ઉદયપુરમાં એક હિંદુ ટેલર કન્હૈયાલાલની હત્યા કરવામાં આવ્યા બાદ આ ઘટનાની ટીકા કરનારાઓને પણ કટ્ટરપંથીઓની ધમકીનો સામનો કરવો પડી રહ્યો છે. આવી જ એક ઘટનામાં વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના ભાજપના ઉપપ્રમુખને ઉદયપુર ઘટનાને વખોડવા બદલ ધમકી આપવામાં આવી હતી. આ મામલે તેમણે વડુ પોલીસ મથકે કાયદેસરની ફરિયાદ નોંધાવી છે.
બનાવની વધુ વિગતો એવી છે કે, પાદરા તાલુકાના ભારતીય જનતા પાર્ટીના ઉપપ્રમુખ નિલેશસિંહ જાદવે ગત 29 જૂન 2022 ના રોજ ફેસબુક ઉપર એક પોસ્ટ નીચે કૉમેન્ટ કરી હતી. ‘સૌરવ કુમાર ખીચાર’ નામના આઈડી દ્વારા પોસ્ટ કરીને હિંદીમાં લખવામાં આવ્યું હતું કે, “ઉદેપુર જૈસી ઘટના ભારત દેશ મેં? અફઘાનિસ્તાન/તાલિબાન/પાકિસ્તાન જૈસી ઘટના! ભયાવહ હૈ, માનવતા કો શર્મસાર કરીને વાલી. આજ પહેલી ઘટના પર હી ઐસા સબક મિલે કી દુબારા કોઈ ઐસા સોચે ભી નહીં. કાનૂન આપણા કામ જરૂર કરેગા, શાંતિ બનાયે રખેં.”
આ પોસ્ટ નીચે ભાજપ નેતા નિલેશસિંહે કન્હૈયાલાલની હત્યાની ટીકા કરતા લખ્યું હતું કે, ‘હત્યા કરને વાલા જાનતા થા ઇસકે લિયે વો જેલ જાએગા, હો શકે વો ઉમ્ર કેદ કે લિએ અંદર હો જાએ. ઇસ ઘટના કો અંજામ દેને કે એવજ મેં ઉસકે ખાનદાન કો કરોડો રુપયે મિલે હોંગે. ઔર એ સબ પૈસે કતર, કુવૈત, સાઉદી કે હોંગે.” તેમણે માંગ કરી હતી કે, NIA તેના પરિવાર અને આસપાસના લોકોની પણ ધરપકડ કરે જેથી કોઈ આ પૈસાનો ઉપયોગ ન કરી શકે. તેમણે એમ પણ લખ્યું હતું કે, કોઈ પત્રકાર કે નેતા તેના બચાવમાં આવે તો તેને પણ દોષી બનાવવામાં આવે.
નિલેશસિંહ જાદવે આ કૉમેન્ટ કર્યા બાદ અબ્દુલ સુબુર ચૌધરીએ તેમની કૉમેન્ટ નીચે અભદ્ર ભાષામાં ટિપ્પણી કરી અપશબ્દો કહ્યા હતા અને તેમની હાલત પણ ઉદયપુરના ટેલર જેવી કરવાની ધમકી આપી હતી.
નિલેશસિંહને પોલીસ રક્ષણ અપાયું
આ મામલે, નિલેશસિંહ જાદવે ઑપઇન્ડિયા સાથે વાતચીત કરતા કહ્યું કે, મેં એક રાજસ્થાનના એક વ્યક્તિની પોસ્ટ પર કૉમેન્ટ કરી હતી અને માંગ કરી હતી કે આ કૃત્ય કરનાર આરોપીઓને કડક સજા થવી જોઈએ અને તેમની સંપત્તિ જપ્ત થવી જોઈએ. જે બાદ અબ્દુલ સુબુર ચૌધરી નામના આઈડી પરથી ગાળો લખીને મને ધમકીઓ આપવામાં આવી અને મારી હાલત પણ ઉદયપુરના ટેલર જેવી જ થશે તેમ કહ્યું હતું. જે બાદ મેં ફરિયાદ પણ નોંધાવી છે. તેમણે કહ્યું કે તેમને પોલીસ રક્ષણ પણ પૂરું પાડવામાં આવ્યું છે.
આ મામલે નિલેશસિંહ જાદવે વડુ પોલીસ મથક ખાતે કાયદેસરની ફરિયાદ નોંધાવ્યા બાદ પોલીસે આઈપીસીની કલમ 507 (ધમકી) અને 294 (B) (જાહેર સ્થળો કે માધ્યમોએ અભદ્ર ભાષાનો ઉપયોગ) હેઠળ અબ્દુલ સુબુર ચૌધરી આઈડી ધારક વિરુદ્ધ ગુનો નોંધ્યો છે.
અકાઉન્ટ ડીલીટ થઇ ગયું છે, અમે વધુ તપાસ કરી રહ્યા છીએ: પોલીસ
પાદરા તાલુકા ભાજપના ઉપપ્રમુખને ધમકી આપવાના મામલે વડુ પોલીસ મથકના પોલીસ સૂત્રોએ જણાવ્યું કે, આ મામલે પોલીસે ફરિયાદ નોંધીને કાયદેસર તપાસ હાથ ધરી છે. પરંતુ અબ્દુલ સુબુર નામના વ્યક્તિએ અકાઉન્ટ ડીલીટ કરી દીધું છે. જેથી ફેસબુક પાસેથી વધુ વિગતો મંગાવવામાં આવી છે. જે બાદ આગળની કાયદાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવશે. તેમણે જણાવ્યું કે, ધમકી મળ્યા બાદ નિલેશસિંહ જાદવને પોલીસ રક્ષણ આપવામાં આવ્યું છે.