વડોદરામાં વધુ એક લવજેહાદનો કિસ્સો સામે આવ્યો છે. વડોદરામાં એમ.કોમનો અભ્યાસ કરતી એક 20 વર્ષીય હિંદુ વિદ્યાર્થીની પર સીએનો અભ્યાસ કરતા મુસ્લિમ યુવકે ફોટો વાયરલ કરવાની ધમકી આપી દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ કરજણ પોલીસ મથકે નોંધાતા પોલીસે આરોપી સરફરાઝ મોહમ્મદ શેખની ધરપકડ કરી લીધી છે.
રિપોર્ટ અનુસાર, પીડિતા અને આરોપી કોલેજકાળ દરમિયાન સંપર્કમાં આવ્યા હતા અને છેલ્લાં ત્રણ વર્ષથી બંને વચ્ચે સબંધો હતા. દરમ્યાન, આરોપી સરફરાઝ ગત માર્ચ અને મે મહિનામાં બે વખત યુવતીને ગેસ્ટહાઉસમાં લઇ ગયો હતો અને તેની સાથે શારીરિક સબંધ બાંધ્યા હતા. આ દરમિયાન યુવતીએ ઇનકાર કરતાં તેણે ફોનમાં આપણા ફોટા છે તે વાયરલ કરીને બદનામ કરીશ તેમ કહીને ધમકી આપી દુષ્કર્મ આચર્યું હતું. વડોદરામાં લવજેહાદનો કિસ્સો સામે આવ્યાં બાદ ફરિયાદ થયા બાદ પોલીસ પણ સક્રિય થઇ હતી.
આરોપીએ અવારનવાર ધમકી આપતાં પીડિતાએ પરિવારને જાણ કરી હતી. જે બાદ પરિવારે સરફરાઝ શેખ વિરુદ્ધ કરજણ પોલીસ મથકે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી. કરજણ પોલીસે કાર્યવાહી હાથ ધરીને આરોપી સરફરાઝ મોહમ્મદ શેખ વિરુદ્ધ આઇપીસીની કલમ 376 (2) હેઠળ ગુનો દાખલ કર્યો હતો.
કેસ મામલે વધુ વિગતો આપતાં તપાસ અધિકારીએ જણાવ્યું હતું કે, આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કરીને ગુરુવારે (14 જુલાઈ 2022) તેની ધરપકડ કરી લેવામાં આવી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, આરોપીને શુક્રવારે કોર્ટમાં હાજર કરવામાં આવશે. પોલીસે રિમાન્ડની માંગ કરી ન હોવાના કારણે આરોપીને સીધો જેલમાં મોકલવામાં આવશે તેવું અનુમાન છે.
વડોદરામાં તાજેતરમાં જ પ્રેમમાં ફસાવીને દુષ્કર્મ આચરવાના કે તરછોડી મૂકવાના કિસ્સાઓ સામે આવ્યા છે. જેમાં એક ખ્રિસ્તી યુવકે વડોદરાના છાણીની શ્રીમંત પરિવારની 23 વર્ષીય હિન્દુ યુવતીને પ્રેમજાળમાં ફસાવીને ક્રિશ્ચિયન યુવાન સેલબિન પાઉલ પરમારે ભગાવીને લગ્ન કરી લીધા. બાદમાં ઇમોશનલ બ્લેકમેઇલ કરી અંગત પળોના વીડિયો વાઇરલ કરવાની ધમકી આપી યુવતીને શરીર પર બ્લેડ વડે 500 જેટલા કાપા મારવા મજબૂર કરી હતી.
ઉપરાંત, અન્ય એક કિસ્સામાં અન્ય એક ખ્રિસ્તી યુવક સાથે લગ્ન થયાં બાદ હિંદુ યુવતીને પતિ અને તેના મા-બાપ દ્વારા ત્રાસ ગુજારવામાં આવતાં યુવતીએ પોલીસ મથકે કાયદેસરની ફરિયાદ નોંધાવી હતી. યુવતીએ ફતેગંજ પોલીસ મથક ખાતે કેલ્વિન જસ્ટિન રાઠોડ તેમજ તેના મા-બાપ સામે કાયદેસરની ફરિયાદ નોંધાવી હતી અને ત્રણેય તેને મેણાંટોણાં મારી, મારઝૂડ કરીને શારીરિક-માનસિક ત્રાસ આપતાં હોવાનો આરોપ લગાવ્યો હતો. આ ઉપરાંત હિંદુ યુવતીને ખ્રિસ્તી ધર્મ અંગીકાર કરવા માટે પણ દબાણ કરવામાં આવી રહ્યું હોવાનું પણ ફરિયાદમાં જણાવવામાં આવ્યું હતું.