બાંદા જેલમાં હાર્ટ અટેકથી મૃત્યુ બાદ માફિયા ગેંગસ્ટર મુખ્તાર અન્સારીનો મૃતદેહ તેના વતન ગાઝીપુરના મોહમ્મદાબાદ લાવવામાં આવ્યો, જ્યાં દફનાવવાની ક્રિયા પૂર્ણ કરાઈ. આ દરમિયાન મુસ્લિમ સમુદાયના સેંકડો લોકોની ભીડ મુખ્તાર અન્સારીના જનાજામાં સામેલ થઈ. જ્યાં તેમણે નારા પણ લગાવ્યા અને નમાજ પણ પઢી.
મુખ્તાર અન્સારીને મોહમ્મદાબાદના કાલીબાગ કબ્રસ્તાનમાં દફનાવવામાં આવ્યો. જોકે, સુરક્ષા કારણોસર માત્ર પરિવારને જ અંદર જવાની પરવાનગી આપવામાં આવી, જ્યારે બાકીના સેંકડો માણસોનું ટોળું કબ્રસ્તાનની બહાર સુધી જનાજામાં જોડાયું હતું. દરમ્યાન, અમુક લોકોએ બેરિકેડ તોડવાના પણ પ્રયાસ કર્યા, પરંતુ પોલીસે સ્થિતિ સંભાળી લીધી હતી.
#WATCH | Ghazipur, UP: Chaos erupted during the burial rites of gangster-turned-politician Mukhtar Ansari after his supporters broke the barricading in order to enter the cemetery ground. pic.twitter.com/EgDOkcBPU2
— ANI (@ANI) March 30, 2024
મુખ્તાર અન્સારીના મૃત્યુ બાદથી જ તેના વતનમાં પોલીસ સુરક્ષા વધારી દેવામાં આવી હતી. તેના મૃતદેહને લાવવામાં આવ્યા બાદ વધુ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. ઘરની ચારેતરફ પોલીસ બંદોબસ્ત ગોઠવીને બેરિકેડિંગ પણ કરી દેવામાં આવ્યું હતું. આ ઉપરાંત, ગામમાં પણ પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો અને પોલીસ બેડાના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા.
મુખ્તારને દફનાવવામાં આવ્યો તે પહેલાં મૃતદેહ તેના ઘરે રાખવામાં આવ્યો હતો, જ્યાં થોડી જ વારમાં સેંકડો માણસોનું ટોળું એકઠું થઈ ગયું. તેમણે ‘મુખ્તાર અન્સારી જિંદાબાદ’ના નારા પણ લગાવ્યા. સવારે લગભગ 10 વાગ્યે જનાજો કાઢવામાં આવ્યો. કબ્રસ્તાન લઇ જતાં પહેલાં નમાજ પણ પઢવામાં આવી, જેમાં પણ સેંકડોની સંખ્યામાં લોકો જોડાયા.
સોશિયલ મીડિયા પર અનેક તસવીરો સામે આવી છે, જેમાં સેંકડો લોકો મુખ્તારના જનાજામાં સામેલ થયેલા જોવા મળે છે.
Uttar Pradesh: People in large numbers take part in the funeral procession of gangster-turned-politician Mukhtar Ansari in Mohammadabad, Ghazipur pic.twitter.com/PHGvhAJcp1
— ANI (@ANI) March 30, 2024
અંતિમ ક્રિયામાં સામેલ થવા માટે બિહારના કુખ્યાત ગેંગસ્ટર મોહમ્મદ શાહબુદ્દીનનો પુત્ર ઓસામા પણ આવ્યો હતો. શાહબુદ્દીન પણ મુખ્તારની જેમ માફિયા ડૉન હતો, જે મે, 2021માં જેલમાં મૃત્યુ પામ્યો હતો. તેનો પુત્ર શનિવારે (30 માર્ચ) મુખ્તારના જનાજામાં જોડાયો હતો.
અન્સારીનો એક પુત્ર અબ્બાસ હાલ જેલમાં બંધ છે. તેણે મુખ્તારની અંતિમક્રિયામાં સામેલ થવા માટે અલ્હાબાદ હાઈકોર્ટમાં અરજી કરી હતી, પરંતુ સુનાવણી થઈ શકી ન હતી. ત્યારબાદ સુપ્રીમ કોર્ટના દરવાજા ખખડાવવામાં આવ્યા, પરંતુ શુક્રવારે રજા હતી. ત્યારબાદ વેકેશન બેન્ચનો સંપર્ક કરવામાં આવ્યો, પરંતુ સુનાવણી થઈ શકી ન હતી. નોંધનીય છે કે અબ્બાસ હાલ ઉત્તર પ્રદેશની કાસગંજ જેલમાં બંધ છે. તેની સામે મની લોન્ડરિંગ સહિતના કેસ ચાલી રહ્યા છે. તે મઉથી ધારાસભ્ય છે.
ઉલ્લેખનીય છે કે મુખ્તાર અન્સારીનું મોત ગુરુવારે (28 માર્ચ) રાત્રે બાંદા જેલમાં થયું હતું. તે પહેલાં મંગળવારે તબિયત લથડતાં બાંદા જેલથી હૉસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો અને 14 કલાકની સારવાર બાદ ડિસ્ચાર્જ કરાયો હતો. ગુરુવારે અચાનક હાર્ટઅટેક આવ્યો અને ત્યારબાદ હૉસ્પિટલ લઇ જવાતાં ડૉક્ટરોએ તેને મૃત ઘોષિત કર્યો હતો.
ઉત્તર પ્રદેશમાં તાજેતરમાં પણ આવાં દ્રશ્યો જોવા મળ્યાં હતાં, જ્યારે બદાયુંમાં બે હિંદુ બાળકોનાં ગળાં કાપીને હત્યા કરનાર સાજિદ નામના ઈસમના એનકાઉન્ટર બાદ તેના જનાજામાં સેંકડો સ્થાનિક મુસ્લિમો જોડાયા હતા. ત્યારે સોશિયલ મીડિયા પર તસવીરો ઘણી ફરતી થઈ હતી.