શનિવારે (6 એપ્રિલ) પશ્ચિમ બંગાળના પૂર્વ મિદનાપોર જિલ્લામાં TMCના એક નેતાના ઘરે થયેલા બ્લાસ્ટ મામલે તપાસ કરવા પહોંચેલી NIAની એક ટીમ પર હુમલો કરવામાં આવ્યો હતો. NIAની ટીમ પર વહેલી સવારે 5:30 કલાકે પથ્થર વરસાવવામાં આવ્યા હતા. પરંતુ હવે NIAની ટીમ પર જ FIR નોંધી દેવામાં આવી છે. આ ફરિયાદ TMCના તે જ નેતાના પરિવારની મહિલાઓએ નોંધાવી છે, જેના વિરુદ્ધ 2022ના બૉમ્બ બ્લાસ્ટ કેસમાં NIA કાર્યવાહી કરવા ગઈ હતી.
મળતી માહિતી અનુસાર, TMC નેતાના પરિવારની મહિલાએ આરોપ લગાવ્યા છે કે કેન્દ્રીય તપાસ એજન્સીએ તેમની સાથે મારપીટ કરી. સાથે જ તેમણે એવો પણ આરોપ લગાવ્યો હતો કે એજન્સીના અધિકારીઓએ તેમનું શોષણ પણ કર્યું હતું. આ મામલે પૂર્વ મિદનાપોર પોલીસ સ્ટેશનમાં NIA વિરુદ્ધ FIR નોંધી દેવામાં આવી હતી. NIA વિરુદ્ધ 325, 34, 354, 354(B), 427, 448, 509 અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.
આ મામલે પૂર્વ મિદનાપોર પોલીસે કહ્યું કે, તેમને ફરિયાદ મળી હતી કે NIAના અધિકારીઓએ અડધી રાત્રે ઘરના દરવાજા તોડીને મહિલાઓની છેડતી કરી હતી. NIAએ પણ ભૂપતિનગર પોલીસ મથકે ટીમ પર થયેલા હુમલા મામલે લેખિત ફરિયાદ નોંધાવી છે. આ કેસમાં હજુ સુધી કોઇ પણ વ્યક્તિની ધરપકડ કરવામાં આવી નથી.
NIA આરોપ નકાર્યા
બીજી તરફ આ મામલે NIA એ આ આરોપો સ્પષ્ટપણે નકારી કાઢ્યા હતા. એજન્સીએ પોતાના આધિકારિક X હેન્ડલ પર એક અખબારી યાદી જાહેર કરીને કહ્યું હતું કે તેઓ આ આરોપોને નકારી કાઢે છે. સાથે જ એજન્સીએ આ આખી ઘટનાને દુર્ભાગ્યપૂર્ણ ગણાવી હતી. આ પ્રેસ રિલીઝમાં એજન્સીએ સ્પષ્ટ પણે કહ્યું છે કે સ્પેશ્યલ કોર્ટે અવલોકન કર્યા બાદ TMC નેતા વિરુદ્ધ કાર્યવાહી કરવાની સ્વતંત્રતા આપી હતી.
એજન્સીએ કહ્યું છે કે, જે પણ કાર્યવાહી કરવામાં આવી હતી, તે કલકત્તાની વિશેષ અદાલતના આદેશ અનુસાર કરવામાં આવી હતી. એજન્સીએ કહ્યું કે કોર્ટે તેમને નિર્દેશ આપ્યા હતા કે, આ મામલે જવાબદારો વિરુદ્ધ વહેલી તકે પગલાં લેવામાં આવે. કોર્ટના આવા આદેશ બાદ એજન્સીએ તપાસ આદરી અને જે-તે જવાબદાર વ્યક્તિઓ વિરુદ્ધ કાર્યવાહી કરીને તેમની ધરપકડ કરી હતી. એજન્સી વિરુદ્ધ જે આરોપો લાગ્યા છે તે પાયા વગરના છે અને તેમાં કોઇ સત્ય નથી.
NIA Categorically Refutes Allegations of Mala Fide in its Bhoopati Nagar Blast Case Actions pic.twitter.com/vCH6o5Nxo7
— NIA India (@NIA_India) April 7, 2024
શું છે કેસ?
વર્ષ 2022માં તૃણમૂલ કોંગ્રેસના એક નેતાના ઘરે બોમ્બ બ્લાસ્ટ થયો હતો. આ બ્લાસ્ટમાં ત્રણ લોકોનાં મૃત્યુ થયાં હતાં. આ કેસની તપાસ NIA કરી રહી છે. ગત મહિને એજન્સીએ આ મામલે 8 TMC નેતાઓને પૂછપરછ માટે સમન્સ પાઠવ્યાં હતાં. એજન્સીને આ બ્લાસ્ટમાં તેમની સંડોવણીની આશંકા છે. બીજી તરફ, એજન્સીની એક ટીમ શનિવારે સવારે 5:30 કલાકે કાર્યવાહી કરવા પહોંચી હતી. અહીં તેમણે બે TMC કાર્યકર્તાઓને પકડી લીધા હતા.
આ દરમિયાન તેમની ઉપર સ્થાનિકોએ હુમલો કરી દીધો હતો અને વાહનો પર પથ્થર પણ ફેંકવામાં આવ્યા હતા. ઘટનામાં NIAના એક અધિકારીને મામૂલી ઈજા પહોંચી હતી, તો એક વાહનને નુકસાન પહોંચ્યું હતું. આ ઘટના બાદ મુખ્યમંત્રી મમતા બેનર્જીનું પણ નિવેદન સામે આવ્યું હતું, જેમણે સ્થાનિકોનો બચાવ કરીને એજન્સી પર જ સવાલ કર્યા હતા કે આખરે તેઓ રાત્રે શું કામ ગયા હતા?