Tuesday, April 23, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટજીગ્નેશ મેવાણીને જેલ: વધુ એક કેસમાં કારાવાસ અને દંડ; ગુજરાત યુનિવર્સીટી કેમ્પસમાં...

    જીગ્નેશ મેવાણીને જેલ: વધુ એક કેસમાં કારાવાસ અને દંડ; ગુજરાત યુનિવર્સીટી કેમ્પસમાં તોડફોડનો મામલો

    2017ના એક કેસમાં અમદાવાદની કોર્ટે જીગ્નેશ મેવાણી અને અન્ય 19 જેટલા આરોપીઓને જેલની સજા અને દંડ ફટકાર્યા.

    - Advertisement -

    કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ જીગ્નેશ મેવાણી ફરી મુશ્કેલીમાં મૂકાયા છે. 2017ના એક કેસમાં મેવાણીને અમદાવાદની મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ કોર્ટે છ મહિનાની સજા ફટકારી છે. તેમની સાથે અન્ય 19 આરોપીઓને પણ સજા ફટકારવામાં આવી છે. જેલની સજા ઉપરાંત કોર્ટે દંડ પણ ફટકાર્યો છે. 

    વર્ષ 2016માં અમદાવાદની ગુજરાત યુનિવર્સીટી ખાતે બની રહેલા કાયદા ભવનને ડૉ. બાબાસાહેબ આંબેડકરનું નામ આપવાની માંગ સાથે વિરોધ દરમિયાન તોડફોડ કરવામાં આવી હતી. આ મામલે 2017માં કેસ દાખલ કરવામાં આવ્યા હતા. 

    રિપોર્ટ અનુસાર, આ ત્રણેય કેસમાં કોર્ટે સજાનું એલાન કર્યું છે. જેમાંથી એક કેસમાં છ મહિનાની સજા, બીજા કેસમાં 500 રૂપિયા અને ત્રીજા કેસમાં 100 રૂપિયાનો દંડ ફટકરાવામાં આવ્યો છે. આ કેસમાં કુલ 20 આરોપીઓ પૈકી એકનું મૃત્યુ થઇ ચૂક્યું છે, જેથી બાકીના 19 આરોપીઓને સજા ફટકારવામાં આવી છે. 

    - Advertisement -

    જોકે, 17 ઓક્ટોબર 2022 સુધી સેશન્સ કોર્ટમાં અપીલ માટે સજા પર સ્ટે મૂકવામાં આવ્યો છે અને આરોપીઓને જામીન પર મુક્ત કરવા માટેનો હુકમ કરવામાં આવ્યો છે. જેથી હવે જીગ્નેશ મેવાણી અને અન્ય આરોપીઓ આ ચુકાદાને સેશન્સ કોર્ટમાં પડકારશે. 

    જીગ્નેશ મેવાણી થોડા સમય પહેલાં જ આસામમાં જેલની હવા ખાઈ આવ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ વિવાદાસ્પદ ટ્વિટ કરવાના આરોપસર આસામ પોલીસે ગુજરાતમાંથી ધરપકડ કરી લીધી હતી. ત્યારબાદ આસામમાં તેમની સામે મહિલા પોલીસ સાથે ગેરવર્તણૂંક કરવા બદલ વધુ એક કેસ દાખલ કરવામાં આવ્યો હતો. જોકે, બંને કેસમાં થોડા સમય બાદ બંને કેસમાં જામીન મળી ગયા હતા. હાલ તેઓ જામીન પર મુક્ત છે. 

    તે પહેલાં જૂન મહિનામાં મહેસાણાની એક કોર્ટે જીગ્નેશ મેવાણી અને અન્યોને પરવાનગી વગર રેલી આયોજિત કરવાના આરોપસર સજા અને દંડ ફટકાર્યા હતા. 

    ઘટના એવી હતી કે, ઉનાકાંડનું એક વર્ષ પૂર્ણ થતાં જીગ્નેશ મેવાણી અને તેમના સાથીઓએ મહેસાણાથી ધાનેરા સુધી ‘આઝાદી કુચ’ રેલીનું આયોજન કર્યું હતું અને તેનું નેતૃત્ત્વ પણ કર્યું હતું. આ રેલી માટે સ્થાનિક તંત્ર દ્વારા પરવાનગી આપવામાં આવી ન હતી. આથી મહેસાણા પોલીસે જીગ્નેશ મેવાણી, રેશમા પટેલ સહિતના લોકો વિરુદ્ધ આઈપીસીની કલમ 143 હેઠળ ગેરકાયદે સભા ભરવા મામલે કેસ નોંધ્યો હતો. ત્યારબાદ પોલીસે કુલ 12 વ્યક્તિઓ વિરુદ્ધ ચાર્જશીટ પણ દાખલ કરી હતી. જોકે, આ કેસમાં પણ મેવાણીને ગુજરાત ન છોડવાની શરતે જામીન આપ્યા છે. 

    જીગ્નેશ મેવાણી વર્ષ 2017માં વડગામ બેઠક પરથી વિધાનસભા ચૂંટણી લડ્યા હતા અને જીત મેળવી હતી. જોકે, ત્યારે તેમણે અપક્ષ ઉમેદવારી કરી હતી. થોડા સમય પહેલાં તેઓ કોંગ્રેસ પાર્ટીમાં જોડાયા હતા. જેથી આગામી વિધાનસભા ચૂંટણી કોંગ્રેસની ટિકિટ પર લડશે. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં