Friday, November 22, 2024
More
    હોમપેજદેશ‘લવ જેહાદ’ પર બોલવા બદલ કાજલ હિંદુસ્તાની સામે કર્ણાટકમાં થયો હતો કેસ,...

    ‘લવ જેહાદ’ પર બોલવા બદલ કાજલ હિંદુસ્તાની સામે કર્ણાટકમાં થયો હતો કેસ, હવે હાઈકોર્ટે આગળની કાર્યવાહી પર રોક લગાવી: 2022માં ઉડુપીમાં આપ્યું હતું વક્તવ્ય

    કર્ણાટક હાઈકોર્ટની જસ્ટિસ એમ નાગપ્રસન્નાની બેન્ચે આ મામલે સુનાવણી હાથ ધરી હતી. તેમણે ફોજદારી કેસમાં આગળની કાર્યવાહી પર રોક લગાવી દીધી છે અને વધુ સુનાવણી માટે વેકેશન પછી મામલો મુલતવી રાખ્યો છે.

    - Advertisement -

    કર્ણાટક હાઈકોર્ટે હિંદુવાદી વક્તા કાજલ હિન્દુસ્તાની સામે ‘લવ જેહાદ’ મુદ્દે આપેલા વક્તવ્ય મામલે ચાલતી કાયદાકીય કાર્યવાહી પર રોક લગાવી દીધી છે. કાજલ હિન્દુસ્તાનીએ વર્ષ 2022માં કર્ણાટકના ઉડુપીમાં ‘લવ જેહાદ’ વિષય પર હિંદુ સ્ત્રીઓને જાગૃત કરવાના હેતુથી વક્તવ્ય આપ્યું હતું. ત્યારબાદ તેમની સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો અને કોર્ટમાં તે વિષય પર કેસ ચાલી રહ્યો હતો. જ્યારે હવે હાઈકોર્ટે જ આગળની કાર્યવાહી પર રોક લગાવી દીધી છે.

    2022માં કર્ણાટકના ઉડુપીમાં ‘લવ જેહાદ’ વિષય પર વક્તવ્ય આપવા બદલ હિંદુવાદી વક્તા કાજલ હિન્દુસ્તાની પર IPCની કલમ 153A અને 34 હેઠળ FIR નોંધવામાં આવી હતી. જ્યારે IPCની કલમ 502(2) હેઠળ ગુના માટે ચાર્જશીટ પણ દાખલ કરી દેવામાં આવી હતી. ત્યારબાદ કાજલ હિન્દુસ્તાનીએ તેમની વિરુદ્ધની ફોજદારી કાર્યવાહીને રદ કરવા માટે કર્ણાટક હાઈકોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો. હવે કર્ણાટક હાઈકોર્ટે આ કેસમાં આગળની કાર્યવાહી પર વચગાળાની રોક લગાવી છે.

    કર્ણાટક હાઈકોર્ટની જસ્ટિસ એમ નાગપ્રસન્નાની બેન્ચે આ મામલે સુનાવણી હાથ ધરી હતી. તેમણે ફોજદારી કેસમાં આગળની કાર્યવાહી પર રોક લગાવી દીધી છે અને વધુ સુનાવણી માટે વેકેશન પછી મામલો મુલતવી રાખ્યો છે. વકીલ સુયોગ હેરેલ દ્વારા હાઈકોર્ટમાં કાર્યવાહી પર રોક લગાવવા અંગેની અરજી દાખલ કરવામાં આવી હતી. જેમાં અરજદાર તરફથી વરિષ્ઠ વકીલ અરુણા શ્યામ ઉપસ્થિત રહ્યા હતા.

    - Advertisement -

    અરજીમાં કહેવામાં આવ્યું હતું કે, “પ્રતિવાદી પોલીસે CrPCની કલમ 196 (1-A)(A) હેઠળ જરૂરી સક્ષમ અધિકારીની પૂર્વ મંજૂરી વિના જ અરજદાર સામે ચાર્જશીટ દાખલ કરી દીધી છે. તેથી અરજદાર સામેની સમગ્ર કાર્યવાહી રદ કરવામાં આવે.”

    અરજદારે દલીલ કરી છે કે, તેમણે બંધારણની કલમ 19 હેઠળ ભાષણ અને અભિવ્યયક્તિની સ્વતંત્રતાને લઈને વાત કરી હતી અને કોઈપણ સાંપ્રદાયિક નફરત કે હિંસા ભડકાવવાનું કામ નથી કર્યું. કોઈપણ કારણ વગર રાજકીય હેતુથી તેમની વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. જેથી સમાજમાં તેમની છબી અને પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડી શકાય. તેમણે એ પણ દલીલ કરી છે કે, ફરિયાદમાં અવ્યવસ્થા પેદા કરવાનો અથવા લોકોને હિંસા માટે ઉશ્કેરવાનો ઇરાદો જાહેર કરવામાં આવ્યો નથી, જે IPCની કલમ 505(2) હેઠળ અપરાધ તરીકે યોગ્ય નથી.

    ઉડ્ડુપીમાં ‘લવ જેહાદ’ પર આપ્યું હતું ભાષણ

    નોંધનીય છે કે, કાજલ હિન્દુસ્તાની સતત ‘લવ જેહાદ’ વિષય પર લખતાં અને બોલતાં રહ્યાં છે. અનેક કાર્યક્રમોમાં તેઓ આ વિષય પર બોલીને હિંદુ મહિલાઓને જાગૃત કરવા માટે પ્રયત્નશીલ રહે છે. તે જ અનુક્રમે તેમણે 2022માં કર્ણાટકના ઉડ્ડુપીમાં પણ તે વિષય પર વક્તવ્ય આપ્યું હતું. સંબોધનમાં કાજલ હિંદુસ્તાનીએ કહ્યું હતું કે, “દક્ષિણ ભારતીયોએ પણ બૉલીવુડ ફિલ્મોનો બહિષ્કાર કરવો જોઈએ. આ ફિલ્મો લવ જેહાદનું ઝેર ફેલાવવા માટે જ હોય છે. ફિલ્મો અને સીરિયલોમાં હિંદુ મહિલાઓને અપમાનિત કરવામાં આવે છે અને તેમનાં અફેર હોવાનું બતાવવામાં આવે છે, પણ વાસ્તવિક જીવનમાં એવું હોતું નથી.”

    તેમણે PFIનો પણ ઉલ્લેખ કર્યો હતો અને કહ્યું હતું કે તે ‘પોઈઝન ફોર ઇન્ડિયા’ છે. આ દેશમાં હિંદુઓ જોખમમાં છે અને તેમણે ફરજિયાત ત્રણ નિયમો અપનાવવા જોઈએ. તમામે હિંદુ સંસ્કૃતિને અનુસરવી જોઈએ, હિંદુઓ પાસેથી જ સમાન ખરીદવો જોઈએ અને હિંદુને જ નોકરી આપવી જોઈએ. તમારા પૈસાનો ઉપયોગ દેશમાં જેહાદીઓ બનાવવા માટે ન થવા દો તેમ પણ તેમણે ઉમેર્યું હતું. 

    ઉપરોક્ત ભાષણને લઈને હિંદુવાદી વક્તા કાજલ હિન્દુસ્તાની પર FIR નોંધવામાં આવી હતી અને ચાર્જશીટ પણ દાખલ કરી દેવામાં આવી હતી. જોકે, હાઈકોર્ટે આ મામલે રોક લગાવી દીધી છે. નોંધવું જોઈએ કે તાજેતરમાં જ મોરબીમાં પણ તેમની સામે ‘લવ જેહાદ’ પર આપેલા એક વક્તવ્ય માટે FIR દાખલ કરવા માટે અરજી આપવામાં આવી હતી અને પછી મામલો હાઈકોર્ટ પણ પહોંચ્યો હતો, પરંતુ હાઈકોર્ટે FIR નોંધવાનો આદેશ આપવાની ના પાડી દીધી હતી.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં