બિહારના જાણીતા યુ-ટ્યુબર મનીષ કશ્યપ આખરે 9 મહિના બાદ જેલમાંથી બહાર આવ્યા છે. શનિવારે (23 ડિસેમ્બર) સવારે તેઓ પટનાની બેઉર જેલમાંથી બહાર આવ્યા હતા, જ્યાં મોટી સંખ્યામાં હાજર સમર્થકોએ તેમનું સ્વાગત કર્યું હતું. ઉપરાંત, કાફલો પસાર થયો તે દરમિયાન વિવિધ સ્થળોએ પણ તેમનું સ્વાગત કરાયું હતું.
बेऊर जेल के बाहर समर्थकों की भीड़, जेल से निकले यूट्यूबर मनीष कश्यप। pic.twitter.com/4sWmewD39v
— News18 Bihar (@News18Bihar) December 23, 2023
ગત 20 ડિસેમ્બરના રોજ પટના હાઈકોર્ટે મનીષ કશ્યપને જામીન આપ્યા હતા. ત્યારબાદ તેમનો જેલમુક્તિનો માર્ગ મોકળો બન્યો હતો. આમ તો તેમની સામે તમિલનાડુ અને બિહારમાં અનેક કેસ નોંધાયેલા હતા, પરંતુ બાકીના કેસમાં તેમને જામીન મળી ગયા હતા. પછીથી પેન્ડિંગ કેસમાં હાઈકોર્ટે પણ જામીન આપી દીધા હતા. તેમની મુક્તિ શુક્રવારે થવાની હતી, પરંતુ દસ્તાવેજોમાં તેમના નામમાં ગડબડ થવાના કારણે કામગીરી અટકી હતી અને શુક્રવારની જગ્યાએ શનિવારે કશ્યપને છોડવામાં આવ્યા.
મનીષ કશ્યપ વિરુદ્ધ માર્ચ, 2023માં બિહાર અને તમિલનાડુમાં કેસ દાખલ કરવામાં આવ્યા હતા. તેમની ઉપર બિહારી શ્રમિકો સાથે થયેલા કથિત જુલમ પર વિડીયો બનાવીને ભાવનાઓ ભડકાવવાનો આરોપ લાગ્યો હતો. તામિલનાડુમાં દાખલ એક કેસમાં તેમની વિરુદ્ધ NSA (રાષ્ટ્રીય સુરક્ષા કાનૂન) પણ લગાવવામાં આવ્યો હતો. બિહારમાં પટના આર્થિક ગુના શાખાએ તેમની સામે 4 કેસ નોંધ્યા હતા, જેમાંથી 3 કેસ બિહારી શ્રમિકોની તમિલનાડુમાં મારપીટ સંબંધિત ફર્જી વિડીયો મામલે નોંધવામાં આવ્યા હતા.
માર્ચમાં ધરપકડ, નવેમ્બરમાં કોર્ટે હટાવ્યો હતો NSA
ધરપકડ બાદ પાંચ મહિના તામિલનાડુની જેલમાં રહ્યા બાદ ઓગસ્ટમાં મનીષ કશ્યપને બિહારના પટનાની જેલમાં લાવવામાં આવ્યા હતા, જ્યાં હાલ તેઓ બંધ હતા. આ વર્ષે ઓગસ્ટમાં પટના સિવિલ કોર્ટે એક કેસની સુનાવણી કરતાં તેમને પરત તામિલનાડુ ન લઇ જવાનો આદેશ આપ્યો હતો. વકીલે જણાવ્યું હતું કે, તમિલનાડુમાં મનીષ સામે કુલ 6 કેસ દાખલ હતા અને તેમાં તેમને ડિફોલ્ટ બેલ મળી ચૂક્યા છે. આ ઉપરાંત, ગત 10 નવેમ્બરના રોજ તમિલનાડુની મદુરાઇ કોર્ટે તેમની ઉપર લાગેલો NSA પણ હટાવી દીધો હતો અને કેસમાં જામીન આપ્યા હતા.
મનીષ કશ્યપની ધરપકડ માર્ચમાં થઈ હતી. કેસ દાખલ થયા બાદ બિહાર પોલીસે તેમની શોધખોળ શરૂ કરી હતી અને તેમના ઘરે દરોડા પણ પાડ્યા હતા. આખરે 18 માર્ચના રોજ તેમણે આત્મસમર્પણ કરી દીધું હતું. ત્યારબાદ તમિલનાડુ પોલીસ તેમને ચેન્નાઈ લઇ ગઈ હતી, કારણ કે ત્યાં પણ કેસ દાખલ હતા. આખરે 9 મહિના બાદ તેઓ મુક્ત થયા છે.