વિશ્વનો સૌથી મોટો માનવમહેરામણ, સદીઓથી ચાલી આવતી અનંત અને અકબંધ સનાતન પરંપરા, દુનિયાભર માટે વિસ્મય અને રહસ્યનો વિષય. હા, વાત થઈ રહી છે મહાકુંભની (Mahakumbh). તે મહાકુંભ જ્યાં દેશના તમામ સાધુઓના અખાડા જોવા મળે છે, વિશ્વના સહેલાણીઓ જોવા મળે છે. આસ્થાની સાથે સુવ્યવસ્થિત વહીવટ જોવા મળે છે. આ તમામ તો થઈ ભૌતિક બાબતો. પરંતુ, મહાકુંભ એવો અવસર છે, જે માણસને પોતાની સાથે સમય વિતાવવાની એક તક અને શક્તિ આપે છે. નાગા સાધુઓની સાથે દુનિયાભરમાં સાધુઓના અખાડા (Akharas) વિશે પણ ખૂબ ચર્ચા ચાલે છે.
આ વિશેષ લેખમાં આપણે સન્યાસીઓના અખાડાના સમગ્ર ઇતિહાસ સુધી જવા પ્રયાસો કરીશું. સામાન્ય રીતે અખાડાથી ભારતના તમામ લોકો પરિચિત હશે, પરંતુ વાસ્તવમાં અખાડા કોને કહેવાય, અખાડાની રચના માટેનો વિચાર સૌપ્રથમ કોને આવ્યો હતો અને અખાડાની પરંપરા તથા ભિન્નતા શું છે તે વિષયો પર ઘણા ઓછો લોકો ધ્યાન આપે છે. આપણે આ બધી માહિતીને એક તાંતણે બાંધવાનો પ્રયત્ન કરીશું.
શું હોય છે અખાડા?
અખાડાની સામાન્ય વ્યાખ્યા જોઈએ તો તે સાધુઓનો એક સમૂહ હોય છે. તે સમૂહ શાસ્ત્ર અને શસ્ત્ર બંનેમાં પારંગત હોય છે. કહેવામાં આવે છે કે, ‘અલખ’ શબ્દ પરથી અખાડા શબ્દ ઉતરી આવ્યો છે. પહેલાં અખાડાને સાધુઓનો બેડો પણ કહેવામાં આવતો હતો. એવું પણ કહેવાય છે કે, મુઘલકાળમાં અખાડા શબ્દનો ઉપયોગ વધ્યો હતો. અખાડા શબ્દ કુસ્તી માટે ઉપયોગમાં લેવાતા મેદાન માટે પણ વપરાય છે. જોકે, સાધુઓ માટે પણ તે કુસ્તીનું એક સ્થાન જ ગણી શકાય. કારણ કે, અખાડામાં આવ્યા બાદ જ કોઈ મનુષ્ય મોહ, માયા અને ભૌતિક બાબતો સામે લડત આપી શકે છે અને સંઘર્ષ ઊભો કરી શકે છે.
દેશમાં આજના સમયે 13 અખાડા અસ્તિત્વ ધરાવે છે. આ તમામ અલગ-અલગ પરંપરા સાથે જોડાયેલા છે. તેમાંથી 7 અખાડા શૈવ (ભગવાન શિવમાં આસ્થા ધરાવતા) સન્યાસી સંપ્રદાયના છે, જ્યારે 3-3 અખાડા વૈરાગી- વૈષ્ણવ (ભગવાન વિષ્ણુ અને તેમના અવતારોમાં આસ્થા ધરાવતા) અને ઉદાસીન (શીખ ગુરુઓના અખાડા) પરંપરાના છે. મહત્વની વાત તે છે કે, 7 શૈવ અખાડામાંથી નાગા સાધુઓની રચના થાય છે. કેટલાક અખાડામાં મહિલા સાધ્વીઓને પણ દીક્ષા આપવામાં આવે છે અને કેટલાક અખાડામાં માત્ર બ્રહ્મચારી બ્રાહ્મણ (કર્મ આધારિત) જ દીક્ષા મેળવી શકે છે.
કેટલાક અખાડામાં 8થી 12 વર્ષના બાળકોને પણ દીક્ષા આપવામાં આવે છે તો કેટલાક અખાડામાં કુસ્તી પર ભાર આપવામાં આવે છે. દરેક અખાડાના એક ઇષ્ટદેવ અને ઈષ્ટદેવી પણ હોય છે. તેઓ પોતાનો ધ્વજ પણ રાખે છે. તે સિવાય તેમાં સર્વોચ્ચ પદમાં પણ તફાવત જોવા મળે છે. જેમ કે, શૈવ અખાડામાં આચાર્ય મહામંડેશ્વરનું પદ સર્વોચ્ચ હોય છે. બીજી તરફ વૈષ્ણવ અખાડામાં શ્રીમંતનું પદ સર્વોચ્ચ ગણવામાં આવે છે.
પત્રકાર અને લેખક દિપક કુમાર સેને પોતાના પુસ્તક ‘The Divine Kumbh‘માં દરેક અખાડાને એક સાવધાનીપૂર્વક સંરચીત સંસ્થા તરીકે વર્ણીત કર્યા છે. પુસ્તક અનુસાર, અખાડા 8 ભાગો અને 52 મઢીઓમાં વિભાજિત હોય છે, પરંતુ એકંદરે તે એક હોય છે. બધા જ અખાડામાં એક સન્યાસી સર્વોચ્ચ પદ પર હોય છે તે તમામ સન્યાસીઓ પર નિયંત્રણ રાખે છે અને અખાડાનું સંચાલન કરે છે.
કઈ રીતે થઈ હતી અખાડાની ઉત્પત્તિ?
અખાડાની ઉત્પત્તિ વિશે ઇતિહાસ અને ધાર્મિક ગ્રંથો બંનેમાં માહિતી મળી રહે છે. ધાર્મિક ગ્રંથો અને ઇતિહાસ અનુસાર, અખાડાની સ્થાપનાનો શ્રેય જગતગુરુ આદિ શંકરાચાર્યને જાય છે. તેમણે સનાતન ધર્મને પુનઃસ્થાપિત કર્યા બાદ હિંદુઓએ એક કરવા માટે અનેકો પ્રયાસો કર્યા હતા. તે પૈકીનો એક પ્રયાસ આ પણ છે. તેમણે વિવિધ સંપ્રદાયોનું પાલન કરતા સાધુઓના સમૂહોને એક કરીને અખાડાની સંરચના કરી હતી. આ તમામ અખાડાની માન્યતાઓ, પરંપરાઓ, ક્રિયાઓ ભલે અલગ હોય, પરંતુ સનાતનની વાત પર તેઓ એક થઈ જતાં હોય છે. તેઓ પોતાના સર્વોચ્ચ ગુરુ તરીકે શંકરાચાર્યને જુએ છે. શંકરાચાર્યના પદ પર વિરાજમાન વ્યક્તિ સનાતન ધર્મના સર્વોચ્ચ ગુરુ અને અખાડાના અધિપતિ પણ ગણાય છે. આ કારણે જ તમામ અખાડા અને સંપ્રદાય એક રહી શકે છે.
જોકે, અખાડાની ઉત્પત્તિ વિશે અન્ય એક બાબત પણ પ્રચલિત છે. જેમાં કેટલાક લોકો તેને સહજ પ્રક્રિયા ગણાવે છે. કેટલાકના મતે અખાડાનો વિકાસ સ્વાભાવિક રીતે થયો હતો. કારણ કે, સન્યાસીઓએ પોતે જ પોતાની સંરચના બનાવવા માટેના પ્રયાસો શરૂ કરી દીધા હતા. જો આ બાબતને સ્વીકારવામાં આવે તો અખાડા વચ્ચે મતભેદ થતાં હોવાની બાબત પણ સ્વીકારવી પડે. કારણ કે, દરેક સન્યાસી પોતાના અખાડાની પરંપરાને લઈને ચાલે છે. તેથી તમામ અખાડા એક છે અને તેમનો અંતિમ ધ્યેય ઈશ્વર પ્રાપ્તિનો છે. શંકરાચાર્યના નિયમન દ્વારા તેની એકતા વધે છે. તેથી અખાડાની ઉત્પત્તિ વિશેની આ બીજી બાબત સામાન્ય સમજ ગણી શકાય.
આંતરરાષ્ટ્રીય ઇતિહાસકાર કામા મેકલીને કુંભના પોતાના અભ્યાસમાં અખાડા વિશેની વાત પણ કહી હતી. તેણે લખ્યું હતું કે, ઉત્તર ભારતમાં બ્રિટિશ સંસ્થાનવાદના શાસન પહેલાં હરિદ્વાર કુંભ પર પ્રતિસ્પર્ધી અખાડાનું પ્રભુત્વ હતું. આ સાધુઓ ન માત્ર ધાર્મિક ભક્ત હતા, પરંતુ કુશળ વિદ્વાન અને લડાયક યોદ્ધાઓ પણ હતા. ઘણા અંશે તેઓ કુંભમાં વેપાર સાથે પણ જોડાયેલા હતા. જોકે, આજે અખાડા પોતાના પ્રભુત્વ અને ધર્મ માટે કરતા કામોને લઈને જાણીતા બન્યા છે. જોકે, આજે પણ મહાકુંભ કે કુંભના આયોજનમાં અખાડાની ભૂમિકા મહત્વની રહી છે.
ઇતિહાસમાં જોવા જઈએ તો સદીઓથી આ અખાડા દેશભરમાં હિંદુઓને એક કરવા માટે સતત કામ કરતાં રહે છે. મધ્યકાળમાં પણ અખાડાનું પ્રભુત્વ ખૂબ રહ્યું હતું. દક્ષિણ ભારતમાં ચૌલ રાજવંશ અને વિજયનગરના મહાન હિંદુ રાજવંશે તથા ઉત્તર ભારતના રાજપૂત અને મરાઠા સામ્રાજ્યોએ પણ અખાડા અને કુંભને ખૂબ સમર્થન આપ્યું હતું.
કેટલા પ્રકારના છે અખાડા?
હિંદુ ધર્મના આધિકારિક અખાડા 13 છે. આ તમામ અખાડા માન્યતા પ્રાપ્ત છે. જોકે, હવે કિન્નર અખાડાને પણ તેમાં સ્થાન આપવામાં આવ્યું છે, પરંતુ આધિકારિક રીતે 13 અખાડા જોવા મળે છે. આ તમામ અખાડા સમાજમાં નૈતિકતા અને એકતા વધારવાનું કામ કરે છે. બધા જ સંપ્રદાયો વચ્ચે સુસંગતતા સાધીને ધર્મને મજબૂત કરવા માટેની શંકરાચાર્યની દીર્ઘદ્રષ્ટિ આજે ફળી છે. કારણ કે, આજના હિંદુઓ સંપ્રદાયોથી પરે થઈને તમામ ભગવાનોમાં આસ્થા ધરાવે છે. જે માણસ ભગવાન શિવનો અનન્ય ભક્ત હશે, તે કૃષ્ણ એન કુળદેવીને પણ પૂજે છે. આદિગુરુ શંકરાચાર્યના સમય પહેલાં આ થઈ શકતું નહોતું. તમામ સંપ્રદાયો વચ્ચે નફરત અને શત્રુતા હતી. જે શૈવ હતા, તેઓ ભગવાન વિષ્ણુને ન તો પૂજતા અને ન તો તેમને ઈશ્વર માની શકતા.
પરંતુ આદિગુરુ શંકરાચાર્યની દીર્ઘદ્રષ્ટિએ આજે ધર્મને મજબૂતીથી ટકાવી રાખ્યો છે અને તેમાં સૌથી મહત્વપૂર્ણ ભૂમિકા અખાડાએ ભજવી છે. બધા જ સંપ્રદાયોના અખાડા દરેક ઈશ્વરમાં આસ્થા ધરાવે છે અને બધાને જ મહાન ગણાવે છે. એકંદરે હવે સંપ્રદાય કરતાં સનાતન ધર્મને પ્રાથમિક સ્થાન આપવામાં આવ્યું છે. દેશના 13 અખાડા આજે ધર્મને પ્રાથમિક અવસ્થા પર રાખીને કાર્ય કરે છે અને રામ જન્મભૂમિ આંદોલન સમયે માત્ર વૈષ્ણવ-નિર્મોહી જ નહીં, પરંતુ શૈવ અખાડા અને ઉદાસીન અખાડાએ પણ સમાન લડત આપી હતી.
13 અખાડામાં જૂના અખાડા, નિરંજની અખાડા, મહાનિર્વાણી અખાડા, અટલ અખાડા, આહ્વાન અખાડા, નિર્મોહી અખાડા, આનંદ અખાડા, પંચાગ્નિ અખાડા, નાગપંથી-ગોરખનાથ અખાડા, વૈષ્ણવ અખાડા, ઉદાસીન નવા અખાડા, ઉદાસીન પંચાયતી અખાડા અને નિર્મલ પંચાયતી અખાડાનો સમાવેશ થાય છે. આ તમામ અખાડામાં સર્વોચ્ચ સ્થાન મહામંડલેશ્વરનું હોય છે, ઘણા અખાડામાં શ્રીમંત પણ હોય છે.
શું છે મહામંડલેશ્વર બનવાનું વિધાન?
અખાડામાં મહામંડલેશ્વરનું પદ પ્રભાવશાળી માનવામાં આવે છે. દરેક અખાડામાં મહામંડલેશ્વર બનવાની પ્રક્રિયા પણ અલગ-અલગ હોય છે. મહામંડલેશ્વરને છત્ર ધારણ કરવા અને ચાંદીના સિંહાસન પર બેસવાનો અધિકાર છે. મહામંડલેશ્વરને આ સિંહાસન પર બિરાજમાન કરીને છત્ર સાથે તેમની સવારી કાઢવામાં આવે છે. આ પદવી મેળવવા માટે પરીક્ષણના પાંચ સ્તરો છે. આ સાથે જ્ઞાન અને ત્યાગની કસોટીમાં પણ પાસ થવું પડે છે. જો કોઈ વ્યક્તિ સન્યાસી અથવા મહામંડલેશ્વરના પદ માટે કોઈપણ અખાડાનો સંપર્ક કરે છે, તો તેણે તેનું નામ, સરનામું, શૈક્ષણિક લાયકાત, સંબંધીઓની વિગતો અને તેની નોકરી અને વ્યવસાય વિશેની માહિતી આપવાની રહેશે.
આ પછી, અખાડા સાથે સંકળાયેલા પોલીસ સ્ટેશન દ્વારા તે વ્યક્તિની પૃષ્ઠભૂમિ અને માહિતીની તપાસ કરવામાં આવે છે. પોલીસ સ્ટેશનના રિપોર્ટના આધારે અખાડાના સચિવ અને પંચ અલગ-અલગ તપાસ કરે છે. તેઓ અખાડા સાથે સંકળાયેલ વ્યક્તિના સ્થળે જાય છે અને પરિવારના સભ્યો અને સંબંધીઓનો સંપર્ક કરીને માહિતીની ચકાસણી કરે છે. જે તે વ્યક્તિના શિક્ષણની ખરાઈ કરવા માટે શાળા-કોલેજોની મુલાકાત લઈને પણ તપાસ કરવામાં આવે છે. સ્થાનિક પોલીસ સ્ટેશનમાં તેની સામે કોઈ ફોજદારી કેસ નોંધાયેલ છે કે કેમ તે પણ તપાસવામાં આવે છે. તપાસ બાદ રિપોર્ટ અખાડાના સભાપતિને આપવામાં આવે છે.
આ પછી સભાપતિ તેમના સ્તરે તપાસ કરાવે છે. ત્યારબાદ અખાડાના પંચ તેમના જ્ઞાનની કસોટી કરે છે. જો તેમાં સફળતા મળે તો મહામંડલેશ્વરનું બિરુદ આપવામાં આવે છે. જોકે, ડોકટરો, પોલીસ-પ્રશાસનના અધિકારીઓ, એન્જિનિયરો, વૈજ્ઞાનિકો, વકીલો અને નેતાઓને મહામંડલેશ્વર બનવા માટે નિવૃત્તિની ઉંમરમાં છૂટછાટ આપવામાં આવે છે. બે-ત્રણ વર્ષના સંન્યાસ પછી પણ તેમને મહામંડલેશ્વર બનાવવામાં આવે છે.
મહામંડલેશ્વરના પદ માટે સામાન્ય રીતે વેદાંગનું શિક્ષણ મેળવી શાસ્ત્રી, આચાર્યની પદવી પ્રાપ્ત કરવી જરૂરી છે. જો કોઈ વ્યક્તિ પાસે આવી ડિગ્રી ન હોય, તો તે વ્યક્તિ કથાવાચક અથવા સ્થાનિક મઠ સાથે સંકળાયેલી હોવી જોઈએ. એવું પણ જોવામાં આવે છે કે, મઠ દ્વારા સનાતન ધર્મના અનુયાયીઓ માટે શાળાઓ, મંદિરો, ગૌશાળા વગેરે ચાલતા જોઈએ. નાગા પરંપરામાં થાનાપતિ, કોટવાલ, કોઠારી, ભંડારી, કારોબારી સહિત અનેક પદો છે. નાગા તપસ્વીઓને તેમની લાયકાત અને સ્તરને ધ્યાનમાં રાખીને હોદ્દા સોંપવામાં આવે છે. મહામંડલેશ્વર જેવા પદ સુધી પહોંચવા માટે સામાન્ય સંત માટે લાયકાત હોવી જરૂરી છે. આ પદ સર્વોચ્ચ આચાર્ય મહામંડલેશ્વરના પદની નીચે આવે છે.
જે વ્યક્તિને મહામંડલેશ્વરનું પદ આપવામાં આવે છે તેને દીક્ષા આપવામાં આવે છે. તે પોતાનાં વસ્ત્રો છોડી દે છે અને અખાડામાંથી મેળવેલા પીળા કે ભગવા વસ્ત્રો પહેરે છે. આ પછી તે પોતાનું પિંડદાન આપે છે. પિંડદાન પછી તે વ્યક્તિનો પટ્ટાભિષેક કરવામાં આવે છે. આ સમય દરમિયાન વ્યક્તિ પોતાના વાળ કાપે છે અને વિધિ પ્રમાણે પૂજા કરે છે. આ પછી તેને દૂધથી સ્નાન કરાવવામાં આવે છે અને પટ્ટો પહેરાવવામાં આવે છે. આ સમય દરમિયાન તેને દંડ-કમંડળ આપવામાં આવે છે. તેને પંચકર્મ કહે છે.
મહામંડલેશ્વરનું બિરુદ મેળવ્યા પછી અમુક પ્રતિબંધો સાથે જીવવું પડે છે. તેમાં ઘર અને પરિવારથી અંતર, ચારિત્ર્યમાં કોઈ ખામી ન હોવી જોઈએ, ગુનાહિત છબી ધરાવતા લોકોથી અંતર, વૈભવી જીવનથી અંતર, અન્યની જમીન અને મિલકત પર કબજો કરવાના ઈરાદાથી અંતર, માંસ અને દારૂથી અંતરનો સમાવેશ થાય છે. આ બધાની અવગણના કરનારને અખાડામાંથી નિષ્કાસિત કરવામાં આવે છે.