગી મુસાએ અનેક લોકો પાસે પડાવ્યા લાખો રૂપિયા

  આ મામલે પોલીસે જાહેર કરેલી પ્રેસ નોટમાં જણાવ્યા અનુસાર મૂસા હાજી સમા છેલ્લા ઘણા વર્ષોથી લોકોને વિધિના નામે છેતરવાનો ધંધો કરતો હતો. પોલીસના જણાવ્યા અનુસાર મૂસાએ આ પહેલાં પણ આ રીતે જ ‘માતાજી’ પ્રગટ કરીને સોનાનો નાગ ચઢાવવાના નામે પોતાના સાગરીતને ઝેર વગરનો સાપ કરડાવી તેના મોતના નામે લાખો રૂપિયાની છેતરપીંડી કરી હતી.

  મુસાએ પોલીસ સમક્ષ કરેલી કબૂલાત

  પોલીસના સકંજામાં આવ્યા બાદ મૂસાએ કરેલા ખુલાસા સાંભળી પોલીસ પણ ચોંકી ઉઠી હતી. તેણે અત્યાર સુધી આચરેલા તમામ ગુનાઓ પોલીસને કહી સંભળાવ્યા હતા, જેમાં તેણે કુવાડવા રાજકોટ ખાતે રહેતા વ્યક્તિને 700 કરોડ રૂપિયાનો વરસાદ કરવાના બહાને 25 લાખ રોકડ તેમજ 11 તોલાથી વધુના વજનની નાગની મૂર્તિ પડાવી લીધી હતી. તે પહેલા મુસાએ રાજકોટના જ એક વ્યક્તિ પાસેથી 2500 કરોડનો ઢગલો કરવાની વિધિના નામે 35 લાખ અને 32 તોલાના વજનની નાગની મૂર્તિ પડાવી હતી.

  મૂસાની છેતરપિંડીના ભોગ બ્નેલાઓનું લિસ્ટ આટલે જ નથી પૂરું થતું, તેણે અમદાવાદના એક દંપતી પાસેથી 600 કરોડ રૂપિયાનો ઢગલો કરવાના નામે 7.50 લાખ રોકડા તેમજ 11 તોલાના નાગની મૂર્તિ, અમદાવાદ જિલ્લાના એક ગામના સરપંચ પાસેથી 11 લાખ અને 11 તોલાનો સોનાનો નાગ પડાવી લીધો હતો. જ્યારે વેરાવળના યુસુફ નામના વ્યક્તિ પાસેથી 11 લાખ તેમજ બામણાગીરના 2 વ્યક્તિઓ પાસેથી 4 લાખ પડાવ્યા હતા.

  આ મામલે પોલીસે મૂસા હજી સમા સહિત તેના પુત્ર અલ્તાફ મૂસા સમા અને સાગરીતો સિકંદર શામદાર, અબ્દુલ ઉર્ફે વકીલ, અબ્દુલ ઈસ્માઈલ મજગુલ, ઈમ્તિયાઝ સમા, નઝીમ રફાઈ, જગદીશ, દીપક તેમજ વજેસંગ નામના વ્યક્તિઓ વિરુદ્ધ IPCની કલમો 406, 419, 420,120(B) સહિતની કલમો અંતર્ગત ગુનો નોંધ્યો છે.

  પોલીસે આપ્યો પ્રજાને સચેત રહેવાનો સંદેશ

  આ ઘટના સામે આવ્યા બાદ પોલીસે જાહેર જનતાને સચેત રહેવા એક સંદેશ પણ પાઠવ્યો હતો. જેમાં જણાવવામાં આવ્યું હતું કે અનેક શિક્ષિત લોકો પણ આ પ્રકારના ઢોંગી તાંત્રિકોની વાતમાં આવી છેતરાઈ જાય છે અને આબરૂ જવાની બીકે પોલીસ સામે જતા ખચકાય છે, તેવામાં આ પ્રકારે ભોગ બનેલા લોકો પોલીસ સામે આવે અને નીડર થઇ ફરિયાદ દાખલ કરાવે અને અન્ય લોકો આ પ્રકારના લોકોની વાતોમાં અંધશ્રદ્ધાને વેગ ન આપે.

  - Advertisement -

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં