ભારતવર્ષના તમામ સિદ્ધપુરુષો અને ઋષિમુનીઓ એક સનાતન સિદ્ધાંતનો ઉપદેશ વારંવાર આપતા આવ્યા છે. તેઓ કહેતા હતા કે, બ્રહ્માંડના તમામ રહસ્યોને પોતાના ભીતર ઘોળીને મનુષ્ય સુધી સરળ રીતે પહોંચાડતું એકમાત્ર માધ્યમ ‘વેદો’ છે. વૈદિક સાહિત્ય અનુસાર, બ્રહ્માંડના નિર્માણથી લઈને અંત સુધી એક યુદ્ધ કાયમ ચાલતું રહે છે. તે છે સત્ય અને અસત્ય વચ્ચેનું યુદ્ધ. જેને આપણે સરળ ભાષામાં કાળી શક્તિ અને સાત્વિક શક્તિ વચ્ચેનું યુદ્ધ કહીએ છીએ. જેમ કે, રામ-રાવણનું યુદ્ધ, કૃષ્ણ-કંસનું યુદ્ધ, પાંડવો-કૌરવોનું યુદ્ધ અને દેવો-રાક્ષસોનું યુદ્ધ. વૈદિક સાહિત્ય અનુસાર, આ યુદ્ધના વિજય બાદ દેવો અને મનુષ્યો ઉત્સવ ઉજવે છે. જેમ કે ભગવાન રામના વિજય બાદ દિવાળી અને દેવોના વિજય બાદ દેવદિવાળી (Dev Diwali).
દિવાળી વિશેના ઇતિહાસથી કોઈ અજાણ નથી. પરંતુ, એક મોટો વર્ગ દેવદિવાળીના ઇતિહાસથી અજાણ છે. આપણે આ વિશેષ લેખમાં દેવદિવાળીના પર્વ પાછળના ઇતિહાસ વિશે ચર્ચા કરીશું. દેવદિવાળીનો શાબ્દિક અર્થ જ એ છે કે, દેવતાઓની દિવાળી. તેના શાબ્દિક અર્થની જેમ આ દિવાળી દેવલોકનો ઉત્સવ છે. અસત્ય પર સત્યના ભવ્ય વિજય બાદ આ ઉત્સવ શરૂ થયો હતો. સૌપ્રથમ દેવદિવાળી દેવલોકમાં દેવતાઓએ ઉજવી હતી અને ત્યારબાદ દેવનગરી કાશીમાં પણ તેની ઉજવણી શરૂ થઈ હતી.
ક્યારે ઉજવાય છે દેવદિવાળી?
દિવાળીના 15 દિવસ બાદ દેવદિવાળી ઉજવવામાં આવે છે. દિવાળીનો તહેવાર કારતક અમાવસના (અમાસ) રોજ ઉજવાય છે, જ્યારે દેવદિવાળીનો ઉત્સવ કારતક સુદ પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે. તેને દેવતાઓની દિવાળી તરીકે ઓળખવામાં આવે છે. લોકમાન્યતા એવી છે કે, આ દિવસે દેવતાઓ સ્વર્ગલોકમાં ભવ્ય ઉજવણી કરી છે. આ ઉપરાંત તમામ દેવતાઓ ત્રિદેવની (બ્રહ્મા, વિષ્ણુ, મહેશ) આરાધના પણ કરે છે. કારતક પૂર્ણિમાના દિવસે જ દેવદિવાળીની ઉજવણી પાછળ એક ભવ્ય અને રોચક ઇતિહાસ પણ રહેલો છે.
ભગવાન શિવ સાથે જોડાયેલો છે ઇતિહાસ
ઉપરોક્ત ચર્ચા મુજબ, બ્રહ્માંડની ઉત્પત્તિથી લઈને તેના અંત સુધીમાં સત્ય અને અસત્ય વચ્ચે સતત યુદ્ધ ખેલાતા રહે છે અને બ્રહ્માંડના નિયમ અનુસાર, તેમાં સત્યનો હંમેશા વિજય થાય છે. ભવિષ્યપુરાણ અનુસાર, કળિયુગના અંત સમયે પણ ભગવાન કલ્કિ (ભગવાન વિષ્ણુનો અવતાર) (Kalki) અને રાક્ષસરાજ કલિ વચ્ચે ભીષણ યુદ્ધ થશે અને અંતે સત્ય એટલે કે ભગવાન કલ્કિનો વિજય થશે. તે જ રીતે ઇતિહાસમાં પણ આવા અનેક યુદ્ધો થયા છે, જેમાં અંતે સત્યનો વિજય થયો હતો. તે પૈકીનું એક યુદ્ધ રાક્ષસરાજ ત્રિપુરાસુર અને દેવતાઓ વચ્ચે થયું હતું. આ ભીષણ યુદ્ધના કારણે બ્રહ્માંડનું સંચાલન પણ ખોરવાયું હતું.
પૌરાણિક સાહિત્ય અનુસાર, ઇતિહાસમાં ત્રિપુરાસુર નામનો એક શક્તિશાળી રાક્ષસ થયો હતો. તેણે કાળી ઉર્જા (Dark Energy) દ્વારા બ્રહ્માંડને પોતાના કાબૂમાં લેવા માટે પ્રયાસ કર્યો હતો. દેવતાઓ અને રાક્ષસોના યુદ્ધ દરમિયાન દેવતાઓ સતત હારી રહ્યા હતા અને ત્રિપુરાસુર ખૂબ આગળ વધી રહ્યો હતો. તેણે ત્રણેય લોક પર પોતાનું આધિપત્ય સ્થાપિત કરી દીધું હતું. મનુષ્યલોકમાં પણ દેવતાઓ અને સનાતન સત્ય (ઈશ્વર)ની પૂજા બંધ થઈ ગઈ હતી.
ત્રણેય લોકમાં અસત્ય અને કાળી શક્તિનું શાસન હતું. લોકો પણ દુર્ગુણોથી આકર્ષાવા લાગ્યા હતા. દેવતાઓએ અનેક પ્રયાસો કર્યા હોવા છતાં પણ ત્રિપુરાસુરનો નાશ કરી શકતા નહોતા. જ્યારે ત્રિપુરાસુર એક-એક કરીને દેવતાઓના તમામ સ્થાનોને આધિપત્ય હેઠળ લાવી રહ્યો હતો. અંતે રાક્ષસોના અત્યાચારોથી ત્રસ્ત થઈને દેવતાઓ ભગવાન શિવના શરણમાં ગયા હતા. દેવતાઓએ ભગવાન શિવની આરાધના કરીને તેમને પ્રાર્થના કરી કે, માત્ર તેઓ જ હવે બ્રહ્માંડની રક્ષા કરી શકશે.
દેવતાઓના આહ્વાન બાદ ભગવાન શિવ સમાધિવસ્થામાંથી બહાર આવ્યા હતા અને ત્રિપુરાસુર સાથે યુદ્ધમાં ઉતરવા સહમત થયા હતા. ભગવાન શિવની ક્રોધાગ્નિમાં અનેક રાક્ષસો બળીને ભસ્મ થઈ ગયા હતા અને અંતે ત્રિપુરાસુર પણ ક્ષણવારમાં જ ભગવાન શિવના રૌદ્રરૂપનો ભોગ બન્યો હતો. ભગવાન શિવે સત્યની રક્ષા માટે ત્રિપુરાસુરનો નાશ કર્યો હોવાથી તેમને ‘ત્રિપુરારી’ તરીકે પૂજવામાં આવ્યા. કારતક સુદ પૂર્ણિમાના દિવસે ત્રિપુરાસુરનો નાશ થયો હોવાથી દેવતાઓએ દીપ પ્રજજ્વલિત કરીને સત્યના વિજયની ઉજવણી કરી હતી. ત્યારથી તે ઉત્સવને દેવદિવાળી તરીકે ઉજવવામાં આવે છે. સૌપ્રથમ દેવદિવાળી દેવલોકમાં દેવતાઓએ ઉજવી હતી.
શું છે લોકમાન્યતાઓ?
દેવદિવાળી સાથે અનેક લોકમાન્યતાઓ પણ જોડાયેલી છે. એવું કહેવાય છે કે, દેવદિવાળીના દિવસે ભગવાન શિવની આરાધના કરવાથી જીવનમાં અસત્યરૂપી સમસ્યાઓથી મુક્તિ મળે છે. આ ઉપરાંત એક માન્યતા એવી પણ છે કે, દેવદિવાળીના દિવસે તમામ દેવતાઓ પૃથ્વીલોકની યાત્રા કરે છે. લોકવાયકા મુજબ, દેવદિવાળીના દિવસે અલગ-અલગ દેવતાઓ મનુષ્યરૂપ ધારણ કરીને પૃથ્વીમાં ફરતા રહે છે. તેથી તેમના સન્માનમાં અને સ્વાગતમાં પૃથ્વીમાં પણ દીપ પ્રજજ્વલિત કરવાની પરંપરા શરૂ થઈ હતી. પૃથ્વી પર દેવદિવાળીની સૌપ્રથમ શરૂઆત વિશ્વની પ્રાચીન નગરી કાશીમાં થઈ હતી. કાશીને (વારાણસી) દેવનગરી પણ કહેવામાં આવે છે, કારણ કે ભગવાન શિવ સ્વયં કાશીમાં નિવાસ કરે છે.
વૈદિક સાહિત્ય અનુસાર, વારાણસી ખૂબ પવિત્ર અને પ્રાચીન નગર છે. તેને પૃથ્વી પરની દેવનગરી તરીકે વર્ણવવામાં આવી છે. તેની રક્ષા સ્વયં કાળભૈરવ કરે છે, તેથી જ કાશી વિશ્વનાથના દર્શન પહેલાં કાળભૈરવના દર્શન કરવામાં આવે છે. દેવનગરી હોવાથી દર વર્ષે દેવદિવાળીના દિવસે કાશીમાં ભવ્ય ઉજવણી કરવામાં આવે છે. મા ગંગાના ઘાટો પર લાખો દિવાઓ પ્રજજ્વલિત કરવામાં આવે છે. માન્યતા છે કે, પૃથ્વી પર ભ્રમણ દરમિયાન દેવતાઓ એક વખત કાશી અચૂક આવે છે. તેથી તેમના સ્વાગતમાં આદિકાળથી કાશીવાસીઓ દીપ પ્રજજ્વલિત કરે છે.
કાશીની (Kashi) દેવદિવાળી ઇતિહાસના અનેક ગ્રંથોમાં વર્ણવાયેલી છે. ઉપરાંત દેશભરમાં પણ દેવદિવાળી દરમિયાન દીપ પ્રજજ્વલિત કરવામાં આવે છે અને દેવતાઓનું સ્વાગત કરવામાં આવે છે. અન્ય એક લોકમાન્યતા એવી પણ છે કે, દેવદિવાળીના પવિત્ર દિવસે જ ભગવાન શ્રીહરિ વિષ્ણુએ મત્સ્ય અવતાર ધારણ કર્યો હતો. તેથી દિવાળી સાથે અનેક લોકમાન્યતાઓ અને ભવ્ય ઇતિહાસો જોડાયેલા હોવાનું કહેવાય છે.