Monday, May 6, 2024
More
    હોમપેજરાજકારણ‘સ્થાનિકો કોઇ અજાણ્યાને જુએ તો આમ જ કરે’: બંગાળમાં NIAની ટીમ પર...

    ‘સ્થાનિકો કોઇ અજાણ્યાને જુએ તો આમ જ કરે’: બંગાળમાં NIAની ટીમ પર હુમલા બાદ CM મમતાએ એજન્સી પર જ કરી દીધા સવાલ, પૂછ્યું- અડધી રાત્રે કેમ ગયા હતા?

    મમતાએ કહ્યું કે, “તેઓ (એજન્સીના અધિકારીઓ) અડધી રાત્રે દરોડા પાડવા કેમ ગયા? તેમની પાસે પોલીસની પરવાનગી હતી? અડધી રાત્રે કોઇ અજાણ્યા વ્યક્તિઓ ક્યાંક જશે તો સ્થાનિકો આ જ રીતે પ્રતિક્રિયા આપશે."

    - Advertisement -

    શનિવારે (6 એપ્રિલ) પશ્ચિમ બંગાળના પૂર્વ મિદનાપોર જિલ્લામાં TMCના એક નેતાના ઘરે થયેલા બ્લાસ્ટ મામલે તપાસ કરવા પહોંચેલી NIAની એક ટીમ પર હુમલો કરવામાં આવ્યો હતો. NIAની ટીમ પર વહેલી સવારે 5:30 કલાકે પથ્થર વરસાવવામાં આવ્યા હતા. ઘટનામાં એજન્સીની ગાડીને નુકસાન થયું હતું, સાથે જ અધિકારીઓ પણ ઈજાગ્રસ્ત થયા હતા. ત્યારે હવે આ સમગ્ર મામલે બંગાળનાં મુખ્યમંત્રી અને TMC સુપ્રીમો મમતા બેનર્જીએ વિવાદિત નિવેદન આપતાં તપાસ એજન્સીને વાંકમાં લીધી છે.

    પશ્ચિમ બંગાળમાં NIA પર હુમલા માટે મમતા બેનર્જીએ એજન્સીને જ જવાબદાર ઠેરવી છે. તેમણે કહ્યું કે, “જ્યારે ગામડાંમાં અડધી રાત્રે કોઈ અજાણ્યા વ્યક્તિઓને લોકો જુએ, ત્યારે આવું જ થાય. તપાસ એજન્સી અડધી રાત્રે દરોડા પાડવા કેમ ગઈ? ચૂંટણીના સમયમાં ધરપકડ કેમ કરી રહ્યા છો? ચૂંટણી પંચ નિષ્પક્ષતાથી કામ કરે, તેઓ ભાજપ સંચાલિત કમિશન બનીને ન રહી જાય.”

    મમતાએ કહ્યું કે, “તેઓ (એજન્સીના અધિકારીઓ) અડધી રાત્રે દરોડા પાડવા કેમ ગયા? તેમની પાસે પોલીસની પરવાનગી હતી? અડધી રાત્રે કોઇ અજાણ્યા વ્યક્તિઓ ક્યાંક જશે તો સ્થાનિકો આ જ રીતે પ્રતિક્રિયા આપશે. ભાજપ શું વિચારે છે કે તેઓ તમામ બૂથ એજન્ટની ધરપકડ કરી લેશે? NIA પાસે શું અધિકાર છે? તેઓ આ બધું ભાજપ માટે કરી રહ્યા છે. અમે ભાજપની ગંદી રાજનીતિ સામે લડવા માટે સમાજે વિશ્વને આહવાન કરીએ છીએ.” 

    - Advertisement -

    બંગાળનાં મુખ્યમંત્રી અને TMCનાં કર્તાહર્તા મમતા બેનર્જીએ એજન્સીની કાર્યવાહીને રાજકારણ સાથે જોડીને કેન્દ્ર સરકાર પર નિશાન સાધવાના પ્રયાસ કર્યા. તેમણે કેન્દ્રની ભાજપ સરકાર પર સવાલ ઉભા કરતા કહ્યું હતું કે, આ બધું તેમના જ ઈશારે કરવામાં આવી રહ્યું છે. મમતા બેનર્જીએ ભાજપ પર આરોપ લગાવતા કહ્યું કે તે રાજનૈતિક લાભ માટે કેન્દ્રીય એજન્સીઓનો દુરુપયોગ કરે છે. સાથે જ તેમણે ચૂંટણી પંચ પાસે પણ તપાસની માંગ કરી.

    આટલું જ નહીં, મમતા બેનર્જીએ ચૂંટણી પંચ દ્વારા રાજ્યના પોલીસ અધિકારીઓની બદલી પર પણ વાંધો ઉઠાવ્યો હતો. તેમણે આરોપ લગાવ્યો હતો કે માત્ર પોલીસની જ કેમ બદલી કરવામાં આવી. ED, CBI, IT જેવી એજન્સીઓના અધિકારીઓની બદલી શા માટે નથી કરવામાં આવી? દરમિયાન તેમણે ચૂંટણી પંચ પર નિષ્પક્ષ કામ ન કરતા હોવાનો આક્ષેપ કર્યો હતો.

    શું હતી આખી ઘટના

    ઉલ્લેખનીય છે કે વર્ષ 2022માં તૃણમૂલ કોંગ્રેસના એક નેતાના ઘરે બોમ્બ બ્લાસ્ટ થયો હતો. આ બ્લાસ્ટમાં ત્રણ લોકોનાં મૃત્યુ થયાં હતાં. આ કેસની તપાસ NIA કરી રહી છે. ગત મહિને એજન્સીએ આ મામલે 8 TMC નેતાઓને પૂછપરછ માટે સમન્સ પાઠવ્યાં હતાં. એજન્સીને આ બ્લાસ્ટમાં તેમની સંડોવણીની આશંકા છે. તેવામાં શનિવારે સવારે 5:30 કલાકે કાર્યવાહી કરવા પહોંચી હતી.

    આ દરમિયાન ત્યાં એજન્સી પર હુમલો કરી દેવામાં આવ્યો હતો. ઘટનામાં 2 અધિકારીઓને ઈજા પહોંચી છે. જ્યારે અમુક રિપોર્ટ્સ અનુસાર, આ મામલે એજન્સીએ ફરિયાદ પણ નોંધાવી છે. હાલ તપાસ ચાલી રહી છે. એમ પણ જણાવવામાં આવ્યું કે NIAની ટીમે પોલીસને અગાઉથી આ દરોડાની કાર્યવાહી અંગે જાણ કરી હતી, તેમ છતાં સુરક્ષાની પૂરતી વ્યવસ્થા કરવામાં આવી ન હતી.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં