મહારાષ્ટ્રમાં (Maharashtra) મહાયુતિની (Mahayuti) નવી સરકારે (Government) શપથ (Oath) લીધા છે. દેવેન્દ્ર ફડણવીસ (Devendra Fadnavis) 5 વર્ષ બાદ રાજ્યના મુખ્યમંત્રી (CM) તરીકે પરત ફર્યા છે. દેવેન્દ્ર ફડણવીસ અત્યાર સુધી મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી હતા. મુખ્યમંત્રી બન્યા બાદ તેમની જીવનયાત્રાને લઈને ઘણી વાતો સામે આવી છે. આ વાતોમાં એક વાત એવી પણ છે, જે તેમના બાળપણને માત્ર કેટલાક શબ્દોમાં વર્ણવી દે છે. વાત 1975ની છે, તે સમયે ઇન્દિરા ગાંધીએ દેશ પર ઇમરજન્સી થોપી દીધી હતી.
દેવેન્દ્ર ફડણવીસ વિશે એવું કહેવાય છે કે, તેમણે માત્ર 6 વર્ષની ઉંમરથી જ વિદ્રોહી સ્વભાવ બતાવવાનું શરૂ કર્યું હતું. દેવેન્દ્ર ફડણવીસ 1975માં ઇન્દિરા કોન્વેન્ટ સ્કૂલમાં અભ્યાસ કરતાં હતા. ત્યારે તેમ્ની ઉંમર માત્ર 6 વર્ષની હતી. તેમના પિતા ગંગાધર ફડણવીસ તે સમયે જનસંઘના નેતા હતા.
1975માં જ દેશના વડાંપ્રધાન ઇન્દિરા ગાંધીએ આખા દેશમાં ઇમરજન્સી લાદી દીધી હતી. આ ઇમરજન્સી દરમિયાન કોંગ્રેસ સિવાયના તમામ પક્ષોના નેતાઓની ધરપકડ કરવામાં આવી રહી હતી. આ શ્રેણીમાં જનસંઘના ઘણા નેતાઓની ધરપકડ પણ કરવામાં આવી હતી.
દેવેન્દ્ર ફડણવીસના પિતા ગંગાધર રાવની પણ ધરપકડ કરવામાં આવી હતી અને તેમને કારણ વગર જેલમાં પણ ધકેલી દેવામાં આવ્યા હતા. જ્યારે તેઓ ઇમરજન્સી વિરોધી રેલીનું નેતૃત્વ કરી રહ્યા હતા, ત્યારે જ તેમની ધરપકડ કરવામાં આવી હતી. આ કારણે બાળક દેવેન્દ્રના મન પર ખૂબ માંઠી અસર પડી હતી અને હ્રદયમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો. ત્યારે તેમણે સૌપ્રથમ વખત સ્કૂલ જવાનો ઇનકાર કરી દીધો હતો.
સ્કૂલ ન જવાનું કારણ આપતા તેમણે જણાવ્યું હતું કે, શાળાનું નામ ઇન્દિરા હોવાથી તેઓ સ્કૂલે નહીં જાય. દેવેન્દ્રએ કહ્યું હતું કે, તેઓ તેમના પિતાને જેલમાં ધકેલી દેનારના નામવાળી શાળામાં ક્યારેય નહીં જાય. કહેવાય છે કે, આ પછી તેમને સરસ્વતી શિશુ મંદિરમાં ભણાવવામાં આવ્યા હતા. દેવેન્દ્રના પિતા પણ મહારાષ્ટ્ર વિધાન પરિષદના સભ્ય હતા.
દેવેન્દ્ર ફડણવીસ પણ રામ મંદિર આંદોલનમાં સામેલ હતા. તેમણે કાયદાનો અભ્યાસ કર્યો છે. આ સાથે જ તેમણે MBA પણ કર્યું છે. આગળ અભ્યાસ કરવા તેઓ જર્મની પણ ગયા હતા. તેઓ નાગપુરના સૌથી યુવા મેયર પણ બન્યા હતા. આ પછી તેઓ માત્ર 44 વર્ષની વયે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી બન્યા હતા. 2019માં પણ NDA તેમના નેતૃત્વમાં ફરી જીત્યું હતું.
ત્યારે શિવસેના અલગ થવાને કારણે ભાજપની સરકાર બની શકી ન હતી. 2022માં શિવસેના તૂટ્યા બાદ તેઓ સરકારમાં નાયબ મુખ્યમંત્રી બન્યા હતા. 2024માં તેમના નેતૃત્વમાં પાર્ટી ફરી જીતી અને હવે તેઓ મુખ્યમંત્રી બન્યા છે.