Friday, November 22, 2024
More
    હોમપેજવિશેષજેમણે ભારતભરનાં તીર્થસ્થાનોનો કર્યો હતો પુનરુદ્ધાર, જેમના પ્રયાસોથી આજના કાશી વિશ્વનાથ મંદિરનું...

    જેમણે ભારતભરનાં તીર્થસ્થાનોનો કર્યો હતો પુનરુદ્ધાર, જેમના પ્રયાસોથી આજના કાશી વિશ્વનાથ મંદિરનું થયું હતું પુનર્નિર્માણ: જાણો મહારાણી અહિલ્યાબાઈ હોલકર વિશે

    ભારતના પ્રજાવત્સલ અને ધર્મપ્રેમી શાસકોમાં અહિલ્યાબાઈ હોલકરનું નામ મોખરે લેવામાં આવે. તેમણે જીવનકાળ અને શાસનકાળ દરમિયાન ધર્મની જાગૃતિ માટે ખૂબ કામ કર્યું. એ પણ એવા સમયે, જ્યારે તેની સૌથી વધુ જરૂર હતી

    - Advertisement -

    અહીં સનાતન સભ્યતા આદિ-અનાદિકાળથી છે અને અનંતકાળ સુધી રહેશે. આટલાં આક્રમણો થયાં, બહારથી આવેલાઓએ શાસન સ્થાપવાના પ્રયાસો કર્યા, ઇસ્લામી આક્રાંતાઓએ મંદિરો ધ્વસ્ત કર્યાં, ત્યાં મસ્જિદો બાંધી, હિંદુઓ પર અત્યાચાર કર્યા, નરસંહાર થયા, છતાં પણ આ સભ્યતામાં એવું કશુંક છે જેના કારણે આજે પણ અડીખમ છે. આ સભ્યતા અજેય હોવાનું કારણ તેની ખમીરવંતી પ્રજા અને નાયકો છે. આવાં જ અનેક નાયકો પૈકીનાં એક મહારાણી અહિલ્યાબાઈ હોલકર વિશે જાણીએ.

    ભારતના પ્રજાવત્સલ અને ધર્મપ્રેમી શાસકોમાં અહિલ્યાબાઈ હોલકરનું નામ મોખરે લેવામાં આવે. તેમણે જીવનકાળ અને શાસનકાળ દરમિયાન ધર્મની જાગૃતિ માટે ખૂબ કામ કર્યું. એ પણ એવા સમયે, જ્યારે તેની સૌથી વધુ જરૂર હતી. ખાસ કરીને તેમને મુઘલ કાળ દરમિયાન તેમણે બંધાવેલાં મંદિરો માટે આજે પણ તેમનું સ્મરણ કરવામાં આવે છે. તેમણે બંધાવેલાં મંદિરો પૈકીનું એક કાશીનું ભગવાન વિશ્વેશ્વરનું મંદિર. પણ તેની વાત કરીએ તે પહેલાં થોડું મહારાણી અહિલ્યાબાઈ વિશે જાણીએ. 

    તેમનો જન્મ આજના મહારાષ્ટ્રના અહમદનગર જિલ્લાના એક ગામમાં વર્ષ 1725માં થયો. તેમના પિતા માકોંજી શિંદે ગામના પ્રધાન હતા. ત્યારે દીકરીઓને અભ્યાસ નહતો કરાવવામાં આવતો, પણ તેમણે પુત્રીને પ્રાથમિક શિક્ષણ અપાવ્યું હતું. અહિલ્યાબાઈનાં લગ્ન માળવાના સેનાપતિ મલ્હાર રાવ હોલકરના પુત્ર ખંડેરાવ હોલકર સાથે થયાં હતાં. વર્ષ 1733માં તેમનાં લગ્ન. 

    - Advertisement -

    કહેવાય છે કે ગામમાંથી પસાર થતી વખતે પેશવા બાજીરાવની નજર અહિલ્યાબાઈ પર પડી હતી, જેમની ક્ષમતા અને વ્યક્તિત્વ જોઈને પછીથી બાજીરાવે ઈન્દોરના શાસક મલ્હાર રાવ હોલકરને સલાહ આપી અને મલ્હાર રાવે પુત્ર ખંડેરાવ સાથે અહિલ્યાબાઈનાં લગ્ન કરાવ્યાં. તેઓ શરમાળ પ્રકૃતિનાં, યુવાન મહિલા હતાં, જેઓ પરણીને ઇન્દોર ગયાં હતાં અને જે રીતે રાજપરિવારોમાં મહિલાઓ જીવન જીવે છે એ રીતે રહેતાં, પણ નિયતિએ કંઈક બીજું જ નક્કી કર્યું હતું. 

    1754માં ખંડેરાવ હોલકર એક યુદ્ધમાં વીરગતિ પામ્યા. પતિનું નિધન થયું ત્યારે અહિલ્યાબાઈની ઉંમર માંડ 30 વર્ષની. ત્યારની સતીપ્રથા અનુસાર તેઓ તો પતિ સાથે જ સતી થવા જઈ રહ્યાં હતાં, પણ સસરા મલ્હાર રાવ હોલકરે તેમને અટકાવ્યાં અને તેમને ઇન્દોરની પ્રજાની સેવા કરવાનું સ્મરણ કરાવ્યું. તેમની વિનંતીથી પછીથી અહિલ્યાબાઈએ નિર્ણય બદલ્યો અને પ્રજાની સેવામાં બાકીનું જીવન ખપાવી દીધું. 

    1766માં મલ્હાર રાવ હોલકરના નિધન બાદ તેમના પુત્ર ખંડેરાવના નાના પુત્ર માલે રાવને ગાદીએ બેસાડવામાં આવ્યો, પણ 1767માં માત્ર એક વર્ષ પછી તેનું પણ નિધન થયું. ત્યારબાદ સત્તા અહિલ્યાબાઈએ સંભાળી, જે છેક 1795માં તેમના નિધન સુધી ઇન્દોરનું શાસન કર્યું. 

    રામરાજ્યની સ્થાપના કરી હતી અહિલ્યાબાઈ હોલકરે

    શાસન કાળ દરમિયાન અનેક અડચણો આવી પણ અહિલ્યાબાઈએ તમામને પાર કરીને ઈન્દોરમાં ન્યાય અને સમૃદ્ધિ સ્થાપવા માટે તમામ શક્ય પ્રયાસો કર્યા. કહેવાય છે કે તેમના શાસનમાં ઇન્દોરમાં જાણે રામરાજ્ય સ્થપાયું હતું અને ખૂબ વિકાસ પણ થયો. સુખ-શાંતિ અને સમૃદ્ધિ પણ જળવાયેલાં રહ્યાં અને તમામ આસ્થાઓને સ્થાન મળ્યું. તેમણે જાતિવાદને પણ દૂર કરીને સામાજિક સમરસતા સ્થાપવાના તમામ પ્રયાસ કર્યા. એવું શાસન કર્યું હતું કે આવનારી પેઢીઓ માટે તેમાંથી શીખવા જેવું ઘણું હતું. 

    એક ધર્મપ્રેમી અને હિંદુ ધર્મમાં અપાર આસ્થા ધરાવનાર શાસક તરીકે રાણી અહિલ્યાબાઈ હોલકરે અનેક ધર્મસ્થાનોના જીર્ણોદ્ધાર અને પુનર્નિર્માણ કરાવ્યાં. તેઓ ચુસ્ત સનાતની હતાં અને વેદો, પુરાણો માટે પણ તેમને ઘણું સન્માન હતું. હિંદુ ધર્મ અને હિન્દુત્વ પ્રત્યે તેમના સમર્પણના કારણે જ તેમના શાસનકાળ દરમિયાન અનેક તીર્થોએ નવું સ્વરૂપ ધારણ કર્યું. 

    તેમણે દેશભરનાં અનેક જ્યોતિર્લિંગ જેમણે સોમનાથ, વારાણસી, ત્રંબક, ગયા, પુષ્કર, વૃંદાવન, નાથદ્વારા, હરિદ્વાર, બદીરનાથ, કેદારનાથ વગેરેનો જીર્ણોદ્ધાર કરાવીને નવું સ્વરૂપ અપાવ્યું. આ એ સમય હતો જ્યારે ઇસ્લામી આક્રાંતાઓએ અનેક મંદિરો તોડ્યાં હતાં અને સનાતન આસ્થા પર પ્રહાર કર્યા હતા. મંદિરો સિવાય તેમણે અનેક ધર્મશાળા અને ભોજનાલયો પણ બનાવડાવ્યાં હતાં. કોલકત્તાથી લઈને કાશી સુધી શ્રદ્ધાળુઓ માટે માર્ગ નિર્માણ હોય કે અન્ય સુવિધાઓ, તેમાં પણ તેમણે ઘણુખરું નોંધપાત્ર કામ કર્યું. 

    વારાણસી સ્થિત કાશી વિશ્વનાથ મંદિર અનેક વખત તૂટ્યું અને ફરી બન્યું. હાલ આપણે જે મંદિર જોઈ રહ્યા છીએ તેનું નિર્માણ પણ 1777માં મહારાણી અહિલ્યાબાઈ હોલકરે જ કરાવ્યું હતું. આજે પણ મંદિર પરિસરમાં તેમની પ્રતિમા મૂકવામાં આવી છે અને ત્યાં ભગવાન વિશ્વેશ્વરના દર્શનાર્થે જતા શ્રદ્ધાળુઓ તેમના પણ દર્શન કરે છે. 

    કાશી વિશ્વનાથ મંદિર: અનેક વખત તૂટ્યું, હાલનું મંદિર મહારાણીએ બનાવડાવ્યું હતું

    ભારતમાં ઇસ્લામિક શાસન સ્થાપનારા મોહમ્મદ ઘોરીએ 1175 પછી હુમલાઓ કરવાનું શરૂ કર્યું હતું. 1194માં તેના સેનાપતિ કુતુબુદ્દીન ઐબકે સેના લઈને વારાણસી પર હુમલો કર્યો અને ખાસ્સું નુકસાન કર્યું હતું. આ હુમલામાં લગભગ હજારેક નાનાં-મોટાં મંદિરો તૂટ્યાં. જેમાં પુરાતન અને પ્રાચીન કાશી વિશ્વનાથ જ્યોતિર્લિંગનો પણ સમાવેશ થાય છે. તેના કારણે પછીથી વારાણસીની આધ્યાત્મિક ભવ્યતા હતી તે પણ જતી રહી અને પછી ઘણાં વર્ષો દિલ્હી સલ્તનત દ્વારા નીમવામાં આવતા મુસ્લિમ ગવર્નરોના કારણે મંદિરોનું પુનર્નિર્માણ થઈ શક્યું નહીં. જોકે, 1236માં રઝિયા સુલતાનાએ એક મસ્જિદનું નિર્માણ કરાવ્યું હતું, જે આજે પણ રઝિયા મસ્જિદ તરીકે જાણીતી છે. (એક થિયરી એવી પણ છે કે આદિ વિશ્વેશ્વરનું મૂળ સ્થાન અહીં હતું.)

    1296 આસપાસ ભગવાન વિશ્વેશ્વરનું એક નવું સ્થાનક અસ્તિત્વમાં આવ્યું.  તે સમયે અલાઉદ્દીન ખીલજી શાસન કરતો હતો, પણ તેણે ખાસ હસ્તક્ષેપ કર્યો નહીં અને પછી અન્ય મંદિરો પણ ફરીથી બનતાં ગયાં. પરંતુ વર્ષ 1494-96માં વારાણસીમાં ફરી ઇસ્લામી હુમલાઓ થયા. આ હુમલા સિકંદર લોદીના આદેશ પર થયા હતા અને તેમાં પણ ઘણાં મંદિરો અને ધર્મસ્થાનકો ધ્વસ્ત કરવામાં આવ્યાં. જેમાં મંદિર ફરી તૂટ્યું. 

    ત્યારબાદ છેક 89 વર્ષો બાદ 1585માં તત્કાલીન શાસક અકબરના મંત્રી ટોડર મલના ગુરુ અને વિદ્વાન બ્રાહ્મણ નારાયણ ભટ્ટના પ્રયાસોથી વારાણસીમાં ભગવાન વિશ્વેશ્વરનું ભવ્ય મંદિર બન્યું. કહેવાય છે કે આ મંદિર ખૂબ ભવ્ય હતું અને હાલના મંદિર કરતાં પણ તેનું કદ વધારે હતું. પરંતુ આ મંદિર પર પણ આખરે મુઘલ આક્રાંતા ઔરંગઝેબના આદેશથી હુમલો થયો અને ફરી એક વખત ધ્વસ્ત કરી દેવામાં આવ્યું. 

    1659માં ગાદી સંભાળ્યાના એક જ વર્ષમાં ઔરંગઝેબે વારાણસીના ભવ્ય વિશ્વનાથ મંદિરને તોડવાનો આદેશ આપી દીધો હતો. 1664માં તેની સેનાએ મંદિર પર હુમલો કર્યો હોવાનું કહેવાય છે, પણ મહાનિર્વાણી અખાડાના સાધુઓએ આ પ્રયાસ નિષ્ફળ બનાવી દીધો હતો. પણ ત્યારબાદ ઔરંગઝેબે 1667માં ફરી સેના મોકલી અને ભવ્ય મંદિર તોડી પડાવ્યું હતું. ‘મસરત-એ-આલમગીરી’માં લખવામાં આવ્યું છે કે ઔરંગઝેબના કાને પડ્યું હતું કે વારાણસીના બ્રાહ્મણો તેમના ‘ખોટા ધર્મ’નો પ્રચારપ્રસાર કારી રહ્યા છે. ત્યારબાદ તેણે તાત્કાલિક વિશ્વનાથ સહિત તમામ મંદિરો તોડવાનો આદેશ આપ્યો હતો. ત્યારબાદ પાંચ મહિના સુધી વારાણસીમાં હુમલાઓ ચાલુ રહ્યા. 

    આ ખંડેર થઈ ગયેલા મંદિરના જ ભાગોનો ઉપયોગ કરીને પછીથી ઔરંગઝેબે એક મસ્જિદનું નિર્માણ કરાવ્યું, જેનું નામ પછીથી ‘જ્ઞાનવાપી’ પડ્યું. યાદ રહે, જ્ઞાનવાપી એટલે જ્ઞાનનો કૂવો. નામ પરથી જ ખબર પડે તે સંસ્કૃત શબ્દ છે. (તાજેતરમાં જ્ઞાનવાપીનો ASI સરવે કરવામાં આવ્યો હતો, જેમાં પણ સામે આવ્યું કે મસ્જિદ મંદિરના જ અવશેષોનો ઉપયોગ કરીને બનાવવામાં આવી હતી.) 

    ત્યારબાદ જે નવા મંદિરનું નિર્માણ થયું તેનો શ્રેય મહારાણી અહિલ્યાબાઈ હોલકરને જાય છે. મંદિર નિર્માણ માટે મરાઠા શાસકોએ ઘણા પ્રયાસો કર્યા હતા. સ્વયં નાનાસાહેબ પેશ્વાએ પણ વારાણસીની મુલાકાત લીધી હોવાનું કહેવાય છે. ઈન્દોરના તત્કાલીન શાસક મલ્હાર રાવ હોલકર જ્ઞાનવાપી મસ્જિદ તોડીને ત્યાં જ ભવ્ય મંદિર બનાવવા માંગતા હતા, પણ તે શક્ય ન બન્યું. 

    પછીથી મંદિરના નિર્માણકાર્યની જવાબદારી મલ્હાર રાવનાં વહુ મહારાણી અહિલ્યાબાઈએ ઉપાડી. આખરે 1777માં તેમણે જ્ઞાનવાપીની બાજુમાં જ્યાં પહેલેથી જ ભગવાન વિશ્વેશ્વરની પૂજા થતી હતી ત્યાં એક ભવ્ય મંદિર બનાવડાવ્યું. આ જ કારણ છે કે મંદિરમાં શિવલિંગ અન્ય મંદિરોની જેમ મધ્યમાં નહીં પણ એક ખૂણામાં સ્થિત છે. 

    મહારાણી અહિલ્યાબાઈએ બનાવેલું આ મંદિર એ જ મંદિર છે, જે આપણે જોઈ રહ્યા છીએ. જોકે પછીથી અન્ય શાસકો તેમાં સમારકામ કરાવતા રહ્યા. તાજેતરમાં નરેન્દ્ર મોદીની સરકારે કાશી વિશ્વનાથ મંદિર અને તેની આસપાસ ગંગાઘાટ સુધી આવેલાં અન્ય મંદિરોને આવરી લેતો એક કોરિડોર બનાવડાવ્યો, જેનું ડિસેમ્બર, 2021માં વડાપ્રધાન મોદીના હસ્તે જ લોકાર્પણ કરવામાં આવ્યું. લોકાર્પણ સમયે પણ પીએમ મોદીએ મહારાણી અહિલ્યાબાઈના મંદિર નિર્માણ માટેના પ્રયાસોનું સ્મરણ કર્યું હતું. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં