તાજેતરમાં જ વક્ફ બોર્ડ (Waqf Board) દ્વારા ગેરકાયદેસર કબજો જમાવેલી (Illegal occupation) સંપત્તિઓ પર મોટા ખુલાસા થયા છે. કેન્દ્ર સરકારે ચોંકાવનારા ખુલાસા કરતા જણાવ્યું છે કે દેશમાં કૂલ 994 સંપત્તિઓ એવી છે, જેના પર વક્ફ બોર્ડે ગેરકાયદેસર કબજો કરેલો છે. આ સૂચિમાં સહુથી આગળ તમિલનાડુ છે, જયારે આંધ્ર પ્રદેશ બીજા નંબર પર આવે છે. કેન્દ્ર સરકારના અલ્પસંખ્યક મામલાના મંત્રી કિરેન રિજિજુએ (Kiren Rijiju) આ મામલે લેખિતમાં માહિતી સાર્વજનિક કરી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર સોમવારે (9 ડિસેમ્બર 2024) ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટીના (માકર્સવાદી) સાંસદ જોન બ્રિટાસ દ્વારા કેન્દ્ર સકરાર પાસે વક્ફ બોર્ડ દ્વારા ક્બ્જાવવામાં આવેલી સંપત્તિઓ વિશે માહિતી માંગવામાં આવી હતી. તેમના સવાલ પર અલ્પસંખ્યક મામલાના કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુએ લેખિતમાં વિસ્તૃત જવાબ આપ્યો હતો. તેમણે આંકડાકીય માહિતી આપી હતી કે આખા દેશમાં કુલ 994 સંપત્તિઓ એવી છે, જેના પર વક્ફ બોર્ડે ગેરકાયદેસર કબજો જમાવ્યો છે. આ સંપત્તિમાં ચલ અને અચલ એમ બંનેનો સમાવેશ થતો હોવાનું તેમણે જણાવ્યું છે.
સહુથી વધુ તમિલનાડુમાં, આંધ્ર પ્રદેશ બીજા નંબર પર
કિરેન રિજિજુએ જણાવ્યું હતું કે, “જે માહિતી ઉપલબ્ધ છે, તે અનુસાર આવી 994 સંપત્તિઓ હાલ ધ્યાન પર આવે છે જેના પર વક્ફનો ગેરકાયદેસર કબજો છે. જેમાંથી સહુથી વધારે 734 સંપત્તિઓ તમિલનાડુમાં છે, જેના પર વક્ફ બોર્ડે ખોટી રીતે કબજો કરેલો છે. બીજા નંબર પર આંધ્ર પ્રદેશ છે જ્યાં 152 સંપત્તિ છે, ત્રીજા સ્થાને 64 સંપત્તિ પંજાબ, ઉત્તરાખંડમાં 11 અને જમ્મુ-કશ્મીરમાં 10 એવી સંપત્તિઓ સામે આવી છે જેના પર વક્ફ બોર્ડે ગેરકાયદેસર કબજો જમાવેલો છે.” કિરેન રિજિજુના ઉપલબ્ધ જાણકારીને ટાંકીને જણાવ્યા અનુસાર આખા દેશમાં વક્ફ અધિનિયમ અંતર્ગત 8,72,352 અચલ અને 16,713 ચલ સંપત્તિ વક્ફ સંપત્તિઓની નોંધણી કરવામાં આવી છે.
કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુએ આગળ જણાવ્યું હતું કે, “વક્ફ અધિનિયમની કલમમાં 51(1-A) પ્રાવધાન છે કે વક્ફની કોઈ પણ સંપત્તિના વેચાણ, ભેટ કરવા, વિનિમય, બંધક કે હસ્તાંતરણ પર પ્રારંભથી જ અમાન્ય ગણાશે. આ ઉપરાંત, વક્ફ અધિનિયમની કલમ 52માં કહેવામાં આવ્યું છે કે, જો વક્ફ બોર્ડ નિર્ધારિત રીતે કોઈ તપાસ થયા બાદ નક્કી કરે કે કોઈ સંપત્તિને હસ્તાંતરીત કરવામાં આવી છે, તો તે જે-તે ક્ષેત્રના કલેકટરને પોતાના કબજામાં લઈને બોર્ડને સોંપવા અનુરોધ કરી શકે છે.”
વર્ષ 2019 બાદ વક્ફને નથી મળી કોઈ જમીન
બીજી તરફ કેન્દ્રીય આવાસ અને શહેરી મામલાઓના મંત્રાલય દ્વારા રાજ્યસભામાં જણાવવામાં આવ્યું હતું કે કેન્દ્ર સરકાર દ્વારા વર્ષ 2019 પછીથી વક્ફ બોર્ડને કોઈ જ જમીન નથી ઉપલબ્ધ કરાવવામાં આવી. મંત્રાલયે જણાવ્યું હતું કે, રાજ્ય સરકારો દ્વારા આપવામાં આવેલી જમીનોના ડેટા ઉપલબ્ધ નથી, કેન્દ્રના આંકડા અનુસાર 2019 બાદ કોઈ જ જમીન નથી ફાળવવામાં આવી. નોંધવું જોઈએ કે ગયા અઠવાડિયે JPCના અધ્યક્ષ જગદંબિકા પાલે કહ્યું હતું કે પેનલે પત્ર લખીને રાજ્યોના આધિકાર ક્ષેત્રમાં વિવાદિત વક્ફ સંપત્તિઓનું વિવરણ માંગ્યું હતું.