Wednesday, September 11, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટબ્રિટિશકાળના IPC-CrPC હવે ભૂતકાળ થયા, આજથી સમગ્ર દેશમાં 3 નવા ફોજદારી કાયદા...

    બ્રિટિશકાળના IPC-CrPC હવે ભૂતકાળ થયા, આજથી સમગ્ર દેશમાં 3 નવા ફોજદારી કાયદા લાગુ: ગૃહ મંત્રાલયે ફેબ્રુઆરીમાં જારી કર્યું હતું નોટિફિકેશન

    આ ત્રણ નવા ફોજદારી કાયદાઓનો ઉદ્દેશ્ય આતંકવાદની સ્પષ્ટ પરિભાષા આપવાનો, રાજદ્રોહને ગુના તરીકે નાબૂદ કરીને અને અન્ય કેટલાક ફેરફારો સાથે રાજ્ય વિરુદ્ધ અપરાધ તરીકે ઓળખાતી નવી કલમ દાખલ કરીને બ્રિટિશકાળના કાયદાને સંપૂર્ણપણે બદલીને નવા નિયમો લાગુ કરવાનો છે.

    - Advertisement -

    1 જુલાઇ, 2024નો દિવસ ભારત માટે ઐતિહાસિક થવા જઈ રહ્યો છે. આ દિવસે બ્રિટિશકાળની ગુલામી સમાન તેના કાયદાઓને સંપૂર્ણપણે નિરસ્ત કરી દેવામાં આવ્યા છે. સોમવારથી (1 જુલાઇ) દેશભરમાં ત્રણ નવા ફોજદારી કાયદા લાગુ થઈ ચૂક્યા છે. આ કાયદા દ્વારા ખાસ કરીને ક્રિમિનલ જસ્ટિસ સિસ્ટમમાં ધરખમ પરિવર્તન આવી જશે. સોમવારથી 1860માં બનેલા IPCની જગ્યાએ ભારતીય ન્યાય સંહિતા, 1898માં બનેલા CrPCની જગ્યાએ ભારતીય નાગરિક સંહિતા અને 1872ના ઇન્ડિયન એવિડન્સ એક્ટની જગ્યાએ ભારતીય સાક્ષ્ય અધિનિયમ લાગુ થઈ ગયા છે.

    સોમવારથી (1 જુલાઇ, 2024) બ્રિટિશકાળના IPC-CrPC અને એવિડન્સ એક્ટની જગ્યાએ ત્રણ નવા ફોજદારી કાયદા લાગુ થઈ ગયા છે. ભારતીય ન્યાય સંહિતા, ભારતીય નાગરિક સંહિતા અને ભારતીય સાક્ષ્ય અધિનિયમ તરીકે નવા કાયદા લાગુ થઈ ચૂક્યા છે. આ ત્રણેય કાયદા લાગુ થયા બાદ ઘણાબધા નિયમો અને કાયદાઓમાં પરિવર્તન થઈ જશે. તેમાં ઘણી નવી કલમો પણ સામેલ કરવામાં આવી છે અને ઘણી વ્યર્થ કલમોને દૂર પણ કરી દેવામાં આવી છે. નવા કાયદા લાગુ થયા બાદ સામાન્ય માણસો, પોલીસ, વકીલ અને કોર્ટમાં કામગીરીમાં પણ ઘણું પરિવર્તન આવી જશે.

    જે ક્રિમિનલ કેસ 1 જુલાઇ પહેલાં નોંધાયેલા છે, તેની તપાસ અને ટ્રાયલ પર નવા કાયદાની કોઈ અસર રહેશે નહીં. 1 જુલાઇ બાદથી તમામ ગુનાઓ નવા કાયદા હેઠળ નોંધવામાં આવશે. કોર્ટમાં જૂના કેસો જૂના કાયદા અનુસાર જ લડવામાં આવશે અને નવા કેસોની નવા કાયદા અનુસાર જ તપાસ અને સુનાવણી થશે. ગુનાઓ માટે પ્રચલિત કલમો પણ હવે બદલાઈ ગઈ છે, તેથી કોર્ટ, પોલીસ, વકીલ અને પ્રશાસને પણ નવી કલમો વિશે અધ્યયન કરવાનું રહેશે. લૉના વિદ્યાર્થીઓને પણ આ કાયદા વિશે વિસ્તૃત માહિતી કવર કરવી પડશે.

    - Advertisement -

    નોંધનીય છે કે, કેન્દ્ર સરકારે 24 ફેબ્રુઆરી, 2024ના રોજ નોટિફિકેશન બહાર પાડીને જણાવ્યું હતું કે, “ભારતીય દંડ સંહિતા (IPC), ક્રિમિનલ પ્રોસીજર કોડ અને એવિડન્સ એક્ટના સ્થાને ત્રણ નવા ફોજદારી કાયદાઓ 1 જુલાઇથી લાગુ કરવામાં આવશે. નવા લાગુ કરવામાં આવનાર કાયદાઓ, ભારતીય ન્યાય સંહિતા, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા અને ભારતીય સાક્ષ્ય અધિનિયમ-2023, જૂના કાયદાઓ ઈન્ડિયન પીનલ કોડ-1860, કોડ ઑફ ક્રિમિનલ પ્રોસિજર (CrPC)-1973 અને ઇન્ડિયન એવિડન્સ એક્ટ-1872ના સ્થાને લાગુ કરવામાં આવનાર છે.”

    આ ત્રણ નવા ફોજદારી કાયદાઓનો ઉદ્દેશ્ય આતંકવાદની સ્પષ્ટ પરિભાષા આપવાનો, રાજદ્રોહને ગુના તરીકે નાબૂદ કરીને અને અન્ય કેટલાક ફેરફારો સાથે રાજ્ય વિરુદ્ધ અપરાધ તરીકે ઓળખાતી નવી કલમ દાખલ કરીને બ્રિટિશકાળના કાયદાને સંપૂર્ણપણે બદલીને નવા નિયમો લાગુ કરવાનો છે.

    આ ત્રણેય કાયદાઓ લાગુ થયા બાદ શું પરિવર્તન આવશે અને નવા કાયદાની જોગવાઈઓ શું હશે, તેના પર ઑપઇન્ડિયાએ બિલ રજૂ થયા સમયે વિસ્તૃત માહિતી સાથેનો લેખ પ્રકાશિત કર્યો હતો. જે અહીં ક્લિક કરવાથી વાંચી શકાશે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં