Sunday, September 29, 2024
More
    હોમપેજદુનિયાનસરલ્લાહ પ્રભાવશાળી, હિઝબુલ્લાહ સામાજિક સેવાઓમાં આગળ પડતું…ડિયર BBC, આતંકવાદી માટે ‘પરમ આદરણીય’...

    નસરલ્લાહ પ્રભાવશાળી, હિઝબુલ્લાહ સામાજિક સેવાઓમાં આગળ પડતું…ડિયર BBC, આતંકવાદી માટે ‘પરમ આદરણીય’ ન લખ્યું તે બદલ સાધુવાદ!

    આખો લેખ વાંચીને આનંદ માત્ર એ વાતનો રહ્યો કે BBCના પત્રકારો આટલેથી જ અટકી ગયા અને આ આતંકવાદી માટે ‘પરમ સન્માનનીય’ જેવા શબ્દો ન લખ્યા. 

    - Advertisement -

    હમણાં ઇઝરાયેલની સેનાએ (Israel) ઉત્તર સરહદે આવેલા દેશ લેબનાનમાં સક્રિય આતંકવાદી સંગઠન હિઝબુલ્લાહના ચીફ નસરલ્લાહને ઠેકાણે પાડી દીધો. 7 ઑક્ટોબર, 2023ના દિવસે હમાસે હુમલો કરી દીધા બાદ ઇઝરાયેલ તેની સાથે યુદ્ધે ચડ્યું તો ઉત્તરેથી હિઝબુલ્લાહે (Hezbollah) પણ હુમલા વધારી દીધા હતા. ત્યારથી આ આતંકવાદી સંગઠન અને તેના આતંકવાદીઓ ઇઝરાયેલની આંખમાં આવી ગયા હતા. આખરે 27 સપ્ટેમ્બરે નસરલ્લાહનો વારો પડી ગયો. 

    આ દિવસે ઇઝરાયેલની સેનાએ લેબનાનમાં અત્યાર સુધીની સૌથી મોટી એરસ્ટ્રાઇક કરી અને ટાર્ગેટ બનાવ્યો હિઝબુલ્લાહના હેડક્વાર્ટરને. અહીં જ નીચે નસરલ્લાહ અને તેના અન્ય અમુક સાથીઓ જમીનમાં કેટલાય ફિટ અંદર બંકરમાં બેસીને ઇઝરાયેલ સામે જ હુમલાઓ કરવાની યોજના બનાવી રહ્યા હતા. પણ ઇઝરાયેલ ફેંકેલા 80 ટન બૉમ્બથી એક ઝાટકે આ તમામનું નામ યાદીમાંથી કમી થઈ ગયું. 

    પછીથી IDFએ પણ પુષ્ટિ કરી અને હિઝબુલ્લાહનું પણ કન્ફર્મેશન આવ્યું. આતંકવાદીના માર્યા ગયાથી ઇઝરાયેલ અને ઇઝરાયેલીઓ આનંદ મનાવી રહ્યા છે. PM નેતન્યાહુએ જાહેરમાં કહ્યું કે, નસરલ્લાહ ઇઝરાયેલનો દુશ્મન હતો અને દુશ્મન સાથે ઇઝરાયેલ શું હાલત કરે છે તે દુનિયા જાણે છે. સાથે ઈરાનના સુપ્રીમ લીડરને પણ આડકતરી રીતે ધમકી આપી દીધી, જે ભાઈ પોતે ડરના માર્યા ક્યાંક સુરક્ષિત જગ્યા શોધીને બેસી ગયા છે. 

    - Advertisement -

    બીજી તરફ, અમુક એવા પણ છે જેમને નસરલ્લાહના મોતથી ભારોભાર દુઃખ થયું છે. તેમાંથી એક જમ્મુ-કાશ્મીરનાં મહેબૂબા મુફ્તી પણ ખરાં. તેમણે કહ્યું કે, તેઓ 24 કલાક માટે ચૂંટણી પ્રચાર કરશે નહીં. કેટલેક ઠેકાણે કાશ્મીરમાં તો રેલીઓ પણ નીકળી. આવાઓને સમય આવ્યે ઓળખી લેવા એ નાગરિકની મૂળભૂત ફરજોમાં ભલે નહીં આવતું હોય પણ કામનું છે. 

    આવી ચર્ચાઓ ચાલતી હતી ત્યાં BBC ગુજરાતીને મન થયું હિઝબુલ્લાહના આ ચીફ નસરલ્લાહ વિશે વાચકોને જણાવવાનું. ઠીક વાત છે, જણાવવું જોઈએ. તેમાં કશું ખોટું નથી. પરંતુ જે રીતે આખો લેખ લખાયો છે તેને જોતાં વાંચનારનેય ઘડીક થાય કે આપણે આતંકવાદી વિશે વાંચી રહ્યા છીએ કે વર્લ્ડ લીડર અને કોઈ મોટા સેવાભાવી વ્યક્તિ વિશે! 

    ‘ઇઝરાયલના હુમલામાં માર્યા ગયેલા હિઝબુલ્લાહના નેતા હસન નસરલ્લાહની કહાણી’ શીર્ષક સાથે BBC ગુજરાતીએ એક લેખ છાપ્યો છે. અહીં પહેલી વાત એ છે કે નસરલ્લાહને માનવાચક સાથે સંબોધવાની કોઈ જરૂર દેખાતી નથી. તે એક ઘોષિત આતંકવાદી હતો, સેવાભાવી સંસ્થાનો વડો નહીં. હિઝબુલ્લાહ અનેક દેશો દ્વારા ઘોષિત આતંકવાદી સંગઠન છે. પણ તમે તમે બિલોરી કાચ લઈને બેસશો તોય તમને અહીં ક્યાંય નસરલ્લાહ માટે ‘આતંકવાદી’ શબ્દ લખેલો જોવા નહીં મળે. 

    બીબીસીએ લખ્યું છે કે, નસરલ્લાહ લેબનોનમાં કટ્ટરપંથી શિયા ઇસ્લામિક હિઝબુલ્લાહ ચળવળના નેતા છે. અહીં પણ હિઝબુલ્લાહને આતંકવાદી સંગઠન ગણાવવામાં આવ્યું નથી. હકીકત એ છે કે અમેરિકા, યુરોપિયન યુનિયન, ઈઝરાયેલ સહિત કુલ 60થી પણ વધુ દેશો આ સંગઠનને આતંકવાદી સંગઠન ઘોષિત કરી ચૂક્યા છે. 

    વાત આટલેથી અટકતી નથી, BBC આગળ લખે છે, “તેઓ મધ્ય-પૂર્વમાં સૌથી જાણીતા તથા સૌથી પ્રભાવશાળી વ્યક્તિઓ પૈકી એક ગણાય છે.” ખરેખર તો તેને જાણીતો નહીં પણ ‘કુખ્યાત’ કહેવો જોઈએ. બીજું, પ્રભાવશાળી વ્યક્તિ વળી કયા દહાડે થયો? કોઈ આતંકવાદી હિંસા અને દમનના જોરે પ્રજાને મારી-ધમકાવીને આતંકી સંગઠનનો વડો બની ગયો હોય તો તેને પ્રભાવશાળી કહી શકાય? ના.

    આગળ નસરલ્લાહ માટે BBC પત્રકારો લખે છે, “નસરલ્લાહ એ ઈરાન સાથે ગાઢ સંબંધ ધરાવતી રહસ્યમય વ્યક્તિ હતી, જેમણે હિઝબુલ્લાહને આજની રાજકીય અને સૈન્ય શક્તિમાં ફેરવી નાખવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. આ જૂથના સમર્થકો માટે તેઓ આદરણીય વ્યક્તિ હતી.’ 

    અહીં સમાન્ય બુદ્ધિની વાત એટલી છે કે કોઈ પણ આતંકવાદી સંગઠન પોતાને આતંકવાદી સંગઠન ગણાવે નહીં અને કોઈ પણ આતંકવાદી પોતાને આતંકવાદી કહે નહીં. હિઝબુલ્લાહ માટે તો તેનો પ્રમુખ ‘આદરણીય’ જ હોવાનો. પણ આપણાથી એને આદરણીય ન બનાવાય. કારણ કે આપણે તેની કરતૂતો પર આંખ આડા કાન કરી શકીએ એમ નથી. બીજું, તે રહસ્યમય પણ ન હતો. તેને ડર લાગતો હતો કે એક દિવસ ઇઝરાયેલી સેના આવીને ફૂંકી મારશે, જે અંતે સાચો પણ પડ્યો જોકે. 

    આતંકવાદીઓ માટે ‘ચરમપંથી’ અને ‘લડવૈયા’ જેવા શબ્દો?

    આ લેખમાં હમાસના આતંકવાદીઓ કે ઈરાક-યમનના આતંકીઓ માટે પણ ‘ચરમપંથી’ અને લડવૈયાઓ જેવા શબ્દો વાપરવામાં આવ્યા છે. હમાસના માણસોને આતંકવાદી ન કહેવા બદલ જોકે બીબીસી પહેલાં પણ વિવાદોમાં આવી ચૂક્યું છે. 

    લેખમાં દાવો કરવામાં આવ્યો છે કે, લેબનોન પર ઇઝરાયેલના આક્રમણ વખતે ઇઝરાયેલી સૈનિકો સામે લડવા માટે હિઝબુલ્લાહની સ્થાપના થઈ હતી. જોકે, આમાં પણ હકીકત એવી છે કે ઈરાને જ આ આખું સંગઠન ઊભું કર્યું હતું, જેથી ઇઝરાયેલની ઉત્તર સરહદે એક નવો દુશ્મન ઉભો કરી શકાય. એ જ કારણ છે કે સ્થાપનાથી લઈને આજ સુધી હિઝબુલ્લાહને ઈરાનનું સતત સમર્થન પ્રાપ્ત થતું રહ્યું. 

    બીજું, અહીં એક સંદેશ એવો પણ જઈ શકે કે ઇઝરાયેલીઓ લેબનોન પર દમન કરતા હતા, એટલે નછૂટકે તેમણે હિઝબુલ્લાહ બનાવીને હથિયાર ઉપાડવા પડ્યાં. પરંતુ હકીકત એ પણ નથી. ઇઝરાયેલ સામે પાડોશી આરબ દેશોએ શું-શું કાવતરાં કર્યાં એ જગજાહેર છે. આ જ હિઝબુલ્લાહની સ્થાપના વખતે તેમણે ઇઝરાયેલને નષ્ટ કરવાની વાત કહી હતી અને આ જ નસરલ્લાહ અનેક વખત ઇઝરાયેલને ખતમ કરવાની વાત કરી ચૂક્યો હતો. 

    હિઝબુલ્લાહ સેવાભાવી સંગઠન!

    BBCએ હિઝબુલ્લાહ પર ‘સુંદર’ વાતો લખી છે. લેખ કહે છે કે, ‘નસરલ્લાહ આ કટ્ટરપંથી સંગઠનને એટલે આગળ લઈ ગયા કે તે લેબનોની સત્તાવાર સેના કરતાં પણ વધુ શક્તિશાળી છે. લેબનોનના રાજકારણમાં તેનો પ્રભાવ છે અને આરોગ્ય, શિક્ષણ અને સામાજિક સેવાઓ આપવામાં આગળ પડતું સ્થાન ધરાવે છે. આ પ્રદેશમાં વર્ચસ્વ જમાવવા માટે ઈરાનના પ્રયાસોમાં હિઝબુલ્લાહ મહત્વની ભૂમિકા ભજવે છે.”

    આ વાંચીને કહો કે શું કોઈ રીતે લાગે છે કે આ આતંકવાદી સંગઠનની વાત છે? આરોગ્ય, શિક્ષણ અને સામાજિક સેવાઓમાં આગળ પડતું સ્થાન ધરાવનારું આ સંગઠન ખરેખર આતંકવાદી સંગઠન છે અને તેના માણસો ઇઝરાયેલ પર છાશવારે હુમલાઓ કરતા રહેશે, એ કોણ કહેશે? 

    આખો લેખ વાંચીને આનંદ માત્ર એ વાતનો રહ્યો કે BBCના પત્રકારો આટલેથી જ અટકી ગયા અને આ આતંકવાદી માટે ‘પરમ સન્માનનીય’ જેવા શબ્દો ન લખ્યા. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં