ઉત્તરાખંડ પોલીસને મોટી સફળતા મળી છે. 8 ફેબ્રુઆરીએ થયેલી હલ્દ્વાની હિંસાનો મુખ્ય સૂત્રધાર આરોપી અબ્દુલ મલિક પોલીસના હાથે ઝડપાઈ ગયો છે. ઉત્તરાખંડ પોલીસે અબ્દુલ મલિકની દિલ્હીથી ધરપકડ કરી છે. છેલ્લા ઘણા સમયથી ઉત્તરાખંડ પોલીસ તેને શોધી રહી હતી. બનભૂલપુરામાં હિંસા થયા બાદથી અબ્દુલ મલિક ફરાર હતો. જ્યારે હવે પોલીસે તેને દબોચી લીધો છે.
હલ્દ્વાની હિંસાના મુખ્ય આરોપી અબ્દુલ મલિકની ઉત્તરાખંડ પોલીસે ધરપકડ કરી લીધી છે. આરોપી અબ્દુલ મલિકના વકીલ અજય બહુગુણા અને શલભ પાંડેએ જણાવ્યું કે, ઉત્તરાખંડ પોલીસ તેને દિલ્હી જઈને પકડીને લઈ આવી છે. 8 ફેબ્રુઆરીથી તે ફરાર હતો, હવે તે પોલીસના હાથે પકડાઈ ગયો છે. આ મામલે આરોપી અબ્દુલ માલિકે કોર્ટમાં આગોતરા જામીન માટે અરજી પણ દાખલ કરી હતી. 27 ફેબ્રુઆરીએ અરજી પર સુનાવણી થવાની હતી. પરંતુ તે પહેલાં જ આરોપી ઝડપાઇ ગયો છે.
Dehradun | Abdul Malik, the mastermind of the violence that took place on February 8 in Banbhoolpura, Haldwani, has been arrested by Uttarakhand Police from Delhi: PHQ spokesperson IG Nilesh Bharne
— ANI (@ANI) February 24, 2024
નોંધનીય છે કે, તાજેતરમાં જ હલ્દ્વાની હિંસાના મુખ્ય આરોપી અબ્દુલ મલિક અને તેની પત્ની સહિત છ લોકો વિરુદ્ધ છેતરપિંડી અને ગુનાહિત કાવતરાનો કેસ નોંધવામાં આવ્યો હતો. હિંસા બાદ અબ્દુલ મલિક ફરાર થઈ ગયો હતો અને પોલીસે તેની સંપત્તિ પણ જપ્ત કરી લીધી હતી.
અબ્દુલ મલિકે જ ગેરકાયદેસર મદરેસા-મસ્જિદનું નિર્માણ કર્યું હતું
ઉલ્લેખનીય છે કે, હલ્દ્વાની હિંસાના મુખ્ય આરોપી અબ્દુલ મલિક સામે સરકારી કામમાં અવરોધ, જમીન હડપ કરવા, લોકોને ઉશ્કેરવા અને ષડયંત્ર રચવા સહિતની વિવિધ કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. તેણે જ ગેરકાયદે મદરેસા અને નમાજ સ્થળનું નિર્માણ કરાવ્યું હતું. મહાનગર પાલિકાએ 8 મહિના પહેલાં પણ ‘મલિક કા બગીચા’ નામની આ જગ્યા પર ગેરકાયદે બાંધકામો તોડી પાડ્યાં હતાં. અહીં નાના-નાના પ્લોટ બનાવીને વેચવામાં આવ્યા છે અને મકાનો ઊભા કરી દેવામાં આવ્યાં છે.
28 ડિસેમ્બર, 2023ના રોજ, કોઈએ સિટી મેજિસ્ટ્રેટ રિચા સિંઘને આ ગેરકાયદેસર વ્યવસાય અને બાંધકામ વિશે ફરિયાદ કરી હતી. ત્યારબાદ મામલો મ્યુનિસિપલ કમિશનર સુધી પહોંચ્યો હતો. મ્યુનિસિપલ કમિશનર ગણેશ ભટ્ટના નેતૃત્વમાં 28 ડિસેમ્બરે જ મલિકના બગીચામાં અતિક્રમણ દૂર કરવામાં આવ્યું હતું. નમાઝ સ્થળ અને મદરેસાને હટાવવાની તૈયારીઓ કરવામાં આવી રહી હતી. જે બાદ મામલો હાઈકોર્ટમાં પહોંચ્યો હતો. હાઈકોર્ટના આદેશ બાદ જ્યારે મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમ ત્યાં પહોંચી તો હિંસા ફાટી નીકળી હતી. અબ્દુલ મલિકની ધરપકડ કરવા માટે પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં પણ બે ટીમો મોકલવામાં આવી હતી. સાથે તેને પકડવા માટે ઉત્તરાખંડ પોલીસ સતત સર્ચ ઓપરેશન ચલાવી રહી હતી. જ્યારે હવે તેની દિલ્હીથી ધરપકડ કરી લેવામાં આવી છે.