ગુજરાતી મીડિયામાં વારંવાર ખોટા સમાચારો છપાતા રહ્યા છે. ઇલેક્ટ્રોનિક મીડિયા તો ઠીક પણ અખબારોમાં પણ ભ્રામક અને ખોટા સમાચાર વહેતા કરીને લોકોને ગુમરાહ કરવામાં આવી રહ્યા છે. કોરોનાકાળ સમયે પણ ગુજરાતી મીડિયાએ ગફલતભર્યા સમાચારો છાપ્યા હોવાના દાખલા છે. તે સિવાય કોઈ સંસ્થા કે સરકારના નિવેદનને પણ ખોટી રીતે પ્રસારિત કરવાના પ્રયાસો થયા છે. ત્યારે ફરી એકવાર ગુજરાતી મીડિયાએ ખોટા સમાચાર છાપ્યા હોવાની માહિતી મળી છે. ગુજરાતી અખબાર ‘સંદેશે’ IT રિટર્ન સંબંધિત ભ્રામક સમાચાર છાપ્યા હોવાનું સામે આવ્યું છે. જે બાદ ઇન્કમટેક્સ વિભાગે પોતે તે અંગે સ્પષ્ટતા આપવી પડી છે.
વાસ્તવમાં અખબાર ‘સંદેશે’ પોતાના દૈનિક વર્તમાનપત્રમાં એક રિપોર્ટ પ્રકાશિત કર્યો હતો. જેમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે, IT રિટર્ન ભરવા માટે એક મહિનાની મુદ્દત વધારવામાં આવી છે. તેણે ઇન્કમટેક્સ વિભાગનો હવાલો આપીને આ સમાચાર છાપ્યા હતા. સમાચારનું મથાળું ‘હવે IT રિટર્ન 31 ઓગસ્ટ સુધી ભરી શકાશે, એક મહિનો મુદ્દત લંબાવાઈ’ હતું. અહેવાલમાં લખવામાં આવ્યું હતું કે, “છેલ્લા એક મહિનાથી આઇટીનું સર્વર અનેકવાર ઠપ થઈ જતાં કરદાતાઓ તેમના રિટર્ન ફાઇલ કરી શક્યા ન હતા.”
અહેવાલમાં વધુમાં કહેવાયું છે કે, “31 જુલાઈ રિટર્ન ફાઇલ કરવાનો છેલ્લો દિવસ હોવાથી કરવેરા સલાહકારો અને કરદાતાઓ મુશ્કેલીમાં મુકાયા હતા. જેના કારણે સીબીડીટીએ રિટર્ન ફાઇલ કરવાની મુદ્દતમાં એક મહિનાનો વધારો કર્યો છે. હવે 31 ઓગસ્ટ સુધી રિટર્ન ફાઇલ કરી શકાશે.’ આ સાથે સંદેશે ઇન્કમટેક્સ વિભાગનો હવાલો પણ આપ્યો હતો. આ ભ્રામક સમાચારને લઈને અનેક લોકો મુશ્કેલીમાં મુકાયા હતા. જેના કારણે પછી ઇન્કમટેક્સ વિભાગે પણ સ્પષ્ટતા આપવી પડી છે.
ઇન્કમટેક્સ વિભાગે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર ‘સંદેશ’ના સમાચારનું ખંડન કર્યું છે. ઇન્કમટેક્સ ડીપાર્ટમેન્ટે X પર સંદેશના સમાચારનું કટિંગ પોસ્ટ કર્યું છે. આ સાથે કેપશનમાં લખવામાં આવ્યું છે કે, “અમારી જાણકારીમાં આવ્યું છે કે, ITR (ઇન્કમટેક્સ રિટર્ન)ની ઇ-ફાઈલિંગની તારીખ લંબાવવાના સંબંધમાં સોશિયલ મીડિયા પર ‘સંદેશ ન્યૂઝ’ની એક ક્લિપિંગ પ્રસારિત થઈ રહી છે. આ ખોટા સમાચાર છે.” આ સાથે વધુમાં કહેવાયું કે, “કરદાતાઓને સલાહ આપવામાં આવે છે કે, તેઓ ઇન્કમટેક્સ ઇન્ડિયાની આધિકારિક વેબસાઇટ/પોર્ટલના અપડેટનું પાલન કરે.”
It has come to our knowledge that a clipping of @sandeshnews is circulating on social media regarding extension of date of e-filing of ITR. This is FAKE news.
— Income Tax India (@IncomeTaxIndia) July 22, 2024
Taxpayers are advised to follow updates from the official website/portal of @IncomeTaxIndia#FactCheck pic.twitter.com/Hs5jk0kF3J
જોકે, મેઈનસ્ટ્રીમ મીડિયા વારંવાર ગફલતભર્યા સમાચાર છાપવા માટે કુખ્યાત છે. તાજેતરમાં જ ગુજરાત યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ વચ્ચે વિવાદ થયો હતો. વિદેશથી ભણવા આવેલા મુસ્લિમ વિદ્યાર્થીઓ જાહેરમાં નમાજ પઢી રહ્યા હતા. જેને લઈને સ્થાનિક વિદ્યાર્થીઓ તેમની સાથે વાતચીત કરવા માટે ગયા હતા. જે બાદ તે મુસ્લિમ વિદ્યાર્થીઓએ સ્થાનિક વિદ્યાર્થી પર હુમલો કરી દીધો હતો અને આખો વિવાદ શરૂ થયો હતો. પરંતુ ગુજરાતી મીડિયાએ માત્ર સ્થાનિક વિદ્યાર્થીઓએ ‘તોડફોડ’ કરી હોવાનું રટણ લગાવી રાખ્યું હતું. તે સિવાય પણ આવા અનેકો ઉદાહરણ છે, જેમાં ગુજરાતી મીડિયાએ ગફલતભર્યા અથવા તો ખોટા સમાચાર છાપ્યા હોય.