‘ઈકોનોમિક એડવાઇઝરી કાઉન્સિલ ટુ પીએમ’ના (EAC-PMના) એક વર્કિંગ પેપરમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. પ્રધાનમંત્રીની આર્થિક સલાહકાર પરિષદના રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે, ભારતમાં હિંદુ વસ્તી ઘટી ગઈ છે, જ્યારે પ્રમાણમાં મુસ્લિમોની સંખ્યામાં બહોળો વધારો થયો છે. પેપરમાં દાવો કરવામાં આવ્યો છે કે, હિંદુઓની વસ્તીમાં 7.82% ઘટાડો સામે આવ્યો છે. ભારત સહિત મ્યાનમાર અને નેપાળમાં પણ હિંદુઓની વસ્તી ઘટી છે. જ્યારે મુસ્લિમોની વસ્તી વધી છે. 167 દેશોના રિપોર્ટમાં માત્ર ભારત, નેપાળ અને મ્યાનમારમાં આવી સ્થિતિ બનવા પામી છે.
1950થી 2015 સુધીના તમામ વર્ષોનો અભ્યાસ કર્યા બાદ EAC-PMના વર્કિંગ પેપરમાં દાવો કરવામાં આવ્યો છે કે, ભારતમાં હિંદુઓની સંખ્યામાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. 1950થી લઈને આજસુધી ભારતમાં હિંદુ વસ્તી ઘટી છે. પહેલાં હિંદુઓની વસ્તી 85% ગણવામાં આવી રહી હતી, જે હવે ઘટીને 78% થઈ ગઈ છે. ભારતમાં મુસ્લિમોની સંખ્યા 9.84%થી વધીને 14.09% થઈ ગઈ છે. આ જ સ્થિતિમાં નેપાળ અને મ્યાનમારમાં પણ બહુસંખ્યક વસ્તીમાં ઘટાડો થયો છે. પ્રધાનમંત્રીની આર્થિક સલાહકાર સમિતિના આ આંકડા ઘણા ચોંકાવનારા છે. 167 દેશોમાં પણ આ રીતે રિસર્ચ કરવામાં આવ્યું હતું.
પ્રધાનમંત્રીની આર્થિક સલાહકાર સમિતિના રિપોર્ટમાં 167 દેશોના ડેટા વિશે જાણકારી મળી શકે છે. તેમાં ભારત, મ્યાનમાર અને નેપાળ સિવાયના તમામ દેશોમાં બહુસંખ્યક વસ્તીમાં વધારો જોવા મળ્યો છે, જ્યારે આ ત્રણ દેશોમાં સતત ઘટાડો જોવા મળ્યો છે. નેપાળની હિંદુ વસ્તીમાં 3% જેટલો ઘટાડો જોવા મળ્યો છે. જ્યારે પાડોશી દેશ પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશમાં મુસ્લિમોની સંખ્યા સતત વધી રહી છે.
એક તરફ ભારતમાં મુસ્લિમ સમુદાય વારંવાર એવા આક્ષેપો કરે છે કે, તેઓ ભારતમાં સુરક્ષિત નથી અને તેમની આબાદી ઘટી રહી છે. પરંતુ વાસ્તવમાં પરિણામ તેનાથી વિપરીત છે. ભારતમાં મુસ્લિમોની વસ્તી સતત વધી રહી છે, જ્યારે હિંદુઓની વસ્તી સતત ઘટી રહી છે. હિંદુ ધર્મના અનુયાયીઓ માટે આ આઘાતજનક સમાચાર છે. 1950થી હિંદુઓની વસ્તી ઘટવાનું ચાલુ થયું હતું, તે આજદિન સુધી સતત વસ્તી ઘટી જ છે. તેમાં લેશમાત્ર પણ વધારો જોવા મળ્યો નથી.
PM મોદીએ આ વિષયને લઈને કોંગ્રેસ પર કર્યા હતા પ્રહાર
તાજેતરમાં જ વિરાસત કાયદાનો મુદ્દો દેશભરમાં ચગ્યો હતો. સેમ પિત્રોડાએ વિવાદિત નિવેદન આપતા કહ્યું હતું કે, અમેરિકાની જેમ ભારતમાં પણ વિરાસત કાયદો લાગુ થવો જોઈએ. આ ઉપરાંત કોંગ્રેસના મેનિફેસ્ટોમાં પણ ‘સંપત્તિ પુનર્વિતરણ’ના વામપંથી એજન્ડાને સ્થાન આપવામાં આવ્યું છે. હવે આ મુદ્દાઓને લઈને વડાપ્રધાન મોદીએ જાહેરમાં કોંગ્રેસ પર પ્રહાર કર્યા હતા. PM મોદીએ કહ્યું હતું કે, કોંગ્રેસનું ઘોષણાપત્ર માઓવાદીઓની વિચારધારાને દર્શાવે છે. આ દરમિયાન તેમણે રાહુલ ગાંધીના તે વાયદાને યાદ કરાવ્યો હતો. જેમાં રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, દેશની સંપત્તિનો સર્વે કરવામાં આવશે અને તેનું પુનર્વિતરણ કરવામાં આવશે.
Banswara, Rajasthan: ''What Congress has stated in its manifesto is worrying; it is a Maoist ideology," says PM Modi pic.twitter.com/Ha1N9bGZoy
— IANS (@ians_india) April 21, 2024
સાથે તેમણે તત્કાલીન વડાપ્રધાન મનમોહન સિંઘના તે ભાષણ વિશે પણ કહ્યું હતું, જેમાં મનમોહન સિંઘે દાવો કર્યો હતો કે, દેશના સંસાધનો પર મુસલમાનોનો પહેલો અધિકાર છે. PM મોદીએ કહ્યું હતું કે, જો કોંગ્રેસ સત્તામાં આવે, તો તે દેશની સંપત્તિ મુસલમાનોને, ઘૂસણખોર અને જેના વધુ બાળકો છે, તેવા લોકોને વિતરીત કરી દેશે. PM મોદીના આ નિવેદનનો સીધો સંબંધ હિંદુ વસ્તી અને મુસ્લિમ વસ્તી સાથે પણ જોઈ શકાય છે. સર્વવિદિત તથ્ય એ છે કે, મુસ્લિમો વધુ બાળકો ધરાવે છે, તેથી જ તેમની વસ્તી વધી છે. આ સત્યને કોઈ નકારી શકે તેમ નથી. હવે કોંગ્રેસનો એજન્ડા આડકતરી રીતે વધુ બાળકો હોય તેને સંપત્તિ વહેચવાનો છે. એટલે કે, હિંદુઓની સંપત્તિ લઘુમતીઓને (તેમાં પણ જેમને વધુ બાળકો હોય તેને) આપવામાં આવશે.
કોંગ્રેસની આ નીતિના કારણે વડાપ્રધાન મોદીએ વસ્તીને અનુસંધાને તે નિવેદન આપ્યું હતું. કારણ કે, દેશમાં મુસ્લિમોની વસ્તી સતત વધી રહી છે. જ્યારે હિંદુઓની વસ્તી સતત ઘટી રહી છે. તેનો સીધો અર્થ એ છે કે, સંપત્તિ પુનર્વિતરણમાં હિંદુઓની સંપત્તિના ભાગ પડશે અને લઘુમતીમાં વહેચાઈ જશે.