અમેરિકામાં (USA) રાહુલ ગાંધીના (Rahul Gandhi) કાર્યક્રમ પહેલાં ઇન્ડિયા ટુડેના પત્રકાર (India Today’s Journalist) રોહિત શર્મા સાથે થયેલી મારપીટનો મામલો હવે વધુ ગરમાયો છે. અમેરિકાની નેશનલ પ્રેસ ક્લબે (NPC) આ મામલે નિવેદન જાહેર કર્યું છે. NPCએ કહ્યું છે કે, પત્રકાર સાથે મારપીટ કરવી એ અમેરિકન કાયદાના ઉલ્લંઘનના દાયરામાં આવે છે. NPCએ કહ્યું છે કે, રાહુલ ગાંધીના સ્ટાફનો કોઇ અધિકાર નહોતો કે, તેઓ પત્રકાર રોહિત શર્મા સાથે ગેરવર્તન કરે અને તેમનો ફોન પણ છીનવે લે.
NPC અધ્યક્ષ એમિલી વિલ્કિન્સે (Emily Wilkins) પત્રકાર સાથેની મારપીટના સંદર્ભમાં એક નિવેદન બહાર પાડ્યું છે. વિલ્કિન્સે કહ્યું કે, “ઇન્ડિયા ટુડેના તાજેતરના સમાચાર અને પત્રકાર રોહિત શર્મા અને NPC બોર્ડના સભ્ય વચ્ચેની વાતચીતથી સ્પષ્ટ થાય છે કે, શર્મા ડલાસ એરપોર્ટ પાસેની એક હોટેલમાં ભારતના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીના આગમનની રાહ જોઈ રહ્યા હતા. આ દરમિયાન શર્માએ ઇન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસ (IOC)ના પ્રમુખ સેમ પિત્રોડાનો ઇન્ટરવ્યૂ લીધો હતો. બંને પહેલાં પણ મળ્યા હતા અને આ ઇન્ટરવ્યૂ રેકોર્ડિંગની સંમતિથી લેવામાં આવ્યો હતો.”
WASHINGTON | September 16, 2024 — The following is a statement by @emrwilkins, president of the National Press Club, on a reported incident in the Dallas-area that may have violated the First Amendment rights of reporter @DcWalaDesi, a member of the National Press Club.
— National Press Club (@PressClubDC) September 17, 2024
એમિલી વિલ્કિન્સે આગળ કહ્યું કે, “છેલ્લા પ્રશ્ન પર પ્રેક્ષકોમાંના કેટલાક લોકોએ પ્રશ્ન સામે વાંધો ઉઠાવ્યો અને શર્મા સામે બૂમો પાડીને અને તેમને ધક્કો મારીને, તેમનો ફોન છીનવીને ઇન્ટરવ્યૂમાં વિક્ષેપ પાડ્યો હતો. આ લોકોમાં ગાંધીના સ્ટાફના લોકોનો પણ સમાવેશ થાય છે, જેમણે શર્માના ફોનમાંથી ફાઈલો ડિલીટ કરી નાખી હતી અને તેમની પાસેથી ફોન પણ છીનવી લીધો હતો.”
આ ઘટનાનો ઉલ્લેખ કર્યા પછી NPCએ યાદ અપાવ્યું કે, અમેરિકામાં પત્રકારોને કાયદા હેઠળ સુરક્ષા આપવામાં આવે છે, જેનું ઉલ્લંઘન રાહુલ ગાંધીની ટીમ દ્વારા કરવામાં આવ્યું હોય શકે છે. NPCએ લખ્યું કે, “સુરક્ષા કર્મચારીઓએ ધ્યાન રાખવું જોઈએ કે, યુનાઇટેડ સ્ટેટ્સમાં પત્રકારો બંધારણ દ્વારા સુરક્ષિત છે, પત્રકાર અથવા ઇન્ટરવ્યૂ લેનારની રાષ્ટ્રીયતાને ધ્યાનમાં લીધા વિના તેનું રક્ષણ કરવામાં આવે એ અમેરિકી બંધારણમાં ઉલ્લેખ છે.”
NPCએ જણાવ્યું હતું કે, “નિયમોના આધારે શર્મા અને પિત્રોડા વચ્ચેનો આ ઓન-ધ-રેકોર્ડ ઇન્ટરવ્યૂ હતો. રાહુલ ગાંધીની ટીમને ઇન્ટરવ્યૂના પ્રશ્નો કે તેના સમય સાથે કોઈ લેવાદેવા નહોતા. તેમની પાસે શર્માનો ફોન છીનવી લેવાનો અથવા ઇન્ટરવ્યૂ ડિલીટ કરી નાખવાનો કોઈ અધિકાર નથી.”
NPCના આ નિવેદન બાદ કોંગ્રેસ નેતા સેમ પિત્રોડા અને રાહુલ ગાંધી વધુ વિવાદમાં ઘેરાઈ ગયા છે. ઉલ્લેખનીય છે કે, અમેરિકન બાબતોને કવર કરતા ઇન્ડિયા ટુડેના પત્રકાર રોહિત શર્માએ એક લેખમાં જણાવ્યું હતું કે, કેવી રીતે સેમ પિત્રોડાને એક ઇન્ટરવ્યૂમાં તેમને બાંગ્લાદેશી હિંદુઓ પર સવાલ પૂછવા પર માર મારવામાં આવ્યો હતો.
શું હતું સમગ્ર ઘટના?
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી જયારે અમેરિકા પ્રવાસ પર હતા ત્યારે તેમની સાથે ઓવરસીસ કોંગ્રેસના અધ્યક્ષ સેમ પિત્રોડા પણ ઉપસ્થિત રહ્યા હતા હતા. અમેરિકા યાત્રા દરમિયાન સેમ પિત્રોડાના ઇન્ટરવ્યૂ સમયે ઇન્ડિયા ટુડેના પત્રકારે તેમને રાહુલ ગાંધીની અમેરિકી યાત્રાને લઈને અનેક સવાલો પૂછ્યા હતા, તેમણે જવાબ પણ આપ્યા હતા. પરંતુ, પત્રકારે અંતિમ સવાલ એવો પૂછ્યો હતો કે, ‘રાહુલ ગાંધી બાંગ્લાદેશના હિંદુઓ અંગે અવાજ ઉઠાવશે?’. આ સવાલ સાંભળીને જ ત્યાં હાજર કોંગ્રેસીઓએ પત્રકાર સાથે કથિત મારપીટ કરી હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. ઉપરાંત પત્રકારે પોતે લખેલા એક લેખમાં જણાવ્યું હતું કે, કોંગ્રેસીઓએ તેમના ફોનમાંથી બળજબરીથી વિડીયો પણ ડિલીટ કરી દીધો હતો. ત્યારબાદ આ ઘટનાની PM મોદીએ ટીકા પણ કરી હતી.
આ અંગે PM મોદીએ જાહેર સભા દરમિયાન કોંગ્રેસને ઘેરી હતી. તેમણે કહ્યું હતું કે, “તેઓ મહોબ્બતની દુકાન ચલાવવાનો દાવો કરે છે, પરંતુ આપણા જ દેશના એક પત્રકાર સાથે અમેરિકામાં કોંગ્રેસે ક્રૂર વર્તન કર્યું છે. અમેરિકામાં એક ભારતીય પુત્રનું અપમાન થયું છે. તેણે સમગ્ર ઘટના કહી સંભળાવી છે. જે લોકો અભિવ્યક્તિની સ્વતંત્રતાના ચેમ્પિયન હોવાનો દાવો કરે છે, તેમણે જ તેની સાથે ક્રૂરતા આચરી હતી.”
આગળ PM મોદીએ ઘટનાનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે, “મેં સમાચાર પત્રોમાં વાંચ્યું કે, લોકશાહીનો મહત્વનો સ્તંભ સ્વતંત્ર મીડિયા હોય છે. આજે એક સમાચાર વાંચ્યા, અમેરિકા ગયેલા ભારતના એક સમાચાર પત્રના પ્રતિનિધિ સાથે ત્યાં જે પ્રકારે જુલમ કરવામાં આવ્યો, તેમણે પોતાની સાથે બનેલ સમગ્ર ઘટના લોકો સમક્ષ મૂકી દીધી છે.” તેમણે પત્રકાર સાથે બનેલ ઘટનાની કડક ભાષામાં નિંદા કરી હતી. PM મોદીની આ ટિપ્પણી બાદ જ અમેરિકી નેશનલ પ્રેસ ક્લબે પણ નિવેદન આપીને આ ઘટનાને વખોડી કાઢી છે.