વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એકવાર ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. જ્યાં તેઓ તેમના ગૃહ રાજ્યને કરોડો રૂપિયાની યોજનાઓ અને નિર્માણકાર્યોની ભેટ આપશે. જેમાં જામનગર, દેવભૂમિ દ્વારકા અને પોરબંદર જિલ્લામાં કુલ ₹4153 કરોડના 11 વિકાસ પ્રોજેક્ટના લોકાર્પણ અને ખાતમુહૂર્તનો સમાવેશ થાય છે. આ જ પ્રોજેક્ટ્સમાં વડાપ્રધાનના ડ્રીમ પ્રોજેક્ટ પૈકીના એક દ્વારકા અને બેટ દ્વારકાને જોડતો સુદર્શન સેતુ પણ સામેલ છે. આ ઉપરાંત પીએમ મોદી રાજકોટમાં નવનિર્મિત AIIMSનું ઉદ્ઘાટન પણ કરશે.
વડાપ્રધાનના ગુજરાત પ્રવાસના કાર્યક્રમની રૂપરેખા અનુસાર PM મોદી 24 ફેબ્રુઆરીની રાત્રે ગુજરાત પહોંચશે. જે પછી તેઓ જામનગર ખાતે રાત્રિ રોકાણ કરશે, જ્યાં પાર્ટીના નેતાઓ, કાર્યકર્તાઓ અને સમર્થકો દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવશે. ત્યારબાદ PM મોદી રવિવારે (25 ફેબ્રુઆરી) સવારે બેટ દ્વારકા જશે, જ્યાં દ્વારકા અને બેટ દ્વારકાને જોડતા ભવ્ય સુદર્શન બ્રિજનું ઉદ્ઘાટન કરશે. ₹980 કરોડના ખર્ચે આ બ્રિજનું નિર્માણ કરવામાં આવ્યું છે.
તે પછી તેઓ પ્રસિદ્ધ જગત મંદિરમાં ભગવાન દ્વારકાધીશના દર્શન અને પૂજા અર્ચના કરશે. જે બાદ તેઓ બપોરે જાહેર સભા સંબોધશે અને સાથે રાજ્યના લોકોને ₹4 હજાર કરોડથી વધુનાં વિકાસના કાર્યોની ભેટ આપશે. તેઓ સૌરાષ્ટ્રના જામનગર, દેવભૂમિ દ્વારકા અને પોરબંદર જિલ્લામાં ₹4153 કરોડના 11 વિકાસ પ્રોજેક્ટનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. આ ઉપરાંત વડાપ્રધાન મોદી વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ હેઠળ ₹100 કરોડના ખર્ચે જામનગરમાં રિજનલ સાયન્સ સેન્ટર નિર્માણનું ખાતમુહૂર્ત પણ કરશે.
સભા સંબોધન અને મીટિંગ બાદ પીએમ મોદી ત્યાંથી સીધા રાજકોટ પહોંચશે, જ્યાં તેઓ ₹48 હજાર કરોડના વિકાસના કાર્યોની ભેટ આપશે. ₹6300 કરોડથી વધુના ખર્ચે રાજકોટ એઈમ્સ સહિત 5 નવી એઈમ્સનું લોકાર્પણ કરવામાં આવશે. રાજકોટમાં જનસભાને સંબોધ્યા બાદ PM મોદી મોડી રાત્રે દિલ્હી જવા રવાના થશે.
ઉલ્લેખનીય છે કે AIIMSના ઉદ્ઘાટન સાથે, ગુજરાતને પ્રથમ અત્યાધુનિક AIIMSની ભેટ મળશે, જેમાં ઇન-પેશન્ટ વિભાગ (IPD) સેવાઓ હશે. 250 બેડની ક્ષમતા, 500 લોકોની બેઠક ક્ષમતા તેમજ તેમાં ડાઇનિંગ હોલ સાથે અંડરગ્રેજ્યુએટ બોયઝ અને ગર્લ્સ હોસ્ટેલ જેવી સુવિધાઓનો સમાવેશ થાય છે. નોંધનીય છે કે, રાજકોટની AIIMSમાં અત્યાર સુધીમાં 1 લાખ 44 હજાર દર્દીઓએ આઉટ પેશન્ટ વિભાગ (OPD) સેવાઓનો લાભ લીધો છે.