રાજસ્થાનના ઉદયપુરમાં તાજેતરમાં જ એક હિંદુ દલિત વિદ્યાર્થી દેવરાજ પર તેના સહપાઠી મુસ્લિમ વિદ્યાર્થીએ છરા વડે હુમલો કરી દીધો હતો. છેલ્લા ચાર દિવસથી તે હોસ્પિટલમાં સારવાર હેઠળ હતો. પરંતુ, 19 ઑગસ્ટના રોજ અધિકારીઓએ જાહેરાત કરી કે, દેવરાજ સારવાર દરમિયાન મૃત્યુ પામ્યો છે. ઉદયપુરમાં ઘટનાના પગલે પોલીસ કાફલા અને સુરક્ષાદળોના જવાનો ખડકી દેવામાં આવ્યા છે. ઈન્ટરનેટ અને સ્કૂલ-કોલેજો પણ બંધ કરી દેવાના આદેશ અપાયા છે. તેમ છતાં દેવરાજની અંતિમયાત્રામાં આખું ઉદયપુર ઉમટી પડ્યું છે. બીજી તરફ દેવરાજના પિતાનું ચોંકાવનારું નિવેદન સામે આવ્યું છે, તેમણે કહ્યું કે, પૂર્ણ પ્લાનિંગ સાથે તેમના પુત્રની હત્યા કરવામાં આવી હતી.
રાજસ્થાનના ઉદયપુરમાં હિંદુ વિદ્યાર્થી પર મુસ્લિમ સહપાઠીએ છરા વડે હુમલો કર્યા બાદ હિંદુ વિદ્યાર્થીનું મોત થયું હતું. 19 ઑગસ્સ્ટે હિંદુ વિદ્યાર્થી દેવરાજના મોતના સમાચાર સામે આવ્યા હતા. આખા ઉદયપુરમાં લોકો એકઠા થવા લાગ્યા હતા અને આક્રોશ સાથે રસ્તા પર ઉતરી આવ્યા હતા. ઘટના બાદ દેવરાજના પિતાનું ચોંકાવનારું નિવેદન પણ સામે આવ્યું છે. તેમણે આ ઘટના પાછળ એક મોટું પ્લાનિંગ રચાયું હોવાની શંકા વ્યક્ત કરી છે. દેવરાજના પિતાએ ન્યાયની અપીલ સાથે કોઈપણ વકીલ આરોપી મુસ્લિમ વિદ્યાર્થીનો કેસ ન લડે તે માટેની પ્રાર્થના કરી હતી.
#WATCH | Udaipur school stabbing incident | Rajasthan: Victim's father says, "I am saddened by this incident. I lost my child. My whole future is over. Now my child is no more. I want the strictest actions to be taken against the accused. What happened to my son should not happen… https://t.co/BimYHppJ22 pic.twitter.com/ld4wXeDgCs
— ANI MP/CG/Rajasthan (@ANI_MP_CG_RJ) August 20, 2024
દેવરાજના પિતાએ કહ્યું કે, “મને ન્યાય જોઈએ છે. મારો પુત્ર જતો રહ્યો. દોષિતોને સખતમાં સખત સજા મળવી જોઈએ. અમે ખૂબ જ દુઃખી છીએ. હું માત્ર તેના માટે જ તો જીવી રહ્યો હતો. મારા પુત્રની હત્યા માટે આખી પ્લાનિંગ કરવામાં આવી હતી.” દેવરાજના અન્ય એક સંબંધીએ પણ આ ઘટનાને લઈને કહ્યું કે, “હત્યારાને સગીર કાયદા અનુસાર, સજા ન મળવી જોઈએ. તે નિયમો હવે જૂના થઈ ગયા છે. હત્યા ક્રૂરતાથી કરવામાં આવી છે.” આ સાથે જ મોટી સંખ્યામાં હિંદુ સમાજના લોકો રસ્તા પર પણ ઉતરી આવ્યા હતા.
અંતિમ યાત્રામાં ઉમટી પડ્યા લોકો
બીજી તરફ મંગળવાર (20 ઑગસ્ટ)ના રોજ મૃતક દેવરાજની અંતિમયાત્રા કાઢવામાં આવી હતી. આખા ઉદયપુરમાં ઈન્ટરનેટ, સ્કૂલ-કોલેજો બંધ હોવા છતાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. દેવરાજના અંતિમ સંસ્કાર તેના પિતા અને પિતરાઈ ભાઈ દ્વારા કરવામાં આવ્યા હતા. આ દરમિયાન અંતિમયાત્રામાં ઉમટી પડેલી ભીડે સૂત્રોચ્ચાર પણ કર્યા હતા. પરિસ્થિતિને નિયંત્રણમાં રાખવા માટે આ વિસ્તારમાં ભારે પોલીસ ફોર્સ પણ જોવા મળી હતી. વિદ્યાર્થીના મોત બાદ સમગ્ર ઉદયપુર શહેર, બેડલા, બરગાંવ, બલિચા, દેબારી, એકલિંગપુરા, કાનપુર, ઢિકલી અને બુવાનામાં ઈન્ટરનેટ સેવાઓ 24 કલાક માટે બંધ કરી દેવામાં આવી છે. કહેવામાં આવી રહ્યું છે કે, આ વિસ્તારોમાં આજે પણ નેટ પ્રતિબંધ રહેશે.
મૃતકના પરિવારજનોને આશ્વાસન આપવામાં આવ્યું છે કે, આ કેસમાં SC-ST એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવશે. આ સિવાય મૃતકના પરિવારને ₹51 લાખનું વળતર અને નોકરી આપવાની વાત કરવામાં આવી છે. જે દ્રશ્યો સામે આવ્યા છે તેમાં ભારે પોલીસ દળ વિસ્તારમાં તહેનાત જોઈ શકાય છે. હાલ પણ ઉદયપુરમાં તણાવનો માહોલ જોવા મળી રહ્યો છે. જેના પગલે સ્કૂલ અને કોલેજો પણ બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે.
મુસ્લિમ વિદ્યાર્થીએ છરાના ઘા ઝીંકીને લીધો હતો જીવ
નોંધનીય છે કે, શુક્રવારે (16 ઑગસ્ટ 2024) સવારે ઉદયપુર શહેરના ભટિયાણી ચોહટ્ટામાં એક સરકારી શાળાની બહાર દેવરાજ નામના દલિત વિદ્યાર્થીને છરાના ઘા મારીને ઘાયલ કરવામાં આવ્યો હતો. બાદમાં માહિતી મળી હતી કે, હુમલો કરનાર વિદ્યાર્થી મુસ્લિમ સમુદાયનો હતો. હુમલાની માહિતી મળતા જ શાળાના શિક્ષકો ઘાયલ હિંદુ વિદ્યાર્થીને મહારાણા ભૂપાલ સિંહ હોસ્પિટલમાં લઈ ગયા. આ સમાચારની જાણ થતા જ હિંદુ સંગઠનો પણ રસ્તા પર ઉતરી આવ્યા હતા. આ દરમિયાન ભારે સૂત્રોચ્ચાર થયા હતા. થોડી જ વારમાં લોકોમાં ગુસ્સો વધી ગયો અને હિંદુ કામદારો બજારમાં પહોંચી ગયા હતા. આ પછી લોકોએ ઘટનાના વિરોધમાં બજાર બંધ કરાવ્યું હતું અને બાદમાં આરોપીઓની ધરપકડ કરીને કાર્યવાહી કરવામાં આવી હતી.
બીજી તરફ હોસ્પિટલમાં સારવાર દરમિયાન દેવરાજનું મોત થયું હતું. 19 ઑગસ્ટે તે વિશેની માહિતી પણ આપવામાં આવી હતી. વિદ્યાર્થીના મોતની જાણ થયા બાદ જ ભારે માત્રામાં લોકો હોસ્પિટલ પહોંચી ગયા હતા અને ઈમરજન્સી ગેટ પાસે એકઠા થવા લાગ્યા હતા. આ સાથે જ પોલીસતંત્ર પણ સાબદું થયું હતું અને આખા શહેરમાં ભારે પોલીસ ફોર્સ તહેનાત કરી દેવામાં આવી હતી. દાવો એવો પણ થઈ રહ્યો છે કે, બંને વિદ્યાર્થીઓ વચ્ચે બાંગ્લાદેશમાં થઈ રહેલા હિંદુ નરસંહારને લઈને વિવાદ થયો હતો.