છેલ્લા કેટલાક સમયથી દેશના અનેક ભાગોમાં બાંગ્લાદેશી નાગરિકોના પકડાવાના કિસ્સા ચિંતાજનક રીતે વધી રહ્યા છે. તાજેતરમાં જ મહારાષ્ટ્ર ATS દ્વારા કેટલાક બાંગ્લાદેશીઓને પકડવામાં આવ્યા હતા, આ કિસ્સામાં વધુ ચિંતાજનક બાબત તે હતી કે આ તમામે ગત લોકસભા ચૂંટણીમાં મતદાન પણ કર્યું હતું. ત્યારે હવે સુરતથી પણ ફરી એક વાર બાંગ્લાદેશી નાગરિક ઝડપાયો છે. ઝડપાયેલો બાંગ્લાદેશી મુસ્લિમ નાગરિક સુરતમાં હિંદુ ઓળખ ધારણ કરીને રહેતો હતો.
મળતી માહિતી અનુસાર સુરત SOGએ સુરતના ઉન વિસ્તારમાંથી મિનાર હેમાયેત નામના મુસ્લિમ બાંગ્લાદેશી નાગરિકને ઝડપ્યો હતો. તેની પાસેથી બાંગ્લાદેશનું જન્મનું પ્રમાણપત્ર, શાળાનું પ્રવેશપત્ર, શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, બાંગ્લાદેશનું નેશનલ આઈડી કાર્ડ તથા ભરતીય પુરવામાં શુવો સુનિલ દાસ નામનું પશ્ચિમ બંગાળના સરનામાવાળુ સ્કૂલ એલસી, આધારકાર્ડ, સ્ટેટ ઓફ કતાર રેસિડેન્સી પરમીટ કાર્ડ, ભારતીય પાસપોર્ટ, મકાનો ભાડા કરાર જેવા ડોક્યુમેન્ટ મળી આવ્યા હતા.
સુરતમાં હિન્દુ નામ ધારણ કરીને ફરતો બાંગ્લાદેશી નાગરીક પકડાયો; બનાવ્યા હતા નકલી આધારકાર્ડ, પાસપોર્ટ#Surat #Gujarat #News #Bangladesh pic.twitter.com/XXqjB8ipY8
— Zee 24 Kalak (@Zee24Kalak) June 22, 2024
મમતા બેનર્જીના બંગાળમાં સરળતાથી બનાવ્યા ભારતીય ઓળખપત્રો
સુરતથી ઝડપાયેલો બાંગ્લાદેશી હિંદુ ઓળખ રાખીને રહેતો હતો. તે વર્ષ 2020માં પશ્ચિમ બંગાળની સાતખીરા બોર્ડર ઓળંગીને બોનગાઉથી ભારતમાં ઘૂસ્યો હતો. ત્યારબાદ તેણે પશ્ચિમ બંગાળના નદીયા જિલ્લા ખાતેથી હિંદુ નામ ધારણ કરી બનાવટી ડોક્યુમેન્ટ ઉભા કરીને પાસપોર્ટ બનાવ્યો હતો. બાદમાં વર્ષ 2021થી 2023 સુધી કતારના દોહામાં નોકરી પણ કરી હતી. ત્યારબાદ તેણે સુરત આવી બાંધકામનું કામ શરૂ કર્યું હતું. મહત્વનું છે કે તેણે મમતા બેનર્જીની પાર્ટી TMC શાસિત પશ્ચિમ બંગાળના નદીયામાં ખૂબ જ સરળતાથી ભારતીય ઓળખપત્રો બનાવડાવી લીધા હતા.
આ પહેલાં મુંબઈથી ઝડપાયા હતા બાંગ્લાદેશીઓ, લોકસભામાં કર્યું હતું વોટીંગ
ઉલ્લેખનીય છે કે થોડા જ સમય પહેલાં મહારાષ્ટ્ર પોલીસ અને ATSએ મુંબઈમાં ગેરકાયદેસર રીતે રહેતા ચાર બાંગ્લાદેશીઓની ધરપકડ કરી હતી. આ લોકોએ સુરતમાં નકલી દસ્તાવેજોના આધારે ચૂંટણીકાર્ડ પણ બનાવ્યા હતા. આટલું જ નહીં, તેમણે લોકસભા ચૂંટણીમાં પણ મતદાન કર્યું હતું. પકડાયેલા ચારેય આરોપીઓને એટીએસ દ્વારા મુંબઇની મઝગાંવ કોર્ટમાં હાજર કરવામાં આવ્યા હતા.
તપાસમાં સામે આવ્યું હતું કે, આ તમામ બાંગ્લાદેશી નાગરિકોએ ગુજરાતમાં રહીને નકલી પાસપોર્ટ બનાવતા હતા, જેનો ઉપયોગ કરીને કેટલાક લોકો વિદેશમાં જઇ નોકરી પણ કરી રહ્યા છે. સુરતથી જ તેઓ નકલી ભારતીય દસ્તાવેજો બનાવીને ગેરકાયદેસર રીતે મુંબઇમાં નાગરિક તરીકે રહેતા હતા. બાકીના પાંચ ફરાર બાંગ્લાદેશી નાગરિકોમાંથી એક ભારતના બનાવટી દસ્તાવેજો બનાવીને નોકરી માટે સાઉદી અરેબિયા ગયો હતો. આ વાતનો ખુલાસો પણ એજન્સી દ્વારા કરવામાં આવ્યો છે. આ બધા વર્ષો પહેલા ગેરકાયદેસર રીતે ભારતમાં ઘૂસ્યા હતા.