ભારતમાં મોદીના રાજમાં લઘુમતી મુસ્લિમો સામે અન્યાય અને અત્યાચાર થતો હોવાનું સદંતર અને હળાહળ જુઠ્ઠાણું ફેલાવવામાં વિદેશી અખબારો પાવરધા બની ચૂક્યાં છે. સરકાર એક ડગલું ભરે નહીં કે તરત તેને મારીમચડીને ‘ઇસ્લામોફોબિક’ ગણાવી દેવામાં આવે છે. પછી ભલે તેને સીધી કે ક્યારેક આડકતરી રીતે પણ કોઈ સમુદાય સાથે કશું લગતું-વળગતું ન હોય. CAA તેનું ઉદાહરણ છે.
આવું જ એક અખબાર છે ‘ધ ગાર્ડિયન.’ આ અખબારે હમણાં 13 ઑક્ટોબરે એક લેખ પ્રકાશિત કર્યો છે. જેનું શીર્ષક છે-‘મુસ્લિમ્સ ઇન ઇન્ડિયા ફેસ ડિસ્ક્રિમિનેશન આફ્ટર રેસ્ટોરન્ટ્સ ફોર્સ્ડ ટૂ ડિસ્પ્લે વર્કર્સ નેમ્સ.’ આનું ગુજરાતી થાય- ભારતમાં રેસ્ટોરન્ટ્સને કારીગરોનાં નામ દર્શાવવા માટે આદેશ અપાયા બાદ ભેદભાવનો સામનો કરી રહ્યા છે મુસ્લિમો.
લેખમાં ચર્ચા કરવામાં આવી છે ઉત્તર પ્રદેશ સરકારના એ આદેશની, જેમાં ખાણીપીણીની દુકાનો ધરાવનારાઓને સરકારે નામ પ્રદર્શિત કરવાનો આદેશ આપ્યો હતો. ખાણીપીણીમાં થૂંક ભેળવવાના અને અન્ય પદાર્થો મિશ્રિત કરવાના કેસો છાશવારે આવી રહ્યા હતા, જેની વચ્ચે યોગી સરકારે આ આદેશ પસાર કર્યો, જેથી ગ્રાહકોનો વિશ્વાસ જળવાય રહે અને આવા ધંધાને કોઈ સ્થાન ન મળે.
આ આદેશમાં ‘ધ ગાર્ડિયન’ને ઇસ્લામોફોબિયા દેખાય રહ્યો છે. લેખમાં જોકે હિમાચલ પ્રદેશ સરકારે પણ આવો આદેશ પસાર કર્યો હોવાનું કહેવામાં આવ્યું છે પરંતુ વાચકોને જાણ થાય કે ત્યાંના મંત્રી વિક્રમાદિત્ય સિંઘે મોટા ઉપાડે આવી જાહેરાત કર્યા બાદ કોંગ્રેસ હાઈકમાન્ડે લાલ આંખ કરી તો પીછેહઠ કરવી પડી હતી અને આખા મામલાને ટાઢો પાડી દેવામાં આવ્યો હતો.
લેખમાં CM યોગી આદિત્યનાથને ‘હાર્ડલાઇન હિંદુ મોન્ક’ ગણાવવામાં આવ્યા છે. તેમની ઉપર સત્તામાં આવ્યા પછી મુસ્લિમોને ટાર્ગેટ કરતી નીતિઓ બનાવવાનો આરોપ લગાવી દેવામાં આવ્યો છે. વિદેશી મીડિયા ભારત પર કશુંક લખે અને નરેન્દ્ર મોદીને ન વગોવે એવું ન બને. એટલે અહીં વગર વાંકે PM મોદીનો પણ ઉલ્લેખ કરીને કહેવામાં આવ્યું કે તેમના સત્તામાં આવ્યા બાદ છેલ્લા એક દાયકામાં મુસ્લિમવિરોધી ભાવનાઓ ભડકી છે અને તેમની ઉપર હુમલાનું પ્રમાણ પણ વધ્યું છે. આની સાબિતી શું? કશું જ નહીં, વિદેશી મીડિયાના બહાદૂરો લખે એટલે આપણે માની લેવાનું!
અહીં વિદેશી અખબાર જે બંને નેતાઓને ટાર્ગેટ કરી રહ્યું છે તેમની સરકારની એક પણ નીતિ એવી નથી, જેમાં કોઈ સમુદાય સાથે ભેદભાવ કરવામાં આવ્યો હોય. પ્રધાનમંત્રી આવાસ યોજનામાં મકાનો બધાને મળે છે, નિઃશુલ્ક અનાજ બધાને મળે છે, બીજી યોજનાઓના લાભો દરેક સમુદાયને મળે છે. એ જ સ્થિતિ UPમાં પણ છે. હવે આ વિદેશી પત્રકારો ‘મુસ્લિમવિરોધી’ નિર્ણયો કોને કહે છે એ સમજ બહારની વાત છે.
લેખમાં ‘સ્થાનિકો’ના ખભે બંદૂક ફોડીને કહેવામાં આવ્યું છે કે, આ નવા નિયમો વાસ્તવમાં તો મુસ્લિમ કારીગરો અને તેમનાં એકમો પર એક પ્રકારનો હુમલો જે છે. આગળ અખબાર લખે છે, “ભારતમાં નામો પરથી જાતિ અને ધર્મ-મઝહબ નક્કી થઈ જતા હોય છે. ઉત્તર પ્રદેશમાં મુસ્લિમ ધંધાદારીઓમાં ભય છે કે આ નિયમોના કારણે તેમની ઉપર ‘ટાર્ગેટેડ એટેક્સ’ અને ઇકોનોમિક બોયકોટ (આર્થિક બહિષ્કાર) થવાની સંભાવના છે. ખાસ કરીને કટ્ટર હિંદુ જૂથો દ્વારા, જે રાજ્યમાં ઘણાં સક્રિય છે.”
આગળ એક-બે ઉદાહરણો આપવામાં આવ્યાં છે, જેમાં કહેવામાં આવ્યું કે નવા નિયમોના કારણે અમુક માલિકોએ પોતાના મુસ્લિમ કારીગરોને કાઢી મૂક્યા. જોકે આના માટે કોઈ ઠોસ પુરાવા રજૂ કરવામાં આવ્યા નથી.
લેખમાં અમુક ઉદાહરણો આપીને વાતને ગમેતે રીતે ગંભીર બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે, જેમાં ક્યાંક મુસ્લિમ માણસને કામ પરથી કાઢી મૂક્યો હોવાની વાત છે તો ક્યાંક કોઈ પર હુમલો થયાની. કોઈકે મઝહબના કારણે નોકરી ગુમાવવાની વાત કરવામાં આવી છે.
અહીં લખવામાં એવું પણ આવ્યું છે કે, રાજ્યમાં મુસ્લિમોના આર્થિક બહિષ્કારની માંગ છેલ્લાં પાંચ વર્ષમાં વધુ પ્રબળ બની છે અને મુસ્લિમ ફેરિયાઓ પર હુમલાની ઘટનાઓ પણ વધી છે. પરંતુ ઘટનાઓ તો હિંદુ યાત્રાઓ પર હુમલાની પણ વધી છે, તે કેમ યાદ નથી આવતું? ઘટનાઓ તો નિર્દોષ હિંદુઓને માત્ર તેઓ હિંદુ હોવાના કારણે મારી નાખવાની પણ વધી છે. ઘટનાઓ તો દર યાત્રા પર પથ્થરમારાની પણ વધી છે. આ ઘટનાઓ ઘટી હોવાના એક નહીં અનેક પુરાવાઓ ઉપલબ્ધ છે, હવામાં માત્ર લખી દેવાયેલી વાત નથી.
બહુ લાંબી કથા કર્યા બાદ ગાર્ડિયને છેલ્લે એક ફકરામાં એ વાત લખી છે, જે વાસ્તવમાં આ સમગ્ર વિવાદના કેન્દ્રમાં છે. એ છે- થૂંક જેહાદ વિશે. પહેલાં ગાર્ડિયન શું લખે છે એ જોઈએ- રાજ્યમાં ઘણા બનાવો એવા બન્યા, જેમાં ફેરિયાઓ ભોજનમાં થૂંક અને યુરિન ભેળવતા હોય. જેમાં ધરપકડ પણ થઈ. જોકે, રાઈટ વિંગ હિંદુ જૂથો દ્વારા જે પ્રકારે આરોપ લગાવવામાં આવે છે અને ‘થૂંક જેહાદ’ માટેનું ષડ્યંત્ર ગણાવે છે, તેને સાબિત કરવા માટે એવી કોઈ ઘટના સામે ન આવી જેમાં માત્ર ‘હિંદુઓને’ ટાર્ગેટ કરવા માટે આમ કરવામાં આવ્યું હોય.
આ કેટલી હાસ્યાસ્પદ વાત થઈ ગઈ! પહેલાં અખબારે અનેક વાતો લખી નાખી, જેના કરતાં ગ્રાઉન્ડ પર પરિસ્થિતિ તદ્દન અલગ છે. મોટાભાગની વાતો પરંતુ જ્યારે ભોજનમાં થૂંક ભેળવવાના કિસ્સાઓની વાત આવી ત્યારે વાત પુરાવા પર ચાલી ગઈ. ન આવી ઘટનાઓનો ચોક્કસ ઉલ્લેખ કરવામાં આવ્યો, તે કેટલા પ્રમાણમાં અને કેટલી બધી વખત બની છે તે જણાવવામાં આવ્યું કે તેમાં આરોપીઓ કોણ હતા તેનો કોઈ ઉલ્લેખ કરવામાં આવ્યો. માત્ર એક લીટીમાં લખીને પતાવી દેવામાં આવ્યું અને છેલ્લે કહી દેવામાં આવ્યું કે માત્ર હિંદુઓને ટાર્ગેટ કરવામાં આવ્યા હોવાના કોઈ પુરાવા નથી.
ટૂંકમાં અખબાર શું એમ કહેવા માંગે છે કે ભોજનમાં થૂંક તો ભેળવવામાં આવ્યું હતું, પણ તે વિશેષપણે હિંદુઓને જ ટાર્ગેટ કરવા માટે ન હતું. કોઈ માણસ અન્ય માટે બનાવવામાં આવેલા ભોજનમાં થૂંકતો હોય તેનું આવું વાહિયાત જસ્ટિફિકેશન ક્યારેય નથી જોયું.
અને અહીં મૂળ વાત જ એ છે કે ઉત્તર પ્રદેશ સરકારે આદેશમાં તો ન કોઈ ધર્મનો ઉલ્લેખ કર્યો છે કે ન મઝહબનો. તમામ ખાણીપીણીની દુકાનોના માલિકોને નામ પ્રદર્શિત કરવા માટે કહેવામાં આવ્યું છે. એ હિંદુ હોય, મુસ્લિમ હોય, શીખ હોય કે ઈસાઈ-પારસી કોઈ પણ હોય. તો શા માટે માત્ર એક જ સમુદાયને આનાથી ‘ભેદભાવ’ થઈ રહ્યો હોય તેમ લાગી રહ્યું છે? આ પ્રશ્નનો જવાબ ગાર્ડિયને આપ્યો નથી.
બીજું, એ પણ નોંધવું જોઈએ કે એક ગ્રાહક જો ક્યાંકથી કશુંક ખાઈ-પી રહ્યો છે તો જે-તે હોટેલ કે રેસ્ટોરન્ટ કે ધાબા વિશે જાણવાનો તેને પૂરેપૂરો અધિકાર છે. શા માટે તેને ખબર ન હોવી જોઈએ? અને આખરે એક ધંધો કરનાર વ્યક્તિને જણાવવામાં પણ શું વાંધો હોય? ઘણા એવા હિંદુઓ હોય છે જેઓ નોનવેજ જ્યાં બનતું હોય ત્યાં વેજ પણ નથી ખાતા. તેઓ નથી ખાતા તો એ તેમની ઈચ્છાની વાત છે. તેના માટે જો નામ પ્રદર્શિત કરવાનું કહેવામાં આવે તો શું વાંધો હોય શકે?
અહીં મુસ્લિમોના આર્થિક બહિષ્કારની વાત કરવામાં આવી છે, પરંતુ તેના માટે કોઈ ઠોસ તથ્યો રજૂ કરવામાં આવ્યાં નથી. જ્યારે બીજી તરફ મુસ્લિમ સ્કોલરોએ હિંદુઓના બહિષ્કારની વાત કરી હોય તેવી ઘણી ઘટનાઓ તમને મળશે. હમણાં જ AIMIMના શોએબ જમઈએ આવું કહ્યું હતું, પણ પછી બહુ વિવાદ થયો તો નિવેદન પરત ખેંચી લઈને વાતનો વીંટો વાળી દીધો. પણ ગાર્ડિયનને એ બધું દેખાતું નથી.
મુસ્લિમ સમુદાયે આવા એજન્ડાબાજોની વાતમાં આવ્યા વગર એ ચિંતન કરવાની જરૂર છે કે આખરે આ પ્રકારના નિયમો શા માટે બનાવવામાં આવી રહ્યા છે? એવી કઈ ઘટનાઓ બની, જેના કારણે આ ચર્ચાઓને વેગ મળ્યો? કેમ ભોજનમાં થૂંકતા માણસના વિડીયો વાયરલ થાય છે તો મોટાભાગના સમુદાય વિશેષમાંથી જ નીકળે છે.
વિદેશી અખબારોમાં લેખો લખાવાથી ગ્રાઉન્ડ પર પરિસ્થિતિ બદલાવાની નથી. હવે એ દિવસો ગયા જ્યારે અખબારો કાલ્પનિક વાર્તાઓ લખીને નરેટિવ બદલી નાખતાં હતાં. હવે વાચકો પણ આગળ વધી ગયા છે અને બે આંખ ખુલ્લી રાખીને જોતા થયા છે.