AAP શાસિત પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન અવારનવાર કેન્દ્ર સરકાર પાસે ફંડની ઉઘરાણી કરતા નજરે પડતા હોય છે. પરંતુ વર્તમાન સમયમાં માન એવા અવઢમાં મુકાયા છે કે તેમને સચિવોને ધંધે લગાડ્યા છે. વાસ્તવમાં કેન્દ્ર સરકાર તરફથી પંજાબને વિકાસકાર્યો માટે 11,000 કરોડ રૂપિયા આપવામાં આવ્યા હતા. જેમાંથી પંજાબની AAP સરકારની તિજોરીમાં હજુ 8000 કરોડ એમનેમ પડ્યા છે. હવે આ રૂપિયા પરત ન જતા રહે તે માટે ભગવંત માન ચિંતાતુર થયા છે.
વાસ્તવમાં પંજાબની આમ આદમી પાર્ટીની સરકારને કેન્દ્ર સરકાર તરફથી 11,000 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા હતા. નાણાકીય વર્ષ 2023-2024ના 8 મહિના વીતવા છતાં પંજાબ સરકારે તેમાંથી માત્ર 3000 કરોડ જ જનતા પાછળ વાપર્યા, જેઓ સીધો અર્થ તે થયો કે હજુ પણ પંજાબની AAP સરકારની તિજોરીમાં કેન્દ્ર સરકારના 8000 કરોડ યથાવત પડ્યા છે. આટલા રૂપિયા હોવા છતાં પંજાબની આમ આદમી પાર્ટીના મુખ્યમંત્રી અવારનવાર કેન્દ્ર પાસે ફંડ માંગતા રહે છે. માન અનેક વાર કેન્દ્રની ભાજપ સરકાર પર આરોપ લગાવી ચૂક્યા છે કે તેમને વિકાસ કર્યો માટે ફંડ નથી આપવામાં આવતું.
ઈન્ડિયન એક્સપ્રેસ દ્વારા આપવામાં આવેલા અહેવાલ મુજબ તાજેતરમાં મુખ્યમંત્રી ભગવંત માને સચિવો સાથે એક બેઠક કરી હતી. આ બેઠક બાદ આ આખો મામલો સામે આવ્યો હતો. અહેવાલ મુજબ આ દરમિયાન 8 મહિના બાદ પણ 8000 કરોડ ન વાપરી શકવા પર માન સચિવો ઉપર ઉકળી ઉઠ્યા હતા. પંજાબના મુખ્યમંત્રીના ઉકળવા પાછળનું કારણ એ છે કે જો તેમની સરકાર આગામી બજેટ સુધીમાં આ રૂપિયા નહીં વાપરે તો તે પરત કેન્દ્રના ખાતામાં પહોંચી જશે. ભગવંત માન નથી ઇચ્છતા કે આ રૂપિયા પરત જાય, જેના કારણે તેઓ વહેલી તકે આ રૂપિયા વાપરી નાંખવા અધીરા થયા છે.
અહેવાલમાં તેમ પણ જણાવવામાં અવાયું છે કે પંજાબ સરકારની તિજોરીમાં પડેલા કેન્દ્ર સરકારના ફંડના ‘નિકાલ’ માટે તાત્કાલિક ધોરણે વિકાસ કાર્યોના ટેન્ડર બહાર પાડવામાં આવશે, અને જો તેમ થશે તો તેમને કેન્દ્રને આ રૂપિયા પરત નહીં આપવા પડે. કેન્દ્ર સરકારે ફાળવેલા ફંડને લોક કલ્યાણમાં નહીં વાપરી શકનાર અધિકારીઓએ ભગવંત માનને ફરિયાદ કરી હતી કે તેમને ગ્રામીણ વિકાસ સહિતના કાર્યો માટે ફંડ નથી આપવામાં આવી રહ્યું તેમજ સ્વાસ્થ્ય વિભાગ માટે રૂપિયા રોકી દેવામાં આવ્યા છે.
જોકે તેની પાછળની વાસ્તવિકતા તે છે કે ગત દિવસોમાં કેન્દ્ર સરકારને સલાહ આપી હતી કે પંજાબમાં પ્રાથમિક સ્વાસ્થ્ય કેન્દ્રોને આમ આદમી પાર્ટી મહોલ્લા ક્લિનિકમાં ખપાવીને પ્રચાર કરવામાં આવી રહ્યો છે. જો પાર્ટીનો પ્રચાર જ કરવો હોય તો તેના પાછળનું ફન્ડિંગ પણ પાર્ટી પોતે ભોગવે. કેન્દ્રના આ વલણ બાદ ભગવંત માનની સરકાર મૂંઝવણમાં મૂકાઈ હતી. તેવામાં હવે કેન્દ્ર સરકાર દ્વારા ફાળવવામાં આવેલા રૂપિયાના અડધા પણ જનતા પર ખર્ચ ન કરી શકનાર પંજાબની આમ આદમી પાર્ટીની સરકાર ફંડને પરત જતું અટકાવવા એડીચોટીનું જોર લગાવતી જોવા મળી રહી છે.