Saturday, May 4, 2024
More
    હોમપેજદેશબ્રિટિશકાળના IPC-CrPC બનશે ભૂતકાળ, હવે ‘ભારતીય ન્યાય સંહિતા’નો સમય: 1 જુલાઈથી નવા...

    બ્રિટિશકાળના IPC-CrPC બનશે ભૂતકાળ, હવે ‘ભારતીય ન્યાય સંહિતા’નો સમય: 1 જુલાઈથી નવા ત્રણ ફોજદારી કાયદાઓ લાગુ- ગૃહ મંત્રાલયનું નોટિફિકેશન જાહેર

    નિષ્ણાંતોના મતે આ ત્રણ કાયદા આતંકવાદ, લિંચિંગ અને રાષ્ટ્રીય સુરક્ષાને જોખમમાં મૂકતાં ગુનાઓ માટે સજાને વધુમાં વધુ સખત બનાવશે. જ્યારે ભારતીય ન્યાય સંહિતામાં 20 નવા ગુનાઓ જોડવામાં આવ્યા છે. IPCની 19 જોગવાઈઓને કાઢી નાખવામાં આવી છે. સાથે 33 ગુનાઓમાં જેલની સજા વધારી દેવામાં આવી છે.

    - Advertisement -

    બ્રિટિશકાળથી ચાલ્યા આવતા IPC-CrPC કાયદાઓ હવે થોડા સમય માટે જ અમલમાં રહેશે. તેના સ્થાને તાજેતરમાં સંસદે પસાર કરેલા નવા ત્રણ ફોજદારી કાયદાઓ લાગુ થશે. સરકારે શનિવારે (24 ફેબ્રુઆરી) નોટિફિકેશન બહાર પાડીને જણાવ્યું કે, ભારતીય દંડ સંહિતા (IPC), ક્રિમિનલ પ્રોસીજર કોડ અને એવિડન્સ એક્ટના સ્થાને ત્રણ નવા ફોજદારી કાયદાઓ 1 જુલાઈથી લાગુ કરવામાં આવશે. નવા લાગુ કરવામાં આવનાર કાયદાઓ, ભારતીય ન્યાય સંહિતા, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા અને ભારતીય સાક્ષ્ય અધિનિયમ-2023, જૂના કાયદાઓ ઈન્ડિયન પીનલ કોડ-1860, કોડ ઑફ ક્રિમિનલ પ્રોસિજર (CrPC)-1973 અને ઇન્ડિયન એવિડન્સ એક્ટ-1872ના સ્થાને લાગુ કરવામાં આવનાર છે.

    1 જુલાઈથી દેશભરમાં IPC-CrPC કાયદાને બદલે હવે નવા ત્રણ કાયદાઓ લાગુ કરવામાં આવશે. આ નવા કાયદાઓનો ઉદ્દેશ્ય આતંકવાદની સ્પષ્ટ પરિભાષા આપવાનો, રાજદ્રોહને ગુના તરીકે નાબૂદ કરીને અને અન્ય કેટલાક ફેરફારો સાથે રાજ્ય વિરુદ્ધ અપરાધ તરીકે ઓળખાતી નવી કલમ દાખલ કરીને બ્રિટિશકાળના કાયદાને સંપૂર્ણપણે બદલીને નવા નિયમો લાગુ કરવાનો છે. સાથે ભારતીય ન્યાય સંહિતાની કલમ 106(2) હાલ લાગુ કરવામાં આવી નથી. આ કલમ હિટ એન્ડ રનને લગતી છે. જેને હાલ પૂરતી સ્થગિત રાખવામાં આવી છે.

    ગૃહ મંત્રાલયના નોટિફિકેશનમાં જણાવવામાં આવ્યું કે, ભારતીય ન્યાય સંહિતા- 2023ની કલમ 1ની પેટાકલમ (2)માં ઉલ્લેખિત અધિકારોનો ઉપયોગ કરતાં કેન્દ્ર સરકાર સદર સંહિતાના અમલીકરણ માટે 1 જુલાઈ, 2024ની તારીખ નક્કી કરે છે. જેમાં ભારતીય ન્યાય સંહિતા, 2023ની કલમ 106(2) સિવાયની તમામ જોગવાઈઓ લાગુ કરવામાં આવશે. 

    - Advertisement -

    ભારતીય ન્યાય સંહિતાની કલમ 106(2)માં જોગવાઈ કરવામાં આવી છે કે, બેદરકારીપૂર્વક ડ્રાઇવિંગના કારણે જો કોઇ વ્યક્તિ મૃત્યુ પામે અને ડ્રાઇવર અકસ્માત થયા બાદ તેની જાણ પોલીસ અધિકારીને કે મૅજિસ્ટ્રેટને કર્યા વગર સ્થળ પરથી ભાગી છૂટે તો તેને 10 વર્ષ સુધીની સજા અને દંડ પણ થઈ શકે છે. નોંધવું જોઈએ કે આ જ કલમ સામે ટ્રક ડ્રાઇવરોએ દેશવ્યાપી હડતાળ પાડી હતી. ત્યારબાદ સરકારે તે હાલ લાગુ ન કરવાનું આશ્વાસન આપ્યું હતું.

    શું થશે ફેરફારો?

    નિષ્ણાંતોના મતે, આ ત્રણ કાયદા આતંકવાદ, લિન્ચિંગ અને રાષ્ટ્રીય સુરક્ષાને જોખમમાં મૂકતા ગુનાઓ માટે સજાને વધુમાં વધુ સખત બનાવશે. જ્યારે ભારતીય ન્યાય સંહિતામાં 20 નવા ગુનાઓ જોડવામાં આવ્યા છે. IPCમાં હતી એવી 19 જોગવાઈઓને કાઢી નાખવામાં આવી છે. સાથે 33 ગુનાઓમાં જેલની સજા વધારી દેવામાં આવી છે. 83 જોગવાઈઓમાં દંડની સજામાં વધારો કરવામાં આવ્યો છે, જ્યારે 23 ગુનાઓમાં ફરજિયાત લઘુત્તમ સજાની રજૂઆત કરવામાં આવી છે અને 6 ગુનાઓમાં ‘કોમ્યુનિટી સર્વિસ’ની સજા રજૂ કરવામાં આવી છે.

    ભારતીય નાગરિક સંહિતા, 2023 એ CrPC-1973ના સ્થાને લાગુ થશે. સમયબદ્ધ તપાસ, સુનાવણી અને દલીલો પૂર્ણ થયા બાદ 30 દિવસની અંદર નિર્ણય લેવાની જોગવાઈઓ આ કાયદા હેઠળ છે. સાથે જ ભારતીય સાક્ષ્ય અધિનિયમ-2023માં પણ અનેકો ફેરફારો કરવામાં આવ્યા છે. તેમાં કોર્ટમાં રજૂ કરાયેલ અને સ્વીકાર્ય પુરાવાઓમાં ઇલેક્ટ્રોનિક અથવા ડિજિટલ રેકોર્ડ્સ, ઇમેઇલ્સ, સર્વર લોગ્સ, કમ્પ્યુટર્સ, સ્માર્ટફોન્સ, લેપટોપ, SMS, વેબસાઇટ્સ, સ્થાનીય પુરાવા, ઇ-મેઇલ, ઉપકરણો પરના સંદેશાઓ સામેલ કરવામાં આવ્યા છે.

    નોંધનીય છે કે, IPCની જગ્યાએ લાગુ કરવામાં આવનાર, BNSમાં(ભારતીય ન્યાય સંહિતા) બદલાતા સમયને ધ્યાનમાં રાખીને ફોજદારી કાયદાના મુખ્ય પાસાઓમાં સુધારો કરવામાં આવ્યો છે. તે એવા કાયદાઓને પ્રાધાન્ય આપે છે જે મહિલાઓ અને બાળકોનું રક્ષણ કરે છે, હત્યારાઓને સજા કરે છે અને રાજ્યને નુકસાન પહોંચાડનારાઓને અટકાવે છે. BNSમાં સંગઠિત અપરાધ, આતંકવાદી કૃત્યો, મોબ લિંચિંગ, હિટ એન્ડ રન, મહિલાનું જાતીય શોષણ, ભારતની બહાર ઉશ્કેરણી, ભારતની સાર્વભૌમત્વ, અખંડિતતા અને એકતાને જોખમમાં મૂકતાં કૃત્યો જેવા 20 નવા ગુનાઓ ઉમેરવામાં આવ્યા છે.

    ત્રણેય કાયદાઓને સંસદે આપી હતી મંજૂરી

    આ ત્રણ કાયદા માટેના બિલો પહેલીવાર ઓગસ્ટ 2023માં સંસદના ચોમાસુ સત્ર દરમિયાન રજૂ કરવામાં આવ્યા હતા. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ગયા ડિસેમ્બરમાં તેમને સંમતિ આપી હતી. ગૃહ બાબતોની સ્થાયી સમિતિએ ઘણી ભલામણો કર્યા પછી શિયાળુ સત્રમાં ફરીથી તૈયાર કરેલ સંસ્કરણો રજૂ કરવામાં આવ્યા હતા. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે, આ બિલનો મુસદ્દો વ્યાપક વિચાર-વિમર્શ પછી તૈયાર કરવામાં આવ્યો હતો. આ નવા ફોજદારી કાયદાઓ લાગુ થયા બાદ દાયકાઓથી જે ગુનાઓની કલમો ચાલતી આવી છે તેના ક્રમ પણ બદલાય જશે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં